યુદ્ધમાં તમને જે હરાવે તે જ તમારો દુશ્મન નથી હોતો : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, 11 એપ્રિલ 2020)

ભાવાવેશમાં કોઈનેય લાંબાચૌડા પ્રોમિસીસ આપી દેવાનાં નહીં, જૂના સંબંધોને આધારે વર્તમાનમાં કોઈ તમને મદદ કરીને તમારી હાલાકી દૂર કરશે એવું માનવું નહીં, ગમે એટલા મોટા થયા પછી પણ મદદ માગવા આવનાર કોઈ પણ પરિચિત કે અપરિચિતનું અપમાન કરવું નહીં અને અપેક્ષિત મદદ ન મળે તો માનવું કે કોઈના તરફથી મદદ જ નથી મળી, કોઈએ મારો હક્ક તો ડુબાડ્યો નથી. આ ચાર પાઠ આપણે દ્રોણ-દ્રુપદની ચાર ભૂલો પરથી શીખ્યા. આ બે ભૂતપૂર્વ મિત્રોની ભૂલોમાંથી સર્જાયેલી દુશ્મનાવટનું પરિણામ શું આવ્યું?

દ્રોણના સાળા, એમની પત્ની કૃપીના ભાઈ કૃપ અર્થાત્ કૃપાચાર્ય, હસ્તિનાપુરમાં કુરુવંશના રાજકુમારોના શિક્ષણનો ઈન્ચાર્જ હતા. કામની શોધમાં દ્રોણ હસ્તિનાપુર ગયા. નગરપ્રવેશ પહેલાં દ્રોણ કૂવામાં પડી ગયેલો રાજકુમારોનો દડો તીર વડે કાઢી આપે છે. આ વાત ભીષ્મને કાને પહોંચે છે. ભીષ્મ ખુશ થાય છે. ભીષ્મના એકસો પાંચ પૌત્રોને ધનુર્વિદ્યા શિખવાડવાની જવાબદારી દ્રોણને સોંપવામાં આવે છે.

શિક્ષા દરમ્યાન અર્જુન દ્રોણનો પટ્ટશિષ્ય બને છે અને ગુરુ એને જગતનો શ્રેષ્ઠ બાણાવળી બનાવવાનો નિર્ધાર કરે છે. દ્રોણને અશ્વત્થામા કરતાંય અર્જુન વધારે વહાલો બને છે.

રાજકુમારોનું શિક્ષણ પૂરું થઈ ગયા પછી દ્રોણ એમની પાસે ગુરુદક્ષિણા ચાહે છે: ‘મારે સંપત્તિ નથી જોઈતી. પંચાલ રાજ્યના રાજવી દ્રુપદને હરાવીને એને બંદીવાન બનાવી મારી પાસે લાવો.’

કુમાર ઉંમરના કૌરવો અને પાંડવો ગુરુના આદેશનું પાલન કરવા ઊપડ્યા. (દ્રુપદ હજુ પાંડવોના સસરા કે હસ્તિનાપુરના વેવાઈ નથી બન્યા). કૌરવો દ્રુપદને હરાવવામાં નિષ્ફળ ગયા. પાંડવો દ્રુપદને બંદી બનાવી શક્યા.

બંદીવાન દ્રુપદ દ્રોણ સમક્ષ હાજર થાય છે અને દ્રોણની આંખ સામેથી ફ્લેશબૅક પસાર થઈ જાય છે. પોતે આ જ રીતે નતમસ્તકે દ્રુપદની સામે ઊભા રહ્યા હતા એ દિવસ દ્રોણને યાદ આવે છે. દ્રોણ કહે છે: ‘દ્રુપદ, તમને યાદ છે તમે મને એક વખત કહ્યું હતું કે મિત્રતા સમાન કક્ષાની વ્યક્તિઓ વચ્ચે જ સંભવે? તે વખતે મારી પાસે કોઈ સંપત્તિ નહોતી અને અત્યારે તમે સામ્રાજ્યવિહોણા છો. પણ તમે ભયભીત થતા નહીં. હું તમારી મિત્રતા ઈચ્છું છું. તમારું સામ્રાજય હવે મારા તાબામાં છે એટલે ફરી આપણે સમકક્ષ થતા મટી જઈએ છીએ. આપણે સમકક્ષ ન થઈએ ત્યાં સુધી આપણા વચ્ચે મૈત્રી શક્ય નથી એવું તમને લાગે છે માટે હું તમારું અડધું રાજ્ય તમને સોંપી દઉં છું, અડધું મારી પાસે રાખું છું. હવે આપણે સમાન થઈ ગયા. હવે મૈત્રી શક્ય બનશે. ગંગાની દક્ષિણનો પ્રદેશ તમારો રહેશે, ઉત્તર તરફની જમીન મારી માલિકીની રહેશે.’

