એના વિના દિવાળી અધૂરી છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક : રવિવાર, ૧૨ નવેમ્બર ૨૦૨૩)

દિવાળી આવી રહી છે એવા વિચારમાત્રથી વીતેલા આખા વરસનો થાક દૂર થઈ જાય. મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય. દિવાળી કંઈ આપણા લોકોથી દૂર જતા રહેવાનો, વૅકેશન લઈને હિલ સ્ટેશન પર કે પરદેશ જતા રહેવાનો ઉત્સવ નથી. પોતાના લોકોની સાથે રહીને ઉજવવાનો તહેવાર છે.

પોતાના લોકો, પૂજા, મીઠાઈઓ અને નાસ્તા, ફટાકડા અને દારૂખાનું તેમ જ નવો રોજમેળ – નવું દેશી કૅલેન્ડર – નવા તારીખિયાનો ડટ્ટો – આટલું ન હોય તો દિવાળી અધૂરી છે.

કુટુંબના વડીલોના પ્રત્યક્ષ આશીર્વાદ વિના દિવાળી અધૂરી છે. કુટુંબનાં બાળકોને આશીર્વાદ આપ્યા વિનાની દિવાળી અધૂરી છે. અને શુકનની રોકડ રકમ વિના આપેલા આશીર્વાદ અધૂરા છે.

પોતાના લોકો એટલે માત્ર કુટુંબીજનો, સગાંવહાલાં કે મિત્રમંડળ જ નહીં. પોતાના લોકોમાં કામ કરવાની જગ્યાએ જેમની સાથે આખું વર્ષ કામ કર્યું હોય એ લોકો પણ આવી જાય. પોતાના લોકોમાં આપણી રહેવાની જગ્યાએ જે જે લોકો રોજ આપણને સાચવતા હોય તે પણ આવી જાય — ઘરનું કામ સંભાળનારા, ચોકીદાર, સફાઈ કામદાર, કુરિયર-ટપાલવાળા વગેરે. એકલપેટા થઈને ઉમંગભર્યા દિવસોમાં પોતાના લોકોથી દૂર શું કામ થઈ જતા હશે કેટલાક લોકો, સમજાતું નથી.

પૂજા વિના દિવાળી અધૂરી છે. માટીના કોડિયામાં પ્રગટાવાતા દીવડાઓ પૂજાનો જ એક ભાગ છે. કાગળનાં કંદિલ અને ઉંબરા-આંગણની રંગોળી પણ પૂજાનો જ એક હિસ્સો છે. વાક્ બારસે મા સરસ્વતીની સ્મૃતિને તાજી કરવા માટે થતાં કવિ સંમેલનો પણ પૂજા જેટલાં જ પવિત્ર છે. લક્ષ્મી પૂજા અને ચોપડા પૂજન વિના દિવાળી અધૂરી છે. દાદા-પરદાદાઓએ વારસામાં આપેલા રાણીછાપ ચાંદીના રૂપિયા અને રૂપિયા-બેરૂપિયા-પાંચ રૂપિયાની કડકડતી નોટોનાં જાળવી રાખેલાં કોરાં-સીલબંધ બંડલોની પૂજા વિનાનું લક્ષ્મીપૂજન અધૂરું છે. ફાઇનાન્શ્યિલ યર ગમે ત્યારે પૂરું થતું હોય અને રૂપિયાના હિસાબો કોઈ પણ બ્રાન્ડના કમ્પ્યુટર પર રાખવામાં આવતા હોય — લાલ કાપડથી બાંધણી કરેલા રોજમેળનું ચોપડા પૂજન દિવાળીએ કરવાનું જ હોય. ચોપડાવાળાની દુકાનેથી વિનામૂલ્યે મળતો બરુની સળીમાંથી બનેલો કિત્તો લાલ શાહીના ખડિયામાં બોળીને ‘શ્રી સવા’ ન લખાય ત્યાં સુધી ચોપડાપૂજન અધૂરું છે.

