શું ખરેખર જિંદગી એક સ્ટ્રગલ છે?

તડકભડક : સૌરભ શાહ

(‘સંસ્કાર’ પૂર્તિ, ‘સંદેશ’, રવિવાર, ૪ ઑગસ્ટ ૨૦૧૯)

સંઘર્ષની ટેવ પડી ગઈ છે. પોતાની રીતે જીવવા માટે, ધાર્યું કરવા માટે, સપનાંઓ સાકાર કરવા માટે લડવું જ પડશે – પરિસ્થિતિ સામે, નસીબ સામે, આસપાસના લોકો સામે – એવું આપણે ધારી લીધું છે. આપણને લડવાની, સંઘર્ષ કરવાની, ખેંચતાણ કરવાની, જીદ કરવાની, અડીબાજી કરવાની એવી આદત લાગી ગઈ છે કે આ બધું કર્યા વિના પણ આપણું કામ થઈ શકે છે એવું માનવા તૈયાર જ નથી. મોટિવેશનલ સ્પીકરો/રાઈટરોએ તમારા મનમાં ઘુસાડી દીધું છે કે ઝિંદગી હર કદમ એક નઈ જંગ હૈ, જીત જાયેંગે હમ તુ અગર સંગ હૈ… અને આપણે માની લીધી છે આવી બધી વાતો કે સંઘર્ષ કાયમી છે. કવિઓ પણ ગાયા કરે છે કે જિંદગીના આખરી શ્વાસ સુધી માણસે યુધ્ધ કરવું પડે છે, સંઘર્ષ કરવો પડે છે.

એક જમાનો હતો જ્યારે તમારે સર્વાઈવલ માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો. રૅશનિંગની લાંબી લાઈનમાં સવારથી સાંજ સુધી ઊભા રહ્યા પછી માંડ પાંચ કિલો ઘઉં અને બે લીટર કેરોસીન પામતા. સાકર અને તેલ તો ક્યારેક મળે, ક્યારેક ન પણ મળે. અને આજે? ફોન કરીને બાજુના પ્રોવિઝન સ્ટોરમાં યાદી લખાવી લઈએ છીએ, અડધો કલાકમાં બધું કરિયાણું ઘરમાં અને રસોડામાં ફરી એક વાર ભરપુર સ્ટોક.

આ તો માત્ર દાળ-ચોખાના સંઘર્ષની વાત થઈ. જિંદગીમાં બીજી એવી પચાસ વાતો છે જે હવે તમે સંઘર્ષ વિના પામી શકો એમ છો પણ ટેવ એવી પડી ગઈ છે કે એ મેળવવા જઈએ છીએ ત્યારે આપણી પોતાની ઍટિટ્‌યુડ કન્ફ્રન્ટેશનમાં ઊતરવું જ પડશે એવી હોય છે એટલે ચાકુછુરીની ધાર સજાવીને નીકળે પડીએ છીએ. જ્યાં કન્વિન્સ કરીને ચાલે એમ છે ત્યાં આપણે કન્ફ્રન્ટેશનથી શરૂઆત કરીએ છીએ. પછી કહીએ છીએ કે જુઓ, કેટલો સંઘર્ષ કરવો પડ્યો, પછી જ મને મારું જોઈતું મળ્યું. હકીકત એ છે કે કન્ફ્રન્ટેશન કરવાથી મોટેભાગે ધાર્યું મળતું જ નથી તમને અને જે કંઈ મળે છે તે અધૂરું, તૂટેલુંફૂટેલું મળે છે. કન્વિન્સ કરીને મેળવીએ છીએ ત્યારે સંઘર્ષ તો ટાળી જ શકીએ છીએ, જે જોઈએ છે તે અખંડ-સાબૂત મળે છેઃ ચાહે એ કોઈ ચીજ હોય કે પછી કોઈ લાગણી.