દ્રોણે માન્યું કે હવે વાત પૂરી. પોતે નિશ્ચિંત બની ગયા. પણ દ્રુપદનું સમગ્ર અસ્તિત્વ ક્રોધ, માનભંગ અને દ્રોણ પ્રત્યેના તિરસ્કાર તથા ધિક્કારથી બળી રહ્યું હતું. દ્રોણથી છૂટા પડીને પોતાના ભાગે બચેલા અડધા રાજ્ય તરફ પાછા ફરતાં જ દ્રુપદે સંકલ્પ કર્યો: ‘મારે એવો પુત્ર પ્રાપ્ત કરવો જોઈએ જે ઘૃણાયુક્ત માણસને મારી નાખવા શક્તિમાન હોય. સકલ શસ્ત્રોના જ્ઞાતા દ્રોણને સામાન્ય મનુષ્ય મારી શકે નહીં. મારે યજ્ઞ કરવો જોઈએ, તપ કરવું જોઈએ અને આ માણસને મારી શકે એવો શક્તિમાન પુત્ર આપે એ માટે પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ.’

દ્રુપદે સાથોસાથ બીજો પણ એક સંકલ્પ કર્યો. અર્જુને જે રીતે પોતાને હરાવ્યા એનાથી દ્રુપદ પ્રભાવિત થયા હતા: ‘કેવો અદ્ભુત ધનુર્ધર! અને કેવો સન્માનાર્હ યોદ્ધો! આ યુવાનને મારી પ્રશંસાના પ્રતીક તરીકે, પુત્રી પ્રાપ્ત કરીને, શક્ય હોય તો એને આપવી જોઈએ.’

આમ દ્રુપદે દ્રોણનો કાળ પુરવાર થાય એવો પુત્ર અને અર્જુનની ભાર્યા બની શકે એવી પુત્રી પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો.

વેર ક્યારેય આવેશની ક્ષણોમાં લેવાનું ન હોય. દ્રુપદ દ્રોણાચાર્ય પર વેર વાળવા સંકલ્પબદ્ધ છે પણ અધીરા નથી, ઉતાવળિયા નથી. દ્રોણનો જીવ લેવા દ્રુપદ તપ કરવા તૈયાર છે. પોતાની શક્તિને ઓળખ્યા વિના દુશ્મનને હરાવવા નીકળેલો યોદ્ધો ગમે એટલો ઉત્સાહી હોય, અંતે હાર ખાઈને પાછો આવતો હોય છે. દ્રુપદ પાસેથી બીજી પણ એક વાત શીખવા મળે. યુદ્ધમાં દેખીતી રીતે જે તમને હરાવે તે જ તમારો દુશ્મન હોય એ જરૂરી નથી. એની પાછળનો દોરીસંચાર જેનો હોય એ તમારો મુખ્ય વિરોધી છે. અર્જુનને દ્રુપદ સાથે કોઈ અદાવત નહોતી. એ તો દ્રોણની ચિઠ્ઠીનો ચાકર હતો. ક્ષત્રિય દ્રુપદ સમજતા હતા કે અર્જુનનો રિમોટ કન્ટ્રોલ દ્રોણના હાથમાં હતો. દુશ્મનાવટ પાયાના દુશ્મન સાથે હોય. દુશ્મને જેને હાથો બનાવ્યો હોય એના પ્રત્યે કિન્નાખોરી રાખવાને બદલે એને તો જીતી લેવાની કોશિશ કરવાની હોય. એની આવડતને, એની પ્રતિભાને બિરદાવવાની હોય. દ્રુપદે અર્જુનને જમાઈ બનાવવા ભગવાન પાસે પુત્રી માગી.

સમય વીતે છે. દ્રુપદની પુત્રી દ્રૌપદી અર્જુનને વરે છે. દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન પરાક્રમી રાજકુમાર બને છે. વખત જતાં પાંડવો-કૌરવો વચ્ચે યુદ્ધ થાય છે. મહાભારતના ભીષ્મપર્વથી આ યુદ્ધનો આરંભ થાય છે. ભગવદ્ગીતા આ જ પર્વનો એક હિસ્સો છે. દ્રોણ અને એમનો પુત્ર અશ્વત્થામા કૌરવોના પક્ષે છે અને દ્રુપદ-ધૃષ્ટદ્યુમ્ન નૅચરલી, પાંડવોના પક્ષે છે.

