રાજુ ગાઈડ પરણેલી રોઝીના પ્રેમમાં પડે છે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

રૂમ નં. 28નો દરવાજો બંધ હતો. રાજુએ ટકોરો માર્યો. ‘એક મિનિટ!’ અંદરથી અવાજ આવ્યો. માણસનો. રાજુને આશા હતી કે છોકરી જવાબ આપશે. થોડી મિનિટ સુધી રાજુએ દરવાજાની બહાર રાહ જોઈ. પછી ધૂંવાંપૂંવાં થઈને પોતાની ઘડિયાળ તરફ જોયું. દસ તો વાગી ગયા હતા અને આ લોકો હજુ તૈયાર નહોતા. પેલાએ અંદરથી કહ્યું, ‘એક મિનિટ!’ સાલો શું કરતો હશે આટલે મોડે સુધી પથારીમાં. રાજુને ગુસ્સાના આવેશમાં દરવાજો તોડીને અંદર પહોંચી જવાનું મન થયું. ત્યાં જ દરવાજો ખૂલ્લો અને રોઝીનો પતિ બહાર નીકળ્યો. એ રાજુની સાથે બહાર જવા માટે કપડાંબપડાં પહેરીને તૈયાર હતો. રૂમની બહાર નીકળીને એણે દરવાજો બંધ કરી દીધો. રાજુને નવાઈ લાગી. એ હજુ પૂછવા જતો હતો કે, ‘મૅડમ નહીં આવે?’ પણ એણે પોતાની જાતને રોકી રાખી. એ ચૂપચાપ પેલા માણસની સાથે નીચે ઊતરી ગયો. ટેક્સીમાં બેસતાં પહેલાં પેલાએ રાજુને કહ્યું, ‘આજે મારે ફરી ગુફા જોવા જવું છે.’

‘ઠીક છે. પણ ગુફા જોવા જવા માટે મારું શું કામ છે? તમને ખબર છે એ ક્યાં છે, ટેક્સી તૈયાર છે.’

પેલાએ કહ્યું, ‘પછી મારે આ બધી જગ્યાઓ જોવી છે.’ એણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને યાદી વાંચી.

આ માણસ જિંદગી આખી પેલીને હૉટેલના રૂમમાં ગોંધીને ગુફાઓ જોયા કરશે. કમાલનો માણસ છે. તો પછી એ પેલીને સાથે લાવ્યો જ શું કામ? કદાચ ભૂલકણો હશે.

‘કોઈ સાથે આવવાનું નથી?’ રાજુએ છેવટે પૂછી જ લીધું.

‘ના.’ પેલાએ રાજુને તોડી પાડતો હોય એવી રીતે કહ્યું. પછી એણે હાથમાંના કાગળ સામે જોઈને પૂછ્યું, ‘આ વિસ્તારમાં કોઈ ગુફાચિત્રોનું અસ્તિત્વ છે એની તને ખબર છે?’

રાજુએ પેલાના સવાલને હસી કાઢયો, ‘હાસ્તો, પણ બધા ટૂરિસ્ટો ત્યાં નથી જતા. જાણકાર મહાનુભાવોને જ એમાં રસ પડે છે. પણ ત્યાં જવામાં એક આખો દિવસ નીકળી જાય. રાત્રે પાછા ન અવાય.’

પેલો માણસ પાછો રૂમમાં ગયો અને ઊતરેલી કઢી જેવું મોઢું લઈને નીચે ઊતર્યો. દરમિયાન, રાજુ અને ગફૂર ત્યાં જવા-આવવાનો તથા ફોરેસ્ટ બંગલોમાં રહેવાનો ખર્ચ કેટલો થશે તેની ગણતરી કરતા રહ્યા. પેલાએ ટૅક્સીની પાછલી સીટ પર બેસતાં કહ્યું, ‘તને અંદાજ નહીં હોય, બૈરાઓ સાથે કેવી રીતે કામ પાર પાડવું, નહીં?’

‘બિલકુલ નહીં.’ રાજુને આનંદ થયો કે આ રાક્ષસ જરા જરા માણસ જેવો લાગવા માંડયો હતો. પછી રાજુએ સાહસ કરી નાખ્યું. ‘શું તકલીફ છે?’ રાજુના નવા પહેરવેશને લીધે એનામાં નવી હિંમતનો સંચાર થઈ ગયો હતો. ખાખી બુસકોટ પહેર્યો હોત તો રાજુમાં ન તો આ માણસની સીટ પર એની બાજુમાં બેસવાની હિંમત થઈ હોત, ન આવો સવાલ કરવાનો વિચાર આવ્યો હોત.

