જે સફળ થાય છે તેની જ નિષ્ફળતાનું મૂલ્ય હોય છે: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : આસો સુદ આઠમ, વિક્રમ સંવત ૨૦૭૭. બુધવાર, ૧૩ ઑક્ટોબર ૨૦૨૧)

બે વાનગી સારી બનાવતાં આવડી ગયું તો તમે સંજીવ કપૂર નથી થઈ જતા. કોઈની સચોટ મિમિક્રી કરતાં આવડી ગયું તો તમે રાજુ શ્રીવાસ્તવ નથી થઈ જતા. બે સારા વિચારો કરવાથી તમે વિચારક કે ચિંતક નથી બની જતા.

સંગીત, ચિત્રકળા, લેખન કે પછી કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રને લગતા ગુણના છાંટા દરેક વ્યક્તિમાં ક્યાંકને ક્યાંક હોવાના. એ ગુણને વિકસાવવા કઠોર તપસ્યા કરી હોય, આખી જિંદગી ખર્ચી કાઢી હોય તો જ તમે લતા, બચ્ચન કે સચિન બની શકો છો. ક્યારેય એવા વહેમમાં રહેવું નહીં કે ધાર્યું હોત તો હું આ બની શકી હોત કે બની શક્યો હોત કે મેં આ કરી લીધું હોત. તમે એની પાછળ જિંદગી ખર્ચવાનું ધાર્યું નહોતું એટલે જ તમે અત્યારે એ નથી. અને તમે ધાર્યું નહોતું એનું કારણ શું?

અનેક કારણો હોઈ શકે. તે વખતે તમને આ વિકલ્પ બહુ પ્રોમિસિંગ નહીં લાગ્યો હોય, બીજો વિકલ્પ વધારે આકર્ષક લાગ્યો હશે. શક્ય એ પણ છે કે અંદરથી તમને ખબર હતી કે આવી કઠોર તપશ્ચર્યા કરવાનું તમારું કોઈ ગજું નથી, તમારે જે કંઈ મળે તે ઝટપટ અને વહેલુંવહેલું ઘરભેગું કરી લેવું હતું. શક્ય એ પણ છે કે તપશ્ચર્યા કરવા તમારે બીજું ઘણું બધું છોડી દેવું પડે એમ હતું પણ તે વખતે તમારા એવા સંજોગો નહોતા કે તમે એ બધાં આકર્ષણો – જવાબદારીઓ – લાલચો – સપનાંઓ છોડી શકો. શક્ય એ પણ છે કે તમને ડર હતો કે હું કઠોર સાધના કરવા નીકળી પડીશ તો લોકો શું કહેશે, મિત્રો-સગાં-કુટુંબીઓ શું કહેશે, તમને સાચવી લેનારાઓ કે તમને હૂંફ આપનારાઓ શું કહેશે. બૅન્કમાં નોકરી લેવાને બદલે કોઈ ઉસ્તાદ તબલાંવાદક પાસે જઈને રોજના બાર-બાર કલાક રિયાઝ કરવો છે એવો નિર્ણય લેશો તો તમારી સામાજિક-આર્થિક સપોર્ટ સિસ્ટમો સાચવનારા તમારા સ્નેહીઓ તમારાથી દૂર થઈ જશે અને એટલે એ વખતે તમે તમારું ધાર્યું કરવાને બદલે અત્યારે જે છો તે બનવાનો નિર્ણય લઈ લીધો.

