ઇન્દિરા ગાંધી પોતાના કેબિનેટ મિનિસ્ટરોના ફોન પણ ટૅપ કરતા

‘ધ ઇમરજન્સી’ સિરીઝનો પાંચમો હપતો

લેખકઃ કૂમી કપૂર, રજુઆતઃ સૌરભ શાહ

(Newspremi.com : શુક્રવાર,  3 જુલાઇ 2020)

(પ્રકરણઃ1 પરોઢ પછીનું અંધારું, ભાગ પાંચમો)

(The Emergency: A Personal History. ‘ધ ઇમરજન્સીઃ જાતે જોયેલા-અનુભવેલા ઘટનાક્રમનો દસ્તાવેજી ઇતિહાસ’ પુસ્તકનું ‘પેન્ગવિન બુક્સ’, ‘સત્ત્વ પબ્લિકેશન’ અને ‘ન્યુઝપ્રેમી’ના સંયુક્ત ઉપક્રમે ધારાવાહિક શ્રેણી રૂપે એક્સક્લુઝિવ પ્રકાશન)

બ્રહ્માનંદ રેડ્ડી આંધ્રપ્રદેશમાં ચીફ મિનિસ્ટર હતા ત્યારે પોતાના રાજ્યમાં એમનો ભારે દબદબો હતો. પણ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રીનો વજનદાર હોદ્દો મળ્યા પછી પણ એમની સતત ફરિયાદ રહેતી કે પોતાને કોઈ પૂછતું નથી. દિલ્હીનાં અંતરંગ વર્તુળોમાં એવી રમૂજ થતી કે ભારત સરકારમાં ‘હોમ મિનિસ્ટ્રી’ નથી પણ ‘ઓમ મિનિસ્ટ્રી’ છે. ગૃહ મંત્રાલયના નિસ્તેજ રાજ્ય મંત્રી ઓમ મહેતા સંજય ગાંધીની ગેન્ગના સભ્ય તરીકે સંજયનો દરેક આદેશ માથે ચડાવવામાં સહેજ પણ વિલંબ કરતા નહીં.

ગૃહમંત્રી બ્રહ્માનંદ રેડ્ડીને 25 જૂનની રાત્રિએ સવા દસના સુમારે વડા પ્રધાનના નિવાસસ્થાને હાજર રહેવાનું તેડું આવ્યું. રૂબરૂ બોલાવીને એમને કહેવામાં આવ્યું કે દેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ હદ સુધી કથળી ગઈ છે કે ઇન્ટરનલ ઇમરજન્સી લાદવી પડે એમ છે. રેડ્ડીએ વડા પ્રધાનનું ધ્યાન દોરતાં કહ્યું કે એક્સટર્નલ ઇમરજન્સી તો અમલમાં છે જ અને એને કારણે જે કંઈ વધારાની સત્તા પ્રાપ્ત થાય છે તે અત્યારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી છે. મિસિસ ગાંધીએ જવાબ આપ્યો કે બીજી ઇમરજન્સી લાગુ કરવી જરૂરી છે ત્યારે રેડ્ડીએ કોઈ વળતી દલીલ કરી નહીં. ગૃહમંત્રીએ કહ્યું કે મેડમ, આપને જે યોગ્ય લાગે તે રીતે આગળ વધીએ.

રાષ્ટ્રપતિના સેક્રેટરી કે. બાલચંદ્રનને વડાં પ્રધાનનો આ પત્ર વંચાવવામાં આવ્યો ત્યારે એમણે રાષ્ટ્રપતિને કહ્યું કે આવા કોઈ ઘોષણાપત્ર પર તમારાથી સહી ન થાય. કારણ કે બંધારણ મુજબ તમારે સમગ્ર પ્રધાનમંડળની સલાહને અનુસરવાનું હોય, નહીં કે એકલા વડાં પ્રધાનની.

ગૃહમંત્રી બ્રહ્માનંદ રેડ્ડીને કહેવામાં આવ્યું કે થોડા કલાક પહેલાં વડાં પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે જે વાતચીત થઈ એ વિશેનો વડાં પ્રધાનનો પત્ર રાષ્ટ્રપતિને મોકલવામાં આવી રહ્યો છે. એ પત્રની સાથે રાષ્ટ્રપતિએ. ઇમરજન્સીના જે ઘોષણાપત્ર પર સહી કરવાની છે તેનો ડ્રાફ્ટ પણ જોડેલો છે. આ પત્ર ભારતના વડાં પ્રધાનના લેટરહેડ પર નહોતો, કોરા કાગળ પર ટાઈપ થયો હતો.

