હું જે રીતે કામ કરું છું તે કરતાં જુદી રીતે કરી શકીશ નહીં

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શનિવાર, 24 નવેમ્બર 2018)

સરદાર પટેલ મૌલાના અબુલ કલામ આઝાદની અસલિયતને આપણે ઓળખી એ પહેલાં ક્યારનાય ઓળખી ગયા હતા. મૌલાના કલામ ન તો કોઈ દેશપ્રેમી નેતા હતા ન હિન્દુઓ પ્રત્યે સમભાવ રાખનારા મુસ્લિમ હતા એવું મેં જ્યારે જ્યારે કહ્યું છે કે લખ્યું છે ત્યારે ત્યારે આ દેશના કેટલાક સેક્યુલરો – સામ્યવાદીઓને કીડી ચટકાં ભરે એવી લાગણી થઈ છે. મારી આવી માન્યતા પાછળ નક્કર પુરાવા છે જે તમને મૌલાના આઝાદની આત્મકથાનાં એ પાનાંઓમાંથી મળશે જે પાનાં એમણે પોતાના મૃત્યુના 30 વર્ષ બાદ જાહેર કરવાનું કહ્યું હતું, એ પહેલાં નહીં. 1988માં આ પાનાંઓ એમની આત્મકથામાં ઉમેરાયાં. ગૂગલ સર્ચ કરવાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીને પણ સહેલાઈથી મળી જશે. આ પાનાંમાં મૌલાના આઝાદના મુસ્લિમ કટ્ટરવાદી તરીકેના વિચારો, એ વિચારોમાં દૃઢ માન્યતા ધરાવતા લોકો સાથેના એમના સંબંધો તેમ જ બીજી સ્ફોટક માહિતી છે.

મૌલાના આઝાદ આ દેશના સૌપ્રથમ શિક્ષણ મંત્રી. એમણે જ (કે એમના થ્રુ નહેરુએ) આ દેશની શિક્ષણ વ્યવસ્થાનો દોર સામ્યવાદીઓ તથા સેક્યુલરોના હાથમાં સોંપીને દેશની શિક્ષણ પરંપરાની ઘોર ખોદી.

જવાહરલાલ નહેરુએ 1955માં જે ‘ભારત રત્ન’નો ઈલકાબ પોતે જ પોતાના ગળામાં પહેરાવ્યો અને એમનાં પુત્રી ઈન્દિરા ગાંધીએ 1971માં પોતે જ પોતાના ગળામાં પહેરાવ્યો તે ‘ભારત રત્ન’ 1991માં સરદાર પટેલને (મરણોત્તર) તથા મોરારજી દેસાઈને (એમની હયાતી દરમ્યાન) આપવાનું નક્કી થયું ત્યારે કૉન્ગ્રેસીઓએ જબરજસ્તીથી મૌલાના આઝાદને પણ એ બંને મહાનુભાવોની સાથે ‘ભારત રત્ન’ અપાવ્યો હતો.

અબુલ કલામ ગુલામ મુહિયુદ્દીન અહમદ બિન ખૈરુદ્દીન અલ હુસૈની આઝાદ એમનું પૂરું નામ. સાઉદી અરેબિયાના મક્કામાં એમનો જન્મ. અભિનેતા આમીર ખાન પોતાને મૌલાના આઝાદનો ચોથી પેઢીનો ભાણિયો કે ભત્રીજો ગણાવે છે તથા કિરણ રાવ સાથેના સંતાનને ‘આઝાદ’ના નામે ઓળખે છે.

મૌલાના જેવા કોમવાદી કૉન્ગ્રેસી નેતાઓ વિશે આપણને સાચું ભણાવવામાં નથી આવ્યું એટલે આપણે એમના જેવાઓ વિશે હજુય ભ્રમણામાં છીએ. સરદારે તો આ બધા લોકો સાથે કામ કર્યું છે, એમને આરપાર જોયા છે પોતાની ધારદાર દૃષ્ટિથી. 13 જાન્યુઆરી, 1948ના રોજ આખા દેશને જાણ થઈ ગઈ હતી કે આજથી ગાંધીજી ઉપવાસ પર ઊતરવાના છે. આ જ દિવસે સરદાર વ્યથિત કલમે ગાંધીજીને પત્ર લખે છે (જેમાં મૌલાના આઝાદ વિશેના ઉલ્લેખ પર ગૌર ફરમાવજો):

