( ગુડ મૉર્નિંગ ક્લાસિક : શનિવાર, ૧૧ નવેમ્બર ૨૦૨૩)
મનમાં જે અજંપો રહ્યા કરે, જીવ બળ્યા કરે, મન રહી રહીને કોઈને કોઈ વાતે સંતાપમાં રોકાયા કરે તે કલેશ.
કોઈ વાતે અસંતોષ હોય અને વારંવાર એ વિશે બીજા આગળ ફરિયાદ વ્યક્ત થતી રહે તે કકળાટ.
અને કોઈની સાથે સતત તકરાર કે બોલાચાલી થતી રહે તે કંકાસ.
કલેશમાં તમે એકલા જ છો. બીજા કોઈને એની જાણ નથી.
કકળાટ સંભળાવવા માટે બીજી વ્યક્તિની જરૂર પડે છે પણ એ વ્યક્તિ એમાં મૂક શ્રોતા બનીને રહે છે, પાર્ટિસિપેટ કરતી નથી.
કંકાસમાં ડ્યુએટ છે. તમે અને સામેની વ્યક્તિ બેઉ એમાં ઍક્ટિવલી ઈન્વોલ્વ્ડ હો તો જ કંકાસ સર્જાય.
કંકાસથી દૂર થવું જરાક સહેલું છે. કજિયાખોર વ્યક્તિને ટાળવાની કોશિશ કરવી. કજિયો થવાની સંભાવના હોય એવી દરેક પરિસ્થિતિને પણ ટાળવી. કંકાસ એકાએક નથી સર્જાતો. એ આવે તે પહેલાં બે મોટર સાઈકલસવાર સાયરન વગાડતાં આવે છે. કંકાસના પાયલટરૂપે અસંમતિ અને મતભેદ આવતાં હોય છે. ક્યારેક સાયરનવાળી જીપ પણ આવે છે. તે વખતે ચેતી જવાનું કે બહુ મોટો કંકાસ આવે છે. ગેરસમજણો બધી આ જીપમાં સવાર થઈને આવતી હોય છે.
કંકાસની પરિસ્થિતિ ટાળવી હોય તો અસંમતિ સર્જાય ત્યારે જ ચેતી જવાનું. અમારી વચ્ચે મતભેદ છે પણ મનભેદ નથી એવી વાયડાઈ કરવાને બદલે સમજવાનું કે આ મતભેદો જ મનભેદના પાયામાં હોય છે. મતભેદો ઘૂંટાતા જાય એમ મનભેદ સર્જાતો જાય. બહુ મોટું રાજપાટ ગુમાવવાનું ના હોય તો નમતું જોખીને ચર્ચાના મુદ્દાને ઈગો ઈશ્યુ બનાવવાને બદલે પાછળ હટી જવાનું અને અસંમતિને કોઈ અંજામ આપ્યા વગર જ વચ્ચે લટકતી રાખવી. મતભેદો તીવ્ર થાય એની રાહ જોયા વિના જ તું તારે રસ્તે (વિચાર), હું મારે રસ્તે (વિચારીશ) એવું માનીને ચૂપ થઈ જવું. નહીં તો વાત આગળ ચાલશે ને ગેરસમજણો સર્જાશે. અત્યાર સુધી જે કંઈ વાતો/ બનાવો/ પરિસ્થિતિઓ સાહજિક લાગતી હતી તે બધાં જ વિશે ફરીવાર વિચારવાનું મન થશે અને ભૂતકાળમાં સર્જાયેલા પ્રસંગોના દરેક ઈન્ટેન્શન પર શંકા પેદા થશે જેના પરિણામસ્વરૂપે ગેરસમજણો સર્જાશે.
ગેરસમજણો પણ ટાળી શકાય છે, ટાળવી જ જોઈએ અન્યથા તમને ખબર છે શું થાય. એની પાછળ કંકાસ આવે.
ગેરસમજણો ટાળવાના બે ઉત્તમ ઉપાય છે: એક, લાંબી લાંબી કલ્પનાઓના ઘોડાઓ દોડાવવાનું બંધ કરવું અને બીજો ઉપાય: પૂછી લેવું. મનમાં જેના વિશે ગેરસમજણ સર્જાઈ છે એના વિશે પૂછી લેવું – એ વ્યક્તિ વિશે, એ સંજોગો વિશે, એ ઈરાદાઓ વિશે.
આટલું થશે તો કંકાસ સર્જાવાની શક્યતા નહિવત.
કકળાટ વ્યક્ત કરવો કે ન કરવો તે તમારા હાથમાં છે. લોકો તો સાંભળવા માટે આતુર હશે.
આપણી વ્યથા અવરને મન રસની કથા, કવિએ કહ્યું છે. પણ આપણી ફરિયાદને વાચા આપવી જરૂરી છે? આ સવાલ જાતને કરવો. ફરિયાદ શું કામ થાય છે? અસંતોષ છે માટે. આ અસંતોષ કોઈ પણ રીતે શું વાજબી છે? આ સવાલ સૌથી પહેલાં કરવો. જાત સાથેની સચ્ચાઈ કેળવી હશે તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા અસંતોષ ગેરવાજબી છે એવું જણાશે. ફરિયાદ આપોઆપ ઓગળી જશે. કકળાટ સર્જાવાનો વખત જ નહીં આવે.