આ દિવસોમાં એમ. એસ. શુભલક્ષ્મી, લતાજી, મૂકેશ, અનુપ જલોટા કે પછી સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીના કંઠે ગવાયેલાં સ્ત્રોતો, શ્લોકો, ભજનો, ભક્તિગીતો અને આરતીઓથી રોજ સવારે ઘરનું વાતાવરણ ગૂંજતું ન હોય તો પૂજાના માહોલમાં કશુંક ખુટતું હોય એવું લાગે. ધૂપ, અગરબત્તી, હવન, સામ્બ્રાની કે કપૂરની સુગંધથી પૂજાના સોનાના વાતાવરણમાં સુગંધ ઉમેરાય.

ઘરનાં સભ્યો નવાં, ધારદાર ઇસ્ત્રીવાળાં કપડાં પહેરીને રૂટિન કામ કરતા હોય, ખાસ કરીને સ્ત્રીવર્ગ પોતાની ઉંમર પ્રમાણે સિલ્કનાં રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને ઘરની પ્રવૃત્તિઓમાં મગ્ન હોય ત્યારે લાગે કે દિવાળી ખરેખર આવી ગઈ.

મીઠાઈઓ અને નાસ્તાઓ વિનાની દિવાળી અધૂરી છે. મીઠાઈ-નાસ્તા જો ઘરમાં બનેલાં હોય તો ઉત્સાહ બમણો થઈ જાય. રસોડામાં એ તૈયાર થતાં હોય ત્યારે કલાકોની મહેનતના પરસેવાની સુગંધ સાથે ભળી જતી ગૅસ પર મૂકેલા ઘી-તેલની ખુશ્બુ આખા ઘરમાં પ્રસરી જાય અને બારીઓ ખુલ્લી હોય તો પાડોશીઓને પણ ખ્યાલ આવી જાય કે મોહનથાળ શેકાઈ રહ્યો છે કે પછી ચકરી તળાઈ રહી છે. જાતભાતના નાસ્તાઓ બનાવીને સગાં-સ્નેહીઓને ડબ્બામાં ભરીને મોકલ્યા વિનાની દિવાળી અધૂરી છે. એમને ત્યાંથી વળતા વ્યવહારરૂપે ખાલી ડબ્બાઓમાં એમણે ઘરે બનાવેલો નાસ્તાનો સ્વાદ ચાખવા મળશે એવી આશા પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી દિવાળી પૂરી થતી નથી.

જાડાં મઠિયાં,પૌંઆ અને ઘી.

મુંબઈમાં ચોમાસું પૂરું થયા પછીનો બફારો અને ઉકળાટ નવરાત્રિ આવતાં સુધીમાં દૂર થઈ જાય અને શરદ પૂર્ણિમા પછી હવામાં ઠંડીનો નાનો ચમકારો અનુભવાય. દિવાળી આવવામાં જ છે એની આ પ્રથમ નિશાની.

અંગ્રેજીમાં જેને નિપ ઇન ધ ઍર કહે છે એવા આ ઠંડીના ચમકારાથી મન મુંબઈ છોડીને વતનના ગામ દેવગઢ બારિયામાં પહોંચી જાય અને મન પાછું મુંબઈ ફરે ત્યારે મોસાળના આસોજ-વડોદરે આંટો મારીને આવે.

એ વખતની આ સારી પ્રથા હતી. ઉનાળા-દિવાળીના વૅકેશનોમાં દાદા-નાના-કાકા-મામા-માસી-ફોઈના ઘરે છોકરાંઓને મોકલી દેવાનાં. તમારે ત્યાં પણ એ લોકો આવે. જેવી અનુકૂળતા.

