ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યકારો : કોણ કોને જીવાડે છે : સૌરભ શાહ

(‘લાઉડ માઉથ’ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૨૧ એપ્રિલ ૨૦૨૧)

ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય બે તદ્દન ભિન્ન બાબતો છે. સાહિત્યકારો ભ્રમમાં રહેતા હોય છે કે અમે ગુજરાતી ભાષાને જિવાડીએ છીએ, અમે ભાષાની સેવા કરીએ છીએ. તદ્દન જુઠ્ઠું. ભાષાનો ઉપયોગ કરીને સાહિત્યકારો પોતાનો રોટલો રળતા હોય. તેઓ ભાષાની નહીં, ભાષા એમની સેવા કરતી હોય છે. તેઓ ભાષાને જિવાડતા નથી, ભાષા એમને જિવાડે છે.

ભાષાને કોણ જિવાડે છે? અમે ગુજરાતી ભાષાને જિવાડવાના પ્રયત્નો કરીએ છીએ એવું કહીને સરઘસ કાઢનારા સાહિત્યકારોને ખબર નથી કે ભાષાને કોણ જિવાડે છે. જેઓ ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરે છે તેઓ ભાષાને જિવાડે છે. જેઓ ભાષા થકી કમ્યુનિકેશન કરે છે તેઓ ભાષાને જિવાડે છે. આવું કરવામાં પ્રજાનો નંબર પહેલો અને સાહિત્યકારોનો નંબર છેલ્લે આવે.

ગુજરાતી ભાષા મરવા પડી છે એવી કાગારોળ મુંબઈગરા ગુજરાતીઓ મચાવતા હોય ત્યારે એમને કહેવાની જરૂર છે કે ભૈ, તમારા કુટુંબમાં પુત્રવધૂઓને ઘરમાં પાપડ-અથાણાં બનાવતાં ન આવડતું હોય એનો અર્થ એ નથી કે બીજી કોઈનાય ઘરે પાપડ-અથાણાં બનતાં નથી. મુંબઈ કંઈ ગુજરાતી ભાષાનું પિયર નથી. ગુજરાત ગુજરાતી ભાષાની માતૃભૂમિ છે. એક જમાનામાં આફ્રિકા અને લંડનમાં પણ ગુજરાતી ભાષાની સ્કૂલો હતી. મુંબઈમાં પણ હતી. હવે બહુ ઓછી છે. આને કારણે કંઈ તમે એવું ન કહી શકો કે ગુજરાતી ભાષા મરવા પડી છે. માત્ર એટલું જ કહી શકો કે મુંબઈમાં (માત્ર મુંબઈમાં જ, ગુજરાતમાં નહીં.) ગુજરાતી ભાષાનું ચલણ ઘટતું જાય છે.

આજે મુંબઈમાં જેઓ ગુજરાતી ભાષાને ‘જિવાડવા’ના પ્રયત્નો કરે છે એમને પૂછવાનું કે મુંબઈના લોકલ રેલવે સ્ટેશનો પરનાં પાટિયાં પરથી ગુજરાતી ભાષા હટી ત્યારે તમારા, પ્રજાના ગુજરાતી નેતાઓ, ગુજરાતી રાજકારણીઓ, ગુજરાતી સમાજકારણીઓ ક્યાં મરી ગયા હતા? ૧૯૯રમાં જ્યારે રાજ્ય સરકારે એક ફતવો કાઢીને ઈફેક્ટિવલી ગુજરાતી ભાષાનો સ્કૂલોમાંથી એકડો કાઢી નાખ્યો ત્યારે કેમ તમે રસ્તા પર આંદોલનો કરવા ઊતરી ના પડ્યા? શા માટે તમારા રાજકીય સંપર્કો અને તમારાં આર્થિક દબાણો દ્વારા સરકારને એ ફતવો પાછો ખેંચી લેવાની ફરજ પાડી નહીં. અને એના કરતાંય થોડા દસકા અગાઉ, જ્યારે અમૃતલાલ યાજ્ઞિક તથા ચત્રભુજ નરસી જેવા શહેરીઓ ગુજરાતી ભાષાના પ્રાધાન્ય વિશે રેડિયો પર ચર્ચાઓ કરી કરીને થાક્યા ત્યારે શા માટે તમારી ગુજરાતી માધ્યમોની શાળાઓના સંચાલકોમાં એવી અક્કલ ન ચાલી કે જો ન્યુ એરા સ્કૂલના મૉડેલ મુજબની, ગંગા-જમના માધ્યમવાળી ગુજરાતી શાળાઓ શરૂ નહીં થાય તો આવતી કાલે ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં જઈને ગુજરાતીમાં ભણવાનો વિકલ્પ સ્વીકારશે. મુંબઈમાં ગુજરાતી માધ્યમની શાળાઓ હવે નિરર્થક બની ગઈ છે. મુંબઈમાં ગુજરાતી વાંચતી-લખતી જનરેશન હવે ફોર્ટી પ્લસની છે. ટીનએજર્સ તો જવા દો, ત્રીસ-ચાળીસ વર્ષના ગુજરાતીઓ પણ પોતાની માતૃભાષામાં વાંચતાં-લખતાં હોય એવું ભાગ્ય જ જોવા મળે. હા, નાઈન્ટીઝમાં એ જમાનો હતો જ્યારે ગુજરાતી ટીનેજર્સ ગુજરાતી છાપાં-મૅગેઝિનો પુસ્તકો વાંચતા. એમને ગુજરાતીમાં લખતાં આવડતું. હવે એ ટીનેજર્સ, વીસેક વર્ષ પછી, ર૦૨૧માં ચાળીસની ઉંમરના આરે આવી ઊભા છે અને હજુય તેઓ ગુજરાતી વાંચે છે-બોલે છે-લખે છે, પણ એમનાથી નાની ઉંમરના ગુજરાતીઓ માત્ર ગુજરાતી બોલે છે, સાંભળીને સમજે છે. તેઓ લખતાં-વાંચતાં નથી. એ ગુજરાતીઓ સુધી પહોંચવાનું કામ લખનારાઓ દ્વારા થઈ શકવાનું નથી, પણ જેઓ દ્રશ્યશ્રાવ્ય માધ્યમોમાં કામ કરે છે એમના દ્વારા એ કામ થશે. ગુજરાતી નાટ્યકળાકારો, ગુજરાતી કવિઓ, ગુજરાતી સુગમસંગીતના કલાકારો, ગુજરાતી સ્ટેન્ડ અપ કોમેડિયનો (કે પછી એ જ કામ ગાદી પર બેસીને કરનારા કળાકારો), ગુજરાતી ડાયરાના કળાકારો દ્વારા મુંબઈમાં ગુજરાતી ભાષા જીવતી રહેશે, નહીં કે અમારા જેવા લેખકો, સાહિત્યકારો કે છાપાવાળાઓ દ્વારા.

