લાલચ તમને અધીરા બનાવે છે : સૌરભ શાહ

‘હે, ભગવાન! મને ધીરજવાન બનાવ. પણ જરા જલદી કરજે હં!’

લિન્ડા ગુડમૅને એક જમાનામાં બહુ ફેમસ બનેલી ‘સન સાઈન્સ’ નામની બુકમાં એરીઝ રાશિ વાળાઓની ખાસિયત વિશે વર્ણન કરતાં લખ્યું હતું કે એરિયન્સ અધીરા હોય છે અને તેઓ ધીરજ આપવા માટે પ્રાર્થના કરશે તો પણ ભગવાનને ઓરેન આર્નલ્ડના આ શબ્દો કહેશે કે : હે, ભગવાન! મને ધીરજવાન બનાવ. પણ જરા જલદી કરજે હં!’

મને આ પ્રાર્થના ખૂબ ગમે છે. જાણે મારા માટે જ લખાઈ હોય એવું લાગે છે. હું એરિયન છું અને અધીરો પણ.

અધીરાઈને કારણે થઈ શકે એવાં તમામ પ્રકારનાં નુકસાનો હું ભોગવીને બેઠો છું. મને ખબર નથી કે હવે મારી અધીરાઈ ઓછી થઈ છે કે નહીં. મારો ઉતાવળિયો સ્વભાવ સુધર્યો કે નહીં એવું સર્ટિફિકેટ મારી નજીકના લોકો જ આપી શકે. પણ ઉતાવળ કે અધીરાઈનાં દુર્ગુણો અને ધીરજના ફાયદા વિશે અનુભવ પરથી મને જે શીખવા મળ્યું એનાં તારણો તમારી સમક્ષ વહેંચવા માગું છું.

કશુંક જોઈતું હોય પણ એ મળશે કે નહીં એ વિશે તમને શંકા હોય, તમને તમારામાં કૉન્ફિડન્સ ન હોય ત્યારે તમે ધીરજ ગુમાવીને ઉતાવળિયાં પગલાં ભરી બેસતા હો છો. કોઈ એક કામ તમે હાથમાં લીધું છે. એ કામ માટે તમારો એ નિશ્ચિત ગોલ છે— આટલા સમયમાં એ પૂરું થવું જોઈએ એવી સમયમર્યાદા તમે બાંધી છે. રૂપાળાં લક્ષ્ય રાખવાનું તો સૌને ગમે. પણ એ લક્ષ્ય પૂરું કરવા માટે તૈયારીઓ કરવી પડે. એ તૈયારીઓ તમે કરી છે?—આવું જાતને પૂછવાનું આપણે ઘણી વખત ભૂલી જતા હોઈએ છીએ. પચાસ માળ ઊંચું મકાન બનાવવા માટે પાંચ ફીટ ઊંડો પાયો નાખીને ચણતર શરૂ કરી દઈએ તો ઈમારતની કેવી હાલત થાય? પણ ઈમારત ઊભી થતી જોવાનો રોમાંચ મેળવવાની ઉતાવળમાં, જે કોઈને નથી દેખાવાનો પણ જે ઈમારતની મજબૂતી માટે અનિવાર્ય છે, એ પાયાની ઊંડાઈ કેટલી રાખવી એ આપણે કન્વીનિયન્ટલી ભૂલી જતા હોઈએ છીએ. પરિણામ માટેની ઉતાવળ આપણને ડિઝેસ્ટર ભણી ધકેલી દે છે. પાંચ ફીટના પાયાવાળી પચાસ માળની ઈમારત હજુ બંધાય, ન બંધાય ત્યાં જ કડડભૂસ કરીને ધ્વંસ થઈ જતી હોય છે. અધીરાઈ રોકી ન શકાતી હોય, ધીરજ કેળવી ન શકાતી હોય તો એટલા માળની જ ઈમારત બનાવવાનું લક્ષ્ય રાખવાનું જેટલો ઊંડો પાયો ખોદવાની તમારી ધીરજ હોય.

ક્યારેક એવું બનતું હોય છે કે બીજાની દેખાદેખી કે બીજાના ચડાવ્યે આપણે આપણી ઔકાત કરતાં મોટું સપનું જોતાં થઈ જઈએ છીએ. મારા એક લેખનું મથાળું હતું : ‘સપનું જોતાં પહેલાં લાયકાત માપી ખરી?’ આપણને આપણી ઔકાતની ખબર હોવી જોઈએ, કઈ બાબતમાં કેટલી કેપેસિટી છે એની જાણ હોવી જોઈએ. અંદરખાનેથી તો હોય છે જ. પણ બહારથી આપણે બ્રેવાડો કરીને આપણી જાતને આપણે પોતાના ગજા કરતાં વધુ મોટી ચીતરતા થઈ જઈએ છીએ. એમાં પાછી સમયમર્યાદા ઉમેરાય. આ કામ આટલા સમયમાં પૂરું થઈ જ જવું જોઈએ. આટલાં વર્ષ પછી મારે ત્યાં સુધી પહોંચવું જ છે.

