જર્જરિત ઘરમાં ઈન્ટિરિયર ડેકોરેશન: સૌરભ શાહ

(‘તડકભડક’: ‘સંદેશ’,‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૪ મે ૨૦૨૦)

તમારી કારના સર્વિસિંગ અને મેઈન્ટેનન્સ પાછળ દર અમુક મહિને અમુક રકમ તમે હોંશથી ખર્ચતા રહો છો. તમારા ટુ વ્હીલરને ઈવન તમારી સાયકલને પણ નિયમિત મેઈન્ટેનન્સની જરૂર પડવાની. છેવટે બ્રેકના ઘસાઈ ગયેલા ડટ્ટા બદલાવવા પડે કે ચેઈનને ઑઈલિંગ કરવું પડે.

પણ કાર, ટુ વ્હીલર કે સાયકલ ન હોય ત્યારે તમને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચડે છે તે તમારા પગનું, તમારા શરીરનું મેઈન્ટેનન્સ, એનું સર્વિસિંગ કેટલું થાય છે?

કોઈકે કહ્યું છે કે જે માણસ પોતાના શરીરની સાચવણી માટે રોજ ચોવીસમાંથી એક કલાક ફાળવતો નથી એને આ પૃથ્વી પર રહેવાનો હક્ક નથી. ચોવીસમાંથી કમ સે કમ એક કલાક. કાં તો ઘરે કસરત કાં જિમમાં એક્‌સરસાઈઝ, કાં યોગાસન કાં પ્રાણાયામ, કાં બ્રિસ્ક વૉકિંગ અથવા જોગિંગ અથવા રનિંગ અથવા સાઈકલિંગ કાં પછી કોઈ પણ સ્પોર્ટ્‌સ કે સ્વિમિંગ. આમાંની કોઈપણ પ્રવૃત્તિનું મનગમતું, અનુકૂળ આવે એવું અને તમારી પરિસ્થિતિને સુટ થાય એવું કૉમ્બિનેશન અપનાવી શકાય.

જો પાંચ-સાત વર્ષના કુમળા દિમાગમાં શારીરિક સ્વસ્થતાની મહત્તાનું બીજ રોપાઈ ગયું હોય તો આજે ગુજરાતીઓમાં ૪૦ પ્લસની કોઈ વ્યક્તિ ઓવર વેઈટ ન હોત, દરેકનું શરીર કસાયેલું અને ખડતલ હોત અને સ્ફૂર્તિથી-ઊર્જાથી હર્યુંભર્યું હોત.

વરસો પહેલાં એક મિત્ર બની ગયેલા વિખ્યાત વડીલ નેચરોપથે સલાહ આપી હતી કે જિમમાં જવાની કંઈ જરૂર નથી, ઘરમાં જ વ્યાયામ કરો. બહુ બહુ તો એક ત્રણ-ચાર ફૂટનો હૅન્ડલબાર દરવાજાની બારસાખના ઉપરના છેડે મૂકાવી દેવાનો જો પુશઅપ્સ કરવાં હોય તો. શરીરનું મેઈન્ટેનન્સ વિનામૂલ્યે પણ થઈ શકે છે. યોગાસન અને પ્રાણાયામમાં તો હેન્ડલબારની પણ જરૂર પડવાની નથી. યોગા મેટ વગેરે તો માત્ર નખરાં છે. ઘરની સાદી શેતરંજી કે બસો રુપિયાની ચટ્ટાઈ પણ એટલી જ કમ્ફર્ટેબલ હોય છે. યોગ માટે સ્પેશ્યલ કપડાંની પણ જરૂર નથી અને મોંઘા ઇન્સ્ટ્રક્‌ટર્સની પણ જરૂર નથી. દરેક શહેર-ગામમાં વિનામૂલ્યે યોગ શીખવાડનારા સારા શિક્ષકો હોવાના જ અને ન મળે તો યુ ટ્‌યુબ પર બાબા રામદેવની સેંકડો ક્લિપ્સ છે.