રાષ્ટ્રપતિના સેક્રેટરી કે. બાલચંદ્રને શાહ કમિશન સમક્ષ જુબાની આપતાં કન્ફર્મ કર્યું કે 25 જૂને રાત્રે સાડા દસ વાગ્યે વડાં પ્રધાન તરફથી રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ માટે એક ટોપ સીક્રેટ પત્ર રાષ્ટ્રપતિ ભવનને મળ્યો હતો જેમાં આજે વડાં પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે થયેલી રૂબરૂ મુલાકાતનો હવાલો આપીને લખાયું હતું કે જો રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો બંધારણની કલમ 352(1)ની જોગવાઈ અનુસાર વટહુકમ જારી કરવા ઘોષણાપત્ર પર સહી કરે. જોકે, આ પત્રની સાથે રાષ્ટ્રપતિએ જેના પર હસ્તાક્ષર કરવાના હતા તે વટહુકમનો ડ્રાફ્ટ નહોતો. એ ડ્રાફ્ટ કલાકેક પછી આર.કે.ધવનના સાથે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિના સેક્રેટરી કે. બાલચંદ્રનને વડાં પ્રધાનનો આ પત્ર વંચાવવામાં આવ્યો ત્યારે એમણે રાષ્ટ્રપતિને કહ્યું કે આવા કોઈ ઘોષણાપત્ર પર તમારાથી સહી ન થાય. કારણ કે બંધારણ મુજબ તમારે સમગ્ર પ્રધાનમંડળની સલાહને અનુસરવાનું હોય, નહીં કે એકલા વડાં પ્રધાનની.

રાષ્ટ્રપતિએ રાત્રે પોણા બાર વાગ્યે ઘોષણાપત્ર પર સહી કરી.

બાલચંદ્રને રાષ્ટ્રપતિનું બીજી એક અગત્યની બાબત પર પણ ધ્યાન દોર્યું કે વડાં પ્રધાનના પત્ર પરથી એવું તારણ નીકળે છે કે ઘોષણાપત્રનું ડ્રાફ્ટિંગ એવા શબ્દોમાં કરવામાં આવશે કે જાણે ઇમરજન્સી જાહેર કરવાનો નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા લેવાશે, વડાં પ્રધાન દ્વારા નહીં. રાષ્ટ્રપતિને પોતાના સેક્રેટરીની આ વાત વિચારવા જેવી લાગી. એમણે તરત જ વડાં પ્રધાનને ફોન કર્યો. પણ વડાં પ્રધાન સાથે વાત કર્યા પછી રાષ્ટ્રપતિ નરમ પડી ગયા. પોતાને આ સ્થાને બેસાડવા બદલ મિસિસ ગાંધીના તેઓ ઋણી હતા. પોતાની લાંબી ઝાંખી-પાંખી કારકિર્દી દરમ્યાન રાષ્ટ્રની સેવાનાં એવાં કોઈ નેત્રદીપક કામ એમણે કર્યાં નહોતાં. ઘોષણાપત્ર પર સહી કરાવવા માટે આર.કે. ધવન રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા. રાષ્ટ્રપતિએ રાત્રે પોણા બાર વાગ્યે ઘોષણાપત્ર પર સહી કરી. આર.કે. ધવનનું વર્ઝન બાલચંદ્રન કરતાં સાવ જુદું છે. ધવને આ પુસ્તકનાં લેખિકાને કહ્યું હતું કે રાષ્ટ્રપતિને જ્યારે ઘોષણાપત્રનો ડ્રાફ્ટ વંચાવવામાં આવ્યો ત્યારે એમાંના શબ્દો સામે એમણે કોઈ કરતાં કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો.

ઈમરજન્સીની ઘોષણાનો પત્ર ટૂંકોને ટચ હતોઃ

“બંધારણની 352મી કલમના ભાગઃ1 અનુસાર પ્રાપ્ત થતા અધિકારનો અમલ કરતાં હું, ફખરુદ્દીન અલી અહમદ, ભારતના રાષ્ટ્રપતિ, આ જાહેરનામાથી ઘોષણા કરું છું કે આંતરિક પરિબળોએ ઊભાં કરેલાં ઉપદ્રવોને પરિણામે દેશની સુરક્ષા સામે ખતરો ઊભો થયો છે અને દેશમાં ગંભીર કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે.