બે વાત સમજવાની – જિંદગીમાં પ્રસન્ન રહેવું હોય તો પોતાના ભૂતકાળને ક્યારેય કોસવાનો નહીં. બધું જ સ્વીકારી લેવાનું. જે કંઈ ભૂલો કરી, અપમાનો સહન કર્યાં, બીજાનાં અપમાનો કર્યાં, ગુસ્સો સહન કર્યો, બીજાને ગુસ્સો કર્યો, ભલુંબૂરું સાંભળ્યું – સંભળાવ્યું બધું જ સ્વીકારી લેવાનું. જો તેનો સ્વીકાર નહીં કરો તો આ બધું વારંવાર ખટક્યા કરશે, વારંવાર યાદ આવ્યા કરશે. સ્વીકારી લેશો તો ભૂલી જવામાં મદદરૂપ થશે. જે કંઈ થઈ ગયું છે તેનો સ્વીકાર જ હોય. જે નથી થયું તે કરવું કે નથી કરવું એનો નિર્ણય તમારા હાથમાં છે પણ જે થઈ ગયું છે તે કરવું છે કે નથી કરવું એનો નિર્ણય હવે કેવી રીતે લઈ શકાવાનો છે? માટે જ ભૂતકાળના જે કંઈ સારાખોટા બનાવો હોય તે સૌનો સ્વીકાર, સ્વીકાર અને સ્વીકાર. સ્વીકારી લેવાથી ભૂલી જવાશે અન્યથા આમ કર્યું હોત તો તેમ થયું હોત એવા વિચારોમાં વર્તમાન અટવાઈ જશે. તમે પાછળ જઈને આમને બદલે તેમ તો કરી શકવાના નથી. તો પછી એવા વિચારો કરીને શું કામ દુઃખી થવાનું, બીજાને દુઃખી કરવાના અને તમારા સહિત સૌનો વર્તમાન વેડફવાનો.

બીજી વાત. ઘણી ભૂલો કરી છે, થોડી વધારે કરીશ – આ જીવનમંત્ર હોવો જોઈએ. સમજી વિચારીને જીવવું નથી કારણ કે સમજી વિચારીને જીવાતું નથી, બેફામ જીવાય છે. મઝા આવે કે ન આવે, બેફામ બનીને જ જીવવું પડતું હોય છે. અગાઉના નિર્ણયોના સારાખોટાપણા કે વાજબીપણાના પરિણામના આધારે નવા નિર્ણયો થતા નથી. જિંદગીનો પ્રત્યેક નવો નિર્ણય, પહેલી વાર જમીન પર મૂકાતું પ્રથમ પગલું છે. દરેક નવો નિર્ણય કરવાનો આવે છે તેમાં ભૂતકાળનો અનુભવ કામ નથી લાગતો. કારણ કે દરેક નવા નિર્ણય વખતે પરિસ્થિતિ અલગ હોય છે, વ્યક્તિ અલગ હોય છે, તમારી પોતાની માનસિકતા અલગ હોય છે.

સફળ વ્યક્તિઓની નિષ્ફળતાના દાખલા ટાંકીને તમારી નિષ્ફળતાઓને વાજબી ઠેરવવાની કોશિશ ક્યારેય નહીં કરતા. એ લોકો સફળ થયા એટલે જ એમની નિષ્ફળતાનું મૂલ્ય છે. તમે સફળ થશો તો અને ત્યારે તમારી નિષ્ફળતાઓની વેલ્યુ થશે. અત્યારે એની વેલ્યુ ઝીરો છે.

આપત્તિઓ તો આવ્યા કરવાની. એવા સમયે તમે તમારી જાતને કેવી રીતે હૅન્ડલ કરો છો તેના પર તમારું માપ નીકળે છે. સિંહ ભૂખ્યો હોય તો પણ ઘાસ કેમ નથી ખાતો? માત્ર સ્વમાનને કારણે? ના. ભૂખના જોરની સામે સ્વમાનનું મહત્વ કંઈ નથી. સિંહ (જેવી પ્રકૃતિ ધરાવતા માણસો) સમજે છે કે જીવનની આપત્તિઓમાં ક્ષુલ્લક બાબતોથી જગ્યા ભરાઈ જશે તો ખરેખર જે મૂલ્યવાન છે તેના માટે જગ્યા નહીં રહે. એટલે જ એ કપરા સમયમાં ક્ષુલ્લક વ્યક્તિઓ, ક્ષુલ્લક કામ, ક્ષુલ્લક ટાઈમપાસ વગેરેથી દૂર રહે છે. ઘાસથી આકર્ષાયા વિના, પોતાની ભૂખને કસોટીનો કાળ ગણીને જે સહન કરે છે તેને જ વખત જતાં પૌષ્ટિક ભોજન નસીબ થાય છે અન્યથા એક વખત જો ઘાસ ખાઈને પેટ ભરી લેવાની વૃત્તિ થઈ ગઈ તો એ ટેવ તમને આખી જિંદગી ઘાસ જ ખવડાવ્યા કરશે.

