(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ કારતક સુદ બારસ, વિક્રમ સંવત ૨૦૭૮. સોમવાર ૧૫ નવેમ્બર, ૨૦૨૧)
સંગીત વિનાનું જીવન સૂમસામ છે. સંગીત વિનાનું જીવન અધૂરું છે.
સંગીત એટલે મારે મન સૌથી પહેલું હિન્દી ફિલ્મોનું સંગીત. એ પછી આવે ભારતીય શાસ્ત્રીય સંગીત, ગુજરાતી સુગમ સંગીત, હૉલિવુડની ફિલ્મોનું સંગીત અને પશ્ચિમી ક્લાસિકલ સંગીત. કેટલાંક વિદેશી ગ્રુપોનું સંગીત, કેટલાક વિદેશી વાદ્યકારોનું સંગીત. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં હિન્દુસ્તાની અને કર્ણાટકી બેઉ. અને ભારતીય લોકસંગીત, ભક્તિસંગીત પણ એમાં ઉમેરીએ.
આ તમામ સંગીત વિનાનું જીવન શુષ્ક છે. જેમાં જેટલો રસ પડે એટલો લેવાનો અને એ સંગીત માણવાનું. જ્યારે જેટલો સમય મળે એટલા સમય માટે માણવાનું. શક્ય હોય ત્યારે લાઇવ સંગીત સાંભળવા દોડી જવાનું. વિનાઇલ રેકોર્ડ્સ, સ્પૂલ ટેપ રેકોર્ડર્સ, કૅસેટ્સ, સીડી અને હવે તો ડિજિટલ માધ્યમો દ્વારા તમારા સુધી પહોંચતું મ્યુઝિક આવી ગયું.
ગમે એટલી સારી સાઉન્ડ સિસ્ટમ પર સાંભળો પણ ડિજિટાઇઝ થઈને તમારા સુધી પહોંચતા વીતેલા જમાનાના સંગીતને સાંભળીને લાગે કે ડિજિટાઇઝેશનને કારણે એમાં કંઈક ખૂટે છે. દાખલા તરીકે થોડાંક વર્ષ પહેલાં ‘શોલે’ને થ્રીડીમાં કન્વર્ટ કરીને એની સાઉન્ડ ટ્રેકને ડિજિટાઇઝ કરવાનો અખતરો કરવામાં આવ્યો હતો ત્યારે એના ટ્રાયલ શોમાં જવાનું આમંત્રણ મળ્યું હતું. બહુ ઉત્સાહથી ગયા પણ ઘોર નિરાશા સાંપડી. આર. ડી. બર્મને આપેલા બેમિસાલ ટાઇટલ મ્યુઝિકથી લઈને ‘શોલે’નાં યાદગાર ગીતો, એના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકની અનેક સિગ્નેચર ટ્યુન્સ – આ બધું જ આધુનિક સાધનો વાપરીને નિખારવાની કોશિશ થઈ હતી, ભારે મહેનત પડી હશે, ખર્ચો પણ થયો હશે. પણ એ સાઉન્ડમાં ઓરિજિનલ જેવી મઝા નહોતી.
ડિજિટલ મ્યુઝિકને કારણે એક નાનકડી પેન ડ્રાઇવમાં સમાઈ જતા સેંકડો ગીતોને કારણે ઘણા લોકો માટે સંગીત માણવું સુવિધાજનક થઈ ગયું હશે – કારમાં, ઘરમાં, ઑફિસમાં ગમે ત્યાં સાંભળી શકાય એવી સુગમતા મળી જતી હશે. પણ એમાં પ્રવેશી જતી ડિજિટલનેસ એની સંવેદનશીલતાને ઓછી કરી નાખે છે. એમાં આપોઆપ ઉમેરાઈ જતી શાર્પનેસ કાન સુધી પહોંચે છે ત્યારે ઓરિજિનલમાંથી કશુંક ખૂટતું હોય એવું લાગે છે.