(સહી)
રાષ્ટ્રપતિ
નવી દિલ્હી, 25 જૂન 1975″

વડાં પ્રધાને જે મુસદ્દો તૈયાર કરીને મોકલી આપ્યો હતો એને જ અક્ષરશ: ફરી ટાઇપ કરીને રાષ્ટ્રપતિએ મત્તું મારી આપ્યું હતું.

રાષ્ટ્રપતિ પાસે ઇમરજન્સીની ઘોષણા કરાવતાં પહેલાં મિસિસ ગાંધીએ પોતાની કેબિનેટને અંધારામાં રાખી. વિરોધ પક્ષના નેતાઓ ઉપર એમને જેટલો ભરોસો હતો એટલો જ એમને પોતાની સાથે કામ કરતા પ્રધાનો પર હતો. કૉન્ગ્રેસમાં ચાલ્યા કરતી યાદવાસ્થળી ઇન્દિરાના દરબારમાં પરાકાષ્ઠાએ પહોંચતી. ન તો મિસિસ ગાંધી કોઈના પર વિશ્વાસ રાખતા ન પ્રધાનમંડળના સભ્યો એમના પર ભરોસો કરતા. કેબિનેટ મિનિસ્ટરોને ખાતરી થઈ ગઈ હતી કે મિસિસ ગાંધી બિગ બ્રધરની જેમ સૌના પર સતત નજર રાખે છે. જ્યૉર્જ ઓરવેલે 1949માં ‘નાઈન્ટીન એઇટી ફોર’ નામની નાનકડી પણ યુગપ્રવર્તક નવલકથા લખી હતી જેમાં એક સરમુખત્યાર- બિગ બ્રધર – પોતાના જ દેશના તમામ નાગરિકો પર ટેલીસ્ક્રીન દ્વારા જાસૂસી કરે છે. ‘બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ’ શબ્દપ્રયોગ ઇમરજન્સી દરમ્યાન બહુ વપરાતો. ઇન્દિરા ગાંધીની કેબિનેટના ડીફેન્સ મિનિસ્ટર જગજીવનરામ માનતા કે એમનો ફોન સતત નિગરાનીમાં મૂકવામાં આવ્યો હતો. પાછળથી તો તેઓ બધાને કહેતા થઈ ગયેલા કેઃ મને ખબર હતી કે પીએમએ મારી જાસૂસી કરવા માણસો રોકેલા એટલે ઇમરજન્સી દરમ્યાન હું ખૂબ જ સાવચેત રહેતો અને કંઈ બોલતો નહીં. ઇન્દિરા કેબિનેટના બીજા એક મિનિસ્ટર તો એટલી સાવચેતી રાખતા કે ચાની કિટલી ગરમ રાખવા માટે વપરાતી જાડી રજાઈના નાનકડા ટુકડા જેવી ટી-કોઝીથી પોતાનો ફોન ઢાંકી રાખતા. એમને ડર હતો કે ફોનમાં કોઈ એવી ગોઠવણ કરવામાં આવી છે કે રિસીવર ક્રેડલ પર હોય તો પણ આસપાસ શું વાત થઈ રહી છે તે રેકૉર્ડ કરી શકાય એવું કોઈ યંત્ર ફોનના ઇન્સ્ટ્રુમેન્ટમાં બેસાડી દેવામાં આવ્યું છે. કેટલાક પ્રધાનો કોઈની સાથે રૂબરૂ વાત કરવી હોય તો ફોનના રિસીવરને ક્રેડલ પરથી હટાવીને નીચે મૂકી દેતા જેથી ટેલિફોન લાઈન સાથેનું કનેક્શન કપાયેલું રહે.

મિસિસ ગાંધી પોતાની સાથે, પોતાના માટે કામ કરતા પ્રધાનમંડળના સભ્યો સાથે તદ્દન હલકી રીતે વર્તતા. મિનિસ્ટરોને કોઈ વાત કહેવાની હોય તો પોતે ડાયરેક્ટલી એમની સાથે કમ્યુનિકેટ કરવાને બદલે એમના સ્ટાફ દ્વારા, મોટેભાગે તો ધવન દ્વારા, સંદેશા મોકલતા.

સપોર્ટના બદલામાં જગજીવન રામ દસ વર્ષથી ઇન્કમ ટેક્સ ભરવાનું ‘ભૂલી ગયા’ હતા એ ભૂલ વડાં પ્રધાને માફ કરી દીધી હતી.

