ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ
યોગાનુયોગ છે. આ સિરીઝ ચાલી રહી છે અને આજે દેવસા’બની જન્મજયંતી છે.
એ ખૂબસૂરત બલાનું નામ રોઝી હતું. રાજુને ખબર નહોતી કે રોઝી એના જીવનમાં કેવી ઊથલપાથલ મચાવવાની હતી.
રોઝી ઠાવકી હતી અને ઉછળતી-કૂદતી પણ હતી. એક રોઝીમાં બે રોઝી હતી. રોઝીએ કિંગ કોબ્રા જેની પાસે હોય એવો કોઈ ગારૂડી આ ગામમાં છે એવું પૂછયું ત્યારે રાજુએ એને સામે પૂછયું હતું:
‘કેમ?’
‘બસ, મારે જોવો છે એટલે.’ રોઝીએ કહ્યું હતું.
એના પતિએ કહ્યું હતું, ‘આપણે બીજાં ઘણાં કામ છે, રોઝી. આ કામ પછી પણ થઈ શકે.’
‘કોણે કહ્યું કે મારે અબી ને અબી જ જવું છે, હું ખાલી પૂછું છું, બસ.’
‘તારે જવું હોય તો તું તારી મેળે જઈ આવજે. હું સાથે નથી આવવાનો. સાપનું મોઢું મને દીઠું નથી ગમતું. કેવો ગટરછાપ ટેસ્ટ છે તારો.
રાજુને એ માણસ ગમ્યો નહીં. રૂપ રૂપના અંબાર જેવી સ્ત્રી સાથે કેટલી હલકી રીતે વર્તી રહ્યો હતો. રાજુને એ સ્ત્રી માટે ભરપૂર સહાનુભૂતિ થઈ – કેવી પ્યારી લાગતી હતી, ભપકાદાર લાગતી હતી.
રોઝીનું આગમન રાજુ માટે એકદમ નવીનવાઈનું હતું. પહેલાં રોઝીનો પતિ માલગુડી આવ્યો હતો. રાજુએ એને આનંદ ભવન હૉટેલમાં ઊતારો અપાવ્યો હતો. એક આખો દિવસ રાજુએ એને સાઈટ સીઈંગ કરાવ્યું પછી એક દિવસ બપોરે અચાનક એણે રાજુને પૂછયું, ‘મારે મદ્રાસથી આવતી ટ્રેન પર કોઈને રિસીવ કરવા જવાનું છે.
એણે રાજુને પૂછયું પણ નહીં કે ટ્રેન કેટલા વાગ્યે આવે છે. એને પહેલેથી બધી જ ખબર હતી. બહુ વિચિત્ર આદમી હતો એ. પોતે શું કરે છે, કરવા માગે છે એના ખુલાસા ક્યારેય કરતો નહીં. એણે જો રાજુને પહેલેથી જાણ કરી હોત કે આવી કોઈ રૂપસુંદરીને તેડવા સ્ટેશને જવાનું છે તો રાજુ કદાચ ઠીકઠાક થઈને સ્ટેશને પહોંચ્યો હોત. સામાન્યરીતે રાજુ ખાખી બુસકોટ અને સફેદ ધોતી પહેરતો. લઘરવઘર દેખાતો, પણ એના પ્રકારના કામ માટે આવો પહેરવેશ ચાલી જતો. પેલી ટ્રેનમાંથી ઊતરી અને તરત રાજુને થયું કે સંતાઈ જાઉં. એ કંઈ ગ્લેમરસ નહોતી પણ એનું ફિગર ગજબનું હતું – પાતળી અને યોગ્ય જગ્યાઓએ ભરાવદાર. આધુનિક વેશભૂષા અને કેશભૂષા. પાણીદાર આંખો ચમક્યા કરતી. બહુ કઈ ગોરી ન કહેવાય, ડસ્કી હતી. કવિ બની જવાનું મન થાય એવી.
રોઝીએ જ્યારે ગારૂડી વિશે રાજુને પૂછયું હતું ત્યારે રાજુએ મનોમન નક્કી કરી લીધું હતું કે એ રોઝીની આ ઈચ્છા સંતોષવા કંઈક તો કરશે. રાજુએ ગફૂરને સાધ્યો. ગફૂર રાજુને માલગુડીની ઍલમૅન સ્ટ્રીટમાં રહેતા કોઈ માણસ પાસે લઈ ગયો જેનો કઝિન માલગુડીની મ્યુનિસિપલ ઑફિસમાં કામ કરતો હતો. એ કિંગ કોબ્રાવાળા કોઈ ગારૂડીને જાણતો હતો. રોઝીના પતિને ગુફાનિરીક્ષણમાં વ્યસ્ત કરીને રાજુ રોઝીને લઈને ગારૂડી જ્યાં રહેતો હતો એ બસ્તીમાં લઈ ગયો. એક ઝૂંપડાની બહાર રોઝી ઝાડ નીચે ઊભી રહી. ગારૂડીએ કરંડિયામાંથી સાપ બહાર કાઢ્યો. કિંગ કોબ્રા. સાક્ષાત્ નાગદેવતા. ખાસ્સો તગડોમગડો અને ફેણ કાઢતો. રોઝીએ ગારૂડીને કહ્યું, ‘તું બિન બજાવીને નાગને નૃત્ય કરતો દેખાડ.’