એક જમાનામાં પાયોનિયર અને બોસની સિસ્ટમો કારમાં લાગતી ત્યારે બાર (12) સીડી લાગી શકે એવાં સીડી ચેન્જર ડિકીમાં બેસાડતા અને કારમાં ચાર ખૂણે ચાર સ્પીકર ઉપરાંત આગળ-પાછળની બે સીટની વચ્ચે બેઉ બાજુ ટ્વિટર્સ ઉમેરાતાં. ‘1942 લવ સ્ટોરી’ કે ‘લગાન’ સહિતનાં અનેક ચલચિત્રોની સીડીઓ ભરીને હાઈવે પર લાંબા પ્રવાસે નીકળી પડો ત્યારે ફિલ્મોના ઓરિજિનલ રેકૉર્ડિંગ વખતે સ્ટુડિયોમાં બેઠા હો એવો અહેસાસ થતો. જોકે, તે વખતે પણ કેટલાક ફરિયાદ કરતા કે વિનાઇલની એલ.પી. કે ઇ.પી.ને ગ્રામોફોન પર મૂકીને સાંભળવાની જે મઝા આવતી તે સીડી સાંભળતાં નથી આવતી!
સંગીત સાંભળવાનો સૌથી ઉચ્ચ કક્ષાનો આનંદ લાઇવ કૉન્સર્ટમાં આવે. ‘આઠ પ્રહર’નો શાસ્ત્રીય સંગીતનો જલસો અત્યારના હાલાતને કારણે બે વર્ષથી બંધ છે પણ આશા રાખીએ કે જલદી ફરી શરૂ થશે. આર.ડી. બર્મનની જન્મતિથિ અને પુણ્યતિથિ નિમિત્તે પૂનાના સભાગૃહમાં થતા કાર્યક્રમો પણ અત્યારે નથી થઈ શકતા. જલદી શરૂ થાય તો સારું. પણ આ દિવાળી વખતે ઘણી છૂટછાટો મળી તેને કારણે બીજા કાર્યક્રમો તો શરૂ થવા માંડ્યા છે.
જયતીર્થ મેવંડી અને લક્ષ્મી બારમ્માના ભજન વિશે અગાઉ લખેલા લેખ તમે કદાચ વાંચ્યા હશે. ન વાંચ્યા હોય તો ગૂગલ સર્ચ કરી લેશો. આ વાકબારસ-ધનતેરસના જોડિયા દિવસે ‘દિવાળી પહાટ’ નિમિત્તે પનવેલમાં સવારે સવા છ વાગ્યે જયતીર્થ મેવંડીના શાસ્ત્રીય ગાનનો જલસો હતો. મહારાષ્ટ્રમાં ‘પાડવા પહાટ’ની એક ખૂબસૂરત પ્રથા છે. પાડવો એટલે પડવો-પહેલો દિવસ. પહાટ એટલે પ્રભાત. દિવાળી પછીના પહેલા દિવસને, બેસતા વર્ષને આવકારવા સૂર્યાદય થાય તે પહેલાંના ઝાંખા પ્રકાશમાં ખુલ્લી જગ્યામાં સેંકડો-હજારો શ્રોતાઓની હાજરીમાં એક મંચ પર શાસ્ત્રીય સંગીતના જાનદાર ગાયકો-વાદ્યકારો તમને રસતરબોળ કરી દે. એકાદ દાયકા કરતાં પણ વધુ સમય થયો નાસિકમાં ત્યાંના ભૂલેશ્વર જેવા મુખ્ય ભરચક વિસ્તારમાં પાડવા પહાટ માણ્યે. અશ્વિની ભિડેને સાંભળવાનો મોકો મળ્યો હતો. દરેક વખતે ખુલ્લી જગ્યા ઉપલબ્ધ ન પણ હોય એટલે ધીમે ધીમે ઑડિટોરિયમમાં કે સભાગૃહોમાં ‘પાડવા પહાટ’ યોજાવા લાગ્યા હશે. ડિમાન્ડ વધી હશે એટલે માત્ર બેસતા વર્ષે જ નહીં, દિવાળીના દિવસે પણ પહાટના કાર્યક્રમો યોજાતા થઈ ગયા. અને માત્ર દિવાળી-બેસતા વર્ષે જ કાર્યક્રમો થાય તો અનેક સંગીત