પ્રધાનમંડળના તમામ સભ્યોમાંથી સૌથી વધુ ખતરો જગજીવન રામ તરફથી તોળાતો. જગજીવન કેબિનેટના સૌથી સિનિયર મિનિસ્ટર. વડાં પ્રધાન પદત્યાગ કરે તો એમની ખુરશીના સૌથી પહેલા દાવેદાર. 1969માં ઇન્દિરા ગાંધીને કારણે કૉન્ગ્રેસના બે ઊભા ફાડચા થયા ત્યારે મોરારજી દેસાઈ સહિત તમામ સિનિયર કૉન્ગ્રેસીઓએ ઇન્દિરા સામે મોરચો માંડ્યો- આ મોરચો ‘સિન્ડિકેટ’ નામે ઓળખાતો એટલે જે લોકો ઇન્દિરાતરફી હતા તેઓને છાપાંવાળા ‘ઇન્ડિકેટ’ તરીકે ઓળખતા. શરૂનાં વર્ષોમાં કૉન્ગ્રેસ (એસ) અને કો
કૉન્ગ્રેસ (આઈ) એવી રીતે બેઉ ફાંટા ઓળખાતાં. વખત જતાં કૉન્ગ્રેસ એટલે ઇન્દિરા ગાંધીવાળી કૉન્ગ્રેસ જ ઓરિજિનલ છે એવું સ્થપાઈ ગયું.

1969માં કૉન્ગ્રેસના ભાગલા પડ્યા ત્યારે જગજીવન રામે પોતાના સિનિયર સાથીઓની પડખે રહેવાને બદલે ઇન્દિરા ગાંધીના પાલામાં રહેવાનું પસંદ કર્યું હતું. આ સપોર્ટના બદલામાં જગજીવન રામ દસ વર્ષથી ઇન્કમ ટેક્સ ભરવાનું ‘ભૂલી ગયા’ હતા એ ભૂલ વડાં પ્રધાને માફ કરી દીધી હતી.

શેડ્યુલ્ડ કાસ્ટના જગજીવન રામને એંશી જેટલા શેડ્યુલ્ડ કાસ્ટના સંસદસભ્યોનો ટેકો છે એવી અફવા તે વખતે ચાલતી. ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટને લીધે મિસિસ ગાંધી જાણતાં કે ચંદ્રશેખર અને રામ ધન જેવા પક્ષમાંના બંડખોર યુવા તુર્ક નેતાઓ જેપીના આંદોલનની સાથે છે અને જગજીવન રામ આ બેઉના સંપર્કમાં છે. ચંદ્રશેખરે તો જયપ્રકાશ નારાયણ માટે એક રાત્રિભોજન સમારંભનું આયોજન કર્યું હતું જેમાં પચાસ જેટલા કૉન્ગ્રેસીઓ પણ જમવા આવ્યા હતા. જેપીએ એક વખત જગજીવન રામનાં વખાણ કરતાં કહ્યું હતું કે આ એક કાબેલ અને કાર્યક્ષમ મંત્રી છે. આને કારણે ઇન્દિરા ગાંધીને જગજીવન રામની વફાદારી માટે વધારે શક થવા લાગ્યો હતો. બારમીએ જસ્ટિસ સિન્હાનું જજમેન્ટ આવ્યું કે તરત જ જગજીવન રામે પાર્ટીના યુવા તુર્ક ગણાતા સાથીઓને કહેવડાવી દીધું હતું કે મિસિસ ગાંધીએ રાજીનામું આપી દેવું જોઈએ. પણ જેવી ખબર પડી કે બાજી પૂરેપૂરી મિસિસ ગાંધીના હાથમાં છે કે તરત જ જગજીવન રામે થૂંકેલું ચાટી લીધું હતું. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના કુલદીપ નાયર 26મી જૂનની સવારે જગજીવન રામને મળવા એમના ઘરે ગયા ત્યારે જગજીવન રામ ભારે ચિંતામાં હતા અને એમને પોતાની જાન સામે ખતરો લાગતો હતો એવું કુલદીપ નાયરે આ પુસ્તકનાં લેખિકાને કહ્યું હતું. કુલદીપ નાયરે ઈમરજન્સી વિશે લખેલા પુસ્તકમાં પણ આ વાતની નોંધ છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં જેમના નામના સિક્કા પડતા તે યશવંતરાવ બળવંતરાવ ચવ્હાણ કેબિનેટના બીજા એક એવા સિનિયર મંત્રી હતા જે દીવાસ્વપ્ન જોતા કે અલાહાબાદના જજમેન્ટ પછી વડાં પ્રધાનની ખુરશી ખાલી થાય કે તરત, જગજીવન રામ એના પર બેસે તે પહેલાં, પોતે બિરાજમાન થઈ જાય. પણ સત્તા આંચકી લેવા જતાં કંઈ આડુંઅવળું વેતરાઈ જાય તો મિસિસ ગાંધી એમને હતા-નહોતા કરી નાખે એવો એમને ડર હતો જે સાચો હતો.

