નીરક્ષીર વિવેક અને કોઠાસૂઝ

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, ‘સંદેશ’, બુધવાર, ૩૧ જુલાઈ ૨૦૧૯)

જિંદગીમાં કઈ બે વાત સૌથી મહત્વની એવું તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? પૈસો અને પ્રેમ? પૈસો તો આવતોજતો રહેશે અને પ્રેમ પણ. રોજબરોજની જિંદગીમાં જે સતત કામ લગવાની છે અને અંતિમ શ્વાસ સુધી જેની જરૂર પડવાની છે એવી બે વાત છે મારે હિસાબે. એમાંની પહેલી છે નીરક્ષીર વિવેક અને બીજી છે કોઠાસૂઝ. આ બેઉ તમને બજારમાં વેચાતાં નહીં મળે, વારસામાં નહીં મળે, કોઈની પાસેથી ઉછીનાં પણ નહીં મળે. આ બેઉ આપકમાઈની જણસ છે.

નીએરક્ષીર વિવેક એટલે શું? માનસરોવરના હંસ પાણી અને દૂધને નોખાં તારવી શકે એવી માન્યતા પ્રચલિત છે. નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ. માન્યતા એવી પણ છે કે આ હંસ મોતીનો ચારો ચરે છે અને એટલે એનામાં આવો વિવેક આવે છે. અહીં વિવેક એટલે નમ્રતા કે વિનયના અર્થમાં નહીં. પણ શું સાચું છે – સારું છે અને શું ખોટું છે – નઠારું છે એ બે વચ્ચેનો તફાવત પામી જવાના વિવેકની વાત છે. કોઈ વડીલની સામે પગ પર પગ ચડાવીને ના બેસાય એવી સમજણને વિવેક કહેવાય. કોઈ માણસ બહુ મીઠું મીઠું બોલતું હોય અને આપણને વહાલા થવાની વધુ પડતી કોશિશ કરતું હોય તો એના પર વિશ્વાસ ન મૂકાય, એના કરતાં તોછડાઈથી વાત કરનારનો ભરોસો કરવો સારો. આવી સમજણ જેનામાં હોય એનામાં નીરક્ષીર વિવેક છે એવું કહેવાય. આવાં તો અનેક ઉદાહરણો તમે આપી શકો. જિંદગીમાં સારું શું, તમારા માટે સારું શું, ક્યારે શું કરવું – આ બધી સમજણ જેનામાં ભરેલી હોય એ વ્યક્તિ નીરક્ષીર વિવેકવાળી કહેવાય. ક્યારે અને કોની સાથે શું બોલવું, કેટલું બોલવું, ક્યારે ચૂપ રહેવું, ક્યારે ઊભા થઈને ચાલતા થવું, ક્યારે સામે જવાબ આપવો, ક્યારે મગજ ઠંડું રાખવું, ક્યારે કેટલા પ્રમાણમાં ઉશ્કેરાઈને સામો જવાબ આપવો – આવી અનેક બાબતો છે જેમાં નીરક્ષીર વિવેકની જરૂર પડવાની.

આવો વિવેક આવે ક્યાંથી? એક શબ્દમાં કહીએ તોઃ અનુભવમાંથી. સમજણા થયા પછી જો તમે આંખકાન ખુલ્લાં રાખીને તમારી આસપાસના જગતને અને તમારી પોતાની જાતને જોવાની ટેવ પડી હોય, બીજા લોકો ક્યારે-કોની સાથે-કેવી રીતે બીહેવ કરે છે તેનું બારીક અવલોકન કરવાની ટેવ પડી હોય તેમ જ આ બધા અનુભવોને પોતાનામાં આત્મસાત કરીને વખત આવ્યે વ્યવહારમાં એનો ઉપયોગ કરવાની ટેવ પડી હોય તો જઈને નીરક્ષીર વિવેક આપણામાં સર્જાવાની શરૂઆત થાય. આમાં વાંચન પણ કામ લાગે અને સાંભળેલું પણ કામ લાગે. એ બધું પણ અનુભવમાં જ ગણાય.

દૂધ અને દહીં બેઉમાં પગ રાખવાની માનસિકતાવાળાઓમાં ક્યારેય નીરક્ષીર વિવેક હોતો નથી. બધાને ખુશ કરીને પોતાનો ફાયદો કઢાવી લેવાની હોંશ જેમને હોય, ગંગા ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ વૃત્તિ જેમનામાં હોય તે માણસ ક્યારેય વિવેકી ન હોઈ શકે કરણ કે એને ક્યારેય પોતાનામાં નીરક્ષીર વિવેક પ્રગટાવવાની કે એ છે કે નહીં એવી કલ્પના કરવાની તક જ નથી મળી હોતી. સારા-નરસાનો ભેદ પારખવાની તક હંમેશાં એણે જતી કરી હોય છે. એને મન તો સારું શું ને નઠારું શું – જિસ કે તડ મેં લડ્ડુ ઉસ કે તડ મેં હમ. આની સામે જેઓ તડ ને ફડ કરી જાણે છે, કોઈનીય શેહશરમમાં આવ્યા વિના પોતાને જે સાચું લાગ્યું ને સારું કે કલ્યાણકારી લાગ્યું તે કહી દેનારાઓમાં નીરક્ષીર વિવેકનો ભંડાર ભરેલો હોય છે. એમણે સારાનરસા વચ્ચેનો ભેદ કરવાની એક પણ તક જિંદગીમાં ગુમાવી નથી હોતી.

