દુનિયા દર પાંચ વર્ષે બદલાઈ જાય છે અને આપણે?

તડકભડક : સૌરભ શાહ

(‘સંસ્કાર’ પૂર્તિ, ’સંદેશ’, રવિવાર, ૨૧ જુલાઈ ૨૦૧૯)

ગયા અઠવાડિયાની વાત આગળ ચલાવીએ. આપણે દર દસ વર્ષે બદલાઈએ છીએ અને તે પણ માંડ માંડ, પરાણે. એટલે જ આપણે દુનિયા સાથે તાલ મિલાવી શકતા નથી. દર વખતે પાંચ-પાંચ વર્ષ પાછળ રહી જઈએ છીએ. અને એક તબક્કે તો આપણી અને દુનિયા વચ્ચેનો ફાસલો બે-ત્રણ-ચાર દાયકા જેટલો થઈ ગયો હોય છે.

તમે આઠ-દસ વર્ષના હતા ત્યારે તમારાં પેરન્ટ્‌સ રેડિયો પર ‘ભૂલે બીસરે ગીત’ સાંભળતા હતા અને તમને ટોકતા હતાઃ આ શું ધમાલિયા ગીતો સાંભળ્યા કરવાના. પેરન્ટ્‌સનાં મિત્રો ઘરે મહેફિલ જમાવતા ત્યારે સાયગલ, સી.એચ.આત્મા કે જગમોહનનાં ગીતો પર તેઓ મોજ કરતાઃ દિલ કો હૈ તુમ સે પ્યાર ક્યોં, યે ના બતા સકુંગા મૈં… અથવા એવરગ્રીનઃ એક બંગલા બને ન્યારા… જબ દિલ હી ટૂટ ગયા.

તમને થતું કે આ શું બાબા આદમના જમાનાના લોકોની મહેફિલ ચાલી રહી છે.

તમને ક્યારેય વિચાર આવ્યો છે ખરો કે આજે તમે જ્યારે હમ કિસી સે કમ નહીં, સત્તે પે સત્તા, આશિકી કે ઈવન ડીડીએલજેનાં ગીતોની મહેફિલ સજાવીને બેઠા હો છો ત્યારે તમારાં ટીન એજ સંતાનો તમારાં વિશે શું વિચારતા હશે?

લેટેસ્ટ મૉડેલની કાર વસાવવાથી આપણે ટ્રેન્ડી બની જતા નથી. લેટેસ્ટ મૉડેલનો મોબાઈલ વાપરવાથી આપણે મૉડર્ન બની જતા નથી. લેટેસ્ટ ઍપ્સ વાપરવાથી કે ટીન એજર્સની જેમ સોશ્યલ મીડિયા પર ઍક્‌ટિવ થઈ જવાથી આપણે ‘જૂના જમાના’ના નહીં કહેવાઈએ એવું નથી.

બદલાવું એટલે ભીતરથી બદલાવું. બદલાવું કરતાં પણ બેટર શબ્દ છે સુધરવું, જાતને અપડેટ કરવી. કપડાં કે ભોજનની ટેવોમાં મૉડર્ન બનો કે ન બનો એ તમારા વ્યક્તિગત ટેસ્ટ પર આધાર રાખે છે. પણ થિન્કિંગમાં, આજુબાજુના વાતાવરણને – આખા જગતને – ઍબ્સોર્બ કરવાની બાબતમાં સુધરતા જઈએ.

તમે માર્ક કર્યું હોય તો અમુક ઉંમર પછી આપણામાં રિજિડિટી પ્રવેશતી જતી હોય છે. જડતા. પંદર કે પચ્ચીસ વર્ષે તમે જેટલા ફ્‌લેક્‌સિબલ હતા, નવું નવું સ્વીકારવા માટે, બધું જ ઍબ્સોર્બ કરીને પોતાનામાં સમાવી લઈને પોતાને વધુ સમૃધ્ધ કરવા માટે, એટલા ફ્‌લેક્‌સિબલ આપણે પાંત્રીસ કે પિસ્તાલીસની ઉંમરે નથી રહેતા. નથી રહી શકતા. પંચાવન કે પાંસઠની ઉંમરે તો અલમૉસ્ટ સાવ જ ડકબૅકના રેઈનકોટ જેવા થઈ જઈએ છીએ. ગમે એટલો ધોધમાર વરસાદ પડે પણ અપણે પલળીએ જ નહીં.

પાંત્રીસ, પિસ્તાલીસ, પંચાવન કે પાંસઠ-પંચોતેર તો એ ઉંમર છે જ્યારે આપણામાં અનુભવો ઉમેરાયા હોય. પંદર-પચ્ચીસની જનરૅશનની સરખામણીએ આ તમારો પ્લસ પૉઈન્ટ છે. બદલાતી દુનિયાના તમે સાક્ષી રહી ચૂક્યા છો. બહુ મોટી વાત છે આ. દર વર્ષે પૂરા ૩૬૫ દિવસ જીવ્યા વિના આ અનુભવ આવતો નથી. બજારમાં જઈને ગમે એટલા પૈસા ઑફર કરો તમને જાતાનુભવ મળવાનો નથી ને પારકાનો અનુભવ દર વખતે કામ લાગવાનો નથી.

