દિવાળી આપણો સૌથી મોટો તહેવાર શા માટે છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક : રવિવાર. ૧૨ નવેમ્બર ૨૦૨૩. દિવાળી, વિક્રમ સંવત ૨૦૭૯)

આપણા જીવનમાં દરેકે દરેક તહેવારનું મહત્ત્વ છે. ચાહે એ મકર સંક્રાન્તિ હોય કે રક્ષાબંધન, અખાત્રીજ હોય કે નાગપંચમી, વસંત પંચમી હોય કે વાક્ બારસ, રામનવમી, જન્માષ્ટમી હોય કે પછી ગણેશ ચતુર્થી અને નવરાત્રિ.

આમ છતાં આસોની અમાસે ઉજવાતી દિવાળીનું કંઈક વિશેષ મહત્ત્વ છે. દિવાળીના દિવસનો ઉમંગ, દિવાળી આવતાં પહેલાંની તૈયારીઓ, દિવાળીના મહિનાઓ અગાઉ જોવાતી રાહ-આ દરેક તબક્કાઓ પણ એક મહામૂલા અવસર જેટલા જ અગત્યના હોય છે.

શા માટે?

આપણા જીવનમાં દિવાળી સૌથી મોટો તહેવાર શું કામ છે?

મારી સમજ એમ કહે છે કે દિવાળી લક્ષ્મીજીનો તહેવાર છે એટલે સમગ્ર માનવજાત માટે સૌથી મોટો તહેવાર છે. ભારત જ નહીં આખી દુનિયાએ દિવાળીનું મહત્ત્વ સમજીને આસોની અમાસ ઉજવવી જોઈએ. શું કામ?

લક્ષ્મી વિના આ જગતના કર્તાહર્તા સ્વયં વિષ્ણુ ભગવાનને જો ન ચાલ્યું હોય તો આપણે સૌ તો પામર માનવીઓ છીએ. આ જગતના કેન્દ્રમાં લક્ષ્મી છે. પૈસા વિના કે મની વિના આ જગતની પ્રવૃત્તિઓ થંભી જાય.

પણ પૈસો એટલે શું માત્ર રૂપિયાની નોટો? મની એટલે શું ડૉલર, યેન, પાઉન્ડ કે યુરો?

ના. પૈસાની એટલી ટૂંકી વ્યાખ્યા ન થાય. આજના જમાનામાં ભલે પૈસો આ બધાં ચલણનો પર્યાય હોય પણ જે જમાનામાં ચલણી નોટો, સિક્કાઓ કે સુવર્ણ મહોરનું ચલણ નહોતું કે વિનિમય પદ્ધતિથી વેપાર-વ્યવહાર થતા હતા ત્યારે પણ પૈસાનું મહત્ત્વ તો હતું જ. પૈસો એટલે પુરુષાર્થ એવું સમજવું જરૂરી છે. કહો કે પુરુષાર્થનું પરિણામ એટલે પૈસો.

આ જગત પુરુષાર્થને કારણે ચાલે છે. દુનિયાની દરેકે દરેક વ્યક્તિ પુરુષાર્થ કરતી રહે છે ત્યારે આ જગતનો વિકાસ થયો છે. ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, ફેક્ટરીના માલિક-મજૂરો જાતજાતની ચીજોનું ઉત્પાદન કરે, વૈજ્ઞાનિકો નવી નવી શોધખોળો કરે, આર્થિક બાબતોના નિષ્ણાતો નાણાંકીય વ્યવહારો ગોઠવી આપે, ન્યાયતંત્ર અને પોલીસતંત્ર કાયદો તથા વ્યવસ્થાની જાળવણી કરે, શિક્ષકો બાલમંદિરથી લઈને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરાવે, સાહિત્યકારો સાહિત્ય રચે, સંગીતકારો સંગીત રચે કે સફાઈ કામદારો તમારાં ઘર-ગલી ગામને ચોખ્ખુંચણાક રાખે ત્યારે આ જગત ચાલે છે, વધુ સુંદર બને છે, દુનિયાની પ્રગતિ થાય છે.

જગતની પ્રગતિના કેન્દ્રમાં આ સૌ વ્યક્તિઓનો પુરુષાર્થ છે. એમના પુરુષાર્થના ફળસ્વરૂપે એમને જે કમાણી થાય છે તે એમની લક્ષ્મી છે. લક્ષ્મીનું પૂજન કરીએ છીએ ત્યારે આપણે પ્રતીકરૂપે ભલે બાપદાદાએ વારસામાં આપેલા ચાંદીના રાણીછાપ રૂપિયાની પૂજા કરીએ પણ વાસ્તવમાં આપણે પુરુષાર્થની પૂજા કરીએ છીએ. લક્ષ્મી પૂજા એટલે પુરુષાર્થની પૂજા. દિવાળી એટલે લક્ષ્મીજીના મહાત્મ્યનો દિવસ, જીવનમાં પુરુષાર્થના મહાત્મ્યનો દિવસ. આજની તારીખે પુરુષાર્થના પરિણામે પૈસા મળે છે એટલે લક્ષ્મીજી એનાં પ્રતીક બન્યાં છે.

