આ જિંદગીનો હેતુ શું છે એવો સવાલ તમને થયો છે?

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’ , ’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૮ ડિસેમ્બર ૨૦૧૯)

જિંદગીનો હેતુ શું, મકસદ શું એવો સવાલ લઈને લોકો પોતપોતાના ગુરુઓ પાસે ભટક્યા કરે છે. મોટાભાગના લોકો ગુરુઓની વાત સમજી શકતા નથી અને ભટકી જાય છે.

જિંદગીનો અર્થ/હેતુ/મકસદ/ગોલ શોધવા જવાનું જ ન હોય. એ આપોઆપ મળી જતો હોય છે. કોઈને પૂછવાથી નથી મળતો. કોઈ તમને કહે કે તમારી જિંદગીનો (કે પછી દરેકની કે કોઈની પણ જિંદગીનો) અર્થ/હેતુ/મકસદ/ગોલ ફલાણો છે તો એ ઉછીનો જવાબ તમને ફિટ થાય કે ન પણ થાય. મોટે ભાગે તો ન જ થાય. જે યાત્રા તમારી છે, તમારે જ કરવાની છે એની મંઝિલ બીજું કોઈ કેવી રીતે તય કરે? એ તો આપોઆપ તમને મળી જશે. તમારે કરવાનું એટલું જ કે ચાલ્યા કરવાનું. થાક લાગે ત્યારે થોડોક વિસામો લઈ ફરી ચાલવા માંડવાનું. ચાલતાં ચાલતાં આપોઆપ એ રસ્તો તમને તમારી મંઝિલ સુધી પહોંચાડશે. બસ ફક્ત એક શરત છે.

કઈ શરત?

તમારે તમારી જાતને બહેતર બનાવતાં રહેવાનું. આટલી સભાનતા જોઈએ. આટલી જાગૃતિ ન હોય તો આપણામાં અને ચોપગા પ્રાણીમાં કોઈ ફરક નથી. જાતને બહેતર બનાવવી એટલે શું? એને માપવા માટેની કોઈ ફૂટપટ્ટી છે? કોઈ યંત્ર કે સાધન છે?

એ સાધન તમારે તમારા માટે બનાવી લેવાનું. દરેક માટે એ કસ્ટમ મેઈડ હોવાનું. એટલે જ કુદરતે રેડીમેડ બનાવીને તમને આપ્યું નથી. આંગળાંની છાપને જેમ દુનિયાની દરેક વ્યક્તિ માટે એ સાધન એનું પોતાનું હોવાનું.

રોજ સવારે ઊઠીને પથારીમાંથી બહાર પગ મૂકતાં પહેલાં આ વિચાર મનમાં કરવોઃ ગઈ કાલ કરતાં આજે મારી જાતને મારે વધુ સારી બનાવવાની છે.

બસ, આટલો જ વિચાર કરવાનો. ડીટેલમાં નહીં જવાનું. પછી નહાઈધોઈને તૈયાર થતી વખતે વિગતોમાં ઉતરવાનું. મનોમન વિચારવાનું કે ગઈ કાલે મેં એવું શું શું કર્યું જેમાં ઇમ્પ્રુવ કરવાની મને જરૂર છે. ગઈ કાલે મેં સાઈડ બતાવ્યા વિના અચાનક જ ટર્ન લીધો. ઓકે. આજે એવું નહીં થાય. ગઈ કાલે સવારના નાસ્તાની બાબતમાં અમસ્તું જ મેં ઘરમાં રમખાણ કર્યું હતું. આજે એવી જ પરિસ્થિતિ હશે તો પણ મારી પ્રતિક્રિયા, મારી બીહેવિયર ગઈ કાલ જેવી આકરી નહીં હોય. ગઈ કાલે ટીવી પર નેટફ્‌લિક્‌સ ચાલુ કરવામાં રિમોટનાં બટન આડાઅવળાં દબાઇ ગયાં. આજે પહેલેથી જ બરાબર સમજી લઈશ જેથી ગોટાળો ન થાય.

આપણી મુસીબત એ છે કે આપણે સેલ્ફ ઈન્ટ્રોસ્પેક્‌શન કરતા નથી અને કોઈ મહાત્માના કહેવાથી કરીએ છીએ ત્યારે બહુ ભેદભરમની વાતોમાં સ્યુડો ફિલોસોફિકલ વાતોમાં સરી પડીને ગોટાળે ચડી જઈએ છીએ. આત્મચિંતન કરવા માટે અટપટા માર્ગે ચડી જવું જરૂરી નથી. એવા રવાડે કોઈ ચડાવતું હોય તો પાછા વળી જવું. આત્મચિંતનનો સીધોસાદો રસ્તો છે. રોજબરોજની નાનીનાની વર્તણૂકો વિશે પુનર્વિચાર કરવો અને એમાં જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય ફેરફારો કરવા.

