તમે અને તમારું માનસિક વાતાવરણ, તમારું ભૌતિક વાતાવરણ

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ’અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૪ ડિસેમ્બર ૨૦૧૯)

જેવા વાતાવરણમાં આપણે ચોવીસમાંથી વધુમાં વધુ કલાક ગાળીએ છીએ, છેવટે એવા જ બની જઈએ છીએ. એ વાતાવરણ માનસિક પણ હોય અને ભૌતિક પણ હોય. આવું થાય ત્યારે એના ફાયદા-ગેરફાયદા બેઉ થાય. વાતાવરણ અને તમારું આંતરિક સત્વ, તમારો સ્વ-ભાવ, તમારું પોતાનાપણું જો એકબીજા સાથે તાલ મિલાવતું હોય અને તમારી હેસિયત એ વાતાવરણને ઝીલવાની હોય તો તમે તમારા વાતાવરણવાળા ક્ષેત્રમાં ક્યાંના ક્યાં પહોંચી જાઓ.

પણ જો વાતાવરણ સાથે તમારી જાતનો મેળ ન પડતો હોય અથવા એ વાતાવરણને પામવાની તમારી ત્રેવડ ન હોય તો તમે હતાશ-નિરાશ થઈને ડૂચા જેવી જિંદગી જીવતા થઈ જાઓ.

માનસિક વાતાવરણ બહુ મોટો ભાગ ભજવે છે તમારું વ્યક્તિત્વ ઘડવામાં. માબાપોએ નાનપણથી જ સંતાનો માટે આ ધ્યાન રાખવું જોઈએ અને બાર-તેર વર્ષના થયા પછી, જરાક સમજણા થયા પછી, સંતાનોએ ખુદ પોતાનું માનસિક વાતાવરણ પોતાના જેવું જોઈએ છે એ રીતનું સર્જવાના પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. વખત જતાં, દસ-બાર વર્ષ પછી, પચ્ચીસીની ઉંમરથી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, દરેક વ્યક્તિએ પોતાના માનસિક વાતાવરણ માટે સતત જાગ્રત રહેવું જોઈએ. ખાવાપીવા-પહેરવાઓઢવા માટે આપણે કેટલા સાવચેત રહીએ છીએ. એવી જ રીતે. ક્યારેય આપણે જૂની, વાસી, ઊતરી ગયેલી રસોઈ મોઢામાં મૂકતાં નથી. ગંદા કપડાં, ફાટેલાં કપડાં પહેરતાં નથી (ફૅશન માટે અમુક જગ્યાએથી ફાટેલાં હોય તો ઠીક છે. પણ ફાટેલા કૉલરવાળાં કે ફાટેલા સૂટ-ટાઈ પહેરવાની ફૅશન હજુ આવી નથી). ભોજન-કપડાંની જેમ આપણા માનસિક વાતાવરણને પૌષ્ટિક બનાવે એવા વિચારો સિવાયના ઊતરી ગયેલા અને ફાટી ગયેલા વિચારોને મનમાં પ્રવેશવા દેવા જોઈએ નહીં. એવું જ જોવા-સાંભળવાની બાબતમાં. આંખ-કાન દ્વારા તમારામાં શું શું પ્રવેશશે અને શું નહીં એનું સ્ટ્રિક્‌ટ ધ્યાન તમારે પોતે રાખવાનું છે. ટીવીની ડિબેટ્‌સ કે પડોશી સાથેની કૂથલી તમારે તમારા માનસિક વાતાવરણમાં પ્રવેશવા દેવી હોય તો ભોગ તમારા. રોજ સવારે ઊઠીને ઘરમાં છાપાં વેરવિખેર કરીને વાંચવાં છે કે પ્રાર્થનાનું, યોગાભ્યાસનું, શાસ્ત્રીય સંગીતનું કે પછી એકદમ શાંત વાતાવરણમાં તમારે રહેવું છે એ તમારે નક્કી કરવાનું. તમારું ભૌતિક વાતાવરણ તમારા માનસિક વાતાવરણ પર અસર કરે છે, કરે છે ને કરે જ છે. ઘરમાં પરિવારજનોનો કકળાટ સહન કરવાને બદલે દિવસ દરમ્યાન ત્યાંથી છટકીને લાયબ્રેરીમાં જતા રહો કે કામધંધે જતા રહો. પરિવારના સભ્યો જો તમારા વાતાવરણને એન્હેન્સ કરી શકે એવા હોય, તમારા વાતાવરણને કાળજીપૂર્વક ઉછેરીને એના ખાતર-પાણી આપી શકવાની પાત્રતા ધરાવતા હોય તો તો તમારા જેવું નસીબદાર બીજું કોઈ નહીં. અન્યથા એમનાથી દૂર થઈ જાઓ જેથી એ તમને નડે નહીં, તમે એમને નડો નહીં. સંબંધોમાં કકળાટ વધારવા કરતાં શૂન્યાવકાશ થઈ જાય તે વધુ સારું.