‘આજે સવારે સાત વાગ્યે કાઠિયાવાડ જવા નીકળવાનું છે. તમે ઉપવાસ કરી રહ્યા છો ત્યારે જવું પડે એની વેદના અસહ્ય છે, પણ કડક ફરજ બીજો કોઈ રસ્તો રહેવા દતી નથી. ગઈ કાલે તમારી વેદના જોઈ હું દુ:ખી થઈ ગયો છું. એણે (એ વેદનાએ) મને ઉગ્રતાપૂર્વક વિચારતો કરી મૂકયો છે. કામનો બોજો એટલો છે કે હું એની નીચે દબાઈ ગયો હોઉં એવી લાગણી થાય છે. હવે મને લાગે છે કે આમ ને આમ વધુ ચલાવ્યા કરવાથી દેશને કે મને કોઈ ફાયદો નહીં થાય.

જવાહર ઉપર તો મારા કરતાંયે વધારે બોજો છે. એમનું હૃદય શોકથી ભારે છે. એમ પણ હોય કે હું વૃદ્ધાવસ્થાને લીધે ક્ષીણ થઈ ગયો હોઉં અને એમની બાજુમાં સાથી તરીકે ઊભો રહી એમનો બોજો હળવો કરવા માટે કામનો ન હોઉં. મૌલાના (આઝાદ) પણ હું જે કંઈ કરી રહ્યો છું તેથી નારાજ છે અને તમારે ફરી ફરીને મારો બચાવ કરવો પડે છે. આ પણ મને અસહ્ય લાગે છે.

આ સંજોગોમાં, તમે હવે મને જવા દો તો મારે માટે અને દેશને માટે સારું થશે. હું જે રીતે કામ કરું છું તે કરતાં જુદી રીતે કરી શકીશ નહીં. અને એથી હું મારા જીવનભરના સાથીઓને બોજારૂપ થાઉં અને તમને દુ:ખરૂપ બનું અને તે છતાં સત્તાને વળગી રહું તો એનો અર્થ એ થાય – ઓછામાં ઓછું મને પોતાને તો એમ જ લાગે – કે હું સત્તાલાલસાથી આંધળો થવા તત્પર છું અને તેથી સત્તાત્યાગ કરવા નારાજ છું. તમારે મને આ અસહ્ય પરિસ્થિતિમાંથી સત્વર મુક્ત કરવો જોઈએ.

હું જાણું છું કે તમે ઉપવાસ કરી રહ્યા છો ત્યારે દલીલોનો વખત નથી. પણ તમારા ઉપવાસનો અંત લાવવામાં પણ હું મદદરૂપ બની શકું તેમ નથી, એટલે હું બીજું શું કરી શકું તેની મને ખબર પડતી નથી. આથી હું તમને અંત:કરણથી આજીજી કરું છું કે તમારા ઉપવાસ છોડી દઈને આ પ્રશ્ર્ન તરત પતાવી આપો. એથી કદાચ તમારા ઉપવાસ પ્રેરનારાં કારણો દૂર કરવામાં પણ મદદ થશે.’

સરદારે અહીં ગર્ભિત ઈશારો કર્યો છે કે જે હિંદુ-મુસ્લિમ રમખાણોને શાંત કરવા ગાંધીજી ઉપવાસ કરી રહ્યા છે તે કદાચ પોતાના રાજીનામાથી શાંત થઈ જાય. આવું ક્યારે બને? જ્યારે મુસ્લિમ નેતાઓને લાગે કે સરદારના રાજીનામાથી હવે અમારો હાથ ઉપર છે તો હવે રમખાણો કરીને હિન્દુઓને ડરાવવાની જરૂર નથી ત્યારે રમખાણો શાંત બને. શું એ મુસ્લિમ નેતાગીરીને નહેરુનો મૂંગો ટેકો હશે? હોેઈ પણ શકે. પોતે જો સત્તાત્યાગ કરે તો રમખાણો બંધ થઈ જશે એવું સરદાર શું કામ લખે?

ખેર, આ તો બધાં ક્ધજેક્ચર્સ છે જેને તમે બિટ્વીન ધ લાઈન્સ વાંચવાની કળા પણ ગણાવી શકો.