રસિયાઓ એનાથી વંચિત રહી જાય એટલે બારસ-તેરસ સમા દિવાળીના તહેવારોએ પણ આવા કાર્યક્રમો યોજાવાનું શરૂ થયું હશે આવું મારું માનવું છે. ‘પાડવા પહાટ’ની પ્રથા ક્યારે-કોણે શરૂ કરી અને કયા સ્થળેથી શરૂઆત થઈ એ વિશે કોઈ જ્ઞાની જ ભવિષ્યમાં પ્રકાશ પાડી શકે. એ વિશેનું સંશોધન આપણા સુધી ન પહોંચે ત્યાં સુધી આટલી વાતોથી સંતોષ માણીએ. ત્રણેક વર્ષ પહેલાંની ફર્સ્ટ જાન્યુઆરીએ કાંદિવલીના નાનકડા મ્યુનિસિપલ બગીચામાં ભોંભાખળું થાય તે પહેલાં શરૂ થઈ ગયેલો એક જલસો માણ્યો હતો. મૂળ ભાવનગરના અને હવે મુંબઈ સ્થાયી થયેલા તેજસ્વી ગુજરાતી કળાકાર ચિંતન ઉપાધ્યાય ના ધ્રુપદ ગાયનને સૂરજના પ્રથમ કિરણની સાક્ષીએ સાંભળીને સમાધિ લાગી જાય. ટ્રાન્સમાં ઉતરી જાઓ.
આ બીજી નવેમ્બરના મંગળવારે પનવેલના આદ્ય ક્રાન્તિવીર વાસુદેવ ફડકે સભાગૃહમાં જયતીર્થ મેવંડીનો કાર્યક્રમ હતો. છેક પનવેલ સુધી સમયસર પહોંચવા માટે ઘરેથી સાડા ચારે નીકળી જવું પડે અને એ માટે સવારે સાડા ત્રણ વાગ્યાના બ્રાહ્મમૂહુર્તે જાગી જવું પડે. સૂર્યોદય થવાને હજુ છ (૬) ઘડીની વાર હોય ત્યારે બ્રાહ્મ મુહૂર્ત શરૂ થાય. ઘડી એટલે ૨૪ મિનિટનો સમય. ( પળ એટલે ઘડીનો સાઇઠમો ભાગ અર્થાત્ ૨૪ સેકન્ડનો સમય. અને ક્ષણ એટલે? સેકન્ડનો પાંચમો ભાગ. ભૂલચૂક લેવીદેવી). નરસિંહ મહેતાએ લખ્યું છેઃ રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવું.
ખટ અર્થાત્ ષડ-છ ઘડીનો સમય — બે કલાક અને ૨૪ મિનિટનો ગાળો. સૂર્યોદય થવાના લગભગ અઢી કલાક પહેલાંનો સમય તે બ્રાહ્મમુહૂર્ત. જોકે, ભગવદ્ ગોમંડળ કોશ અનુસાર સૂર્યોદય પહેલાંની છ ઘડીનો નહીં પણ બે ઘડીનો અર્થાત્ 48 મિનિટ પહેલાંનો સમય બ્રાહ્મમુહૂર્તનો ગણાય. નરસિંહ મહેતાવાળો બ્રાહ્મ મુહૂર્તનો સમય વધારે રોમાંચક લાગે છે.
સવારના પહોરમાં ટ્રાફિક ન હોય એટલે પવઈથી પનવેલ સુધીનું અંતર ધાર્યા કરતાં વહેલું કપાઈ ગયું. ત્યાં પહોંચીને ‘સ્ટાર બક્સ’ની ચેઈન જેવી પૂનાની મશહૂર ‘યેવલે’ની ફ્રેન્ચાઇઝ ધરાવતી દુકાને જઈને ચા પીધી. ‘સ્ટાર બક્સ’ અને ‘યેવલે’માં ફરક એટલો કે વિદેશીવાળામાં પાંચસોની પત્તી વપરાઈ જાય, અહીં પચાસની પત્તી આપ્યા પણ થોડા છુટ્ટા પાછા મળે. ચાની દુકાનની બહાર જ એક સાયકલ પર ગરમાગરમ બટાટાપૌંઆ, ઉપમા અને શીરો વેચાતાં હતાં. બિલકુલ ઘરનો જ સ્વાદ.
