ક્યા ખોયા, ક્યા પાયા જગ મે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : સોમવાર, ૪ જાન્યુઆરી ૨૦૨૧)

અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ આડવાણી. ભારતની રાષ્ટ્રવાદી રાજનીતિના બે આધારસ્તંભ. લગભગ ૬૫ વર્ષનો ગાળો તેઓ એકબીજાની સાથે રહ્યા, સાથે મળીને કામ કર્યું, કેટલાક મુદ્દાઓ વખતે એકબીજા સાથે અસહમતિ હોવા છતાં એકબીજાના મતને સ્વીકાર્યા, બહુમતીના મતને માથે ચડાવ્યો. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાયે જનસંઘ દ્વારા સ્થાપેલી ઉજ્જવળ પરંપરાને વાજપેયી-આડવાણીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગળ ધપાવી. આ ચારેય મહાપુરુષો જે વૈચારિક જમીન પર જન્મ્યા, ઉછર્યા અને ફૂલ્યાફાલ્યા તે જમીન ૧૯૨૫માં ડૉ. હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તૈયાર કરી હતી. આ પાંચ મહાનુભાવો પાસેથી મળેલું ભાથું જો નરેન્દ્ર મોદી પાસે ન હોત તો તેઓ નરેન્દ્ર મોદી ન બની શક્યા હોત. આજે તેઓ જે ઊંચાઈએ કાર્ય કરી રહ્યા છે એમાં એમની પોતાની પ્રતિભા, મહેનત તથા નિષ્ઠા તો છે જ, સાથોસાથ આ પાંચેય મહાનુભાવોએ તૈયાર કરેલા વાતાવરણનો પણ એમાં ફાળો છો અને અફકોર્સ સંઘના ગુરુ ગોલવલકરથી મોહન ભાગવત સુધીના સરસંઘચાલકો, અત્યાર સુધી સંઘમાં તથા સંઘ પરિવારની અન્ય સંસ્થાઓમાં તનમનધનથી કામ કરી ગયેલા કરોડો સ્વયંસેવકો કાર્યકરો પણ પોતપોતાની શક્તિ મુજબ આ વાતાવરણ સર્જવામાં ફાળો આપ્યો છે અને જનસંઘ તથા ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતાઓ, સ્થાનિય નેતાઓ તથા કાર્યકર્તાઓનો પણ એટલો જ મોટો ફાળો છે આ વાતવરણ સર્જવામાં. આ ઉપરાંત દેશની અનેક એવી સંસ્થાઓ છે અને અનેક એવા ઈન્ડિવિજ્યુઅલ્સ છે જેમણે ખંતપૂર્વક આ વાતાવરણ સર્જવામાં આહુતિ આપી છે. રાજીવ મલ્હોત્રા જેવા વિદ્વાન એમાં છેલ્લા થોડાક દાયકાથી ઉમેરાયા છે. વીતેલાં વર્ષોમાં આવા અનેક વિચારકો તથા પ્રહરીઓ ઉમેરાતા ચાલ્યા છે. વળી ગણવા જઈએ તો વેદોના રચયિતા ઋષિમુનિઓથી માંડીને આદિ શંકરાચાર્ય તથા સ્વામી વિવેકાનંદ સુધીના મહાપુરુષોની આ ભૂમિમાં સૌ કોઈએ તપ કરીને ભારતની સંસ્કાર ભૂમિની પરંપરાને સાચવવાનો, એને આગળ ધપાવવાનો પરિશ્રમ કર્યો જ છે.

ભારત આ દેશનું અસલી નામ છે. રાજા ભરતનો આ દેશ. રાજા ભરતનું નામ ભરત કેવી રીતે પડ્યું? ‘ભરણાત્ રક્ષણાત્ ચ’ અર્થાત્ ભરણ (પોષણ) અને રક્ષણ જે કરે તે ભરત. આ દેશ આપણું ભરણપોષણ કરે છે અને આપણું રક્ષણ પણ કરે છે. આપણે એટલે બે હાથપગ માથું ધરાવતા સવાસો કરોડ માણસો જ નહીં, આપણે એટલે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી વિચારધારા, આપણા વારસા અને આપણા વાતાવરણનું ભારત દેશ ભરણ-રક્ષણ કરે છે.

છેલ્લાં સોએક વર્ષના ઈતિહાસમાં ડૉ. હેડગેવાર, ડૉ. શ્યામાપ્રસાદ, દીનદયાલજી તથા વાજપેયી-આડવાણી સહિતના તમામ મહાનુભાવો – કાર્યકરોએ જે પડકારો ઝીલ્યા, જે સંઘર્ષો કર્યા તેનું ફળ આજે આપણે માણી રહ્યા છીએ. કૉન્ગ્રેસીઓ, સેક્યુલરો તથા સામ્યવાદીઓની લાખ કોશિશો બાવજૂદ આ દેશમાં ભગવા ધ્વજનું મહત્ત્વ રહ્યું છે. ત્યાગ અને બલિદાનના પ્રતીકરૂપી આ ભગવો ધ્વજ લહેરાતો હોય ત્યારે એના બે ત્રિકોણ છેડાઓ યજ્ઞની પાવક જ્વાળાની બે શિખાઓના પ્રતીકનું આપણેને ભાન કરાવે છે.