સરદારે ગાંધીજીને જે નોંધ લખીને નહેરુને એની નકલ મોકલેલી તેના જવાબમાં 13 જાન્યુઆરી 1948ના દિવસે પત્ર લખીને નહેરુએ સરદારને જણાવ્યું કે હવે આ વિશે લાંબી લપ્પન છપ્પન કરવાનો કોઈ અર્થ નથી (આ શબ્દો મારા છે, ભાવ નહેરુજીનો છે). પણ હું જે કંઈ કરી રહ્યો છું તેમાં હું સાચો છું (અર્થાત્ સરદાર ખોટા છે) અને ગાંધીજીના ઉપવાસ પતે પછી આપણે બેઉ એમને જઈને મળીને આપણા આ મતભેદો વિશે રૂબરૂ ચર્ચા કરીએ.

પણ એવો અવસર આવ્યો જ નહીં. જોતજોતામાં ત્રીસમી જાન્યુઆરીની કાળીડિબાંગ ઘડી આવી ગઈ. 1948નું બાકીનું વર્ષ, 1949નું વર્ષ અને 1950નું અલમોસ્ટ આખું વર્ષ, 15 ડિસેમ્બર 1950 સુધીનું વર્ષ – આ લગભગ ત્રણ વર્ષ દરમ્યાન ગાંધીજીની ગેરહાજરીમાં સરદારે ભાંગેલા હૃદયે નહેરુ સાથે કામ કર્યું.

નહેરુને બદલે સરદાર વડા પ્રધાન હોત તો આ દેશ ક્યાંનો ક્યાં હોત એવી વાતો કરવી જાણે કે બરાબર જ છે પણ જોવાનું એ છે કે નહેરુ વડા પ્રધાન હતા તે છતાં સરદારે કેટકેટલાં મોટાં કામ કર્યાં જેને કારણે આ દેશ અખંડિત રહ્યો, મજબૂત બન્યો. સરદારને જીવતેજીવ નહેરુ આણિ મંડળીએ કોઈ જશ આપ્યો નહીં અને એમના મૃત્યુ પછી તો નહેરુ તથા નહેરુના કૉન્ગ્રેસી, ડાબેરી, મુસ્લિમવાદી, સેક્યુલર પિઠ્ઠુઓએ સરદારને ભૂંસી નાખવાના તમામ પ્રયત્નો કર્યા. પણ સરદારનું કાર્ય એટલું વિરાટ હતું કે એ પાઠ્યપુસ્તકોમાંથી ભૂંસાયા, જનમાનસમાંથી નહીં. આજે એમની વિરાટ પ્રતિમા ઊભી કરીને સરદારના એ કાર્યોની અગત્યતા આખા વિશ્ર્વને પહોંચાડવામાં આવી છે. દરેક મુસ્લિમને જેમ જીવનમાં કમસે કમ એક વાર હજની યાત્રા કરવાની ખ્વાહિશ હોય છે એમ દરેક ભારતીયના હૃદયમાંં – ચાહે એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે કોઈ પણ ધર્મનો હોય – સરદારની એ વિરાટ પ્રતિમાનાં રૂબરૂ દર્શન કરવા જવાની ખ્વાહિશ હોવી જોઈએ.

આજનો વિચાર

કોઈકે મને પૂછયું કે તારું પેટ FLAT છે? મેં કહ્યું: હા, પણ એમાં L સાયલન્ટ છે!

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ

બોસ: એલા બકા, ઘરમાં લગ્ન છે એમ કહીને લાંબી રજા પર ઊતરી ગયો હવે તો એ લગ્નની વીડિયો તો બતાવ.

બકો: સાહેબ, તુલસી વિવાહ હતા.

4 COMMENTS

  1. Hajjar varsho thi musalmano na hathe trahimam pokaravti gulami bhogavya pachhi pan temmni passé manavtaa ni aasha rakhi Abul Kalam be mota bhaa banaavie to kayarta Abe bhul to aapni j ne. BUZDIL DISUNITED GREEDY EGOISTIC HINDUS.

  2. क़याँ प्रजा वत्सल दुरंदेशी बाहोश सरदार पटेल अने क़याँ बे बादाम ना वेचाइ गएला मवाली हार्दिक पटेल एंड टेना मडतियाओ !

  3. Excellent article comprises of four parts consists the information we got first time.
    Thanks for sharing the information & your narration for the thought which are silently appearing in this latter’s.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here