તમારા દિમાગમાં સતત જેનું રટણ ચાલતું હશે એ જ દિશામાં તમે આગળ વધવાના. મારે મહાન એક્‌ટર બનવું છે એવું રટણ કર્યા કરશો તો એકને એક દિવસ તમે અભિનયના ક્ષેત્રમાં જરૂર આવી જવાના. કસોટી હવે થશે. તમારામાં જો એક્‌ટિંગ કરવાની ખરેખર પ્રતિભા હશે (જેન્યુઈન ટેલન્ટ, ટિકટૉકવાળી ટેલન્ટ નહીં. ટિકટૉક પર તમારા ખૂબ બધા ફૉલોઅર્સ હોય એનો અર્થ એ નથી કે તમે દિલીપકુમાર, બચ્ચનજી કે રણબીર કપૂર બની જવાના. ટિકટૉકવાળી કેટલીય દીપિકાઓ, આલિયાઓ અને કટરિનાઓ બે જ વર્ષમાં મૉલમાં સેલ્સગર્લની નોકરી કરતી થઈ જાય છે) તો તમે આસમાન છૂવાના. તમારું ભૌતિક વાતાવરણ પણ એટલો જ મોટો ભાગ ભજવશે જેટલો મહત્વનો રોલ તમારું માનસિક વાતાવરણ ભજવે છે. રણબીર કપૂર અને અભિષેક બચ્ચનને એક સરખું ભૌતિક વાતાવરણ મળ્યું. પપ્પા-મમ્મી બેઉ એક્‌ટર. ખૂબ સફળ અને લાખોના લાડીલા. આવા ભૌતિક વાતાવરણમાં ઉછરેલો રણબીર કપૂર એક જબરજસ્ત અભિનેતા બન્યો. પણ અભિષેક બચ્ચન કંઈ ખાસ ઉકાળી શક્યો નહીં. રાજકારણમાં પણ આવું બનતું હોય છે, ઉદ્યોગક્ષેત્ર અને પત્રકારત્વ સહિત દરેક ક્ષેત્રમાં આવું બનતું હોય છે. તમારું ભૌતિક વાતાવરણ ઍબ્સોર્બ કરવાની પાત્રતા તમારામાં હોવી જોઈએ. ઉસ્તાદ ઝાકિર હુસૈને પિતા ઉસ્તાદ અલ્લારખ્ખા દ્વારા મળેલું ભૌતિક વાતાવરણ આત્મસાત કર્યું અને બાપ કરતાં સવાયા ગણાયા. આનાથી ઊલટું પંડિત શિવકુમાર શર્માની બાબતમાં બન્યું. મહાન સંતુરવાદકના પુત્ર પિતાના જ ક્ષેત્રમાં પ્રવેશ્યા પણ અભિષેક બચ્ચન જેવા પુરવાર થયા.

તમારું ભૌતિક વાતાવરણ ઝીલવાની હેસિયત હોવી જોઈએ તમારામાં. અને જો આ ભૌતિક વાતાવરણનો મેળ જો તમારા માનસિક વાતાવરણ સાથે ન જામતો હોય તો એ ભૌતિક વાતાવરણની ભ્રમણ કક્ષામાંથી છૂટીને, એને ફગાવીને તમને પોષે એવું તમારા માનસિક વાતાવરણને કૉન્ડ્યુસિવ હોય એવું ભૌતિક વાતાવરણ બનાવી લેવાની તાકાત તમારામાં હોવી જોઈએ. આવી તાકાત ન હોય તો ‘મારા વાતાવરણનો જ બધો વાંક છે’ એવી છટકબારીનો ઉપયોગ નહીં કરવાનો. શરીર તમારું ખેંખલું હોય અને તમે કોઈ પહેલવાન સાથે કુસ્તી ન લડી શકો તો એમાં વાંક તમારો. તમારા શરીરને પહેલવાન જેવું બનાવવાની જવાબદારી તમારી પોતાની હોય, જેની સાથે કુસ્તી લડવા જાઓ છો એની નહીં.

તમારું ભૌતિક વાતાવરણ કેવું છે એનું તમે નિરીક્ષણ કરો પછી ઍનેલિસિસ કરો કે એ તમને અનુરૂપ છે કે નહીં. તમારી જિંદગીને એ ઉપયોગી થાય તે માટે તમારે એ ભૌતિક વાતાવરણમાં કેવા ફેરફાર કરવા છે અથવા એ વાતાવરણનો તમે પૂરતો ઉપયોગ કરી શકો એ માટે તમારે તમારામાં કેવા કેવા ફેરફારો કરવા જોઈએ. આ તો થઈ ભૌતિક વાતાવરણ તમારા માનસિક વાતાવરણ સાથે મેળ ખાતું હોય ત્યારની.