બદલાતી દુનિયાના જો તમે માત્ર સાક્ષી હશો તો અનુભવવાળો આ પ્લસ પૉઈન્ટ તમારા કશા કામનો નથી. કદાચ તમારા માટે બોજારૂપ પણ બની જાય. બદલાતી દુનિયાની સાથે તમે પણ એ જ ગતિએ બદલાયા તો જ તમારો આ અનુભવ તમારા માટે બર્ડનસમ બનવાને બદલે તમારો પ્લસ પૉઈન્ટ બની જશે. પણ એવું બનતું નથી. આ દુનિયા દર પાંચ વર્ષે ધરખમ રીતે બદલાઈ જાય છે. તમને બદલાવા માટે એક આખો દાયકો જોઈએ છે. દર વખતે આ પાંચ-પાંચ વર્ષનો ગૅપ તમારી અને દુનિયાની વચ્ચે ખાઈ બનતો જાય છે. આવા પાંચ-સાત ગૅપ તમારી અને દુનિયાની વચ્ચેનું અંતર બે-ત્રણ દાયકા જેટલું વધારી દે છે.

તો કરવું શું?

એક્‌સપોઝર વધારીએ. એના એ જ વાતાવરણમાં અને એની એ જ કંપનીમાં( એટલે કે મિત્રો-પડોશીઓ-ક્‌લબના મિત્રો વગેરેની કંપનીમાં) પડ્યા પાથર્યા ન રહીએ. જૂનાનું મૂલ્ય ઘટાડ્યા વિના નવી દુનિયાને એક્‌સપ્લૉર કરીએ. વૅકેશનમાં ફુકેટ કે સ્વિત્ઝરલૅન્ડ જવાથી દુનિયા એક્‌સપ્લૉર થઈ જતી નથી. વરસમાં ચાર કે બાર કે બાવીસ વાર દેશમાં કે દુનિયામાં રખડી આવવાથી પણ આપોઆપ દુનિયા એક્‌સપ્લૉર થઈ જવાની નથી. ભીતરની બારીઓ ઉઘાડી નાખવાથી, બહારની તાજી આધુનિક હવાને તમારા ફેફસાં સુધી, મનમસ્તિષ્ક સુધી પહોંચવાની સવલત કરી આપવાથી જગત આખાનાં વહેણને તમે સ્પર્શી શકો છો.

દેશમાં કે દુનિયામાં વિવિધ સ્થળોના પ્રવાસનું મહત્વ ઓછું નથી. પણ ક્યાંય ગયા વિના જગત આખાની ચેતનાને પોતાનામાં સમાવી લેવાનું મહત્વ પણ એટલું જ છે. આપણે ક્રિસ્ટોફર કોલંબસ, વાસ્કો-ડી-ગામા કે હ્યુ-એન-ત્સંગને જરૂર બિરદાવીએ. દુનિયા ખૂંદી વળ્યા તેઓ. આની સામે ભારતના અસંખ્ય ગુમનામ ૠષિઓએ વેદો રચ્યાં, મહાકાવ્યો રચ્યાં, માણસના મનની ભીતરની વાતો વિશે લખ્યું, આજે જેની બોલબાલા છે એ મોટિવેશનલ સામગ્રીને તો હજારો વર્ષ પહેલાં ગીતામાં ઠાંસી ઠાંસીને એમણે ભરી. ક્યાંય ગયા વિના. જંગલમાં રહીને. એકાંતમાં પર્ણકુટિર જ એમનું જગત. દુનિયા સાથે કોઈ કમ્યુનિકેશન નહીં. છતાં આખી દુનિયાનો ઉધ્ધાર કરી શકે એવા ગ્રંથો રચ્યા.

ચૉઈસ તમારી છે. તમારી પ્રકૃતિને જે અનુકૂળ આવે તે. ઘર કે બહાર. તમને જ્યાં ગમે તે. પણ ખુલ્લા દિમાગ સાથે જીવવું. વર્લ્ડ ટુર કરનારા બધા પ્રવાસીઓમાં કોલંબસ જેવી સાહસિકતા નથી હોતી. દરેક પ્રવાસી દુનિયાના ખુલ્લા વાતાવરણને પોતાની બૅગમાં ભરીને ઘરે પાછો આવે એવું નથી હોતું. ઊલટાનું પોતાના પૂર્વગ્રહોને વધુ દૄઢ બનાવીને પોતાના દેશભેગો થઈ જતો હોય એવું પણ બને.