26મી જૂનની પરોઢે પાંચ વાગ્યે કેબિનેટના તમામ પ્રધાનોને ફોન કરીને જગાડવામાં આવ્યા. વડાં પ્રધાનનો સંદેશો હતો કે કલાક પછી બધાએ 1, સફદરજંગ રોડ પર કેબિનેટ મીટિંગ માટે હાજર થઈ જવાનું છે. સૌ કોઈ આંખો ચોળતું વિચારતું રહ્યું કે સવાર સવારમાં એવું તે શું અર્જન્ટ કામ આવી પડ્યું હશે. છ વાગ્યાની આસપાસ કેબિનેટની મીટિંગ શરૂ થઈ. શ્રીમતી ગાંધીએ મીટિંગને સંબોધતાં કહ્યું કે દેશમાં લૉ એન્ડ ઑર્ડરની પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે એટલે ઇમરજન્સી ઘોષિત કરવાનું અનિવાર્ય બની ગયું છે. હોમ સેક્રેટરી એસ. એલ.ખુરાના, જેઓ આગલી ઘડી સુધી આ બાબત વિશે અંધારામાં હતા એમને રાષ્ટ્રપતિનું ઘોષણાપત્ર વાંચી સંભળાવવાનું કહેવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી ઓમ મહેતા કેબિનેટ કક્ષાના મિનિસ્ટર નહોતા પણ કેબિનેટની મીટિંગમાં એમણે આ જાહેરનામાની જરૂરિયાત વિશેનું બૅકગ્રાઉન્ડ સૌને સમજાવ્યું.

ઇન્દિરા ગાંધીને સવાલ પૂછવાના ગંભીર ગુના બદલ થોડા જ મહિનાઓ બાદ સરદાર સ્વર્ણ સિંહ પાસેથી પ્રધાનપદું છિનવી લેવામાં આવ્યું.

કેબિનેટ મીટિંગમાં હાજર રહેલાઓમાંથી કોઈ માઈના લાલમાં વિરોધ કરવાની કે સવાલ પૂછવાની તો શું વિગતો કે સ્પષ્ટતા માગવાની પણ તાકાત નહોતી. સિવાય કે એક સરદાર સ્વર્ણ સિંહ. 1974માં દુકાળની પરિસ્થિતિને કાબૂમાં લેવા કાબેલ જગજીવન રામને સંરક્ષણમાંથી ખસેડીને કૃષિ મંત્રાલયમાં મોકલવામાં આવ્યા અને સ્વર્ણ સિંહને વિદેશ મંત્રીમાંથી ડિફેન્સ મિનિસ્ટર બનાવવામાં આવ્યા. સૌમ્ય અને મિતભાષી સરદાર સ્વર્ણ સિંહ છટાદાર વક્તા હતા. એમણે વડાં પ્રધાનને નમ્રતાથી પૂછ્યું કે પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધ પછી લાદવામાં આવેલી એક્સટર્નલ ઇમરજન્સી તો ઑલરેડી છે જ દેશમાં, તો બીજી ઇમરજન્સીની જરૂર કેમ પડી? વડાં પ્રધાનની એ વખતે જે બૉડી લૅન્ગવેજ હતી તેને શબ્દસ્થ કરવામાં આવે તો આવું લખવું પડેઃ આવા ફાલતુ સવાલો પૂછવા સિવાય બીજો કોઈ કામધંધો છે કે નહીં તમને?