માનવીને સૌથી વધુ પીડા આપે છે એનામાં રહેલો કલેશ. અંદર ને અંદર એ ધીમે ધીમે સળગ્યા કરે. આખી જિંદગી સળગ્યા કરે. ક્યારેક તો શરીર આખેઆખું ચિતામાં ભસ્મ થયા પછી પણ કલેશ સળગ્યા કરતો હોય. આને અધૂરી ઈચ્છાઓ સાથે આવેલું મોત કહેવાય. એ ઈચ્છાઓ જે આખી જિંદગી સુધી તમને અતૃપ્ત રાખતી ગઈ. મનમાંનો અજંપો ક્યારેય દૂર થયો નહીં. મન આખી જિંદગી સંતાપમાં શેકાતું રહ્યું. કલેશમય જીવન જીવીએ છીએ ત્યારે બહારનાઓને ભાગ્યે જ એની ખબર પડતી હોય છે. કોઈને કોઈ વાતે જીવ બળ્યા કરતો હોય ત્યારે થતી મૂંગી વેદના કોઈ સ્વજન સમજી શકે તો સમજે. બાકી તો પોતે જ એ આગમાં તપાતા રહેવાનું. અને આવી મૂંગી વેદના તમે કોઈની સમજો કે કોઈ તમારી સમજે તોય શું? એનો ઈલાજ બીજી વ્યક્તિ પાસે નથી હોતો. જેની એ વેદના છે તેની પાસે જ હોય છે.
અજંપો, બેચેની, સંતાપ – આ સૌને દૂર કરવાનું કામ અત્યંત કઠિન છે. આમ છતાં કરવું તો પડવાનું જ. કારણ કે એને કારણે મન અંદરથી ધીમે ધીમે ખવાતું જાય છે. એસિડમાં પડેલી ધાતુ ખવાતી જાય એમ. કલેશ આવો જ તેજાબ છે. ધારીએ તો આ અજંપાને, બેચેનીને, સંતાપને કોઈ સર્જનપ્રક્રિયામાં ઢાળીને ઉત્તમ સર્જન કરી શકીએ. તેજાબના પોઝિટિવ ઉપયોગો ઘણા. પણ જો વાપરતાં ના આવડે તો દઝાડે. સર્વનાશ નોતરે. એનો સર્જનશીલ ઉપયોગ બધા ના કરી શકે. બધાનું ગજું ન હોય એવું નથી, પણ બધાંએ એ તરફ જવાની જરૂર નથી હોતી. તો પછી એમણે આ તેજાબનો પોઝિટિવ ઉપયોગ કેવી રીતે કરવો? એમણે પોતાના મનને અન્ય કોઈ ધાતુને બદલે સુવર્ણનું બનાવવું. પછી તેજાબ એને કંઈ નહીં કરી શકે. પછી તેજાબ એને કંઈ કરશે તો વધુ શુદ્ધ જ કરશે. મનને કોઈ સસ્તી ધાતુમાંથી સુવર્ણમય બનાવવાનું કામ આપણા જ હાથમાં છે. બીજું કોઈ એમાં મદદ કરવાનું નથી. કરી શકે પણ નહીં. કારણ કે આપણામાં કઈ વાતે કલેશ છે તેની આપણને એકલાને જ ખબર છે. આપણે એકલા જ જાણીએ છીએ કે આપણને કયો અજંપો પજવે છે, કઈ વાતે સંતાપ થયા કરે છે. જીવનમાં શું કરવા માગીએ છીએ અને શું કરી શકીએ એમ છીએ એ બન્ને વચ્ચેનું અંતર સ્વીકારી લેતાં આવડી જાય તો આ બધો અજંપો એકઝાટકે દૂર થઈ જાય. પછી કોઈ સંતાપ નહીં રહે.
આજે કાળી ચૌદસ નિમિત્તે ઘર નજીકના ચાર રસ્તે તમારાં કલેશ, કકળાટ અને કંકાસનાં વડાં મૂકી આવ્યા પછી એ તમારા જીવનમાં ફરી પાછાં ક્યારેય નહીં આવે એની ખાતરી રાખજો. અને આવે તો સાબદા રહેવાનું. આટલી સમજણ પછી એ ઝાઝી વાર તમારે ત્યાં નહીં ટકે.
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Well define કલેશ, કકળાટ, કંકાશ…
છેલ્લે છેલ્લે કહેલી..
“જીવન માં શું કરવા માંગો છો અને શું કરી શકો છો… એ બે વચ્ચે નું અંતર….”
આ વાત ખરેખર અંતર ને સ્પર્શી ગઈ..
મસ્ત solution આલ્યું..
ખૂબ જ સુંદર માર્ગદર્શન
હજુ પણ ઊંડાણ માં અપાય તો વધુ સારું
ક્લેશ કકળાટ અને કંકાસ માંથી બહાર નીકળી જવા માટે નું સચોટ માર્ગદર્શન આપતા લેખ માટે,ધન્યવાદ.
Super
ખુબ સુંદર વાત મતભેદ નીવારો તો મનભેદ ને પણ બચાવી શકો એકદમ સચોટ લેખ જય હો દિપાવલી ની શુભ કામનાઓ સૌરભ ભાઈ અને પ્રણામ
Khub j saras analysis man ma khub prakash padyo, samjanu Ane upayo pan malya.jivan ma te upayo lagu karvana pramanik payatna karishu. Khub khub dhanyavad.