બે વાત અને એક કિસ્સો ભરતભાઈનો : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : શુક્રવાર, ચૈત્ર વદ અગિયારસ, ૨૦૨૧. ૭ મે ૨૦૨૧)

બે વાતનો ઉલ્લેખ કરીને એક કિસ્સો ટાંકવો છે.

પહેલી વાત એ કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ તમને ગમતી હોય — તમારા સગામાં મિત્રવર્તુળમાં કે દૂર રહીને તમને જેમનું કામ ગમતું હોય, એમનો અભિનય કે એમનું ગાવાનું કે એમનું અન્ય કોઈ પણ કામ તો એમના પ્રત્યેની તમારી લાગણી પ્રગટ કરવા માટે એમના બેસણાની જાહેરાત છપાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. એ હરતાફરતા હોય, હેમખેમ હોય ત્યારે એમને રૂબરૂ મળીને કે ફોન પર વાત કરીને કે વૉટ્સએપ ચૅટ કરીને કે ઇમેઇલ પર લાંબો પત્ર લખીને કે પછી જૂની સ્ટાઇલમાં કાગળ – પરબીડિયા– ટપાલ સેવાના ઉપયોગ કરીને તમારે તમારો ઉમળકો એમના સુધી પહોંચાડવાનો. ઉપરાંત એ વ્યકિત વિશેની તમારી લાગણી તમારી આસપાસના લોકોમાં વહેંરયા કરવાની. તમારા પિતા કે તમારા મિત્ર કે માસા કે ફુઆ કે જ્ઞાતિજન કે પરિચિત – જે જે લોકો માટે તમને સદ્‌ભાવ હોય તે પ્રગટ કરતા રહો. એમને તો સારું લાગશે જ, તમને પણ મઝા પડશે.

ઘણા લોકો પ્રશંસા કરવામાં કંજૂસી કરતા હોય છે. જીવતેજીવ કોઇનાં વખાણ કરીશું તો કોઇને એમ લાગશે કે તમે કોઈ સ્વાર્થથી એમના વિશે સારું સારું બોલી રહ્યા છો. જુઓ, ખુશામતખોરો એક અલગ જ પ્રજાતિ છે. મસ્કાબાજી એક અલગ જ પ્રવૃત્તિ છે. તમે કઈ ભાવનાથી શું બોલો છો એની સામેની વ્યકિતને તરત ખબર પડી જતી હોય છે. તમારી પ્રશંસામાં સદ્‌ભાવ છે કે ચમચાગીરી એની સામેવાળાને બરાબર ખબર છે. માટે કયારેય એવું નહીં વિચારતા કે કોઇના માટે તમારા દ્વારા બોલાયેલા સારા શબ્દો ખુશામતખોરીમાં ગણાઈ જશે. અને તટસ્થ દેખાવા માટે હાથમાં ત્રાજવું નહીં રાખતા. પ્રશંસા કર્યા પછી વ્યક્તિની કોઈ નરસી બાજુને વર્ણવવાની નીચ હરકત નહીં કરી બેસતા. લોકોએ તમને ન્યાયાધીશની જવાબદારી નથી સોંપી. એબ તો બધામાં હોય સૌથી વધુ આપણા પોતાનામાં હોવાની. મો સમ કૌન કુટિલ ખલ કામી.

જાહેરજીવન જીવતી વ્યકિતઓ સાથે રૂબરૂ કે ફોન સંપર્ક શકય ન હોય. એમાં શું થઈ ગયું. લતા મંગેશકર કે સ્વામી સચ્ચિદાનંદ કે બચ્ચનજી કે નરેન્દ્ર મોદી કે મોરારિબાપુ કે સચિન તેન્ડુલકર કે નગેન્દ્ર વિજય કે સિદ્ધાર્થ રાંદેરિયાને કે મલ્હાર ઠાકરને તમે રૂબરૂ ન મળી શકો કે ફોન પર પણ વાત ન કરી શકો તો એમાં શું થઈ ગયું? એમના વિશેની તમારી લાગણી તમારી આસપાસના સ્વજનોમાં તો વહેંચી જ શકો છો. આજથી પંદર- પચીસ-પચાસ વર્ષ પછી એમની આવરદા પૂરી થવાના સમાચાર ટીવી પર આવે ત્યારે જ શું તમારે તમારી દુનિયાને સમૃદ્ધ બનાવનારા આવા કલાકારોને બિરદાવવાના છે?