વાજપેયી વિશેની શ્રેણીમાં અડધે આવીને આટલી લાંબી પ્રસ્તાવના લખવાનું કારણ એ કે હવે એક નવો વળાંક આ શ્રેણી લઈ રહી છે – વાજપેયી અને આડવાણીના સંબંધો વિશેની વાત આવે છે, એમની મૈત્રી તથા બંને વચ્ચે ક્યારેક સર્જાતા રહેલા મતભેદોની વાત શરૂ થઈ રહી છે. ગેરસમજણો થવાની ભરપૂર શક્યતા છે. માટે જ આટલું બૅકગ્રાઉન્ડ બાધવું જરૂરી છે.

સાથે કામ કરતાં કરતાં મતભદો સર્જાય એને કારણે કોઈ એકબીજાનું વિરોધી ન બની જાય, દુશ્મન તો હરગિજ નહીં.

પણ વાજપેયી-આડવાણી વચ્ચેના વિચારભેદોને બે પ્રકારના લોકો પોતાના ટૂંકા સ્વાર્થને ખાતર ખૂબ ચગાવતા રહ્યા. વાજપેયી તો ભાજપનું ‘મહોરું’ (મુખૌટા’) છે અને અસલી ચહેરો તો આડવાણી છે એમ કહીને ભાજપને એક સાંપ્રદાયિક પક્ષ તરીકે ચીતરવાની ખૂબ કોશિશો થઈ. મુસ્લિમ વોટ બૅન્ક સર્જીને અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે ફાટફુટ પડાવીને કમાણી કરવાનું જેમના લોહીમાં છે એવા કૉન્ગ્રેસીઓ, સેક્યુલરો, સામ્યવાદીઓ તથા કેટલાક કટ્ટરવાદી મુસ્લિમ નેતાઓએ આવો પ્રચાર કર્યો જેને પેઈડ મીડિયાએ ઝીલી લીધો. અનેક ગપગોળા ચાલ્યા અને એ જમાનામાં ચોકસાઈ કરવા માટેના સાધનો મર્યાદિત હોવાથી વર્ષો સુધી આવાં જુઠ્ઠાણાઓ હવામાં તરતાં રહ્યાં. આર.એસ.એસ., જનસંઘ, ભાજપ તથા એના નેતા-કાર્યકરોને સાંપ્રદાયિક કહીને એટલે કે કોમવાદી કહીને વારંવાર ઉતારી પાડવામાં આવતા હોય છે. પોતાની મુસ્લિમ તૃષ્ટિકરણ (અપીઝમેન્ટ)ની ચાલબાજીને છાવરવા માટે વિરોધીઓ આવાં લાંછનો લગાડતા રહ્યા છે અને આ તો એક બહુ જૂની ટ્રિક છે. તમારે તમારો ભ્રષ્ટાચાર છુપાવવો હોય કે છાવરવો હોય કે એને જસ્ટિફાય કરવો હોય તો તમે શું કરો? બીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરો જે રમત રમવામાં રાહુલ ગાંધીથી માંડીને અરવિંદ કેજરીવાલો એક્સપર્ટ છે. તમારે તમારા ચારિત્ર્યની શિથિલતા ઢાંકવી હોય તો બીજાને તાકીને કહો કે એ લૂઝ કૅરેક્ટર છે. તમારે તમારું કોમવાદી માનસ છુપાવવું હોય તો તમે બીજાને કહો કે તમે સાંપ્રદાયિક છો. તમે પોતે કૂપમંડુક હો તો કહો કે બીજાઓ સંકુચિત માનસના છે. તમારામાં સહનશીલતાનો અભાવ હોય તો તમે બીજાને કહો કે અસહિષ્ણુતા તમારામાં છે.

ભાજપ સાથે અને આડવાણી સાથે કંઈક આવું જ થયું. આડવાણીને કોમવાદી તરીકે ચીતરવા માગતા વિરોધીઓ વાજપેયીને ‘સેક્યુલર’ બનાવતા ગયા. એકને મુખૌટા તરીકે તથા બીજાને અસલી ચહેરા તરીકે ચીતરતા રહ્યા.

