છ કલાક માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બંધ પડે છે ત્યારેઃ સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૧૦ ઑક્ટોબર, ૨૦૨૧)

ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સઍપ છ કલાક માટે ઠપ્પ થઈ જાય છે અને જગત આખામાં હાહાકાર મચી જાય છે. જાણે આખા વિશ્વમાં છ કલાક માટે વીજપુરવઠો ખોરવાઈ ગયો હોય.

સોશ્યલ મીડિયાનું મહત્ત્વ ઑક્સિજન જેટલું થઈ ગયું છે. એ ના હોય તો શ્વાસ ન લઈ શકીએ. સાધુસંતો સોશ્યલ મીડિયાના દુરુપયોગની વિરુદ્ધ સાચી રીતે જ આક્રોશ વ્યક્ત કરતા રહે છે. અવળચંડા વિચારકો વહેણમાં તણાઈને સોશ્યલ મીડિયાની ખિલાફ બખેડા ઊભા કરતા રહે છે.

દુરુપયોગ તો કોઈ પણ ચીજનો થવાનો જ. પૈડું શોધાયું તો એના પર ઍમ્બ્યુલન્સ પણ દોડવાની અને કોઈ ખૂની પોતાના વાહન નીચે દુશ્મનને કચડી નાકવાની સાઝિશ પણ રચવાનો. અગ્નિની શોધ થયા પછી એનો ઉપયોગ ભોજન પકવવા પણ થાય છે અને દહેજ ન લાવનારી વહુને સળગાવી દેવા પણ એ વપરાય છે. મુદ્રણની શોધ થકી ભગવદ્ ગીતા છપાઈ શકે છે અને પોર્નોગ્રાફીનાં પુસ્તકો પણ છપાય છે. ફિલ્મો બનતી થયા પછી સાત્વિક મનોરંજન આપતી હજારો ફિલ્મ આ દેશમાં બની અને કેટલીક ફિલ્મો એવા એજન્ડાધારીઓએ પણ બનાવી જે આ દેશની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરતી હોય.

કોઈ પણ ચીજનો દુરુપયોગ થતો હોય ત્યારે એ ચીજને વખોડી કાઢવાની નાદાની ન થાય, એનો દુરુપયોગ કરનારાઓને ટાર્ગેટ બનાવવાના હોય. પૈડું, અગ્નિ, પ્રિન્ટિંગ કે ફિલ્મ મેકિંગ જેવી બીજી હજારો બાબતો છે જેનો દુરુપયોગ થતો થયો છે, થતો રહે છે અને ભવિષ્યમાં પણ દુર્જનો એનો દુરુપયોગ કરવાના નવા નવા પેંતરા શોધતા જ રહેવાના છે. આ દુર્જનો સાથે દુશ્મનાવટ કરો અને હિંમત હોય તો એમને ચાર રસ્તા પર લાવીને, નિર્વસ્ત્ર કરીને આકરામાં આકરી સજા કરો. પણ એમની સાથે જેઓ આ માધ્યમોનો સદુપયોગ કરે છે એમની સામે શું કામ તમારી અતૃપ્ત વાસનાઓમાંથી પ્રગટતા બખાળા વ્યક્ત કરો છો? અંગ્રેજીમાં એક ફ્રેઝ છેઃ ટુ થ્રો ધ બેબી આઉટ વિથ ધ બાથવૉટર. આ શબ્દપ્રયોગ ત્યારે વપરાય છે જ્યારે નકામું છે તેની સાથોસાથ કામનું પણ ફેંકી દેવામાં આવે. મૂળ આ જર્મન શબ્દપ્રયોગ છે જે હવે કહેવતનુમા બની ગયો છે. 1512ની સાલમાં થોમસ મર્નરે જર્મની ભાષામાં આ મતલબનો મુહાવરો યોજ્યો. નવજાત શિશુને નાના ટબમાં નવડાવ્યા પછી એ પાત્રમાનું ગંદું પાણી ફેંકી દેતી વખતે ધ્યાન રાખવાનું હોય કે ક્યાંક શિશુને ખાળમાં ધકેલી ન દો.