આ દુનિયામાં જે કોઈ તમને ગમતું હોય એ બધાની યાદી બનાવો. આજે જ. તમારા સંપર્કમાં હોય તો વાત કરો કે પત્ર લખો. સંપર્કમાં ન હોય એવી વ્યકિત માટેનો ભાવ શબ્દોમાં ઢાળીને મિત્રો-સ્વજનો વચ્ચે વ્યક્ત કરો. શ્રદ્ધાંજલિની સભાઓ, શોકસભાઓ, ઝૂમ પરનાં કે ટેલિફોન પરનાં ઉઠમણાં – બેસણાં – સાદડી યોજાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.

આ થઈ પહેલી વાત. બીજી વાત. અત્યારે ખૂબ કપરો કાળ ચાલી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં કોરોનાને કારણે લગભગ દરેક કુટુંબે કોઇને કોઈ દૂરના ઓળખીતા કે નજીકના મિત્ર કે પરિચિત કે જ્ઞાતિજન કે કુટુંબીજન કે પછી જિંદગીના આધારસ્તંભ સમી વ્યકિતને ગુમાવી છે. કોરોનાએ ભોગ લીધો હોય એવી વ્યકિતઓના આંકડા કરતાં કોરોનાની માંદગીમાંથી હેમખેમ બહાર આવીને ફરી તાજામાજા થઈ ગયેલા લોકોની સંખ્યા લાખ ગણી વધારે છે એ વાત ધ્યાન રાખજો. અને કોરોનાનું સંકટ જેમના માથે નથી આવ્યું અને ઇશ્વર કૃપાથી જેમના નખમાંય કોરોનાનો રોગ પ્રવેશ્યો નથી એવા લોકોની સંખ્યા તો કરોડગણી વધારે છે. આ વાત પણ ધ્યાનમાં રાખજો જેથી કોરોનામાં કોઈ સ્વજન મૃત્યુ પામ્યું છે એવા સમાચાર આવે ત્યારે ભાંગી ન પડીએ અને કોરોનાને કારણે કોઈ નજીકની વ્યકિતઓ સારવાર લઈ રહી છે એવા સમાચાર મળે ત્યારે ભગવાન પરનો વિશ્વાસ ગુમાવી ન બેસીએ. વખત ઘણો કપરો છે. પણ શ્રદ્ધા રાખજો કે ન તો તમારી જિંદગી ખાડે જવાની છે, ન આ દેશ ખાડે જવાનો છે. આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે, ફરી આપણે સૌ રૂબરૂમાં એકબીજાને મળતા થઈ જઇશું, સ્કૂલ-કૉલેજ-ઑફિસે જતાં થઈ જઇશું, સાથે મળીને પ્રસંગો ઉજવતા થઈ જઇશું, કામકાજ અને કમાણી રાગે પડી જશે, સભાગૃહો તથા થિયેટરોમાં નાટક-સિનેમા-પ્રવચનો માણતાં થઈ જઇશું અને ગમતી જગ્યાઓએ જઇને ખાણીપીણી કરતાં થઈ જઇશું.

આ બે વાત ભારપૂર્વક મારે કરવાની હતી.