પંચમહાલનું પેરિસ ગણાતા દેવગઢ બારિયાના વતનમાં ઉજવેલી દિવાળીઓની સ્મૃતિઓ અમુલ્ય છે. હવે તો એ ઘર વેચાઈ ગયું છે પણ ખરીદનારાઓ નાતીલા જ છે અને બહુ ભાવથી આવકારે છે. પરસાળમાં દીવાલના બાકોરામાં બનાવેલા કબાટ નીચેનાં બે સરકતાં ખાનાંમાંથી એક મોટાભાઈનું, બીજું મારું. દિવાળી પહેલાં દાદા-બાએ અપાવેલા ફટાકડાના બે ભાગ પડે— ભાઈનો અને મારો. અમે અમારે રીતે, ભાગે આવેલા ફટાકડાઓના પાંચ-પાંચ હિસ્સા કરીને છાપાની પસ્તીમાં વીંટાળીને ખાનામાં મૂકી દઈએ. દિવાળીના પાંચ દિવસોએ એકએક પડીકું ખોલીને ફટાકડા ફોડીએ. આખી ચબૂતરા શેરીનાં છોકરાં ટોળે વળે. આ સ્મૃતિઓને ઘરના નવા માલિક સાથે શેર કરીને સ્મૃતિની સાથે એ ખાનાંઓને પણ પંપાળી લઈએ.

એક વખત નવા ફટાકડાઓમાં દારૂગોળો ભરેલી પૂંઠાની બંદૂક જોઈ. મોંઘી હતી પણ ખરીદી લીધી. ઘરે આવીને દાદાને દેખાડી. દાદા ગુસ્સે થયા. કિંમત જાણીને નહીં. જાણે સાચુકલી બંદૂક ખરીદી લાવ્યા હોઈએ એમ ઠપકો આપીને કહેઃ ‘આટલી નાની ઉંમરે આવી બંદૂકો ના ફોડાય, બંદૂક ખભા પર મૂકવાની પ્રેક્ટિસ જોઈએ, નહીં તો ખભો ઊતરી જાય, વગેરે…’ દાદા અમને લઈને ફટાકડાવાળાની દુકાને આવ્યા. એને ધમકાવ્યોઃ ‘આટલાં નાનાં છોકરાઓને આવા જોખમી ફટાકડા વેચો છો?’ ફટાકડાવાળો પૈસા પાછા આપવા ગયો. દાદાએ ના લીધા. એટલા પૈસાના બીજા ફટાકડા અપાવ્યા. આજ દિન સુધી મને સમજાતું નથી કે ખરેખર એ પૂંઠાની બંદૂક શું એટલી જોખમી હતી કે ફોડતાંવેત એના ધક્કાથી ખભો ઊતરી જાય? કે પછી આવું કરીને દાદાએ એમના પૌત્રોની જિંદગી પોતાના માટે કેટલી કિંમતી છે એવું જતાવીને અમને વહાલ કર્યું હતું.

અમારા પંચમહાલમાં દિવાળીના નાસ્તાઓમાં મઠિયાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે. ચરોતરે આખા ગુજરાતમાં અને હવે તો મુંબઈ-વિદેશોમાં પણ જે મોકલ્યાં છે એ પાતળાં મઠિયાં નહીં. પાતળાં મઠિયાંના સફેદ રંગમાં સહેજ પીળાશ ઉમેરાયેલી હોય અને સાઇઝમાં એ લગભગ હથેળી જેવડાં હોય. અમારાં મઠિયાં જાડાં હોય, સ્વાદમાં પણ ઘણા જુદા. નાના બાળકની હથેળીની સાઇઝનાં — શીખંડ સાથે ખાવાની પૂરી જેટલી સાઇઝનાં હોય.કેસરી લાલાશ પડતાં હોય અને પાછાં ફૂલેલાં હોય.