મુંબઈમાં અમારા માટે હવે જે ગુજરાતી વાચકો રહ્યા છે તે સઘળા પાંત્રીસ-ચાળીસની ઉંમર કરતાં મોટા છે. પણ આનો અર્થ એવો નથી કે અમે યુથ કે ટીનેજરને વાચક તરીકે ગુમાવી દીધા છે. ગુજરાતમાં અમારી પાસે પ્રી ટીન્સની ઉંમરથી ગુજરાતી વાંચવાનું શરૂ કરતા વાચકો છે. લાખોની સંખ્યામાં છે. તેઓ પુસ્તકો, છાપાંની પૂર્તિઓ, વૉટ્સએપ પર કે એફબી પર વાંચવા મળતા લેખો દ્વારા અમારા જેવા ગુજરાતી લેખકોના સતત સંપર્કમાં રહે છે. મુંબઈની અમારી રીડરશિપમાં જે ખોટ આવી છે તે ગુજરાતમાં બમણી ભરપાઈ થઈ રહી છે. ગુજરાતમાં પુસ્તક મેળાઓમાં પુસ્તકોનું વેચાણ સતત વધ્યા કરે છે. ગુજરાતમાં છાપાંઓને પણ પોતાની રીડરશિપ મળી રહે છે. ગુજરાતમાં વેબ અને નેટ દ્વારા ગુજરાતી લેખકોનાં લખાણો અત્યારે જેટલા બહોળા પ્રમાણમાં પહોંચે છે એટલા અગાઉ ક્યારેય નહોતા પહોંચતા. ગુજરાતી ભાષાના આ વાચકો, આ પ્રેમીઓ અમને જિવાડવાના છે. અમે કંઈ ગુજરાતી ભાષાને નથી જિવાડવાના. એવું તો ગજું પણ નથી અમારા કોઈનામાં. ગુજરાતી ભાષા અમને જિવાડે છે અને ગુજરાતમાં વધુને વધુ સમૃદ્ધ થતી જતી ગુજરાતી ભાષા ભવિષ્યમાં પણ અમને જિવાડશે. અરે, જિવાડશે જ નહીં, વધુ ને વધુ સમૃદ્ધ કરતી રહેશે અમને-બધી રીતે. મનથી પણ અને ધનથી પણ!

સાયલન્સ પ્લીઝ!

આપણા દેશમાં વિજ્ઞાનનું શિક્ષણ માતૃભાષામાં અપાવું જોઈએ. નહીં તો એવું થશે કે વિજ્ઞાન માત્ર ઉચ્ચ વર્ગના લોકો પૂરતું જ સીમિત બની જશે, પ્રજાના તમામ વર્ગો વિજ્ઞાનના વિષયોમાં આગળ નહીં વધી શકે.

— સી.વી. રામન (નોબેલ વિજેતા ભારતીય ભૌતિકશાસ્ત્રી: ૧૮૮૮-૧૯૭૦)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. આવનાર પેઢીઓ આપણી માતૃભાષામાં આપણી લોકસંસ્કૃતિમાં આપણા લોકસાહિત્યમાં રસ લે અને ગુજરાતી ભાષાનો વારસો જાળવી રાખે એના ઉપાય સુચવશો કારણ ભણતરમાંથી ગુજરાત છોડી પરપ્રાંતમાં ગુજરાતી ભાષાનો મોટા પ્રમાણમાં વ્યાસ થયો છે.

    — નિતીન રાવલ

  2. ચિન મા લોકો પોતાની ભાષા મા જ લખે છે શોધખોલ ને રિસર્ચ કરે ને phd પણ કરે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here