જયતીર્થ મેવંડી હવે તો પંડિત જયતીર્થ મેવંડી તરીકે ઓળખાય છે. એમને રૂબરૂ સાંભળવાનો લહાવો ક્યારેય ન છોડાય. પંડિત ભીમસેન જોશીની જેમ જયતીર્થ પણ કારવારના અને આજે આટલા વિખ્યાત છે તો આવતી કાલે પંડિત ભીમસેન જોશી જેટલી જ ખ્યાતિ અને લોકપ્રિયતા નિઃશંક પામવાના એવા મા સરસ્વતીના એમના પર આશીર્વાદ છે એવું એમને સાંભળતાં પ્રતીત થાય. એ ગાતા હોય ત્યારે એમના ચહેરાની સ્વસ્થતાનું બારીકીથી નિરીક્ષણ કરવાની મઝા આવે. ખરજમાં ગાતા હોય કે તાર સ્વરે – ત્રણેય સપ્તકમાં ગાતી વખતે એમના ચહેરાની રેખાઓ અને હાવભાવ બિલકુલ બદલાય નહીં. આ બાબતમાં તેઓ પંડિત ભીમસેન જોષીથી સાવ નિરાળા. મુંબઈના ષણ્મુખાનંદ હૉલમાં યોજાતા ‘આઠ પ્રહર’ના કાર્યક્રમમાં જયતીર્થ મેવંડીની એક સેશન અચુક હોય. એક વખત એમની સાથે હાથે મેળવવાનો મોકો મળ્યો હતો. સેલ્ફી પણ લીધેલી. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પંડિત જયતીર્થ મેવંડીથી લઈને ચિંતન ઉપાધ્યાય સુધીના ડઝનબંધ પ્રતિભાશાળી કળાકારો છે જેઓ યુવાન છે અને ઑલરેડી મોટું ગજું કાઢી ચૂક્યા છે.
કાર્યક્રમ પૂરો થયા પછી પનવેલમાં બેસ્ટ મિસળ ક્યાં મળે એની તપાસ કરતાં ખબર પડી કે પંડિતજીનું મિસળ બહુ વખણાય છે. (અહીં પણ પંડિતજી). દિવાળીના દિવસોની શુભ શરૂઆત થઈ ગઈ.
દિવાળીના દિવસે, ગુરુવાર 4 નવેમ્બરે સવારે સાડા છ વાગ્યે ષણ્મુખાનંદમાં કૌશિકી ચક્રવર્તી અને રાશિદ ખાનના ગાનનો જલસો હતો. લગભગ બે વર્ષે ષણ્મુખાનંદ ફરી ધમધમતું થયું. ભવ્ય સભાગૃહ છે. ત્રણ હજાર કરતાં વધુની કૅપેસિટી. બબ્બે તો બાલ્કનીઓ છે. નિયંત્રણોને કારણે અડધી જ બેઠકો ભરવાની હતી. સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે તમારી બેઉ બાજુની બેઠકો ખાલી હોય. પહોળા થઈને બેઉ આર્મરેસ્ટ વાપરવાની મઝા આવે !
બે ત્રણ દિવસ પહેલાં, ૧૨મી નવેમ્બરના શુક્રવારની સાંજે નરીમાન પોઇન્ટના તાતા-એનસીપીએમાં રાશિદ ખાનની સ્વતંત્ર મહેફિલ હતી. મોડી જાણકારી મળી એટલે છેક છેલ્લી રોની અને તે પણ સાવ ખૂણાના બ્લૉકની છુટક ટિકિટો બાકી હતી તે બુક કરાવવી પડી. એનસીપીએના કૉમ્પલેક્સની ભવ્યતા બેનમૂન છે. તાતાએ જાન રેડીને આ સંકુલમાં પાંચ સભાગૃહો બનાવ્યાં છે.