પેલાએ રાજુની સામે જોઈને દોસ્તીવાળું સ્મિત કર્યું અને કહ્યું, ‘માણસમાં જો જરા સરખી અક્કલ હોય તો એણે સ્ત્રી જાતને માથે ચડાવીને મગજનું દહીં ના કરી નાખવાનું હોય.’ છેલ્લા ત્રણ દિવસમાં પહેલી વાર એણે રાજુ સાથે છૂટથી વાત કરી હતી. બાકી એ હંમેશાં અતડો અને તોછડો જ રહેતો. રાજુએ વિચાર્યું કે પેલાની જીભ છૂટી થઈ એનો મતલબ એ કે મામલો બહુ ગંભીર છે.

‘ચાલો, ચાલો સવાર સવારમાં ટાઈમ બગાડવો નથી.’ પેલાએ કહ્યું અને રાજુએ નક્કી કરી નાખ્યું કે હવે તો બાકીની બધી જ હિંમત એકઠી કરીને રાણાનો ઘા કરી જ નાખવોે છે. જો એમાં પોતે પાર પડ્યો તો જલસા અને ઊંધે માથે પડ્યો તો કાં તો આ માણસ મને લાત મારીને પોતાની નજરથી દૂર કરી નાખશે અથવા પોલીસને બોલાવશે. રાજુએ વિચાર્યું. પછી કહ્યું: ‘હું તમારા વતી ઉપર જઈને ટ્રાય કરું?’

‘તું ટ્રાય કરીશ? જા. કર. બહુ બહાદુર લાગે છે.’

રાજુ પળભર રોકાયા વિના સીધો જ ટેક્સીની બહાર કૂદયો અને સડસડાટ ચાર-ચાર પગથિયાં ચડીને રૂમ નંબર 28ના દરવાજે પહોંચીને શ્ર્વાસ ખાવા રોકાયો. પછી એણે દરવાજે ટકોરા માર્યા.

‘મને ડિસ્ટર્બ નહીં કરો,’ અંદરથી અવાજ આવ્યો, ‘મારે તમારી સાથે ગુફા જોવા નથી આવવું. મને એકલી રહેવા દો.’

રાજુ સહેજ ખચકાયો. ખબર નહીં પડી કે શું બોલવું. દૈવી રૂપયૌવના સાથે વાત કરવાનો આ પહેલો જ પ્રસંગ હતો. બોલીને કાં તો એ પુરવાર કરશે કે એ સાચે જ ગમાર અને બેવકૂફ છે, કાં પછી બાજી જીતી લેશે. તો હવે એેને કહેવું કેવી રીતે કે એણે પોતે ટકોરા માર્યા છે. સમગ્ર માલગુડીમાં જે ફેમસ છે એ રાજુ ગાઈડનું નામ એને ખબર હશે? રાજુ બોલ્યો, ‘એ નથી, હું છું.’

‘શું?’ અંદરથી મીઠડો અવાજ સંભળયો. જરાક મૂંઝવણભર્યો, જરાક ગુસ્સાવાળો.

રાજુ ફરીથી બોલ્યો, ‘એ નથી, હું છું. મારો અવાજ તમે ઓળખ્યોે નહીં.? કાલે હું પેલા સાપવાળાને ત્યાં તમને લઈ ગયો હતો?’ આટલું બોલીને રાજુએ ઉમેર્યું, ‘આખી રાત હું સૂતો નથી. તમે જે રીતે નૃત્યની મુદ્રા કરી, તમારી એ અદા, તમારી કાયા, આખી રાત હું જાગતો રહ્યો.’

રાજુએ હજુ વાક્ય શું પૂરું કર્યું ત્યાં જ દરવાજો અડધો ખૂલ્યો અને એ બોલી, ‘ઓહ, તમે’ છોકરીને આંખમાં ઓળખાણની ચમક હતી.

‘મારું નામ રાજુ છે.’ પેલીએ એને ધ્યાનથી જોઈને કહ્યું, ‘હાસ્તો વળી, હું જાણું છું, તમને.’

રાજુએ કોઈ ફોટો સ્ટુડિયોમાં ફોટોગ્રાફરના કહેવાથી જેવું સ્મિત કરવું પડે એવું સ્મિત કર્યું.

પેલીએ પૂછ્યું, ‘એ ક્યાં છે?’

‘ગાડીમાં તમારી રાહ જુએ છે. તમે તૈયાર થઈ જાઓ અને નીચે આવો.’

