તમારા સંઘર્ષના ગાળામાં તમારી એકલાની કસોટી થતી નથી : સૌરભ શાહ

ભગવાન આપણી કસોટી કરવા જીવનમાં સંઘર્ષની પરિસ્થિતિઓ મોકલતા રહે છે એવું આપણે ધારી લીધું છે. વાત તો સાચી છે પણ આ એકમાત્ર કારણ નથી હોતું સંઘર્ષની પરિસ્થિતિઓ મોકલવાનું. જીવનમાં આવતો સંઘર્ષનો દરેક ગાળો આપણું સોનું કેટલાં કેરેટનું છે તે તો ચકાસે જ છે આપણામાં રહેલાં સારાં-નરસાં લક્ષણોને બહાર લાવવામાં આવા સમયગાળા કસોટીના પથ્થર જેવું કામ કરે છે. આપણે પોતે જોઈ શકીએ છીએ કે આપણે કેટલાં પાણીમાં છીએ.

સંઘર્ષના ના ગળામાં તમારા એકલાની કસોટી થતી નથી. તમારા કરતાં વધારે કસોટી એ લોકોની થાય છે જેઓ વર્ષોથી તમારી આસપાસ હોય, જેઓ ક્રમશ: તમારી જિંદગીમાં ઉમેરાતા ગયા હોય.

એ લોકોનું ટિમ્બર, એ લોકોની કક્ષા, એ લોકો કેટલા પાણીમાં છે એની ખબર તમને તમારા પોતાના સંઘર્ષના કાળમાં થતી હોય છે.

સામાન્ય રીતે બનતું હોય છે એવું કે કપરા કાળમાં આપણે આપણી જાતને કોસતા થઈ જઈએ છીએ. આપણી ખામીઓ શોધતા થઈ જઈએ છીએ. આપણી ભૂલોને કારણે આ આપત્તિ આપણા માથે આવી પડી એવું માનતા થઈ જઈએ છીએ અને કદાચ એવું હોય પણ ખરું. પરંતુ એને લીધે જાતને કોરડા મારીને સ્વપીડનમાં પડ્યા રહેવાની જરૂર નથી હોતી. આ ગાળો અંદર ઊતરીને આત્મનિરીક્ષણ કરવા માટેનો તો છે જ, સાથોસાથ બહારના વાતાવરણનું આકલન કરવાનો પણ છે, એ વાતાવરણ સર્જી રહેલી વ્યક્તિઓને નાણવાનો પણ છે.

તેઓ તમારા આ ગાળામાં તમારી સાથે શું કરે છે, બીજાઓ સાથે તમારા વિશે શું વાતો કરે છે એ બધાને લીધે એમનું માપ નીકળતું હોય છે. એમની કક્ષા નક્કી થઈ જતી હોય છે.

કોઈની પડતીના ગાળામાં આસપાસના બીજા લોકોને સ્વાભાવિક છે કે ડર લાગે કે અમે એનો હાથ ઝાલવા જઈશું તો અમે પણ ખેંચાઈને એના ખાડામાં પડી જઈશું. આવું ફર્સ્ટ રિએક્શન સ્વાભાવિક હોવાનું. આચ્છા અચ્છા લોકો પોતાની સુરક્ષા જાળવવાના આશયથી તમારાથી દૂર થઈ જવાના. તમે મદદની પોકાર લગાવશો તોય તેઓ સાંભળ્યું – ન સાંભળ્યું કરશે. એમની જગ્યાએ તમે હોત તો તમે પણ કદાચ એવું જ કર્યું હોત. કદાચ ના પણ કર્યું હોત. પરંતુ અત્યારે તો તેઓ જે કરી રહ્યા છે તે તમારી સામે છે. તમારાથી દૂર થઈ ગયા છે.

તમે જો એમની આ દૂર થઈ જવાની પ્રક્રિયા નિર્લેપ રહીને જોયા કરશો તો તમને મઝા આવશે. તમારી પીડા હળવી થઈ જશે.

તમારા સંઘર્ષ સમયે બીજા લોકો તમારી સાથે કેવી રીતે વર્તશે એ તમે નક્કી કરી શકતા નથી. નૉર્મલ સંજોગોની વાત જુદી છે. સામાન્ય પરિસ્થિતિ હોય ત્યારે તમે જેમની સાથે સારી રીતે વર્તશો તેઓ તમારી સાથે સારી રીતે વર્તશે (મોટે ભાગે). અને જેમની સાથે ખરાબ વર્તાવ કરશો તેઓ તમારી સાથે એવો જ કે એથી વધુ ખરાબ વર્તાવ કરશે (અચૂક). પણ તમારા કપરા કાળમાં તમે જેમની સાથે ભલમનસાઈથી વર્તતા હો છો તે તમામ લોકો તમારી સાથે એવો જ વ્યવહાર કરશે એવું જરૂરી નથી. કેટલાક લોકો તમારા આ માઠા દિવસોનો લાભ લેવાની લાલચ રાખશે. કેટલાક તમારી આ ભલમનસાઈને તમારી ગરજ માનીને તમારો ફાયદો ઉઠાવવાની દાનત રાખશે. તમને મદદ કરવાના બહાને, તમને સોયનું દાન કરીને તમારી પાસેથી એરણ પડાવી લેશે.