જાડાં મઠિયાંની ફૂલેલી સાઇડ પાતળી હોય, નીચેનો બેઝ જાડો હોય. ઉપરની સાઇડમાં પાણીપુરીની પૂરીમાં પાડતા હોઈએ એ રીતે, પણ જરા મોટું, કાણું પાડવાનું અને એમાં તડકે મૂકીને શેકેલા સાદા પૌંઆ તથા ઘરે બનાવેલા અને આ ઋતુમાં થીજી ગયેલા ઘીની ચમચી ઉમેરાય. સાતમા સ્વર્ગની દિવ્ય અનુભૂતિ કોને કહેવાય એનો અનુભવ કરવો હોય તો આ સ્વાદ માણવો પડે. ઘણા લોકો એમાં ચપટી દળેલી ખાંડ પણ ઉમેરે. નાનપણમાં ખાંડ ખાવાના દિવસો નહોતા. મોટા થયા પછી આવ્યા, સાથે ડાયાબીટીસ પણ!

ગ્રિટિંગ્સ કાર્ડ લખ્યા-મેળવ્યા વિના અને દીપોત્સવી અંકો ખરીદ્યા-વાંચ્યા વિના દિવાળી અધૂરી લાગતી. પણ હવે ટેવાઈ ગયા છીએ. ઘરમાં નવું ફ્રિજ કે નવું ટીવી કે નવું વૉશિંગ મશીન કે નવું એસી આવે એ માટે અગાઉ દિવાળીની રાહ જોવાતી. હવે એવી ખરીદીઓ માટે દિવાળીની કોઈ રાહ જોતું નથી. દિવાળીના બોનસની કે દિવાળીની ઉઘરાણીઓ આવે એની પણ રાહ જોવાતી નથી. ઇએમઆઇ પર વગર દિવાળીએ બૅન્કોવાળા તમારા ઘરમાં તહેવારો લાવી દે છે અને ક્યારેક એમાંથી કાળી ચૌદસે કાઢવો પડે એવો કંકાસ-કકળાટ પણ સર્જી નાખે છે.

ફટાકડા અને દારૂખાનું. એના વિનાની દિવાળીની કલ્પના જ ન કરી શકીએ. ક્રિકેટની મૅચ જીતવાનો આનંદ ફટાકડા ફોડીને કરીએ છીએ તો ભગવાન અયોધ્યા પાછા ફરીને, રાજકાજ સંભાળી લેતા હોય એ દિવસને આતશબાજી કરીને ન શણગારીએ તો ઉત્સવ અધૂરો લાગે. પ્રદૂષણની ચિંતા કરવા માટે દેશમાં બીજા ઘણા તહેવારો છે. મૂંગાં પ્રાણીઓની કાળજી કરવા માટે તથા નાનાં-મોટા જીવોની હિંસા રોકવા માટે બીજા ઘણા ધર્મોના ઉત્સવો છે. દિવાળીમાં ચાંપલીચાંપલી વાતો કરીને/સાંભળીને મૂડ બગાડવાનો નહીં. ખિસ્સાને પોસાય એવા ફટાકડા દરેકે દરેક ભારતીયે ફોડવાના. છેવટે કઈ નહીં તો ચાંદલિયા તો પોસાય જ. અને જેમની પાસે લક્ષ્મીજીનું વરદાન છે એ સૌએ વંચિતોનો હાથ પકડીને એમની પાસે ફટાકડાની લૂમ, બૉમ્બ, રૉકેટ, કોઠી વગેરે ફોડાવવાનાં હોય. પ્રકાશ જેટલો વધુ એટલી સમાજમાં સમૃદ્ધિ વધુ અને હવનમાં હાડકાં નાખનારા દૈત્યોને દૂર કરવા, એમને બીવડાવવા, ધૂમધડાકા પણ અનિવાર્ય.