નીરક્ષીર વિવેક જેવું જ કંઈક અંશે કોઠાસૂઝનું છે. એ ધીમે ધીમે તમારામાં ડેવલપ થાય. કોઈના કહેવાથી ના આવે. કોઠાસૂઝ ડેવલપ કરવા માટે જીવનમાં અગણિત તક આવતી રહેતી હોય છે. આથી દરેક તકને તમે ઝડપી લો. ત્વરિત નિર્ણય લો. લોકોને કે પોતાની જાતને બહુ પૂછ પૂછ ન કરો કે આમ કરું કે ન કરું? આમ કરું કે તેમ કરું! પ્રશ્ન સર્જાયો તે ઘડીએ તમારી પાસે જેટલી માહિતી હોય( અને ન હોય તો જરૂરી માહિતી ત્વરાથી મેળવીને) બને એટલો જલદી નિર્ણય લઈ લો. હા તો હા. ના તો ના. પણ નિર્ણય લઈ લો. મન જે કહે તે દિશામાં નિર્ણય લો. વાતને બહુ પેન્ડિંગ ના રાખો. તમારો નિર્ણય તે જ વખતે બીજાને જણાવી દેવો કે નહીં એ વળી તમારા નીરક્ષીર વિવેક પર આધાર રાખે છે. આવેશમાં લીધેલા નિર્ણયો તે ને તે જ ઘડીએ જાહેર કરી દેવાના નથી હોતા, વખત આવ્યે ડિકલેર કરવાના હોય એ વાતની સમજણ તમારામાં નીરક્ષીર વિવેક હશે તો તરત આવી ગઈ હશે. તમારી કોઠાસૂઝ મૅચ્યોર્ડ ત્યારે જ થશે જ્યારે તમે એ કોઠાસૂઝને વારંવાર વાપરતા રહેશો. કોઈ કહે એમ જ કરવું એવી માનસિકતાવાળા કે બધા જે કરતા હોય તે કરવું એવું માનનારા લોકોમાં ક્યારેય કોઠાસૂઝ ખીલતી નથી.

કોઠાસૂઝ કેળવવા માટે સૌ પ્રથમ તો તમારે તમારી જાતનો આદર કરવો પડે. તમને જે નિર્ણય કરવાનું સૂઝે છે તે તમારા હિતમાં છે એવો આત્મવિશ્વાસ કેળવવો પડે. પછી એ નિર્ણયના પરિણામની જવાબદારી માથે લેવી પડે. જિંદગીમાં કોઈપણ વ્યક્તિના તમામ નિર્ણયો સાચા પડતા નથી. ખોટા પડેલા નિર્ણયથી જે નુકસાન થાય છે તે મારે કારણે જ થયું છે, એના માટે બીજું કોઈ જવાબદાર નથી – સંજોગો પણ નહીં, માટે કોઈનેય દોષ આપ્યા વિના હું એ જવાબદારીનો ટોપલો મારે માથે ઊંચકવામાં કોઈ શરમ નહીં રાખું એવી માનસિકતાવાળાઓ જ નિર્ણય લઈ શકે. નિર્ણયો સાચા પુરવાર થાય તો સારું જ છે પણ ખોટાય પુરવાર થઈ શકે છે. ચંદ્રયાન જે દિવસે ઊપડવાનું હતું તે ન ઊપડી શક્યું. અગાઉ લેવાયેલો તારીખ અંગેનો નિર્ણય ખોટો પુરવાર થયો. ઠીક છે. થયો તો થયો. એમાં શું ખાટુંમોળું થઈ ગયું. છેવટે ઊપડ્યું તો ખરું. ક્યારેક ન ધારેલું થઈ જતું હોય છે. અમેરિકાએ આ મહિને એપોલો-૧૧ના ચંદ્ર પરના ઊતરાણની સફળતાની રંગેચંગે ઉજવણી કરી. પણ થોડાં જ વર્ષ પછી એપોલો-થર્ટીનની કેવી કટોકટી સર્જાઈ તેની સૌને ખબર છે. હૉલિવુડમાં એ વિશે એક મોટી ડિઝેસ્ટર ફિલ્મ બની ચૂકી છે.

નિર્ણયો લેવાના હોય. કોઠાસૂઝને – આપણી ઈન્ટ્યુશનને – સાથ આપીને લેવાના હોય. અંતરાત્મા જોરથી જે કહે તે જ કરવાનું હોય. અને આવો અંતરાત્મા કેળવવા માટે નીરક્ષીર વિવેક રાખતાં શીખવાનું હોય.

આ બે વાત જો જીવનમાં વણાઈ ગઈ તો પૈસો અને પ્રેમ ક્યાંય જવાનાં નથી.

સાયલન્સ પ્લીઝ!

જે પરિસ્થિતિ તમારા તાબામાં નથી એને કન્ટ્રોલ કરવાને બદલે તમારી શક્તિ એવી બાબતો પર કેન્દ્રિત કરો જેના પર તમારો કાબૂ હોય.

_અજ્ઞાત

11 COMMENTS

  1. આપે જેમ કીધું કે નિરક્ષિર વિવેક વાંચવાથી પણ આવે તો એ માટે ની કોઈ બુક suggest કરો ને…..
    Thanks ………

  2. મનુષ્ય જાતની ઉત્ક્રાંતિ બુધ્ધિ થી ડહાપણ તરફની છે, બુદ્ધ એને વિઝડમ કહે છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here