સંઘર્ષ કરવાની મેન્ટાલિટી એવી જડબેસલાક બેસી ગઈ છે કે દરેક વાતે આપણે બાંયો ચડાવીને જ વાતની શરૂઆત કરતા થઈ ગયા છીએ. આપણે આપણા પોતાના સ્ટેચરનો પણ ખ્યાલ રાખતા નથી કે એક જમાનામાં આપણે મૅચ્યોર નહોતા, અનુભવી નહોતા ત્યારે બીજાઓ આપણને કદાચ સિરિયસલી નહોતા લેતા. સ્વાભાવિક હતું. આજની તારીખે આપણે પણ એવો જ વ્યવહાર કરીએ. જેમનામાં મૅચ્યોરિટી ન હોય, જેની પાસે અનુભવ ન હોય એ વ્યક્તિને આપણે સિરિયસલી ન જ લઈએ. એણે પોતાની વાત આપણા ગળે ઉતારવા માટે આપણી સાથે સંઘર્ષ કરવો પડે એ પણ સ્વાભાવિક છે. એક જમાનામાં આપણે એવા સ્ટેજ પર હતા. પણ હવે નથી. હવે આપણે વાતેવાતે સંઘર્ષ કરવાની જરૂર નથી. કારણ કે આપણી પાસેની અનુભવોની મૂડી વધતી ગઈ છે, આપણી મૅચ્યોરિટી વધતી ગઈ છે. બીજું, સમય પોતે પણ બદલાતો ગયો છે. રૅશનિંગની લાઈનમાં ઊભા રહેવાના જમાના ગયા.

તો હવે આ વાત યાદ રાખવાની જીવન સંઘર્ષ છે, ડગલે ને પગલે સ્ટ્રગલ કરવાની છે એવું માનવાને બદલે, કન્ફ્ન્ટેશનની માનસિકતા રાખીને ઉશ્કેરાવાને બદલે શાંતિથી વિચારવાનું કે જે કંઈ મેળવવું છે તે સંઘર્ષમાં ઊતર્યા વિના, કકળાટ કે કંકાસ કર્યા વિના, કજિયો ઊભો કર્યા વિના પણ મળી જવાનું છે. પ્રયત્ન તો કરીએ.
બીજી વાત.

સંઘર્ષ નથી કરવો, કોઈની જોડે કડાકૂટ નથી કરવી, સમજાવીને શાંતિથી કામ લેવું છે એવી માનસિકતા તમે બનવી લેશો તો એ અડધું જ કામ થયું. તમે જે લોકોની સાથે રોજ જીવો છો, હળોમળો છો, ઊઠબેસ કરો છો, કામધંધો કરો છો એમાંના કેટલાય એવા હશે જેમનો સ્વભાવ અળવીતરો હશે. એમની પ્રકૃતિ જ બીજાઓને વારંવાર સળી કરવાની હશે. પોતે નાના હોય એટલે બીજાઓનું મોટાપણું એમનાથી જોવાતું ન હોય તેથી એ લોકો તમને ઈન્ડાયરેક્‌ટલી ઊતારી પાડે, ક્ષુલ્લક બાબતોમાં તમારું ગર્ભિત અપમાન કરીને તમને ઉશ્કેરવાની કોશિશ કરે. આવા કીડીમંકોડા જેવા લોકોને જો તમે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની કોશિશ કરશો તો તમે તમારો સમય, તમારી ઍનર્જી, તમારો મૂડ – બધું જ બગાડશો. આવા લોકોની સાથે કેવી રીતે ડીલ કરવું.

એક ઉપાય સૂઝે છે. તમે રસ્તા પર ડ્રાઈવિંગ કરતા હો અને બીજા કોઈ અનાડી સ્કૂટરવાળા, રિક્‌શાવાળા, બીએમડબલ્યુવાળા, બસવાળા કે ટ્રકવાળા – બીજા કોઈ પણ ડ્રાઈવરના અનાડીપણાને કારણે અકસ્માત થઈ જવાનો હોય તો તમે શું કરશો? એ વખતે શું એમ વિચારશો કે હું તો ટ્રાફિકના તમામ રૂલ્સ ફૉલો કરું છું જેથી એક્‌સિડન્ટ ના થાય, પણ પેલો ડફોળ પોતાની જાત દેખાડે છે – ભલે અકસ્માત થતો, વાંક એનો છે એ તો કોઈ પણ જોઈ શકે એમ છે.
ના. તમે તમારી કોઈ ભૂલ ન હોવા છતાં, પેલાની ભૂલને લીધે થતો અકસ્માત અવૉઈડ કરવા માટે જીવ પર આવીને તમારી બધી જ ડ્રાઈવિંગ સ્કિલ કામે લગાડશો. શું કામ? કારણ કે વાંક ભલે એનો હોય, અકસ્માત થશે તો નુકસાન તમારું પણ થવાનું છે.