દિવાળીનો દિવસ એ સમજવા/સમજાવવાનો દિવસ છે કે જીવનમાં પુરુષાર્થનું સૌથી મોટું મહત્ત્વ છે.

બાળક કમાતું ન થાય ત્યાં સુધી આ દુનિયાનાં કુતૂહલોને સમજવાની કોશિશ કરીને, અભ્યાસ કરીને, તાલિમ મેળવીને, પુરુષાર્થ માટે પોતાની જાતને તૈયાર કરે છે.

અસાધ્ય બીમારીથી પીડાતા કે પછી વૃદ્ધાવસ્થાને કારણે શારીરિક રીતે તદ્દન અશક્ત થઈ ગયેલા માણસો સિવાય સૌ કોઈની ફરજ છે સતત પુરુષાર્થ કરવાની.

રોકડા પૈસામાં જેમનો પુરુષાર્થ પરિણમતો નથી તેવી ગૃહિણીઓ તો પુરુષોના પુરુષાર્થ જેટલા જ ઉચ્ચ તબક્કાનો પુરુષાર્થ કરે છે કારણ કે આ ગૃહિણીઓના પ્રદાન દ્વારા પરિવારના એ સૌનું જીવન ગોઠવાઈને નિયમિતરૂપે ચાલે છે જેઓ પુરુષાર્થ કરીને પૈસો કમાય છે. ગૃહિણીઓ દ્વારા આ રીતે અદ્રશ્ય લક્ષ્મી જે ઘરમાં પ્રવેશે છે તેનું મૂલ્ય ચલણી નોટો દ્વારા પ્રાપ્ત થતી લક્ષ્મી જેટલું જ મોટું છે, અતુલનીય છે.

પૈસાથી એટલે કે પુરુષાર્થથી જ આ દુનિયા ચાલે છે. સાધુસંતો અને ત્યાગી મહાપુરુષોનું જીવન પણ પૈસા દ્વારા જ ચાલે છે, એમની તમામ સગવડો પૈસાથી જ સચવાય છે. ભલે તેઓ પોતે પ્રત્યક્ષરૂપે કમાતા ન હોય પણ તેઓ આ જગતમાં પોતાનાં સદવચનો, સદવ્યવહાર તથા સતકાર્યો દ્વારા જે સુવાસ ફેલાવે છે તેનો પ્રત્યક્ષ-પરોક્ષ લાભ જેમને થાય છે એ સૌ પોતપોતાના પુરુષાર્થના પરિણામનો કેટલોક હિસ્સો ઋણસ્વીકારરૂપે આ સંતોનાં ચરણોમાં મૂકીને ધન્ય થાય છે.

નાસમજણને કારણે જીવનમાં પૈસાના મહત્ત્વને વગોવતા લોકોને સદબુદ્ધિ મળે એ માટે જ લક્ષ્મીજીના આ તહેવાર દિવાળીને આપણે વરસનો સૌથી મોટો ઉત્સવ ગણીને ઉજવીએ છીએ, આવી મારી સમજ છે.

દીવો, પ્રકાશ, અંધકાર ઇત્યાદિનાં પ્રતીકો દ્વારા આ સમજનો આપણે પ્રસાર કરીએ છીએ.

આજે નહીં તો કાલે આખું વિશ્વ દિવાળી ઉજવતું થઈ જશે. આપણા દેશની સર્વાંગી પ્રગતિના સાક્ષી બની રહેલા વિશ્વના તમામ દેશો કોઈના હુકમ વિના, સ્વયંભુપણે દિવાળીનું, લક્ષ્મીનું, પુરુષાર્થનું મહત્ત્વ સમજીને પોતપોતાના દેશના કેલેન્ડરોમાં આસોની અમાસ જે તારીખે આવતી હોય તે તારીખને લાલ આંકડામાં છાપતા થઈ જાય એ દિવસો હવે બહુ દૂર નથી.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. અરે સૌરભભાઇ તમે તીર તો બરાબર અજવાળા માજ ચલાવો છો ,પણ દીવાળી મા બધા હરવા ફરવા મળવા અને મારા જેવા સ્વાદ શોખીનો જાત જાત નું ઝાપટવા મા પડે માટે પ્રતિભાવ આપવામાં આળસ આવે.
    અમેરિકા વ્હાઇટ હાઉસ માં દિવાળી ઉજવાય છે, આવું સાંભળીયે છીએ.
    દિવાળી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here