હમણાં જ રડી હોય એવી એની આંખો હતી. વાળ-કપડાં વેરવિખેર હતાં. ઘસાઈ ગયેલી કૉટનની સાડી પહેરી હતી. ન મેકઅપ, ન પરફયુમ. જેવી છે એવી, મને સ્વીકાર્ય છે – રાજુએ વિચાર્યું. એ બોલ્યો, ‘તમે જેમ છો એમ જ બહાર નીકળો. કોઈને વાંધો નથી. મેઘધનુષને વળી શણગારવાની શું જરૂર?’

રાજુ સાચે જ કવિ થઈ ગયો હતો. પેલી બોલી, ‘તમને એમ છે કે આવું બધું બોલીને તમે મને ખુશ કરી શકશો? તમને લાગે છે કે તમે મારો નિર્ણય બદલાવી શકશો?’

‘હા,’ રાજુએ કહ્યું, ‘બિલકુલ.’

‘તમે શું કામ જીદ કરો છો કે હું એમની સાથે બહાર જઉં? મને શાંતિથી અહીં પડી રહેવા દો,’ પેલીએ આંખો પહોળી કરીને કહ્યું. એ વધારે સુંદર લાગી રહી હતી. રાજુએ એના ચહેરાની નજીક જઈને ધીમા અવાજે કહ્યું, ‘કારણ કે તમારી હાજરી વિના જિંદગી સાવ કોરીકટ છે.’

આવું સાંભળીને પેલીએ રાજુને જોરદાર ધક્કો મારીને રડતાં રડતાં કહી દીધું હોત: ‘ખબરદાર જો મારી સાથે આવી તેવી કોઈ વાત કરી છે તો.’ પણ એવું કશું કહેવા-કરવાને બદલે એ બોલી, ‘તમે પણ બહુ જિદ્દી આદમી છો. એક મિનિટ, હું આવું છું,’ કહીને એ દરવાજો બંધ કરી પોતાના રૂમમાં જતી રહી. રાજુ દરવાજો જોરથી ખટખટાવીને ચિલ્લાઈને કહેવા માગતો હતો, ‘મને અંદર આવવા દે…’ પણ રાજુની મતિ એ હદ સુધી ભ્રષ્ટ થઈ ગઈ નહોતી. એણે જાતને કાબૂમાં લઈ લીધી. ત્યાં જ નિસરણી પર પેલીના પતિના ઉપર ચડવાના પગલાં સંભળાયાં. એ જોવા માગતો હતો કે રાજુના પ્રયત્નોનું કંઈ પરિણામ આવ્યું કે નહીં.

‘એ આવે છે કે નહીં? મારે મારો કિંમતી સમય આવી બધી…’

‘શ… શ… શ… એ થોડી જ સેક્ધડમાં તમારી સાથે આવવા માટે બહાર નીકળશે,’ રાજુએ કહ્યું.

‘ખરેખર. તું તો જાદુગર નીકળ્યો?’ એ ચૂપચાપ પાછો જઈને ટેક્સીમાં બેસી ગયો.’

રોઝીએ બહાર આવતાંવેંત રાજુને કહ્યું, ‘ચાલો, પણ તમે બોલાવવા ન આવ્યા હોત તો હું એકલી નેક્સ્ટ ટ્રેન પકડીને ઘરે પાછી જતી રહી હોત.’

ફોરેસ્ટ બંગલોમાં બે રૂમ હતા. એકમાં રોઝી અને એનો પતિ માર્કો રોકાયા. બીજામાં રાજુ. બંગલોના રખેવાળ જોસેફે ચાપાણી નાસ્તાની અને સવાર-સાંજના ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરી. રોઝી આસપાસનું વાતાવરણ જોઈને આનંદિત થઈ ગઈ. સવારે બધા માટે કોફી બનાવવાની જવાબદારી એણે પોતાના માથે લઈ લીધી. રાત્રે જમવાનું પીરસતી વખતે રોઝીનો હાથ અનાયાસે રાજુને અડ્યો અને રાજુની કલ્પનાના સાતમા આસમાને જઈને ઊડવા માંડી. અર્ધતંદ્રાવસ્થામાં જ એણે જમવાનું પૂરું કર્યું. રોઝીના ચુંબકીય સ્પર્શને યાદ કરતાં કરતાં રાજુએ વિચાર્યું: ‘ના, ના. આ ખોટું કહેવાય. માર્કો એનો પતિ છે, યાદ રહે. આવું કંઈ વિચારવાનું જ ન હોય.’ પણ વિચારો અટકવાનું નામ લેતા નહોતા: ‘એ બંદૂકથી તને ગોળી મારી દેશે. પણ એની પાસે બંદૂક હશે?’