કોઈ સામેથી તમને એવી ઍટિટ્‌યુડ દેખાડે, કોઈ સામેથી તમને ઉશ્કેરે, કોઈ સામેથી તમને સંઘર્ષની પરિસ્થિતિમાં મૂકીને ચેલેન્જ કરે ત્યારે તમારે મરદના બચ્ચા બનીને બીડું ઉપાડી લેવાની ભૂલ નહીં કરવાની. આવી પરિસ્થિતિમાં નમતું જોખનારા કંઈ બાયલા નથી ગણાતા, ચાણક્યબુધ્ધિવાળા પુરવાર થાય છે.

કોઈ પણ વ્યક્તિ, ચાહે એ ઘરમાં પત્ની-બાળકો કે માતાપિતા હોય, પરિવારમાં કાકા-મામા વગેરે હોય, પડોશી હોય, નજીકના કે દૂરના મિત્રો-ઓળખીતા-પાળખીતા હોય કે પછી ઑફિસમાં બૉસ, જુનિયર્સ કે કલિગ્સ હોય – તમે જે સંઘર્ષની પરિસ્થિતિ ટાળવાનું નક્કી કરી લીધું છે એમાં તમને ઘસડીને કફોડી હાલતમાં મૂકવાની કોશિશ કરતા હોય તો તમારે ચડ્ડી-બનિયન ધારીને જેમ સિફતપૂર્વક ત્યાંથી સરકી જવું. અમારા વતનના વિસ્તારના ગામડાઓમાં દુકાળ પડે ત્યારે કેટલાંક લોકો શહેરોમાં રાત્રે ઘર-બંગલામાં લૂંટ ચલાવવા જાય. ચોરી કરવા જતી વખતે આખા શરીરે તેલ મસળે અને માત્ર અંગ ઢંકાય તે પૂરતી નાની ચડ્ડી અને ગંજી પહેરે. જો પકડાય તો અંધારામાં આસાનીથી છટકી જાય. શરીરે તેલ લગાડીને ચડ્ડી-બનિયાન પહેરીને લૂંટવા જતા લોકો પાસેથી બીજું કશું જ શીખવાનું નથી આપણે. શીખવાનું માત્ર એટલું જ કે કોઈ તમને તમારી ન ગમતી પરિસ્થિતિમાં મૂકવા ધારે તો ત્યાંથી છટકી કેવી રીતે જવું.

જિંદગીને તમે જે રંગનાં ચશ્માં પહેરીને જોશો તેવી એ દેખાશે. મોટિવેટર લોકોએ તમને સંઘર્ષ નામનાં ચશ્માં પહેરાવી દીધા છે જેથી તમે એમની વાયડી સલાહોથી ઈમ્પ્રેસ થઈને એમણે પઢાવેલા પોપટપાઠને અનુસરો અને એમની ઝોળી છલકાવી દો. આવા સ્ટેન્ડ અપ ઉપદેશકોની તમને કોઈ જરૂર નથી હોતી. બસ, પેલાં ચશ્માં ફગવી દો. બધું સમુંસૂતરું થઈ જશે.

પાન બનાર્સવાલા

અત્યારે મને કેવું લાગે છે એ જાણવા માટે મારે ભવિષ્યમાં જોવાની જરૂર નથી.

_હ્યુ પ્રાથર (‘નોટ્‌સ ટુ માયસેલ્ફ’ના લેખક. જન્મ: ૧૯૩૮ – અવસાન: ૨૦૧૦).

7 COMMENTS

  1. Will you please explain why your article Good Morning in Mumbai Samachar is stopped since long.Please restart by whatever reason it may be.

  2. કોઈ પણ પ્રકાર ના ચશ્મા પહેર્યા વગર જીંદગી ને સહજતા થી જીવવું. એ જ ખરી રીત છે…!! સરસ લેખ…!!!

  3. Namsakar. Jay Shrikrishna
    We request you to start your GOOD MORNING
    In Mumbai Samachar as now it is Modisaheb
    Government. We miss you a lot every day.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here