પાયાની વાત છે – શરીરનું મેઈન્ટેનન્સ અને શરીરનું સર્વિસિંગ. નાનપણથી સ્કૂલમાં દર અઠવાડિયે એક પિરિયડ પી.ટી.નો આવતો – ફિઝિકલ ટ્રેઈનિંગનો. પણ સરકારી નિયમ મુજબ કંપલસરી રાખવો પડે એટલે અભ્યાસક્ર્મમાં મુકાતો એ વિષય. બાકી જો પાંચ-સાત વર્ષના કુમળા દિમાગમાં શારીરિક સ્વસ્થતાની મહત્તાનું બીજ રોપાઈ ગયું હોય તો આજે ગુજરાતીઓમાં ૪૦ પ્લસની કોઈ વ્યક્તિ ઓવર વેઈટ ન હોત, દરેકનું શરીર કસાયેલું અને ખડતલ હોત અને સ્ફૂર્તિથી-ઊર્જાથી હર્યુંભર્યું હોત. મોટાભાગનાં ગુજરાતી ઘરોમાં પણ પેરન્ટ્સ તરફથી ભણવા માટે જેટલો આગ્રહ કરવામાં આવે છે એનાં કરતાં સોમા ભાગનો આગ્રહ બાળકને વ્યાયામ વગેરે માટે થતો નથી. આમાંનાં કેટલાંક કુટુંબો તો સમતોલ ખોરાકના સંસ્કાર પણ બાળકોને આપતા હોય છે જે સારું જ છે. પણ સાથોસાથ જો શારીરિક સ્વાસ્થ્યને સાચવતી વ્યાયામ વગેરે પ્રવૃત્તિઓ ઉમેરવામાં ન આવે તો સમતોલ ખોરાકથી મળતા ફાયદા અધૂરા રહી જાય.

પ્રોટીન શેક લઈને કૃત્રિમ રીતે ફિલ્મના હિરો લોકની જેમ, સિક્‌સ પેક એબ્સ બનાવવાની કોઈ જરૂર નથી. એમાં સ્ટેરોઈડ હોય, શરીરને લાંબાં ગાળે ભારે નુકસાન કરે. જે નેચરલ મસલ્સ હોય તેને પણ વખત જતાં શિથિલ કરે. એટલું નુકસાન કરે જેને ભરપાઈ કરવા જતાં બીજીવાર જન્મ લેવો પડે.

આ શરીર મફતમાં મળ્યું છે, ભગવાને કોઈ કિંમત વસૂલી નથી એટલે આપણને આ શરીરનું મૂલ્ય સમજાયું નહીં. પાંચ હજારની સાયકલ કે પચાસ લાખની ગાડી લીધી હોય ત્યારે પૈસા તમારા ગજવામાંથી વપરાયા હોય છે. એટલે એ વાહનની જાળવણી કરવાની ફિકર હોય છે. પણ જે મફતમાં મળ્યું છે તે ફોગટિયું નથી અમૂલ્ય છે એની સમજણ નાનપણમાં ન તો સ્કૂલમાં પી.ટી.ના શિક્ષકો આપે છે, ન ઘરમાં માબાપ.

શરીર એક એવું યંત્ર છે જે તમારા સો નહીં, હજાર ગુના માફ કરી દે છે. આ રમકડું એવું છે જેને તમે રમતી વખતે ગમે એટલું તોડો-ફોડો એ ચાલતું જ રહે છે. જીવનનાં શરૂનાં વર્ષોનો તમારો આ અનુભવ તમને ભ્રમમાં રાખે છે કે મને કંઈ નથી થવાનું. હું કંઈ પણ ખાઉં–પીઉં, વ્યસનો કરું, શ્રમ ન કરું, એક્‌સરસાઈઝ ન કરું, ઉજાગરાઓ કરું – મને કંઈ નથી થવાનું. અત્યાર સુધી થયું કંઈ? થવાનું હોત તો ક્યારનું થઈ ગયું હોત. કેટલાક લોકો નસીબના બળિયા હોય છે. વારસામાં આવેલા બાપદાદાઓના ડીએનએ એવા હોય છે કે શરીર સાથે વારંવાર છેડછાડ કરી હોવા છતાં એમનું સ્વાસ્થ્ય અકબંધ રહે છે. પણ દરેક વાતની એક લિમિટ હોવાની. કુદરત પણ એક ને એક દિવસ તમને કહેવાની જ છે કે ધસ ફાર ઍન્ડ નો ફર્ધર. એવો વખત આવે ત્યારે આપણે તરત ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ. લાંબાં પ્રિસ્ક્રિપ્શન્સ લખાવીએ છીએ. આજીવન એ ઝેરીલી ટેબ્લેટ્‌સ તમારા ખોરાકનો એક અનિવાર્ય હિસ્સો બની જાય છે. આ દવાઓની આડ અસર શમાવવા બીજી દવાઓ ઉમેરાય છે અને બીજી દવાઓની સાઈડ ઈફેક્‌ટ્‌સને સુધારવા ત્રીજી. આ સાઈડ ઈફેક્‌ટ્‌સને સુધારવામાં ને સુધારવામાં શરીર બગડતું જાય છે, અંદરથી ખવાતું જાય છે, ખોખલું થતું જાય છે, ખખડધજ થતું જાય છે અને જે ઉંમરે જીવવાનો આનંદ ટોચ પર હોવો જોઈએ તે ઉંમરે જીવવાની મઝા ઘટી જાય છે, શૂન્ય થતી જાય છે.