હવે એક કિસ્સો ટાંકવો છે. 2015ની સાલમાં મારા યુવાન પત્રકારમિત્ર અંકિત દેસાઇને કારણે મેં ‘ખબર છે ડૉટકૉમ’ માટે બેએક વર્ષ સાપ્તાહિક કૉલમ લખી હતી. એમાં જિંદગી જીવવાનાં દસ સૂત્રો, જે મને જડયાં છે, તે વિશેની એક સિરીઝ લખી હતી. એ આખી લેખશ્રેણી ગયા વર્ષ ‘ન્યુઝપ્રેમી’ના વાચકો માટે પોસ્ટ કરી હતી. એમાંના એક લેખમાં મેં જેમના વિશે વાત કરી હતી અને એક કિસ્સો ટાંકીને, એમના ઉમદા સ્વભાવને બિરદાવ્યો હતો તે ભરતભાઈ પરમાર કોરોનામાં ગુજરી ગયા છે એવો સંદેશો પરમ દિવસે રાત્રે દોઢેક વાગ્યે એમના દીકરા હાર્દિકે મને આપ્યો. ગયા દસકાના વચ્ચેના ગાળામાં હું અમદાવાદ રહીને કામ કરતો હતો ત્યારે મારે એમની સાથે પરિચય થયો જે ક્રમશઃ કોટુંબિક સંબંધમાં પલટાઈ ગયો. ભરતભાઈ મારા ડ્રાઇવર હતા. ભરતભાઈ મારી ગાડી ચલાવતાં ચલાવતાં કયારે મારા સ્વજન બની ગયા એનો ખ્યાલ પણ ન રહ્યો. સાબરમતી જેલવાળો પ્રસંગ બન્યો ત્યારે છેક મને ખ્યાલ આવ્યો કે ભરતભાઈ મારા માટે સ્વજનથી પણ વિશેષ છે. કાર ચલાવવામાં જ નહીં, કારની સારસંભાળ રાખવામાં પણ એ એટલી કાળજી લેતા કે મારા મોઢે હંમેશાં ‘ભરતભાઇની ગાડી’ એવા જ શબ્દો નીકળી જતા. ભરતભાઇની ગાડીમાં હું ગુજરાતના એક-બે સિવાયના તમામ જિલ્લાઓ ફરી વળ્યો છું.

એક દિવસ ભરતભાઇની ગાડીમાં અમે સૌરાષ્ટ્રના કામે જઈ રહ્યા હતા. અમદાવાદથી સવારે વહેલાસર નીકળી ગયા હો તો ચોટીલા પાસે રોકાઇને ચા-ગાંઠિયાનો ભરપેટ નાસ્તો કરવાનો હોય. ગરમ ગોટા અને તાજા ફાફડા આવે એની રાહ જોઈ રહ્યા હતા ત્યાં ભરતભાઇએ જોયું કે પાર્કિંગ પ્લોટમાં કોઇની ગાડી પાર્ક રહી છે. ભરતભાઇએ નંબર પ્લેટ જોઇને મને કહ્યું કે આ ગાડીમાં કોણ હશે અને પોતે ઉભા થઇને એમને આવકરવા દોડી ગયા. હું જોતો હતો કે ભરતભાઇએ એમને નમસ્કાર વગેરે કરીને મારી તરફ ઇશારો કર્યો અને અમે જે ટેબલ પર નાસ્તાની રાહ જોતા હતા ત્યાં એમને લઈ આવ્યા. એ નજીક આવ્યા ત્યારે હું એમને ઓળખી ગયો અને ઉભા થઇને એમની સાથે હાથ મિલાવ્યા, ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર હતા. ભરતભાઈને પર્સનલી ઓળખતા હતા, મારા માત્ર નામથી પરિચિત હતા, હું તો એમના ફોટા છપાયા હોય એટલે જાણું.

ભરતભાઇની ઓળખાણો બહુ ભારે હતી.

અમદાવાદ આવીને મેં કાયદા મંત્રી અશોક ભટ્ટ સાથે વાતવાતમાં ઉલ્લેખ કર્યો કે મારી પાસે ડ્રાઇવર નથી. એમણે પોતાના ડ્રાઇવરને કહ્યું જેમની પાસેથી મને ભરતભાઈ મળ્યા. ભરતભાઈ શિક્ષણ મંત્રી આનંદીબહેન પટેલની ગાડી ચલાવતા અને થોડા સમય પહેલાં જ છૂટા થયા હતા.