આ દુનિયામાં રોજ કંઈક નવું ને નવું શોધાતું જ રહે છે, બદલાતું જ રહે છે. જૂના વિચારો બેબુનિયાદ પુરવાર થાય, જૂની ચીજવસ્તુઓ ભંગારમાં આપી દેવી પડે એવી નવી નવી શોધખોળો થતી રહે છે. તમારી અગાઉની માન્યતાઓ પર ચોકડી મૂકાઈ જાય એવા નવા વિચારો, નવી લાઈફસ્ટાઈલ, નવી જીવનરીતિ દુનિયા અપનાવતી જાય અને તમે પોતાને લેફ્‌ટાઆઉટ ફીલ કરો એવું બને.

આમાંથી શું સ્વીકારવું, કેટલું સ્વીકારવું, ક્યારે સ્વીકારવું-આ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે મેળવવાના છે. બદલાઈ રહેલું બધું જ કામનું છે એવું નથી, બધું જ નકામું છે એવું પણ નથી. બદલાઈ રહેલું બધું જ તાબડતોબ અપનાવી લેવું પડે એવું પણ નથી. ટેક યૉર ટાઈમ ઍન્ડ બી કમ્ફર્ટેબલ. તેલ જુઓ, તેલની ધાર જુઓ. આજે ને આજે જ બધું અપનાવી લેવું જરૂરી નથી. કોઈકનું ગાઈડન્સ લઈએ, જ્યાં ટ્રેનિંગની જરૂર હોય ત્યાં ટ્રેનિંગ લઈએ અને જ્યાં આપણી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ વધારવાની જરૂર હોય ત્યાં એ વધારીએ. પણ સભાન રહીએ. જાગ્રત રહીએ કે આપણે આપણી જાતને અપગ્રેડ કર્યા વિના ચાલવાનું નથી. નવું શિખ્યા વિના, નવા ઉકેલો શોધ્યા વિના, નવી રીતે કામ કર્યા વિના, નવા શોખ કેળવ્યા વિના, નવા, નવા લોકોને મળ્યા વિના, નવા સાધનો વસાવ્યા વિના અને જૂનું સતત થોડુંઘણું ખંખેરીને ત્યજ્યા વિના ચાલવાનું નથી.

દુનિયા કરતાં આગળ રહેવું હશે તો દુનિયા કરતાં વધારે ઝડપથી અપડેટ થઈ જવું પડશે. દુનિયા જો દર પાંચ વર્ષે બદલાતી હોય અને હું દર દસ વર્ષે બદલાતો હોઉં તો એ હવે નહીં ચાલે. હું પાંચ વર્ષે બદલાઈશ તો માંડ માંડ દુનિયા સાથે તાલ મેળવી શકીશ. મારે મારી જાતને દર ચાર વર્ષ અને બને તો દર બે-ત્રણ વર્ષે બદલવી પડશે. તો જ હું દુનિયાથી બે કદમ આગળ રહીને ટ્રેન્ડ સેટર બની શકીશ. અને જો અત્યાર સુધીની આળસને કારણે તમે દુનિયાથી દસ-વીસ કે ત્રીસ વર્ષ પાછળ ફેંકાઈ ગયા છો એવું જો તમને લાગતું હોય તો હજુ પણ કંઈ મોડું થયું નથી. આવતા પાંચ વર્ષમાં તમે ધારો તો ૨૦૨૪માં જીવતા થઈ શકો છો. તૈયારી આજથી કરવી પડે. નવું સ્વીકારવાની, નવું શોધવાની અને તમારી વિવેકબુધ્ધિ, તમારી કોઠાસૂઝ અને તમારી પ્રકૃતિનો આદર કરતાં કરતાં આગળ વધવાની તૈયારી હશે તો શક્ય છે કે ૨૦૨૪ની સાલમાં તમે ૨૦૩૪નો જમાનો કેવો હશે એની કલ્પના કરીને, એ રીતે જીવવાની તૈયારી કરતા થઈ ગયા હશો.

પાન બનાર્સવાલા

માહિતીના ઢગલા હેઠળ દબાઈ જતા આધુનિક માણસના મનને કૌતુક, વિસ્મય અને કુતૂહલનું મૂલ્ય સમજાતું નથી.

_ઓશો રજનીશ

6 COMMENTS

  1. Moving with the time and thinking along with the time is the best solution to understand your children and grandchildren. This can bring harmony and understanding between the family members.

  2. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જે સમય સાથે ચાલે છે એ સદા ય નવયુવાન રહે છે…

  3. Exactly સમય સાથે તાલ મેળવી વિચારો માં પરિવર્તન કરતા રહેવું જોઈએ…

  4. Exactly સમય સાથે તાલ મેળવી વિચારો માં પરિવર્તન કરતા રહેવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here