સંઘર્ષના ગાળામાં મોટી તકલીફ એ થતી હોય છે કે બીજાઓના વર્તનને ધ્યાનમાં રાખીને આપણે આપણી જાતને મૂલવવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે કઈ પરિસ્થિતિઓ, કેવી વ્યક્તિઓ તથા કેટલી ભૂલોને કારણે આ આપત્તિમાં ફસાયા તેની એકમાત્ર આપણને જ ખબર હોય છે. બીજાઓ તો બહારથી સાંભળેલી કે જોયેલી વાતો પરથી જ તમારી સાથેના સંબંધોમાં વધઘટ કરવાના કે તમારા વિશેના અભિપ્રાયો બાંધવાના. આવું થાય ત્યારે તમે જો ખુલાસાઓ કરવા જશો તો લોકો તમને પીંખી નાખશે, કારણ કે તમારા વિશેનો મત એમણે બાંધી લીધો છે. હવે તમે ગમે એટલાં તથ્યો એમની સમક્ષ રજૂ કરશો તો એમણે તમારા માટેનો પોતાનો મત બદલવો પડશે જેમાં એમને પીછેહઠ કરવા જેવું લાગશે, પોતાની જ જાત આગળ તેઓ પોતે ખોટા પડ્યા એવું લાગશે, એમનો અહમ્ ઘવાશે.

બહેતર એ છે કે આ કપરા ગાળાને તમે હ્યુમન બીહેવિયરનો કોર્સ સમજીને લોકોના બદલાતા વર્તનને નિહાળ્યા કરો, એમાંથી જે કંઈ શીખવાનું હોય તે શીખ્યા કરો. સંઘર્ષનો કાળ માત્ર આત્મપરીક્ષણ માટેનો નથી હોતો, બાહ્ય નિરીક્ષણ માટેનો પણ હોય છે. આ ગાળામાં આપણને પોતાના વિશે જેટલું શીખવા મળે છે એના કરતાં વધારે આસપાસના લોકોના માનસ વિશે જાણવા મળે છે.

કુદરત એટલા માટે જ આવા ગાળાઓ આપણા જીવનમાં સર્જે છે. જીવનમાં રૂટિન સેટ થઈ ગયા પછી આપણે બધી જ વાતોને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેતા થઈ જઈએ છીએ. ખાસ કરીને આપણી આસપાસની વ્યવસ્થાને, આપણી આસપાસના માણસોને. ક્યારેક આ વ્યવસ્થા – આ માણસો પર વધુ પડતો ભરોસો રાખીને આપણે ભગીરથ કાર્યો કરવાની હોંશ રાખતા થઈ જઈએ છીએ – આ વ્યવસ્થાની નક્કરતા તપાસ્યા સિવાય, આ લોકોના પગ મજબૂત છે કે માટીના એ વિશે વિચાર કર્યા વિના.

સંઘર્ષના કાળમાં તમારે અનિવાર્યપણે આ તમામ વ્યવસ્થાનું – લોકોનું પુનર્મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રોસેસ થાય છે તે સારું જ છે – તમે કરવાં ધારેલાં ભગીરથ કાર્યોમાં હવે કોણ તમારી સાથે રહેશે અને કોને તમે દૂર રાખશો એની તમને સૂઝ પડવા માંડશે.

સંઘર્ષનો ગાળો આવે ત્યારે ભગવાનનો આભાર માનવો જોઈએ કે એમણે તમારા જીવનમાં ચાળણી મારીને ઘઉં અને કાંકરા જુદાં કરી આપ્યાં. નૉર્મલ સંજોગોમાં તમને ખબર નહોતી પડતી એટલે તમે ઘઉં અને કાંકરાનું એકસરખું મુલ્ય ધારીને બેઉ પર તમારાં સમય-શક્તિ વાપરતા.

ચાળણી મરાઈ ગયા પછી તમને ખબર છે કે કાંકરા કોણ છે અને હવે એમના માટે ખર્ચાઈ જવાની જરૂર નથી.

એ એનર્જી અને સમય હવે તમે તમારા જીવનમાં રહેલા ઘઉં જેવા ઉપયોગી માણસો પાછળ વાપરી શકશો.

સંઘર્ષનો ગાળો આવે ત્યારે એ તમારા પોતાના ફાયદા માટે આવે છે એ વાત હવે ધ્યાન રાખીએ.

પાન બનાર્સવાલા

જેટલું વધારે આપતા રહેશો એટલું ઓછું જોઈશે.

– સ્ટીફન રિચર્ડ્સ (લેખક)

(લાઉડમાઉથ: ‘ સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૨૦ જુલાઈ ૨૦૨૨)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. Jivan maa shanti Jevu HAVE kai hotuj nathi – Khaas karine Saamaanya loko maate. Naana motaa sangarshoj chaaltaa hoy chhe. Pelaani vaat Judi Hati.
    Lekh maa lakhel vaato saachij chhe.

  2. It is testing time and it is better to stop worrying and start trying to come out of it by working harder. I have experienced this and with God’s grace progressed. We know real friends and those who stood by us.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here