શહેરમાં રહેવું કે વતન ભેગા થઈ જવું

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, ‘સંદેશ’,બુધવાર, ૧૭ જુલાઈ ૨૦૧૯)

શહેરમાં રહેવાની સગવડો બધાને જોઈએ છે પણ સિટીલાઈફની આપદા કોઈને ભોગવવી નથી. એક સમયે તમે નહીં તો તમારા બાપદાદા શહેરમાં નહોતા રહેતા. આપણે પોતે કે આપણી પાછલી પેઢીના વડીલો પોતાના વતનના ગામને છોડીને શહેરમાં આવ્યા. એ વખતનું શહેર અમુક હજાર કે અમુક લાખની વસ્તીની સુવિધાઓ માટે બન્યું હશે. આપણે( કે આપણા બાપદાદાઓએ) એ સુવિધાઓમાં ભાગ પડાવ્યો. આજની તારીખે શહેરમાં આપણને મળતી સુવિધાઓમાં ભાગ પડાવવા રોજ સેંકડો કે હજારો લોકો પોતપોતાનું વતન છોડીને આવે છે અને આપણે ફરિયાદ કરીએ છીએઃ આવી ગયા ભાગ પડાવવા.

શહેરમાં થતી કમાણી ગમે છે, શહેરની સ્ફૂર્તિ, શહેરનું વર્ક કલ્ચર ગમે છે. શહેરમાં સતત ખુલતી જતી ભવિષ્યની નવી નવી તકો પણ વહાલી લાગે છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ જે બધું ગમે છે તે ત્યારે શક્ય બન્યું જ્યારે આપણા પહેલાં અહીં આવીને વસેલા લોકોએ પોતાની સગવડોના ભોગે શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્‌ચર બનવા દીધું. શહેરના રસ્તાઓ, શહેરની જળ વ્યવસ્થા, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, વિજળીના કેબલ્સ, ટેલીફોનના કેબલ્સ વગેરે ડઝનબંધ સુવિધાઓ અપાતી હતી ત્યારે કોઈકને કોઈક લોકોને તો અગવડ પડી જ હશે. આજે જ્યારે મેટ્રો બની રહી છે, ચારમાંથી સિક્‌સ લેનના રસ્તા બંધાઈ રહ્યા છે, નવા ફ્‌લાય ઓવર્સ, ગેસની અને ફાઈબર ઑપ્ટિક્‌સની લાઈનો વગેરેને કારણે અસુવિધા તો પડવાની જ છે. ટ્રાફિક જામ થશે, વરસાદમાં પાણી ભરાઈ જશે, ક્યારેક ટ્રેન પકડવામાં મોડું થશે, કોઈ વખત અગત્યનું કામ રખડી પડશે, મૂવીનું બીગિનિંગ ચૂકી જઈશું. આવું તો થવાનું જ. જે શહેર તમને તમારાં અરમાનો પૂરાં કરવાની તક આપે છે એ તમારા ઉપરાંતના લોકોનાં સપનાંઓને સાકાર કરવા માટે સજ્‌જ થઈ રહ્યું હોય ત્યારે સ્વાર્થી બનીને, એકલપેટા થઈને એવું ન વિચારી શકીએ કે આપણને અગવડ પડી રહી છે. અને જો એવા જ વિચારોમાં મન રચ્યુંપચ્યું રહેતું હોય તો સાંજે ઑફિસથી ઘરે પાછા આવો ત્યારે બૅગ-બિસ્તરા બાંધીને થઈ જાઓ પાછા વતન ભેગા. અહીંનું ઘર વેચી નાખશો તો વતનમાં બંગલો બાંધ્યા પછી પણ પૈસા બચવાના છે. અહીંના ભાડાની સરખામણીએ વતનમાં અડધા ભાડે બમણી મોટી જગ્યા મળશે. શાકભાજી-દૂધ પણ સસ્તાં મળશે અને ટ્રાફિક જામ તો હશે જ નહીં. એક છેડેથી બીજે છેડે પહોંચતાં દસ મિનિટ પણ નહીં લાગે. થઈ જવું છે ગામભેગા? ના. કારણ કે ત્યાં અપોર્ચ્યુનિટીઝ નથી. ઈન્ફ્રાસ્ટ્રક્‌ચર નથી. સંતાનો માટેનું ફ્યુચર નથી, વાઈફ માટે સારાં બ્યુટી પાર્લર્સ નથી અને પૅરન્ટ્‌સ માટે સરખી હૉસ્પિટલો નથી. મોજમજા કરવાની જગ્યાઓ નથી. અને સૌથી મોટી વાત તો એ કે અહીં શહેરમાં રહીને જે ધંધો-નોકરી-વ્યવસાય કરીએ છીએ તે ત્યાં નથી, આટલી કમાણી નથી. માનસિક શાંતિ હશે પણ માનસિક શાંતિઓને ભેગી કરીને બૅન્કમાં ડિપોઝિટ કરીને ફિક્‌સ્ડમાં મૂકી શકાતી નથી. માનસિક શાંતિઓ તમને ફ્યુચરની આર્થિક સલામતી આપતી નથી. માનસિક શાંતિ તમારાં સંતાનોના ટ્‌યુશન ક્‌લાસીસની ફી ભરી શકતી નથી, એમને ભણવા માટે વધુ સારી કૉલેજ, ઈન્સ્ટિટ્‌યુટમાં કે વિદેશની યુનિવર્સિટીમાં મોકલી શકતી નથી.