મારા કરતાં એક વર્ષ મોટા. નવમી જૂને એમની વર્ષગાંઠ આવે. દર વર્ષે હું એમને વિશ કરવા ફોન કરું. એ પણ મારો જન્મદિવસ યાદ રાખીને ફોન કરે. ત્રણ અઠવાડિયાં પહેલાં જ એમની સાથે વાત થઈ. હવે એમનો ફોન નહીં આવે. આજે એમના પરિવારે ટેલિફોનિક બેસણું રાખ્યું છે. ભરતભાઈ સાથે સંકળાયેલી અનેક મૂલ્યવાન યાદોમાંથી એક સુવર્ણમુદ્રા સમો કિસ્સો ટાંકવો છે જે પાંચછ વર્ષ પહેલાં તમારી સાથે વહેંચી ચૂક્યો છું:

“બ્રિટિશ લેખક સેમ્યુઅલ બટલરનું આ વાક્ય છે, ‘દોસ્તી પૈસા જેવી છે, પૈસા બનાવવા આસાન છે, સાચવી રાખવા અઘરું કામ છે. મૈત્રીનું પણ એવું જ.’

ફેસબુકના આવ્યા પછી તો ફ્રેન્ડનો મતલબ જ સાવ બદલાઈ ગયો છે. બિલકુલ અજાણી વ્યક્તિ પણ તમારા માટે ‘ફ્રેન્ડ’ હોઈ શકે છે. તમારા સર્કલમાં તમે કૉલર ઊંચો રાખીને કહેતા ફરી શકો છો: એ તો મારો એફબી ફ્રેન્ડ છે. ઈન ફેક્ટ ફ્રેન્ડ સર્કલનો મતલબ પણ બદલાઈ ગયો છે. તમારા વૉટ્સએપ ગ્રુપમાં તમે જેમને સામેલ કર્યા હોય અને વરસને વચલે દહાડે જેમને મળવાનું થતું હોય એ પણ લોકોને કહેતા ફરે: હું તો ફલાણાના ગ્રુપમાં છું…. પણ કયા ગ્રુપમાં એવું કોઈ પૂછવા નથી આવતું.

દોસ્તીની મારી વ્યાખ્યા આખી જુદી છે. નાનો હતો ત્યારે મારી મા મને કહ્યા કરતી: ‘બાપડી બાપડી બધા કરશે, કાપડી કોઈ નહીં સિવડાઈ આલે.’ તમારી આજુબાજુ ભેગા થયેલા પરિચિતો જેમને તમે મિત્રો માની બેઠા છો એ તમારી વાહ વાહ કર્યા કરશે પણ સંજોગો વિપરીત થયા અને તન પર પહેરવાનું વસ્ત્ર પણ ન રહ્યું ત્યારે કપડું કોઈ સિવડાવી આપવાનું નથી.

તમારી ફોનબુકમાં જે બધા દસ આંકડાનાં નંબરો ઠાંસી ઠાંસીને ભર્યાં છે એ બધા તમારા કૉન્ટેક્ટ્સ છે, તમારા સંપર્કો છે. એમાંના પચાસ ટકા તમારા પરિચિત છે, ઓળખીતાઓ છે. એ પચાસ ટકામાંથી માંડ દસ ટકા તમારા આત્મીયજનો કે સ્વજનો છે જેમાં કેટલાક કુટુંબીજનો છે. અને આ દસ ટકામાં માંડ પાંચ-દસ તમારા રિયલ મિત્રો છે, દોસ્ત છે જે તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી થાય છે. એટલું જ નહીં, જિંદગીમાં તમે ઝાંખા પડતા હો ત્યારે પોતે ઘસાઈને તમને ઉજળા રાખે છે.

‘યાર, અડધી રાતે પણ કામ પડે તો કહેજે, જાન હાજર છે.’ એવું કહેવાવાળાઓને તમે બપોરે બાર વાગ્યે ફોન કરો અને એમનાં પત્ની કહે: ‘તમારા ભાઈ બાથરૂમમાં છે. કશું અર્જન્ટ હતું?’ .