અઢાર દિવસ ચાલેલા યુદ્ધના પંદરમા દિવસે જે લડાઈ થઈ તે સૌથી ભયાનક હતી. દ્રોણે ધર્મબુદ્ધિ પૂરેપૂરી ગુમાવી દીધી હતી. દ્રોણે દ્રુપદના ત્રણ પૌત્રોને મારી નાખ્યા. આથી રોષે ભરાયેલા દ્રુપદ દ્રોણની સામે પડ્યા. દ્રોણે એમનો પણ સંહાર કરી નાખ્યો. પોતાના પિતા અને પુત્રોના મૃત્યુથી આઘાત પામેલા વ્યથિત ધૃષ્ટદ્યુમ્ને આજે જ દ્રોણને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી. પણ દ્રોણની શૂરવીરતા જોતાં તેઓ કોઈનાથીય મ્હાત થાય એવું લાગતું નહોતું. યુદ્ધ પર દ્રોણનું પ્રભુત્વ ફેલાતું જતું હતું અને પાંડવસેના નિ:સહાય બની ગઈ હતી. શ્રીકૃષ્ણે પાંડવસેનામાં ગભરાટ જોયો. તેમણે જોયું કે દિવ્યાસ્ત્રોથી અજાણ એવા યોદ્ધાઓ પર એ અસ્ત્રોનો ઉપયોગ કરીને દ્રોણ અન્યાયી યુદ્ધ લડી રહ્યા છે. એમણે કહ્યું, ‘યુદ્ધિષ્ઠિર, દ્રોણાચાર્યને યુદ્ધમાં હરાવી શકાશે નહીં. તેમને આવી રીતે લડવા દેવામાં આવશે તો સાંજ સુધીમાં તમારી સેનામાંથી એક પણ સૈનિક જીવતો નહીં રહે. યુધિષ્ઠિર, દ્રોણે આજે તેમની લડાઈમાં અધર્મ અખત્યાર કર્યો છે. તેમને મારવા આપણે પણ અન્યાયી રીતો વાપરીશું. ધૃષ્ટદ્યુમ્ને લીધેલી પ્રતિજ્ઞા સાચી પાડવી હોય તો આપણે કંઈક એવું કરવું પડશે જેથી તેઓ એમનાં શસ્ત્રો ફેંકી દે’.

એ પછી અશ્વત્થામા નામનો હાથી, દ્રોણનો પુત્ર નહીં, હણાય છે. મહાભારતનો અતિવિખ્યાત પ્રસંગ સર્જાય છે. અર્ધસત્યકાર યુધિષ્ઠિરનો રથ જે જમીનથી એક વેંત અધ્ધર ચાલતો હતો તે ભૂમિને સ્પર્શી જાય છે. (જોકે, મહાભારતની મૂળકથામાં ‘નરો વા કુંજરો વા’ જેવા કોઈ શબ્દો જ નથી). મહાભારતની કથા આગળ લંબાય છે, એક એવી મહાકથા જેના પાંચ હજાર વર્ષ અગાઉ રચાયેલા પ્રત્યેક પર્વમાં આધુનિક જીવનને સ્પર્શતું વ્યવહારુ ચિંતન છે. એક માર્ગદર્શિકા છે – ભૂલો ટાળવાની, ભૂલો સુધારવાની.

કાલે થોડીક વાતો વિદુરનીતિ વિશે કરીશું.

આજનો વિચાર

આવતી કાલે એક એવો દિવસ તમને મળવાનો છે જેમાં હજુ સુધી એક પણ ભૂલ તમારાથી થઈ નથી.

– લ્યુસી એમ. મોન્ટગોમેરી
(કૅનેડિયન નવલકથાકાર: ૧૮૭૪-૧૯૪૨)

17 COMMENTS

  1. Saru शिक्षn kya thi pan male Grahan kari levu joiye. Bhale pachhi te sant mahatma a apyu Hoi ke pachhi Samanya manavi a apyu Hoi.

  2. વાંચેલું મહાભારત રીવાઇન્ડ થાઈ છે તમારા થકી અને રોજ કંઈક નવું શીખવાનું મળે છે

  3. સૌરભભાઈ, તમારા લેખ થી મહાભારતને વધારે ઊંડાણથી સમજી રહ્યા છે.. આભાર…

  4. રોજ સવારે આપ જે પીરસો છે તે આખા દિવસ માટે ખૂબજ ઉપયોગી થાય છે.નવી ઊર્જાનો સંચાર થાય છે.જીવનમા જે કાંઇ નાની મોટી ભૂલ કરી હતી તે ફરી થી ન થાય તેના માટે ની મોટી શીખ આપના આ લેખ દ્વારા જાણવા મળેલ છે.
    આભાર.

  5. નાની એવી ભૂલ કેટલી ભયાનક બને છે તે મહાભારતના પાત્રો થી તમારી સમજાવાની શૈલી પ્રસંસનીય છે

  6. નાની એવી ભૂલ કેટલી ભયાનક બને છે તે મહાભારતના પાત્રો થી તમારી સમજાવાની શૈલી પ્રસંસનીય છે

  7. સૌરભ ભાઈ મહાભારત નું વાસ્તવિક જીવન માં અનુકરણ કરી જિંદગી જીવવાનો દ્રષ્ટિકોણ બદલવા બાદલ આભારી

  8. સૌરભ ભાઈ, દ્રોણ દુરુપદ થી લઈ ને કૃષ્ણ અને યુધ્ધિષઠિર સુધી ની વાતો ને તમે જે રીતે સમજાવી છે તે વાચતા મારા જીવન ના અનેક ભુલો યાદ આવી. અને તેની જેમ જ પણ લીધુ હવે આવી ભુલો ન કરવી. સુશીલ

    • આપની સરળ અને અનેરી ભાષામાં લખાયેલ આ લેખ ખુબ સમજણ થી વાંચ્યો અને ઘણું શીખવા મળ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here