શરીરનું મહત્વ સૌથી પહેલું આવે જીવનમાં. પૈસો, સમય, ખોરાકની આદતો, માનસિક સ્વાસ્થ્ય, લાગણીઓની સાચવણી – આ બધાનું મહત્વ ખૂબ જ પણ શરીર એ સૌથી ઉપર.

પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર એની બધાને ખબર છે. પણ ક્યોરના પ્રચાર પાછળ દુનિયામાં અબજો ડૉલર ખર્ચાય છે, એના હજારમા ભાગ જેટલો ખર્ચો પણ ઈફેક્‌ટિવ પ્રિવેન્શનના સચોટ પ્રચાર પાછળ ખર્ચાતો થઈ જાય તો એક દસકામાં જ નવી જનરેશન શારીરિક રીતે વધારે સુદૃઢ, વધારે ખડતલ, વધારે પ્રાણવાન બની જાય.

આપણી કમનસીબી એ છે કે આપણે પરંપરાને છોડી દીધી. યોગ-પ્રાણાયામને જૂનવાણી ગણીને ત્યજી દીધાં. ભલે. પણ એની સામે જિમમાં થતી એક્‌સરસાઈઝ નિયમિત કરી? ના. અખાડામાં જવાનું છોડી દીધું. ભલે. પણ એની સામે સ્ક્‌વૉશ રમવા નિયમિત ગયા? ના. આપણી નાસમજીને કારણે નવી જનરેશનના બાવાનાં બેઉ બગડ્યાં.

શરીરનું મહત્વ સૌથી પહેલું આવે જીવનમાં. પૈસો, સમય, ખોરાકની આદતો, માનસિક સ્વાસ્થ્ય, લાગણીઓની સાચવણી – આ બધાનું મહત્વ ખૂબ જ પણ શરીર એ સૌથી ઉપર. માંદલું શરીર તમને તમારો પૈસો એન્જોય નહીં કરવા દે. એન્જોય કરવાની વાત બાજુએ મૂકો, પૂરતું કમાવા પણ નહીં દે અને જે કંઈ કમાયેલું હશે એ પણ ક્રમશઃ ઉસેટાઈ જશે. સમય કિંમતી છે – અમૂલ્ય છે. પણ જર્જરિત શરીર હશે તો આ સમયનું કરશો શું, કેવી રીતે વાપરી શકશો તમારો સમય? ખોરાકની આદતો જો બૂરી હશે તો એ ઑલરેડી ખખડધજ થઈ ગયેલા શરીરની વધુ ખાનાખરાબી કરશે પણ ઈવન જો તમારી ખાવા-પીવાની આદતો ઉત્તમ હશે, કોઈ વ્યસન પણ નહીં હોય તોય જો શરીરના સર્વિસિંગ પાછળ રોજનો એક કલાક નહીં ખર્ચ્યો હોય તો ખાન-પાનની સારી આદતો તથા નિર્વ્યસની જીવન પણ તમારું ઝાઝું ભલું નહીં કરી શકે. માનસિક સ્વાસ્થ્ય માટે અને લાગણીઓની સાચવણી માટે મોટિવેશનલ સ્પીકરોએ તમને ખૂબ ઊંધા રવાડે ચડાવ્યા, પ્રેરણાનાં પીયૂષ પીવડાવ્યાં અને ચિંતનનાં ચૂરણ ચટાવ્યાં. પણ કોઈએ કહ્યું નહીં કે ઈન્ટિરિયર ડેકોરેશન એવા જ ઘરમાં થાય જે ઘરની દીવાલો, છત મજબૂત હોય, જે ઘરનાં પાયા અને બારીબારણાં ઉધઈગ્રસ્ત ન હોય. જે ઘરનું માળખું જ ખોખલું હોય એમાં સાજસજ્જા કરીને શું કરશો તમે? નવું મોંઘું ફર્નિચર લાવીને, રસોડાનો ઈમ્પોર્ટેડ સામાન લાવીને, તોતિંગ રકમનાં ગેજેટ્‌સ વસાવીને શું કરશો? પત્તાના મહેલ કરતાં પણ ઓછું આયુષ્ય જેનું છે એવા શરીરને માનસિક મોટિવેશનની નહીં પણ શારીરિક ચેતનાની જરૂર હોય છે. પહેલું સુખ તે જાતે નર્યા એવું હજારો વર્ષથી વડીલો કહેતા આવ્યા છે પણ એ વડીલોએ આપણને નાનપણમાં રોજ બે ધોલધપાટ કરીને વ્યાયામ વગેરે પ્રવૃત્તિ તરફ ધકેલી દીધા હોત તો આજે આ લેખ વાંચીને તમે કહેતા હોત: આ લેખમાં નવું શું કહ્યું તમે? અમે તો રોજ એક કલાક કસરત કરીને પરસેવો પાડીએ જ છીએ.