બીજા કેટલાક પક્ષના જ લોકો જેઓ વિરોધીઓની વાતોમાં આવીને કાં તો વાજપેયીના કાં તો આડવાણીના પડખામાં ભરાઈ ગયા, એકબીજા વિરુદ્ધ કાનભંભેરણી કરવા લાગ્યા. પક્ષમાંના જ આવા કેટલાક લોકો સમજ્યા નહીં કે પોતે વિરોધીઓના હાથમાં રમી રહ્યા છે. તેઓ સમજ્યા નહીં કે કોઈપણ રાજકીય પક્ષમાં અમુક મુદ્દાઓની બાબતમાં મતભેદો સર્જાય તેનો અર્થ એ નથી કે પક્ષની પાયાની વિચારધારા ડગમગી રહી છે. વિરોધાભાસો તો વ્યક્તિના પોતાનામાં ક્યાં નથી હોતા? બે વ્યક્તિઓ વચ્ચે હોય એ તો સ્વાભાવિક છે. આમ છતાં આપણે આપણા પોતાનામાં રહેલા વિરોધાભાસો સાથે જીવી લઈએ છીએ. બીજામાં જો એ દેખાતી તો એને ચલાવી લેતા નથી.

પણ મોટા માણસો ત્યારે મોટા બનતા હોય છે જ્યારે એમનાં મન મોટાં હોય, જ્યારે એમની જોવાની દૃષ્ટિ વિશાળ હોય, જ્યારે એમનું ફલક વિસ્તરેલું હોય. વાજપેયી અને આડવાણી બેઉ મોટા માણસો છે. બેઉએ પોતપોતાના આગવા મતાગ્રહો પ્રગટ થવા દીધા છે અને ક્યારેક એને જનહિતમાં ઓગાળી નાખ્યા છે તો ક્યારેક એમાં અડગ રહ્યા છે.

ભારતીય રાજકારણના ઈતિહાસની આ વિરલ મૈત્રી છે, એક અજોડ જોડી છે. ૯૦ વર્ષની ઉંમરે પોતાના ૯૩ વર્ષના મિત્રને ગુમાવવા, જેની સાથે ૬૫ વર્ષથી સતત મૈત્રી હોય એવા મિત્રને વિદાય આપવી, એ દર્દને ભાગ્યે જ કોઈ સમજી શકે, આપણે તો માત્ર કલ્પના જ કરી શકીએ. આ વર્ષની ૮મી નવેમ્બરે આડવાણી ૯૧ વર્ષ પૂરાં કરશે. વાજપેયીએ આ વર્ષની ૨૫ ડિસેમ્બરે ૯૪ પાર કર્યા હોત.

અટલ બિહારી વાજપેયીના અવસાન પછી જો લાલકૃષ્ણ આડવાણી સાથેની એમની મૈત્રીયાત્રાના અગણિત પડાવોમાંના કેટલાક મુખ્ય મુખ્ય માઈલસ્ટોન્સની વાત ન કરીએ તો વાજપેયીને આપવા ધારેલી આ શ્રદ્ધાંજલિ-શ્રેણી અધૂરી રહી જશે. આવતી કાલથી તમને જે યાદ આવે તે ફિલ્મગીતો ગાજો: સલામત રહે દોસ્તાના હમારા, તેરે જૈસા યાર કહાં, યે દોસ્તી હમ નહીં છોડેંેગે, તેરી દોસ્તી મેરા પ્યાર વગેરે… અને અમે લઈ જઈશું તમને ભારતના જનજીવન માટે, રાજકારણ માટે, હિન્દુત્વની વિચારધારા માટે અમુલ્ય અને બેમિસાલ પુરવાર થયેલા આ મૈત્રીભાવના ઝરણાનાં ખળખળ વહેતા પવિત્ર વહેણમાં નિમજ્જન કરાવવા.

તા.ક.: નિમજ્જન શબ્દનો અર્થ અમને પણ છેક ૧૮ વર્ષની ઉંમરે ખબર પડી જ્યારે ૧૯૭૮ની સાલમાં ‘ગ્રંથ’ નામના પુસ્તક રિવ્યુના માસિકના કવરપેજ પર ઉત્પલ ભાયાણી નામના એક યુવાન વાર્તાકારના આ શીર્ષકવાળા પ્રથમ વાર્તાસંગ્રહની તસવીર જોઈ હતી. એમાંની ટાઈટલ વાર્તા વાંચ્યા પછી સમજ પડી કે નિમજ્જન એટલે ડૂબકી. અને નીચેની કાર્વ્યપંક્તિમાં ‘મગ’ એટલે ‘માર્ગ’.

આજનો વિચાર

ક્યા ખોયા, ક્યા પાયા જગ મેં,
મિલતે ઔર બિછડતે મગ મેં,
મુઝે કિસી સે નહીં શિકાયત,
યદ્યપિ છલા ગયા પગ-પગ મેં,
એક દૃષ્ટિ બીતી પર ડાલેં,
યાદોં કી પોટલી ટટોલે:

અટલ બિહારી વાજપેયી

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here