આપણી આસપાસનું વાતાવરણ આપણું દુશ્મન નથી. એને બહેતર બનાવવું હોય તો પહેલી કોશિશ આપણી પોતાની હોવી જોઈએ. બીજાઓના આધારે બેસી રહેવાથી કંઈ નહીં વળે. શહેરના ટ્રાફિકને ગાળો આપવાથી કંઈ નહીં વળે. આપણે પોતે એ ટ્રાફિક જામનો એક ભાગ છીએ. આપણે ભલે આપણને ટ્રાફિક જામના વિક્‌ટિમ માનતા હોઈએ પણ ટ્રાફિક જામનું એક કારણ આપણે પણ છીએ. ઘરમાં બેસી રહ્યા હોત તો રસ્તા પર એક ગાડી ઓછી હોત. ટ્રાફિક જામ થાય છે ત્યારે એમાં ફસાયેલી દરેકે દરેક વ્યક્તિ વિક્‌ટિમ તો હોય છે જ, ટ્રાફિક જામનું કારણ પણ હોય છે. શહેરની અગવડો વાસ્તવમાં તો ભવિષ્યમાં મળનારી સગવડો પેટે ચૂકવવામાં આવતા ઈ.એમ.આઈ. છે. શહેરમાં મળતી ભવિષ્યની તકોનાં બદલામાં આજે જે કંઈ ભોગ આપવાનો છે તે આ અગવડો ભોગવીને આપવાનો છે.

જે શહેરમાં રહીએ છીએ, જ્યાં આપણી રોજીરોટી છે એ સ્થળને કોસવાને બદલે એને ચાહવાની કોશિશ કરીએ. ફરિયાદો આપોઆપ ઓછી થઈ જશે. ત્રણ-ત્રણ ગ્રીન સિગ્નલો વીતી ગયા પછી પણ આપણો વારો ન આવતો હોય ત્યારે આ વાત યાદ કરજો, આપોઆપ ધીરજ આવી જશે. ધીરજ આવી જશે એટલું જ નહીં, શહેરના ખાડાવાળા રસ્તાઓ પરથી વાહન ચલાવવાની ધીમે ધીમે મઝા આવતી જશે. તમારી ખામીઓને તમારાં સંતાનો, તમારાં પેરન્ટ્‌સ અને તમારા સ્પાઉઝે જે રીતે ચલાવી લીધી એ જ રીતે તમારા શહેરના તમામ ઈમ્પર્ફેક્‌ટ પાસાંઓને તમે ચલાવી લેતાં શીખી જશો તો તમારું શહેર તમને વૃંદાવન સમું લાગશે, ક્યારેય વૈકુંઠ જવાનું મન નહીં થાય.

સાયલન્સ પ્લીઝ!

કુદરતી સૌંદર્ય માણવા મારે ન્યૂયૉર્ક સિટીની બહાર નથી જવું. જે જગ્યાએ મને મારી ફેવરિટ બુક શૉપ્સ, મનગમતી રેસ્ટૉરાં, ઘરેથી આવવા જવા માટેની ટ્રેન સર્વિસ ન મળવાની હોય એ જગ્યાએ જઈને હું કુદરતનું સૌંદર્ય તો શું ઘાસના એક તણખલાની બ્યુટી પણ માણી શકવાનો નથી.

_ફ્રૅન્ક ઓ’ હારા (અમેરિકન કવિ, આર્ટ ક્રિટિકઃ ૧૯૨૬ – ૧૯૬૬)

7 COMMENTS

  1. You r right. We have to pay price of development for our future generation including our own children. Most of your articles give positive side of the subject matter. Thanks & regards.

  2. બહુ જ સરસ સૌરભભાઈ.. પ્રશ્નો તો સૌ ઊભા કરે ફરીયાદ પણ.. પણ give and take ની પોલીસી સહુ ભુલી જાય છે.

  3. વાહ…વાહ… અતી સુંદર લેખ… I love Mumbai… મારું મુંબઈ વૃંદાવન સમુ.. પણ ક્યારેક ક્યારેક વૈકુંઠ (ગામમાં) જવા ની પણ મજા છે…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here