આ જાણીતા અંગ્રેજી કૅચફ્રેઝ વિશે આટલી ઊંડાણભરી માહિતી મને ક્યાંથી મળી? ગૂગલ સર્ચ કરવાથી – વિકિપીડિયામાંથી બે-ત્રણ દાયકા અગાઉ આવી કોઈ માહિતી મેળવવા માટે કોઈ વિદ્વાન અંગ્રેજી પ્રોફેસરનો સંપર્ક કરવો પડ્યો હોત અને એમની પાસે પણ આટલી ઊંડાણભરી માહિતી હોત કે નહીં એ તો ભગવાન જાણે. આજે ઘડીના છઠ્ઠા ભાગમાં મેં જાણી લીધું કે આ રૂઢિપ્રયોગનું જન્મસ્થાન ક્યાં હતું. મેં અહીં લખી છે એના કરતાં દસગણી માહિતી હવે મારી પાસે છે પણ લેખના વિષય માટે જેટલી સુસંગત છે એટલી જ માહિતી અહીં ઠાલવી છે.

ઇન્ટરનેટ અને ઇમેલથી શરૂ થઈને સોશ્યલ મીડિયા સુધી પહોંચ્યા પછી ક્યાં જઈને અટકવાની છે, બદલવાની છે એની કોઈને ખબર નથી. આગામી પાંચ-દસ વર્ષમાં જેની ચર્ચા ચોરે-ચૌટે થતી હશે એવી આ ક્ષેત્રની શોધખોળો વિશે દુનિયામાં ઠેકઠેકાણે અત્યારે સંશોધન થઈ રહ્યું હશે જેની અટકળો કરવી પણ મુશ્કેલ છે.

છ કલાક માટે ઠપ્પ થઈ જનારાં સોશ્યલ મીડિયા અને એનાં માસિયાઈ-પિતરાઈ-સહોદરોવાળાં માધ્યમોનો સરેઆમ દુરૂપયોગ થઈ રહ્યો છે, કરોડો લોકોના અબજો કલાકો રોજના હિસાબે વેડફાઈ રહ્યા છે, પોતાનું નક્કર કામ બાજુએ મૂકીને લોકો મોબાઈલ મચડમચડ કર્યા કરે છે – આ બધી ફરિયાદો સાચી અને એની સામેનો આક્રોશ પણ સાચો.

પરંતુ આ બધાં નવાં આવેલાં માધ્યમો ન હોત તો? અમારા જેવા પત્રકારો-લેખકોએ મોંઘોદાટ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા ઘરમાં વસાવીને કે પછી લાયબ્રેરીમાં જઈને એનાં ત્રીસ વોલ્યુમનાં પાનાં ઉથલાવીને જોઈતી માહિતી મેળવવી પડતી હોત. ગયા મહિને કે ગયા વર્ષે દેશમાં/દુનિયામાં બનેલી કોઈ ખાસ ઘટનાની વિગતો મેળવવા ઘરમાં છાપાં/મૅગેઝિનોનાં કાપલાંવાળી તોતિંગ રેફરન્સ લાયબ્રેરી ઊભી કરવામાં સમય-શક્તિ-નાણાંનો વ્યય કરવો પડતો હોત. આંગળીના એક ટેરવે કિન્ડલ પર ખરીદીને બીજી જ ક્ષણે વાંચવા મળતાં પુસ્તકો શોધવા ઠેર ઠેર ભટકવું પડતું હોત.

પત્રકા-લેખકે જ નહીં વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે ડૉક્ટર-સીએ-એન્જિનિયર વગેરે પ્રોફેશનલ્સ પોતાના વ્યવસાય માટે, બિઝનેસમૅન પોતાના ધંધાની ગતિવિધિઓ જાણવા માટે અને નોકરિયાતો કરિયરમાં આગળ વધવા પોતાનું નૉલેજ અપડેટ કરવા માટે આ માધ્યમોના સતત સંપર્કમાં રહેતા હોય છે. કોઈ નવું અટપટું સાધન ચલાવતાં ન આવડતું હોય ત્યારે યુટ્યુબ પર જઈને તાબડતોબ એને ચાલુ કરવાની રીત શીખી શકાય છે. ફેસબુક પર નેવું ટકા નકામી વાતો પોસ્ટ થતી હશે પણ ત્યાંય માહિતીપ્રદ પેજ કે પ્રોફાઇલ છે અને વૉટ્સઍપ ભલે નવરી બજારના રસિયાઓ માટેનો ચોતરો ગણાતું હોય અને કેટલીયવાર અફવાઓ તથા ફેક ન્યુઝનો એના દ્વારા પ્રસાર-પ્રચાર થતો હોય અને રોજ ડઝનબંધ મળતા ‘શુભેચ્છા’ તથા ‘પ્રેરણાત્મક’ સંદેશાઓથી નાસમજ અને દોઢડાયા લોકો તમને પજવતા હોય તેમ છતાં વૉટ્સઍપ એક એવું અદ્‌ભુત માધ્યમ છે જેના દ્વારા તમે ઘડીના છઠ્ઠા ભાગમાં, ઇમેલ કરતાં પણ વધુ ઝડપથી, તમારી વાત બીજાઓ સુધી પહોંચાડી શકો છો. ન્યુસન્સ ફેલાવનારા કે પછી શુદ્ધ મનોરંજન આપનારા સંદેશાઓને બાદ કરો તો વૉટ્સઍપ થકી રોજ બે-ચાર એવી નવી વાતો મને જાણવા મળે છે જે મારા કામ માટે મને ઉપયોગી થતી હોય. ટ્વિટર આવી ગયા પછી ન્યુઝ માટે તમારે બીજેક્યાંય જવાની જરૂર નથી રહેતી. ઇન્સ્ટાગ્રામ માત્ર મનોરંજન માટેનું કે પોતાને પ્રમોટ કરવાનું માધ્યમન થી. ભલે ને નેવું ટકા લોકો ત્યાં જઈને એ જ કરતા હોય. પણ એને કારણે એની ઉપયોગિતા ઘટી જતી નથી. લિન્ક્ડઇન, વિકિપીડિયા કે ક્વોરા સહિતનાં ડઝનબંધ માધ્યમોમાં પોસ્ટ થતી ખઈ સામગ્રી તમારા માટે કામની છે અને કઈ તમારા માટે નિરુપયોગી છે એ તમારે નક્કી કરવાનું. જે કામની લાગતી હોય એવી માહિતી પર પણ કેટલો ભરોસો કરવો અને કેટલો નહીં એ તમારા નીરક્ષીર વિવેક પર આધાર રાખે છે.