બાબાગુરુઓ, ઉપદેશકો, મોટિવેટરો તથા તથાકથિત્‌ ચિંતકો તમને ઊંધા રવાડે ચડાવીને, આ જીવનનો હેતુ શું છે એવા સવાલના રવાડે ચડાવીને, અટપટી ગલીઓમાં લઈ જઈને ભૂલા પાડી દે છે. જીવનનો હેતુ બહુ સાદો-સીધો-સ્પષ્ટ છે. કુદરતે આ હેતુ તમારા ડિફૉલ્ટ સેટિંગ તરીકે મૂકી આપ્યો છે. એને રિસેટ કરીને કે અનઈન્સ્ટૉલ કરીને કુદરતની વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાની કોઈ જરૂર નથી. જીવનનો હેતુ જીવનનિર્વાહ થાય એટલું કમાવવાનો છે અને એ કમાણી એવી પ્રવૃત્તિમાંથી કરવી જે પ્રવૃત્તિથી બીજાને નુકસાન ન થાય અને શક્ય હોય તો પોતાને એ પ્રવૃત્તિ કરતાં મઝા આવે.

ઉપરનું વાક્ય ફરી વાંચી જાઓ. ફરી ફરી વાંચી જાઓ. ધેટ્‌સ ઑલ. નથિંગ મેટર્સ. જીવનમાં આ સિવાય બીજું કોઈ લક્ષ્ય, ધ્યેય હોઈ શકે જ નહીં. આની બહારનાં કોઈ સપનાં, ઈર્ષ્યા, સ્પર્ધાને પણ જીવનમાં સ્થાન નથી. જીવનમાં કોઈ રહસ્યો છુપાયેલાં નથી. કુદરતે બધું ઉઘાડું રાખ્યું છે, તમને દેખાય પણ છે. જીવનનાં રહસ્યો ઉકેલી આપવાની કોઈ વાત કરતું હોય તો તે ફ્રૉડ છે એવું સમજજો. જે છે જ નહીં એને શોધાય કેવી રીતે? કુદરતે જે પ્રશ્ન સર્જ્યો જ નથી એનો ઉકેલ મેળવવાની ઇન્ડસ્ટ્રી ચલાવતા ઉદ્યોગપતિઓથી દૂર રહીને માત્ર એટલો જ સંકલ્પ કરવાનો કે આજે આખો દિવસ મારે પ્રસન્નતાથી કામ કરવું છે જેથી આવતીકાલે મને એક પ્રસન્ન સ્મૃતિ મળે.

જીવનની સાર્થકતા એમાં નથી કે મરતાં પહેલાં ધાર્યું બધું જ પાર પડે. મરતી વખતે થોડાં કામ અધૂરાં રહી જવાં જોઈએ. જીવનને વ્યવસ્થિત કરવાનું કામ થોડું બાકી રહી જવું જોઈએ. તો જ તમે જીવનની છેલ્લી ઘડી સુધી પ્રવૃત્ત હતા એવું લેખાશે. તો જ, અંગ્રેજીમાં જેને ડાઈંગ વિથ બૂટ્‌સ ઑન કહે છે એની સાર્થકતા તમે પામી શકશો. જીવનમાં હવે કશું કરવાનું બાકી નથી, જે કરવાનું છે તે બધું કરી લીધું છે એવું વિચારીને બે હાથ જોડીને તમે નિવૃત્ત પળો વીતાવતા હો ત્યારે તમે જીવતા છો કે નથી જીવતા – કોઈને કશો ફરક પડતો નથી. મૃત્યુનું આગમન ત્યારે જ તમારી શોભામાં અભિવૃદ્ધિ કરે જ્યારે તમે ભરપૂર જીવી રહ્યા હો.

આજનો વિચાર

તુલસી વહાં ન જાઈએ
જહાં બાપ કો ગામ,
દાસ ગયો તુલસી ગયો
રહ્યો ‘તલસિયો’ નામ!

— એક જૂની ગુજરાતી કહેવત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here