ડમ ડમ ડિગા ડિગાથી એક પ્યાર કા નગમા હૈ સુધીની સફર: સૌરભ શાહ

(ગુડ મૉર્નિગ એક્સક્લુઝિવઃ કારતક સુદ ચૌદસ, વિક્રમ સંવત ૨૦૭૮, ગુરુવાર, ૧૮ નવેમ્બર ૨૦૨૧)

જેમની આંગળી પકડીને તમે ચાલતાં શીખ્યા હો એમના જ ખભા પર પગ મૂકીને તમારે છલાંગ લગાવીને આગળ વધી જવું પડે ત્યારે તમને કેવું લાગે? અને આવું થાય ત્યારે એ સિનિયરને કેવું લાગે?

1960માં રિલીઝ થયેલી મનમોહન દેસાઈ દિગ્દર્શિત સૌથી પહેલી ફિલ્મ ‘છલિયા’માં મ્યુઝિક કલ્યાણજી-આણંદજીનું અને આસિસ્ટન્ટ્સમાં વિવિધ ડિપાર્ટમેન્ટના મદદનીશોની ક્રેડિટમાં શોધીને વાંચવાં પડે એવાં સંગીત વિભાગમાં બે નામઃ એક નામ લક્ષ્મીકાંતનું અને પછીની બીજી લાઇનમાં પ્યારેલાલનું.

હીરો રાજ કપૂર પર ફિલ્માવેલું ‘ડમ ડમ ડિગા ડિગા’ આ પિક્ચરનું સૌથી લોકપ્રિય બનેલું ગીત. આ ઉપરાંત ટાઇટલ સૉન્ગ ‘છલિયા મેરા નામ’, ‘તેરી રાહોં મેં ખડે હૈ’, ‘મેરે ટૂટે હુએ દિલ સે કોઈ તો આજ યે પૂછે’ પણ આજે ય ખૂબ સાંભળવા ગમે એવાં ગીત.

કલ્યાણજી-આણંદજીના મદદનીશ તરીકેની લક્ષ્મીકાંત-પ્યારેલાલની એક ઔર ફિલ્મ ‘બ્લફ માસ્ટર’ (1964). એનું દિગ્દર્શન પણ મનમોહન દેસાઈનું અને ‘લક્ષ્મીકાંત એન્ડ પ્યારેલાલ’ની જોડીને નાનકડું પ્રમોશન આપીને આસિસ્ટન્ટ મ્યુઝિક ડિરેક્ટર તરીકેની તરત નજર ચડે, એવી ક્રેડિટ તમને ફિલ્મના ટાઇટલ્સમાં જોવા મળે. ‘ગોવિંદા આલા રે આલા’ આ ફિલ્મનું સૌથી મશહૂર બનેલું ગીત.

એ જ વર્ષે, 1963માં લક્ષ્મીકાન્ત-પ્યારેલાલની સ્વતંત્ર સંગીત દિગ્દર્શક તરીકેની સૌથી પહેલી ફિલ્મ ‘પારસમણિ’ રિલીઝ થઈઃ હંસતા હુઆ નૂરાની ચહેરા, ઉઇ મા ઉઇમા યે ક્યા હો ગયા, વો જબ યાદ આયે બહોત યાદ આયે. એ પછીના વર્ષે લક્ષ્મીકાંત-પ્યારેલાલની ‘સંત જ્ઞાનેશ્વર’ આવી: જ્યોત સે જ્યોત જગાતે ચલો. ‘મિસ્ટર એક્સ ઇન બૉમ્બે’ પણ આવી: મેરે મહેબૂબ કયામત હોગી, આજ રુસવા તેરી ગલિયોં મેં…’ અને એ જ વર્ષે ‘દોસ્તી’ આવી: ચાહુંગા મૈં તુઝે સાંજ-સવેરે, મેરા તો જો ભી કદમ હૈ, જાનેવાલો જરા મુડ કે દેખો મુઝે, રાહી મનવા દુખ કી ચિંતા, ગુડિયા હમ સે રૂઠી રહોગી કબ તક, તેરી દોસ્તી મેરા પ્યાર— એકેએક ગીત સુપર હિટ. અને ‘લૂટેરા’ (1965), ‘મેરે લાલ’ ‘આયે દિન બહાર કે (1966), ‘શાગિર્દ’ ‘પથ્થર કે સનમ’ ‘મિલન’, ‘ફર્ઝ’ (1967), ‘રાજા ઔર રંક’, ‘સાધુ ઔર શૈતાન (1968), ‘જીને કી રાહ’, ‘દો રાસ્તે’, (1969) રિલીઝ થતી ગઈ એમ લક્ષ્મી પ્યારેના લલાટે ભાગ્ય લક્ષ્મીએ કરેલી બિંદિયા ચમકવા લાગી, ઝુમરી તલૈયાની ગલીએ ગલી એમનાં ગીતોથી ખનકવા લાગી.