અને એવું તો આ બધાં માધ્યમો નહોતાં ત્યારે પણ રહેતું. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા કે પછી ટાઇમ-ન્યુઝવીક કે ન્યુ યોર્ક ટાઇમ્સ – વોશિંગ્ટન પોસ્ટમાં ભારત વિશે કે ભારતીયો વિશે જે કંઈ છપાયેલું હોય એમાં એ લોકોનો પૂર્વગ્રહ ભળેલો હોવાનો જ, ભલે ને એ લખનાર કોઈક ભારતીય જ હોય. અને એની સામે ‘વૉઇસ ઓફ ઇન્ડિયા’ના સ્વ. દેવેન્દ્ર સ્વરૂપ કે સ્વ. સીતારામ ગોયલ જેવા નિષ્ઠાવાન લેખકોએ ભારતીય સંસ્કૃતિ કે પરંપરા વિશે જે કંઈ લખ્યું હોય તેના પર તમે આંખ મીંચીને ભરોસો રાખી શકો. આવું તો રહેવાનું જ – એ જમાનામાં કે આજના જમાનામાં. ઉલટાનું આજના જમાનામાં તમારા માટે ક્રોસચેક કરવું વધારે આસાન અથવા તો કહો કે ઓછું અઘરું બની ગયું છે.

સોશ્યલ મીડિયાનું દરેક અંગ એની પોતાની રીતે આગવું છે. એ ન્યુસન્સ પણ બની શકે છે અને ઉપયોગી-અનિવાર્ય પણ. વાપરનાર ઉપર આધાર રાખે છે. છરીથી તમે શાક સમારો કે એને કોઈના પેટમાં હુલાવો. એમાં છરીનો શું વાંક? એક શિક્ષક બળાત્કાર કરે એટલે શું આખી શિક્ષક જાત પર ફિટકાર વરસાવવાનો હોય?

ડૉન્ટ થ્રો ધ બેબી આઉટ વિથ ધ બાથવૉટર. બીજાં તમામ ક્ષેત્રોની જેમ આ કહેવત સોશ્યલ મીડિયાને પણ લાગુ પડે છે. સો ટકા.

પાન બનાર્સવાલા

જે લોકોની ટૂંકી સમજ જ્યારે તમારા વિશાળ પરિપ્રેક્ષ્ય માટે બાધારૂપ બનતી હોય ત્યારે તમારે તમારા નજરિયાનો નહીં, એ લોકોનો ત્યાગ કરવાનો હોય.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. ટૂંક માં આ લેખ જીવન ખુબજ સરસ માણવાની રીત શીખવી જાય છે
    અને સૂચવે છે કે કાગડા નહિ હંસ બનો

  2. E platform sachej anirvarya banee gayun chhey. Tena vagar Saurabhbhai na vicharo aatli saraltathee janva na malatey.
    Uparna lekh ma MANORANJAN matey 2 visheshano vaparayan chhey. Satvik temaj Shuddha.
    Shuddha bararar chhey. Rajashi prakriti sathey teno ghanishth sambandh hoy, Satvik nahin.
    Astu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here