દુનિયાનો વહેવાર ભલે જાન્યુઆરીથી ડિસેમ્બરના કૅલેન્ડર મુજબ ચાલતો હોય પણ આપણું માનસિક વર્ષ કારતકથી શરૂ થઈને આસોની અમાસે પૂરું થતું હોય છે. દેશી કૅલેન્ડર દરેક ભારતીયના ઘરનું ઘરેણું છે અને 360 તારીખોનાં પાનાંવાળો ડાઈકટ ડટ્ટો આપણી પરંપરાનું ગૌરવ છે. એક-એક પાનું ડટ્ટામાંથી ઓછું થતું જાય અને એક-એક નવો દિવસ જીવનમાં પ્રવેશતો જાય. નાની સાઇઝનો તો નાની સાઇઝનો એક રોજમેળ તો ઘરમાં રાખવો જ. ચોપડાપૂજન કરીને એમાં ઘરખર્ચ લખો કે પછી રોજનીશી – તમારી મરજી. આપણને સહિષ્ણુતા અને ઉદારતાના પાઠ ભણાવનારા દોઢ-ડાહ્યાઓને ખબર નથી કે આપણા પ્રત્યેક રોજમેળમાં વિક્રમ સંવત અને ચોઘડિયાના કોઠા ઉપરાંત દરેક પાને ઇસ્લામી હીજરીના તિથિ, માસ, વર્ષ છાપેલાં હોય છે. એટલું જ નહીં આખી દુનિયામાં જેમની કુલ એક લાખની પણ વસ્તી નથી એ પારસી પ્રજાની યઝદેઝરદીની સાલ, માહ, તિથિના વિગતે ઉલ્લેખો હોય છે. વસુધૈવ કુટુમ્બકમના પાઠ આપણને કોઈ શું શીખવાડે, આપણે જગતને શીખવાડીએ છીએ.

વાક્ બારસથી શરૂ થતા દિવાળીના દિવસો ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીથી સમાપ્ત નથી થઈ જતા. બેસતું વરસ, ભાઈ બીજ, લાભ પાંચમ, દેવ દિવાળી અને કાર્તિકી પૂનમ સુધી એ લંબાય છે. વિક્રમ સંવત ૨૦૮૦નું નવું વર્ષ ભરપૂર ઉત્સાહ સાથે શરૂ થશે, એના ધસમસતા ઉમંગનો સ્ફોટ દસે દિશામાં પ્રસન્નતા પાથરશે.

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

2 COMMENTS

  1. લખાણમાં દિવાળીના દિવસો નું વર્ણન એટલું સચોટ રીતે કર્યું છે કે નજર સામે ૫૫-૫૭ વર્ષ પહેલાંની (એ વખતે ૬-૭ વર્ષની ઉંમર હોય એટલે બધુંજ યાદ હોય) દિવાળી યાદ કરાવી દીધી. અતિશયોક્તિ નથી કરતો સૌરભભાઈ, સોગંદ ખાઈને કહું છું કે વાંચતા વાંચતા અચાનક જ ઘૂઘરા તળાતા હોય, મોહનથાળ બનતો હોય, ચોળાફળી – ફાફડા તળાય એવી સુગંધ આવવા લાગી. આ વાંચતી વખતે તો કોઈ આઈટમ બનતી નહોતી તો પણ ક્યાંથી આ સુગંધ આવી ખબર ન પડી. મને લાગે છે કે માઈન્ડ માં દૃશ્ય અને વાતો-પ્રસંગો ની જેમ સુગંધ પણ સચવાતી હશે.
    ઘૂઘરા, મોહનથાળ, મગજ (કે મગસ), કોપરાપાક, કાજુનો મેસૂબ, સેવ, ચકરી, શકકરપારા, ચોળાફળી, ફાફડા, મઠિયા આટલી બધી વાનગીઓ દિવાળી વખતે મારી બા બનાવતા.
    એક વાત તમે લખવાનું ભૂલી ગયા. એની
    વગર પણ દિવાળી અધૂરી લાગે.
    બાળપણમાં બેસતાં વર્ષના દિવસે આખા બિલ્ડિંગમાં બધાના ઘરે જઈને પિપરમિંટ – ચોકલેટ ખિસ્સામાં ભરી લેતાં, અને પછી નીચે ભેગા મળીને ગણતરી કરીએ કે કોણે સૌથી વધારે ભેગી કરી છે.

  2. 🪔
    આપને દિપાલીની ખુબ ખુબ શુભ કામનાઓ . 🪔.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here