ગારૂડીએ બિન કાઢીને સૂર માંડ્યો. ધીમે ધીમે ચાલ ઝડપી થતી ગઈ અને નાગ બિનની સાથે ડોલવા માંડ્યો. રાજુને આ બધું જોવાની મઝા નહોતી આવતી, પણ રોઝી રોમાંચિત થઈ ગઈ હતી. રોઝી પોતાના બંને હાથ જોડીને ખભાથી ઊંચા કરીને માથા પર લઈ ગઈ અને જાણે બિનની ધૂન પર પોતે પણ નાચવાની હોય એવી મુદ્રા કરીને તરત અટકી ગઈ, પણ આટલામાં જ રાજુ પામી ગયો કે આ છોકરી સદીની સૌથી મહાન નૃત્યાંગના છે.
રાજુ ઓળઘોળ થઈ ગયો હતો આ પરણેલી સ્ત્રી પર.
રાત્રે ઘરે પાછો આવ્યો ત્યારે માએ પૂછયું કેમ આજે આટલું મોટું થયું? રાજુએ માને ગારૂડીવાળી વાત કહી. મા બોલી, ‘એ છોકરી બ્રહ્મદેશની હશે. ત્યાંના લોકો નાગદેવતાને પૂજતા હોય છે. મારો એક દૂરનો ભાઈ બ્રહ્મદેશમાં રહેતો હતો. એણે ત્યાંની કોઈ નાગક્ધયા વિશે મને વાત કરી હતી.
‘પાગલ જેવી વાત નહીં કર, મા. એ સારી છોકરી છે. નાગક્ધયા નથી. મને લાગે છે કે એ ડાન્સર હોવી જોઈએ.’
‘અચ્છા, નાચનારી! હોઈ શકે, પણ આવી નાચનારીઓ સાથે બહુ લપ્પનછપ્પન નહીં કરવાની. એ લોકોનો કોઈ ભરોસો નહીં.’
રાજુ કંઈ બોલ્યો નહીં. ચૂપચાપ જમતો રહ્યો. એના મનમાં છોકરીનું સુગંધિત વાતાવરણ છવાઈ ગયું હતું.
બીજે દિવસે રાજુએ મેલો ખાખી બુસકોટ છોડીને લેસવાળી ધોતી પર સિલ્કનો ઝભ્ભો પહેર્યો. માએ લાડથી કહ્યું, ‘મારો દીકરો વરરાજા જેવો લાગે છે.’ ગફૂરે એની સામે સ્મિત કરીને આંખ મિચકારી હતી. રાજુ રોઝી અને એના પતિની સેવામાં હાજર થવા આનંદ ભવન હૉટેલની રૂમ નંબર 28 પર પહોંચી ગયો.
આજનો વિચાર
‘અમારી વહુ સુશીલ છે.’
અત્યાર સુધી આ વાક્ય ‘સુશીલ’ વિશેષણ તરીકે વપરાતું હવે કદાચ નામ તરીકે પણ વપરાય.
એક મિનિટ!
પકો: યાર, આ કૉલેજવાળા ઍડમિશન આપતાં પહેલાં એલ.જી.બી.ટી.નું સર્ટિફિકેટ માગે છે.
બકો: અલ્યા એલજીબીટી નહીં એલિજિબિટીનું સર્ટિફિકેટ હશે.
( મુંબઇ સમાચાર : બુધવાર, 26 સપ્ટેમ્બર 2018)
Couldn’t open to day’s page as before
Now try.
waahhh!! Su apratiim varnan karyu che rozzi nu, khubaj saras… Ek baju patni nu saundarye ne biji baju atlu j opposite Marko nu behaviour je khali kkhandero ne guffao jova ma vyaste!
Wah!Shu varnan chhe! ‘Patali chhata yogy jagyaoe bharavdar’
ઓરિજિનલ જ કેટલું સરસ છે:
“She was not very glamorous, if that is what you expect, but she did have a figure, a slight and slender one…”