જિંદગીમાં એવા કેટલાય કર્જ હોય છે જે તમે ક્યારેય ઉતારી શકવાના નથી. રૂપિયાનું કર્જ તો નાનું કહેવાય. ભાવનાઓથી જે માણસ તમને દેવાદાર બનાવી દે છે એના તમે આજીવન ઋણી રહેતા હો છો.

અમદાવાદ સ્થાયી થયો એ જ વર્ષે દિવાળીમાં કુટુંબ-સગાંવહાલાંઓ સાથે મહુડી જવાનું નક્કી કર્યું હતું. પ્રયોજન મહુડી જવાનું નહોતું, મહુડીના પાદરે કોટયર્ક દેવનું સ્થાનક છે. અમારા ખડાયતા વૈષ્ણવોના એ કુળદેવતા – કૃષ્ણનું જ સ્વરૂપ. નીકળવાની આગલી રાતે મને થયું કે જિંદગીમાં હું પહેલવહેલીવાર કુળદેવતાનાં દર્શને જઉં છું, મેં બાધા લીધી : સિગરેટ છોડવાની. કૉલેજના દિવસોથી પીતો. વચ્ચે વચ્ચે બે ડઝન વાર છોડી હશે. પણ થોડા દિવસ, થોડા મહિના પછી પાછી શરૂ. આ વખતે તો છોડવી જ છે.

અને છૂટી ગઈ, પાંચ વરસ સુધી નહીં પીધી. 2008ની સાલ. એક ખોટા કેસમાં ફસાવીને મને સાબરમતી જેલમાં નાખી દેવામાં આવ્યો. જેલની પહેલી જ મુલાકાતમાં મેઘા મળવા આવી ત્યારે પંદર મિનિટ પૂરી થતી હતી અને પૂછતી ગઈ : તમે સિગરેટ શરૂ કરી? ના. મેં કહ્યું.

અંદર ભયંકર માનસિક તાણમાં હું રહેતો પણ મન સાફ હતું એટલે રાત્રે નિરાંતે સળંગ સાત કલાકની ઉંઘ મળતી. જેલની કેન્ટીનમાં તે વખતે ઑફિશ્યલી સિગરેટ મળતી. આજુબાજુવાળા ઘણા પીતા. મને ઑફર કરતા. પણ એવા ટેન્શનમાંય મેં સિગરેટ નહીં પીધી.

બહાર આવ્યાના બે-એક મહિના પછી હું ક્યાંક જતો હતો. પાનના એક ગલ્લા પાસે ગાડી ઊભી રખાવી. ભરતભાઈ ચારપાંચ વર્ષથી મારી ગાડી ચલાવે. વખત આવ્યે જાન પાથરી દે એવું વ્યક્તિત્વ. ઘરના માણસ બની ગયા હતા. ગાડી સાઇડમાં લેવડાવીને મેં કહ્યું : ‘બે સિગરેટ લઈ આવો.’ ભરતભાઈ ચોંકી ગયા. એમણે મને છેલ્લાં ચારપાંચ વરસમાં ક્યારેય સિગરેટ પીતાં જોયો નહોતો. વિવેકથી ભરતભાઈએ પૂછ્યું, ‘કઈ?’ મને યાદ પણ નહોતું કે છેલ્લે હું કઈ સિગરેટ પીતો હતો. એ હદ સુધી હું એને ભૂલી ગયો હતો. પાનના ગલ્લા પર મેં બોર્ડ જોયું : ક્લાસિક. મેં કહ્યું : ‘એ જ લેતા આવો.’

બેમાંની એક શર્ટના ખિસ્સામાં મૂકીને બીજી મેં સળગાવીને કશ લીધો. ભરતભાઈએ મારી સામે જોયું. એ જરાક હસ્યા. નૉર્મલી ભરતભાઈનું વર્તન ભારે વિવેકી. બહુ જ અદબવાળા. હું જેટલું એમને માન આપું એના કરતાં વધારે આદર એ મારો જાળવે.