ઇન્દિરા ગાંધીને સવાલ પૂછવાના ગંભીર ગુના બદલ થોડા જ મહિનાઓ બાદ સરદાર સ્વર્ણ સિંહ પાસેથી પ્રધાનપદું છિનવી લેવામાં આવ્યું. ભારતના સંસદીય ઇતિહાસમાં સરદાર સ્વર્ણ સિંહનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. એમણે સળંગ (એકધાર્યા) 25 વર્ષ સુધી વિવિધ વડાં પ્રધાનોના કેબિનેટ મિનિસ્ટર તરીકે દેશની સેવા કરી છે. જગજીવનરામ 30 વર્ષ સુધી કેબિનેટ મિનિસ્ટર રહ્યા પણ સળંગ નહીં, વચ્ચે વચ્ચે તેઓ સરકારની બહાર રહ્યા. પંડિત નેહરુની પ્રથમ કેબિનેટના આદરણીય સભ્ય સરદાર સ્વર્ણ સિંહને એમની પુત્રીએ લાત મારીને પ્રધાનમંડળમાંથી કાઢી મૂક્યા તે પછી તેઓ જિંદગીના છેલ્લા બેએક દાયકા સક્રિય રાજકારણથી દૂર રહ્યા.

ભારતમાં ભર બપોરે કાળું ડિબાંગ અંધારું છવાઈ રહ્યું હતું.

પંદર મિનિટમાં આટોપી લેવામાં આવેલી કેબિનેટ મીટિંગમાં મિસિસ ગાંધીએ સૌને જણાવ્યું કે ગઈ કાલે (25મીએ) રાત્રે જેપીએ રામલીલા મેદાનની રેલીના પ્રવચનમાં આગ ઓકીને પબ્લિકને ખૂબ ભડકાવી છે. મિસિસ ગાંધીએ અખબારી સેન્સરશિપ લાદવાની વાત પણ સૌ કોઈને જણાવી.

શ્રીમતી ઇન્દિરા ગાંધીનું હવે પછીનું પગલું એ જ હતું— સેન્સરશિપ. જેથી હવે પછી લેવાનારા અભૂતપૂર્વ પગલાના સમાચાર છાપાંઓમાં ન છપાય— વિરોધી રાજકીય નેતાઓની કોઈ દેખીતા વાંકગુના વગર ધરપકડ અને એ સૌને અનિશ્ચિત મુદતની જેલ અને એ દરમ્યાન સંસદમાં પોતાની ખુરશીને આજીવન સલામત રાખવા તાનાશાહી ઢબે બંધારણીય સુધારાઓ. ભારતમાં ભર બપોરે કાળું ડિબાંગ અંધારું છવાઈ રહ્યું હતું.

( વધુ પરમ દિવસે, રવિવાર 5 જુલાઈ 2020)

( ટૂંક સમયમાં પ્રકાશિત થનારા ‘ ધ ઇમરજન્સી: જાતે જોયેલા-અનુભવેલા ઘટનાક્રમનો દસ્તાવેજી ઇતિહાસ’ પુસ્તકમાંથી.
પ્રકાશક : સત્ત્વ પબ્લિકેશન,
43 સાંનિધ્ય કૉમ્પલેક્સ,
પાંચમા માળે,
એમ.જે. લાયબ્રેરીની બાજુમાં,
આશ્રમ રોડ,
અમદાવાદ 380009
મોબાઇલ : 97250 19114 )

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

8 COMMENTS

  1. ઈમર્જન્સી માં દિવસો વખતે કોલેજ શિક્ષણ પૂરું કરીને વડીલો ના બીઝનેસ માં જોઈન્ટ થયો તો મારા દુકાનમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલિસ સાથે સર્ચ વોરન્ટ વિના તપાસ માટે આવ્યા હતા
    કોઈ અમારા વિરુદ્ધ પુરાવા નહીં મળ્યા
    છેવટે અભદ્ર ભાષા માં ગાળો આપી
    અમે માત્ર એટલું કીધું તમે સતા માં છો કાઈ પણ બોલો અમને ચૂપ રહેવામાં sanpan છે
    સમાચાર માટે સાધના અને ભૂમિપત્ર વાંચતા
    પ્રબુદ્ધ જીવન માં અંક માં ચીમનલાલ ચકુભાઈ શાહ ની નીડર કોલમ વાંચીને અંદરથી એક જોશ ઉત્સાહ આવતો હતો
    જુની યાદો તમારા લેખો દવારા યાદ તાજી થઈ
    આભાર ન માનું તો નગુણો ghanauu

  2. During those days there was a quote was very famous ‘ Indira Gandhi is only MAN ( Mard) among cabinet members’ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here