આ બાજુ કલ્યાણજી-આણંદજીની કરિયર મધ્યાહ્ને ઝળહળતી થઈ. ‘પૂર્ણિમા’ (1965) : હમ સફર મેરે હમસફર પંખ તુમ પરવાઝ… ‘જબ જબ ફુલ ખિલે’ (1965), ‘હિમાલય કી ગોદ મેં’ (1965)થી લઈને ‘સરસ્વતી ચંદ્ર’ (1968), ‘ગોપી’ (1970), ‘સફર’ (1970), ‘ગીત’ (1970), અને ‘સચ્ચા ઝૂઠા’ (1970)ના દરેકેદરેક ગીત સુપરડુપર હિટ. આ મુકામોએ કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈની ગુજરાતી બંધુબેલડીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શિખર પર પહોંચાડી દીધી.

વાતમાં હવે એક મોટો વળાંક આવે છે.

મનોજકુમારની કારકિર્દીને ઘડવામાં અને મનોજકુમારના હોમ પ્રોડક્શનને સમૃદ્ધ બનાવવામાં કલ્યાણજી-આણંદજીનો ઘણો મોટો ફાળો. મનોજકુમારે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરેલી પહેલી ફિલ્મ ‘ઉપકાર’ (1967)નું મેરે દેશ કી ધરતી આજે પણ છવ્વીસમી જાન્યુઆરી તથા પંદરમી ઓગસ્ટની ઉજવણી વખતે જોરશોરથી વાગતું હોય છે. ‘ઉપકાર’નાં બધા જ ગીતો સુપરહિટ. એ પછી મનોજકુમારે ‘પૂરબ ઔર પશ્ચિમ’ બનાવી. મ્યુઝિકલ હિટ. મનોજકુમારની હીરો તરીકેની ‘હિમાલય કી ગોદ મે’ (1965)થી લઈને ‘યાદગાર’ (1970) સુધીની ફિલ્મોમાં કલ્યાણજી-આણંદજીએ યાદગાર સંગીત આપ્યું.

મનોજકુમારની ફિલ્મ કારકિર્દી માટે કલ્યાણજી-આણંદજી અવિભાજ્ય અંગ બની ગયા હતા. પણ ત્યાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ધરતીકંપ થયો. મનોજકુમારના હોમ પ્રોડક્શનની એક બિગ બજેટ ફિલ્મ એનાઉન્સ થઈ જેના સંગીતકાર તરીકે કલ્યાણજી-આણંદજીને નહીં પણ લક્ષ્મીકાંત-પ્યારેલાલને લેવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 1972માં રિલીઝ થયેલી ફિલ્મ ‘શોર’ની આ જાહેરાતને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે ખળભળાટ સર્જાયો તે સૌ કોઈ લાગતા વળગતા માટે ક્ષોભજનક હતો. કલ્યાણજી-આણંદજી માટે, લક્ષ્મીકાંત-પ્યારેલાલ માટે અને મનોજકુમાર માટે પણ. મૈત્રી, શાગિર્દી, મદદગારી, અહેસાનમંદી —બધું જ અબોલામાં પરિણમે એવી પરિસ્થિતિ સર્જાઈ.

આ પરિસ્થિતિ બદલાય અને ફરી એકવાર ભાઈચારાનું, સૌહાર્દનું વાતાવરણ સર્જાય એવી પહેલ કોણે કરી એનું વર્ઝન દરેકનું પોતપોતાનું હોવાનું. કલ્યાણજીભાઈએ પહેલ કરી હોય એવી શક્યતા વધારે છે. એમના ઉદાર સ્વભાવનો પરિચય સૌ કોઈને છે. શક્ય છે કે જેમને અગાઉ ગુરુ માન્યા હતા એમને પ્રતિસ્પર્ધી ગણવા પડે એવી પરિસ્થિતિમાં મૂકાઈ ગયેલા લક્ષ્મીકાંત-પ્યારેલાલે એ સૂચવ્યું હોય. કે પછી મનોજકુમારને પશ્ચાતાપના એક ભાગરૂપે આવું સૂઝ્યું હોય.

‘શોર’નું શૂટિંગ થાય એ પહેલાં એનું પહેલું અને ક્યા બાત હૈ ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ રેકોર્ડ થયું એ દિવસની વાત. સવારે તાડદેવના ફેમસ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ પૂરું થયું અને લંચ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છ દિગ્ગજો કલ્યાણજીભાઈના ઘરે પહોંચી ગયા. કોણ કોણ? મનોજકુમાર અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ ઉપરાંત લતા મંગેશકર અને મૂકેશ — સાથે દિલીપકુમાર!

કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈએ પહેલેથી આમંત્રણ આપ્યું હશે ત્યારે જ આ સૌ લંચ માટે આવ્યા હશે ને. હજુય વિચાર આવે છે કે આ બધામાં દિલીપકુમાર શું કામ? શક્ય છે કે દિલીપકુમારે તડ પડી ગયેલા સંબંધોને સાંધવાના પ્રયત્નરૂપે કલ્યાણજીભાઈને સૂચન કર્યું હોય અને બાકીના સૌને સમજાવ્યા હોય. શક્ય છે કે કલ્યાણજી-આણંદજીના પેડર રોડ પરના ‘દેવ આશિષ’ બિલ્ડિંગની સાવ નજીકના ‘પ્રભુ કુંજ’માં રહેતાં લતા મંગશકરે દુભાયેલા પક્ષોમાં અગાઉ જેવી હૂંફ પાછી આવે એ માટે આ આખું આયોજન કર્યું હોય. જે હોય તે પણ આ પ્રસંગ વિશે જાણીને સારું લાગ્યું. મુંબઈમાં વસતા ગુજરાતીઓના સ્વભાવની ઉદારતા અને કચ્છીઓના હ્રદયની વિશાળતાનાં દર્શન કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કરાવ્યાં. કામ, કારકિર્દી, સ્પર્ધા તો ચાલ્યા કરે. પણ મન કોઈવાર ખાટું થઈ જાય તો આવું કંઈક કરીને પરિસ્થિતિ વાળી લેવાની.

અફસોસ ખાલી એક જ વાતનો છે કે 1971-72ના એ ગાળામાં અમે જો કલ્યાણજીભાઈના ઘરમાં આસિસ્ટન્ટ રસોઈયાની નોકરી કરતા હોત તો આ તમામ માનવંતા મહેમાનોને પાણીના ગ્લાસની ટ્રે ધરવાનો લહાવો અમને મળ્યો હોત. વિચાર કરો જે ડ્રૉઇંગરૂમમાં સાક્ષાત લતા મંગેશકર, દિલીપકુમાર અને મુકેશજી સોફા પર બિરાજમાન હોય, લક્ષ્મીકાન્તજી અને પ્યારેલાલજી પોતાના મેન્ટરસમા યજમાનો કલ્યાણજીભાઈઅને આણંદજીભાઈ સાથે બેઠેલા હોય, આ અદ્ભુત નજારાનું પછીથી વર્ણન કરનારા મનોજકુમાર ત્યાં હોય અને આ તમામ મહાન ફિલ્મહસ્તીઓ આ નાચીઝે ધરેલી ટ્રેમાંથી વારાફરતી ચાંદીના પ્યાલા ઉઠાવીને મુંબઈના બારમાસી બફારામાં, ફ્રિજમાંથી કાઢેલી બૉટલોમાંથી આપના વિશ્વાસુએ ભરેલા ઠંડા પાણીના ઘૂંટ લઈને તરસ છિપાવતી હોય! આવો અનુભવ થયો હોત તો કુટુંબમાં આવનારી ચાર પેઢીઓને મસાલા નાખીને, વળ પર વળ ચડાવીને આ કિસ્સો કહેવાની કેટલી મઝા આવતી હોત.

આ અને આવી ઘણી વાતોનો ખજાનો હિન્દી ફિલ્મ જગત સાથે ઘરોબો ધરાવતા જાણીતા લેખક-પત્રકાર રાજીવ વિજયકરના પુસ્તક ‘ ધ મ્યુઝિક ઑફ લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ’માં તમને માણવા મળશે. લંચવાળો કિસ્સો મનોજકુમારે પોતે રાજીવ વિજયકરને એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યો હતો. લક્ષ્મીકાંત કુડલકર અને પરશુરામ શર્માની પાંચ દાયકા કરતાં વધુની જર્નીની ગાથા રાજીવ વિજયકરે ત્રણસોએક પાનાંમાં ખૂબ પરિશ્રમથી અને પૅશનથી વણી લીધી છે.

•••

આ લેખ તમને ગમ્યો?

‘ન્યુઝપ્રેમી’ પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.

‘ન્યુઝપ્રેમી’ ૧૦૦% સ્વતંત્ર છે, ‘ન્યુઝપ્રેમી’ના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, ‘ન્યુઝપ્રેમી’ જાહેરખબરો ઉઘરાવતું નથી.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે.

નીર-ક્ષીર વિવેક જાળવીને જે સાચું છે અને સારું છે તેનો હિંમતભેર પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા ડિજિટલ માધ્યમને અડીખમ રાખવાનું કામ અને એને સશક્ત બનાવવાનું કામ તમારા સપોર્ટથી જ થઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી ‘કટિંગ ચા’ સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.

‘કટિંગ ચાય સિરીઝ’ના તમામ 8 લેખોની લિન્ક

ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:

‘ન્યુઝપ્રેમી’ના ચાહકો અને સૌરભ શાહના વાચકો માટે એક અગત્યની જાહેરાત

તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુટીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો. આ માટેની વિગતો નીચે મુજબ છે.

Net Banking / NEFT / RTGS
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c No. : 33520100000251
A/c type : Savings
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076

BHIM, PhonePe, Google Pay
UPI ID : hisaurabhshah@okaxis

Paytm No. : 90040 99112

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here