એક તો ‘ત્યાં સુધી’ પહોંચવાનું તમારું ગજું ન હોય. બીજું, જેમનું ગજું હોય તેઓ માટે પણ ‘આટલા સમય’માં ત્યાં સુધી પહોંચવું અશક્ય હોય છે. તમે તો બેઉ બાબતે તમારી જાતને ઓવર એસ્ટિમેટ કરી દીધી. હવે જ્યારે ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યા છો ત્યારે તમને પ્રશ્ન થાય છે કે મારી સ્પીડ ઓછી કેમ છે? અને તમે ધીરજ ગુમાવી દો છો. તમારા ગજા બહારના લક્ષ્ય સુધી પહોંચવા માટે તમે બેબાકળા બની જાઓ છો. એમાં પાછી ટાઈમ લિમિટ આવી ગઈ એટલે તમે હજુ વધારે બહાવરા બની જાઓ છો. આગળપાછળ જોયા વિના દોટ મૂકો છો અને ધડામ્! પરિણામ જે આવવાનું હતું તે જ આવે છે – મસમોટો અકસ્માત.

લક્ષ્યનું કદ અને સમય મર્યાદાની સમજ—આ બંને ધીરજ કેળવવા માટે જરૂરી.

ધાર્યું ન થઈ રહ્યું હોય તે વખતે ભલભલા લોકો ધીરજ ગુમાવી બેસતા હોય છે. તમે અપેક્ષા રાખી કે આ મીટિંગમાં તમારે આટઆટલી વાતો કરવાની છે જેના આ પ્રકારના રિસ્પોન્સીસ આવશે પછી આટલા નિર્ણયો લઈ શકાશે. પણ મીટિંગમાં તમારી વાતોનો તમારા ધાર્યા મુજબનો રિસ્પોન્સ ન મળ્યો એટલે તમે ધીરજ ગુમાવી દેવાના. બીજાઓ શું કામ તમારા મુદ્દા સ્વીકારતા નથી એવું વિચારવાને બદલે તમે અધીરા થઈને કાં તો ગુસ્સે થઈ જશો કાં તમારું ધાર્યું થાય એ માટે જોહુકમી કરશો. ધીરજ ગુમાવવાથી છેવટે નુકસાન તો તમને જ થવાનું છે.

ઉતાવળે આંબા ન પાકે અને ધીરજનાં ફળ મીઠાં એવી કહેવતો નાનપણથી સાંભળતા આવ્યા હોવા છતાં આપણે અધીરા બની જઈએ છીએ. પર્સનલ લાઈફના નિર્ણયો લેવામાં તેમ જ બિઝનેસ કે નોકરી દરમિયાન કરવા પડતા નિર્ણયોની બાબતમાં જેઓ પોતાની જાત પર વિશ્વાસ રાખીને ઉતાવળે નિર્ણયો નથી લેતા તેઓ ભલે કદાચ ધીમી ગતિએ પણ લાંબે ગાળે જરૂર ઉત્કર્ષ કરે છે.

લાલચ તમને અધીરા બનાવે છે. અત્યારે જે મળી રહ્યું છે એ ભવિષ્યમાં ક્યારેય નથી મળવાનું એવો લૅક ઑફ કૉન્ફિડન્સ તમને અધીરા બનાવે છે. બીજાઓ લઈ ગયા અને તમે રહી ગયા એવી સરખામણી તમને અધીરા બનાવે છે. જાત પર ભરોસો હોય, ભગવાન પર ભરોસો હોય ત્યારે ધીરજ આવે છે. જે લક્ષ્ય સિદ્ધ કરવું છે તે માટેની યોગ્યતા રાતોરાત નથી આવતી. ડ્રાયવિંગ શીખવું હોય તો બે દિવસમાં શીખીને તમે હાઈવે ડ્રાઈવિંગ નહીં કરી શકો. ધંધો શરૂ કરવો હશે તો એક હજાર દિવસ સુધી ગાદી તપાવવી પડશે એની તમને ખબર છે. નવા ક્લાયન્ટ્સ મેળવવા માટે જે શાખ વધારવાની છે તે વધારવા માટે સમય લાગશે. જે છોકરી ગમે છે એની સાથે ફ્રેન્ડશિપ કરવામાં ઉતાવળ છે, અધીરાઈ છે કારણ કે મનમાં ડર છે કે બીજું કોઈ એને પટાવી જશે તો! ધીરજ કેળવવા માટે હિન્દી ફિલ્મનો એ સદાબહાર ડાયલોગ યાદ રાખવો : એક બસ છૂટી જાય છે ત્યારે બીજી આવતી જ હોય છે. છેલ્લી બસ જેવું કંઈ હોતું નથી.

ધીરજ કેળવવા માટેની ટિપ્સ હજુ બાકી છે અને ધીરજ કેળવ્યા પછી જ જેની પ્રાપ્તિ થવાની છે તે સાતત્ય વિશેની વાત પણ બાકી છે. આવતા બુધવાર સુધી ધીરજ રાખશો, પ્લીઝ?

સાયલન્સ પ્લીઝ!

માણસ સિવાયનાં બધાં જ પ્રાણીઓને ખબર છે કે જિંદગીનો પાયાનો હેતુ મઝા કરવાનો છે.

—સૅમ્યુઅલ બટલર

( લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક. બુધવાર, ૨૭ જુલાઈ ૨૦૨૨)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. સરસ.મઝા આવી.
    વાત પ્રધાન પ્રકૃતિ વાળા લોકો અધીરા અને અસ્થિર સ્વભાવ ના હોય છે. કફ પ્રધાન પ્રકૃતિ વાળા ધીરજવાન અને ગણતરીપૂર્વક પગલું લેનારા હોયછે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here