જમ્યા પછી ફોરેસ્ટ બંગલોના વરંડામાં બેસીને સામેના જંગલમાં કોઈ પ્રાણી આવીને મારણનો શિકાર કરે એવી વ્યવસ્થા ગોઠવાઈ હતી. પણ માર્કોને એ જોવામાં રસ નહોતો. એ પોતાના કાગળિયાંઓ, નકશાઓ અને પુસ્તકોના ઢગલામાં ખોવાઈ ગયો.

‘હું વરંડામાં જઉં છું.’ રોઝી બોલી, ‘તમને કંઈ જોઈએ છે?’

‘ના. તું તારે જા.’ માર્કો કાગળિયામાંથી નજર ઊંચી કર્યા વિના જ બોલ્યો.

વરંડામાં રાજુ રોઝીને અહીંના હિંસક પ્રાણીઓ વિશે કલાક સુધી વાતો કરતો રહ્યો. રોઝીએ પૂછ્યું,

‘આમાંથી કોઈ જંગલી પશુ અહીં સુધી આવી ગયું તો?’

‘નહીં આવે,’ રાજુએ કહ્યું, જંગલ અને આ બંગલોની વચ્ચે પહોળી – ઊંડી ખાઈ છે.

ત્યાં જ સામેના જંગલમાં બે તગતગતી આંખો દેખાઈ. રોઝીએ રાજુની બાંય પકડીને કહ્યું, ‘જુઓ ત્યાં શું દેખાય છે?’

‘કદાચ દીપડો હશે,’ રાજુએ વાતો ચાલુ રાખવા ગપ્પું હાંક્યું. ધીમેથી થતી વાતો, જંગલનું અંધારું, આકાશમાં તારા, રોમાંચક વાતાવરણના આ ઉન્માદમાં રાજુના શ્ર્વાસ ભારે થવા લાગ્યા.

‘તમને શરદી થઈ ગઈ?’ રોઝીએ પૂછ્યું.

‘ના, કેમ?’

‘તો પછી શ્ર્વાસ લેવામાં આટલી તકલીફ કેમ થાય છે?’

‘તમારા નૃત્યની મુદ્રા મોહક હતી. તમારામાં કુદરતી બક્ષિસ છે. ફરી ક્યારેક મારે તમારું નૃત્ય જોવું છે. તમે મને ખૂબ ગમો છો. હું તમારો પ્રેમી બની શકું?’ રાજુ રોઝીની નજીક જઈને એના કાનમાં ધીમેકથી આ બધું જ કહેવા માગતો હતો, પણ સદ્નસીબે એણે પોતાની જાતને રોકી. એણે પાછળ વળીને જોયું તો માર્કો દબાતા પગલે આવીને ઊભો હતો.

આજનો વિચાર

હકીકત એ છે કે એ લોકો મોદીનો નહીં આપણા સૌનો શિકાર કરવા તત્પર છે. મોદી તો એમની વચ્ચે આવી રહ્યા છે.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

સ્વર્ગમાં મિર્ઝા ગાલિબે યમરાજને કહ્યું: ‘પ્રભુ, ધરતી પર પાછા જવાનો એક અવસર તો આપો.’

યમરાજ: કેમ?

ગાલિબ: આ વખતે ગઝલો નહીં, ભજનો લખવાનો વિચાર છે!

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018)

6 COMMENTS

  1. Superb narration! બહુ મજા આવી. ચાલુ રાખો ….અને હાં, હિન્દી ફિલ્મો માં લખવા માટે ની તક શોધ ચાલુ કરી દયો …!! આમ પણ તમે ખૂબ જ લોકપ્રિય લેખક તો છો જ! ઘણા વર્ષો પહેલાં, તમારી mystery ટાઈપ ની નવલિકા હપ્તે હપ્તે એક સામાયિક માં છપાતી (ચિત્રલેખા માં?) એમાં કંઈ ઈનામી હરીફાઈ પણ હતી! કદાચ હવે તમે fiction ઓછું લખો છો!! લખો ….. ત્યારે … ફિલ્મો માટે…!!👌🏻👍🏻😍😊🎉

    • મારી નવલકથા ‘મહારાજ’ પરથી Yash Raj Filmsએ એ જ નામથી હિંદી ફિલ્મ બનાવવાના રાઇટ્સ મારી પાસેથી ખરીદ્્યા છે.

  2. Guide movie કરતા પણ આ series વાંચવાની મજા આવે છે.

  3. હવે પછી શું થશે એ વાંચવાની ઉત્તેજના છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here