રાત્રે પથારીમાં સૂતાં પહેલાં બે મિનિટની સમીક્ષા કરી લેવાની. સવારે તૈયાર થતી વખતે જે જે બાબતોમાં ઇમ્પ્રુવ થવાનું ધાર્યું હતું ત્યાં સુધારો થયો કે નહીં? ન થયો તો શા માટે ન થયો. અને નક્કી કરવાનું કે કાલે આ બાબતે સુધારો કરવાનો છે.

જાતને બહેતર બનાવવાની આ તદ્દન સીધી ને સરળ પ્રોસેસ છે. એના માટે ન તો કોઈ પહાડ જેવા સંકલ્પોની જરૂર છે, ન કોઈ વિલ પાવરની આવશ્યકતા છે, ન કોઈ સંત-મહાત્માને એ બાબતે ડિસ્ટર્બ કરવાની જરૂર છે.

જિંદગીનો જો કોઈ હેતુ હોય તો તે એક જ છે – જાતને બહેતર બનાવતાં જવું. અને જાતને બહેતર બનાવતાં બનાવતાં જ જિંદગીનો હેતુ શું છે એનો જવાબ મળી જશે. આ ગોળગોળ લાગતી વાત વાસ્તવમાં એકમેક સાથે અવિભાજ્યપણે જોડાયેલી છે. આ કોઈ ચબરાકીભર્યાં કે ચાલાકીભર્યાં વાક્યો નથી. આમાં વાક્‌ચાતુરી નથી પણ જિંદગીનું ગાંભીર્ય અને ઊંડાણ સમાયેલાં છે. જિંદગીનો હેતુ અને જાતને બહેતર બનાવ્યા કરવાની પ્રક્રિયા – આ બંનેનું અસ્તિત્વ એકબીજાને કારણે છે અને આ બેમાંથી કોઈ એક ન હોય તો પછી બીજાનું કોઈ અસ્તિત્વ નથી.

ધારો કે અત્યારે તમે એવાં કામોમાં પ્રવૃત્ત છો જેમાં તમને ‘મઝા’ નથી આવતી. તમે એવી પ્રવૃત્તિઓમાંથી આજીવિકા કમાઈ રહ્યા છો જે ક્ષેત્રમાં આવવાની તમારી કોઈ ઈચ્છા નહોતી. તમને લાગે છે કે તમારી જિંદગીનો હેતુ/મકસદ/ગોલ/અર્થ કંઈક જુદો જ છે અને અત્યારે તમે અટવાઈ ગયા છો, ભૂલા પડ્યા છો, તમારો સમય બરબાદ કરી રહ્યા છો.

આવી પરિસ્થિતિમાં પણ તમારે રોજેરોજ તમારી જાતને બહેતર બનાવવાની જે પ્રક્રિયા છે એમાં ઓતપ્રોત કરી દેવી જોઈએ. તમારે કારના શો રૂમના માલિક થવું છે પણ ત્યારે પંક્ચર રિપેરિંગની ટપરી છે તો પણ તમારે રોજેરોજ તમે વધુ ને વધુ સારી રીતે પંક્ચર કેવી રીતે રિપેર કરી શકો એમ છો એ વિશે સભાન રહેવું જોઈએ. પંક્ચર રિપેરિંગની બાબતમાં નિપુણતા સાધીને તમે કંઈ આપોઆપ કારના શો રૂમના માલિક નથી બની જવાના. એ માટે તો બીજું ઘણું બધું જોઈએ અને પાત્રતા પણ જોઈએ – મોટો કારોબાર હૅન્ડલ કરવાની, ફાઈનાન્સ અને કર્મચારીઓને મૅનેજ કરવાની. પણ જો તમને નાનામાં નાનું કામ એકાગ્ર બનીને કરવાની ટેવ પડી હશે તો પંક્ચર રિપેરરમાંથી કાર શો રૂમના માલિક સુધીની તમારી યાત્રા દરમ્યાન ઓછામાં ઓછી અડચણો આવવાની.

જિંદગીને સમજવી બહુ આસાન છે. જીવન એકદમ હળવુંફુલ છે. એને કૉમ્પ્લિકેટેડ બનાવી દેનારાઓથી દૂર રહીએ. જીવનની હળવાશને ભારેખમ બનાવી દેનારાઓથી ડિસ્ટન્સ રાખીએ.

પાન બનાર્સવાલા

જે કંઈ કરવું તેમાં પૂરેપૂરા ખર્ચાઈ જવું. અન્યથા ન કરવું.

_અજ્ઞાત

7 COMMENTS

  1. उफ्फ्फ…..sir,
    તમે આટલું બધું સરળ & સરસ કઈ રીતે લખી શકો છો..??

  2. Simply explained and answered an eternal question. Thank you from the deepest corner of my heart.

  3. Sir,
    But after Modi sir, I will consider you as my guiding light. Your articles are better than any self help or inspirational books.
    Well written sir.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here