રાશિદ ખાનનો જલસો મુખ્ય ઑડિટોરિયમમાં – તાતા થિયેટરમાં હતો હાઉસ ફુલ. લગભગ એક હજારની કેપેસિટીમાં પાંચસોનું ઑડિયન્સ. એનસીપીએમાં ઑડિયન્સ નિહાળવાની પણ મઝા આવે. મુંબઈનું અતિ ખાનદાની, જાણકાર, ભદ્ર, સંસ્કારી, શ્રીમંત, ક્રીમ ક્રાઉડ જોવા મળે. ઘડીભર લાગે કે અહીં આવેલા સૌ કોઈ રાશિદ ખાનને પોતાના ઘરે બોલાવીને ગવડાવી શકે એવા વગદાર છે!
એનસીપીએની મૅનેજમેન્ટે મહિનાઓ પછી ફરી પ્રવૃત્ત થઈ રહેલા આ સમયને આવકારવા આવેલા દરેક પ્રેક્ષક માટે ભરપૂર ચાપાણી નાસ્તાની ગોઠવણ રાખી હતી – બધું જ ઑન ધ હાઉસ. આમેય અહીંની કૅન્ટીનમાં આવતું બધું ફૂડ તાતાની માલિકીના તાજ ગ્રુપની પ્રેસિડેન્ટ હૉટેલમાંથી આવતું હોય છે. આ જ થિયેટરમાં આવતા મહિને વિખ્યાત સિતારવાદક શુજાત ખાનનો કાર્યક્રમ છે. એ પહેલાં ‘રેટ્રો મૅજિક’ની લાઇવ કૉન્સર્ટ છે જેમાં સાઠ-સિત્તેર-એંશીના દશકમાં ખૂબ સાંભળેલાં આબા, સ્પાઇસ ગર્લ્સ, બીટલ્સ, બોની એમ અને પોલીસથી માંડીને માઇકલ જેક્સનનાં ગીતોની વો ભૂલી દાસ્તાન રજુ થશે. મેળ પડશે તો આ બેઉ કાર્યક્રમો જોવા જઈશું. પવઈથી પનવેલ જેટલું દૂર છે એનાથી થોડું ઓછું પણ નરીમાન પૉઇન્ટ દૂર તો છે જ. કોરોનાના નિયંત્રણો પછી જે છૂટછાટો મળવા લાગી છે એમાં રાત થોડી ને વેશ ઝાઝા જેવો આલમ છે અને એ વિશે અમને કોઈ જ ફરિયાદ નથી. આનંદ જ આનંદ છે.
* * *
આ લેખ તમને ગમ્યો?
‘ન્યુઝપ્રેમી’ પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.
‘ન્યુઝપ્રેમી’ ૧૦૦% સ્વતંત્ર છે, ‘ન્યુઝપ્રેમી’ના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, ‘ન્યુઝપ્રેમી’ જાહેરખબરો ઉઘરાવતું નથી.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે.
નીર-ક્ષીર વિવેક જાળવીને જે સાચું છે અને સારું છે તેનો હિંમતભેર પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા ડિજિટલ માધ્યમને અડીખમ રાખવાનું કામ અને એને સશક્ત બનાવવાનું કામ તમારા સપોર્ટથી જ થઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી ‘કટિંગ ચા’ સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.
ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:
‘ન્યુઝપ્રેમી’ના ચાહકો અને સૌરભ શાહના વાચકો માટે એક અગત્યની જાહેરાત
તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુટીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો. આ માટેની વિગતો નીચે મુજબ છે.
Net Banking / NEFT / RTGS
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c No. : 33520100000251
A/c type : Savings
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
BHIM, PhonePe, Google Pay
UPI ID : hisaurabhshah@okaxis
Paytm No. : 90040 99112
🙏🙏🙏.
સૌરભ ભાઈ, આપનો કેટલો આભાર માનું, જયતિર્થ મેવંડી નામના કલાકાર નો પરિચય કરાવવા બદલ! યુ ટ્યૂબ પર એમનું ગાયન સાંભળ્યું, મજા પડી ગઈ!
Excellent 👌👏🙏