ભગવાનને પ્રાર્થના કે આ લેખ બહુ જલદી આઉટડેટેડ થઈને એનું રિલેવન્સ ગુમાવી બેસે.

પાન બનાર્સવાલા

નવાં સપનાં જોવાં માટે, નવાં ધ્યેય નક્કી કરવા માટે, કોઈ પણ ઉંમર મોટી નથી હોતી.
–સી.એસ.લુઈસ (બ્રિટિશ નવલકથાકાર, ૧૮૯૮ – ૧૯૬૩.)

16 COMMENTS

  1. So taka sachhu. Apne Kasrat nu mahtva na samjya. Yog ane Pranayam maate, aapne apnaa sharari jetl jaga joiye. (Angrej ane angreji conventia ne Pranayam kaheta sharam aave chee etlke ae loko Breathing kahhe chhe). RSS ni shakha ma paan vyayam karavta. Navi Pedhi ane Sickular lokoe Yog ane Pranayam ne badnaam karva nu shadytran kariu. Aapni ramato , vyyama paddhati economical chhe.

  2. Your article on Kashi Visit create temptation for excessive sumptuous food. In a way it is good to divert mind in the present situation. But keep fit advice in this article is very important. Buddhism’s central message: Keep moderation in all activities- is ideal.
    Thanks

  3. Very true. We in our family all are doing Excersice and yoga. My son is yoga teacher. Thank you for this article. I have visited Vietnam in February 2020 and I found everybody fit. Nobody is fat. The seats are small in width in the buses. Thanks again

  4. સ્વર્ગસ્થ Dr. M. M. ભમગારા પણ ઘરમાં બાર નખાવી કસરત કરવાનું કહેતા અને તેઓ પણ મોટી ઊંમરે લગભગ પોણો કલાક કસરત કરતા હતા.

  5. ધોરણ ૧થી૭ પીટીની ૧૦ કસરતો જીવ ના શ્વાસ ની જેમ બાંધી રાખી છે, અને કદાચ એટલે જ આજે ૭૦ વર્ષ ની ઉમરે લોકડાઉન તન મન ને હરાવી નથી શક્યુ

  6. અત્યારે આ ઝડપી યુગમાં બધાંને બધુય જલ્દી જોઈયે છે,કોઈને સારીરીક શ્રમ કરવો નથી કે મહેનત કરવી નથી.યોગ આસાનોને જુનવાણી ગણે છે.જીમમાં અમુક વર્ગ જાય છે,બોડી મસ્લસ દવા ખાઈને બનાવે છે પછી બઘુય ભુલીને દવા ખાવાની આદત પડી જાઈ છે.કારણ કસરત કરતા વધુ આળસમાં બધુ જાય છે.?

  7. A very enlightening and thought provoking article. I am happy that you don’t claim and sell yourself as a motivational speaker. Even if 10% of your readers get inspired, it will be worth its weight in gold.
    Keep writing.
    God bless you.

  8. It filled new energy in this difficult time of corona,I’m 49 and working out since 13years and I know how it feels ,it’s amazing to be fit and we live once …your article was so motivation al,decided to push little more , Thanks

  9. પેરણાદાયક લેખ છે. મારા જેવા સુતેલા આત્માને જગાડે છે. આભાર.?

  10. 100% satay saheb Aajno yuvan educated varg perfume,branded items,Hotel & Rekdi eating swym ne smart dekhadva blind dot let sleeping & early morning Train catching, crowded Life.
    Samay no Abhav no bahanu any time said. Sorry I am BUSY.Parent’s ni advise najar Andaz.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here