પણ ભૌતિક વાતાવરણ તમારા માનસિક વાતાવરણને બિલકુલ અનુરૂપ ન હોય તો? તમારે સંતુરવાદક બનવું છે પણ ફૅમિલીની કરિયાણાની દુકાન છે તો? તો તમારે એ ભૌતિક વાતાવરણમાંથી છૂટવા માટેની તાકાત કેળવવી પડે. એ માટે જે કંઈ સંઘર્ષ કરવો પડે, જે કંઈ ઘાવ સહન કરવા પડે, જે કંઈ જતું કરવું પડે તે કરવાની તૈયારી જોઈએ. મને તો ખૂબ મન હતું સંતુરવાદક બનવાનું પણ કરિયાણું વેચવાના ધંધામાંથી ફુરસદ ન મળી એવી ફરિયાદ કરશો તો બીજાઓ કદાચ તમારા માટે સહાનુભૂતિ દેખાડશે પણ તમારા અંતરાત્માને તો ખબર હશે કે આ બહાનું છે. તમારામાં ત્રેવડ નહોતી કે તમે તમારા ભૌતિક વાતાવરણને ફગાવી શકો, તમારામાં હેસિયત નહોતી કે તમે તમારા માનસિક વાતાવરણને ઓપ આપે એવું ભૌતિક વાતાવરણ સર્જી શકો.

તમારે ખૂબ મોટા લેખક બનવું હોય પણ તમારા મનમાં સતત એ જ વિચારો ચાલ્યા કરતા હોય કે લેખનમાંથી ખૂબ પૈસા કમાઈશ, એ પૈસાને આવી રીતે વાપરીશ, ખૂબ ફેમસ થઈશ, લોકો મારી સાથે સેલ્ફી લેવા પડાપડી કરશે, મારી લોકપ્રિયતાનો હું અમુકતમુક રીતે ઉપયોગ કરીશ તો તમે ક્યારેય મોટા લેખક બની શકવાના નથી. મોટા લેખક બનવું હોય તો તમારું માનસિક વાતાવરણ સર્જન માટેના નવા નવા વિચારોથી સતત છલકાતું રહેવું જોઈએ. એમાં બીજા કોઈપણ વિચારોનું ડિસ્ટ્રેક્‌શન ન જોઈએ. ફેક્‌ટરી નાખવાની હોંશ હોય તો ઉત્પાદન, સેલ્સ, મેનેજમેન્ટ અને ફાઈનાન્સના વિચારોથી મગજ ઊભરાતું હોવું જોઈએ. પ્રોફિટમાંથી સ્વિત્ઝરલેન્ડ ફરવા જવાના કે નવો બંગલો, મોંઘી ગાડીમાં ફરવાના વિચારોથી જો માનસિક વાતાવરણ છલકાતું હશે તો તમારી ફેક્‌ટરી ગઈ પાણીમાં.

માનસિક વાતાવરણ કેવું હોવું જોઈએ ને કેવું નહીં તેનો કન્ટ્રોલ તમારા હાથમાં છે. ભૌતિક વાતાવરણને પણ તમે તમારી મરજી મુજબનું બનાવી શકો છો.

આ બેઉ વાતો સીધીસરળ નથી, સહેલી પણ નથી. જિંદગીમાં બધું જ કંઈ બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી જાય એ રીતે મળવાનું નથી. મહેનત કરવી પડે, પરસેવો પાડવો પડે, ઘણું બધું જતું પણ કરવું પડે. તમારે નક્કી કરવાનું કે તમારા માટે વધુ મૂલ્યવાન શું છે. પછી જે વિકલ્પ પસંદ કરો તેને કચકચાવીને વળગી રહેવાનું.

જિંદગીમાં કોઈ પણ તબક્કે એ વિશે અફસોસ નહીં કરવાનો. ક્યારેય કરતાં ક્યારેય તમે તમારી પરિસ્થિતિ કે તમારા વાતાવરણને બ્લેમ નહીં કરતા. કારણ કે એ વાતાવરણને બદલવાનો ઑપ્શન તમારી પાસે હતો, આજે પણ છે.

સાયલન્સ પ્લીઝ

અનિષ્ટના આકર્ષણથી મનને બચાવતા રહેવું એ જો એક જાતની તપશ્ચર્યા છે તો ઈષ્ટ પ્રત્યે મનમાં આકર્ષણ ઊભું કરતાં રહેવું એ એક જાતની સાધના છે.

_આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

4 COMMENTS

  1. good morning, tadakbhadak and loudmoud always superb.But i noticed that why you stop to write on
    current affairs when nation need….

  2. હમેશાંની જેમ જ અસરદાર… સ્પષ્ટ વિચારો… અંગત રીતે તો મારા પોતાના માટે એટલો સમયસર કે આપે આ લેખ જાણે મારા માટે લખેલો છે… ખૂબ ખૂબ આભાર… ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here