‘શું થયું, ભરતભાઈ? કેમ હસ્યા તમે?’ મેં પૂછ્યું :

‘કંઈ નહીં, ભાઈ…’

‘કહો તો ખરા. કંઈક કહેવું છે તમારે’ મેં બહુ આગ્રહ કર્યો ત્યારે એમણે ફોડ પાડ્યો.

એ ક્યારેક સિગારેટ-બીડી પીતા, તમાકુ નિયમિત ખાતા- પાનમાં કે પછી ગુટકો. હું જેલમાં હતો ત્યારે જેલના નિયમો પ્રમાણેની પરવાનગી કઢાવીને બીજા તમામ કાચા કેદીઓની જેમ મને પણ ઘરેથી ટિફિન મેળવવાની છૂટ હતી. ભરતભાઈ રોજ એમની બાઈક પર ટિફિન જમા કરાવીને આગલા દિવસનું ખાલી ટિફિન પાછું લઈ જતા. મહિનો થયો. હું રોજ ભરતભાઈએ આપેલું ટિફિન બીજા સાથી કેદીઓ સાથે જમતો અને મને થતું આટલા નજીક આવીને ભરતભાઈ મને મળ્યા વગર જતા રહે છે. બીજે દિવસે મેં મુલાકાત જેલરને રિક્વેસ્ટ કરી – એક અનઑફિશ્યલ વિઝિટ માટેની. જેલમાં સુપરિન્ટેન્ડન્ટથી માંડીને જેલરો, સિપાઈઓ બધાને મારા આગમનની અને કેસ વિશેની જાણકારી મળી ગઈ હશે અને દરેક જણ ‘આ ખોટે-ખોટો ક્યાં અહીં ભેરવાઈને આવી પડ્યો’ એવી લાગણી સાથે મારી સાથે તમીઝથી વર્તતું. મુલાકાત જેલરને વિનંતી ન કરી હોત તો મને દર અઠવાડિયે એક વાર પંદર મિનિટ માટેની મુલાકાતનો જે ક્વોટા મળતો હતો તે એમાં વપરાઈ જાત. મુલાકાત જેલર પોતે ભરતભાઈ ટિફિન આપવા આવ્યા ત્યારે એમને મુલાકાત રૂમમાં લઈ આવ્યા. મારી અને ભરતભાઈની વચ્ચે બે જાળી. અમે એકબીજાને માત્ર જોઈ શકીએ. અત્યાર સુધી હું આ ગાળામાં રડ્યો નહોતો. મારી ધરપકડ થઈ ત્યારે નહીં, પોલીસ કસ્ટડીમાં નહીં, અદાલતે મને સાબરમતી જેલમાં જ્યુડિશ્યલ કસ્ટડી હેઠળ રાખવાનો હુકમ કર્યો ત્યારે નહીં, જેલની પહેલી રાતે, મારા માટેની બેરેકની ફાળવણી થાય એ પહેલાં ‘આફ્ટર’માં જન્મટીપના કેદીઓ (કાં તો મર્ડર કાં રેપ) વચ્ચે ગાળેલી રાતે પણ નહીં, જેલના મુલાકાત રૂમમાં મેઘાની પહેલી વિઝિટ વખતે પણ નહીં… જેલના રાતના ભેંકાર અંધકારમાં છુપા છુપા પણ નથી રડ્યો પણ ભરતભાઈને જોતાંવેંત એક મહિનાથી બાંધી રાખેલો બંધ તૂટી ગયો. પાંચ મિનિટ સુધી કશું બોલ્યા વિના અમે બંને માત્ર રડતા રહ્યા…

મેં સિગરેટ સળગાવ્યા પછી મારા ખૂબ આગ્રહ બાદ ભરતભાઈએ મને કહ્યું : ‘ભાઈ, મેં મૂકી અને તમે શરૂ કરી.’

‘હું સમજ્યો નહીં.’

‘તે દિવસે હું તમને પહેલીવાર જેલમાં મળવા આવ્યો યાદ છે? એ રાતે મને ઊંઘ ન આવી. બીજા દિવસે મારા આખા કુટુંબને લઈને અમે સૌ ઉઘાડા પગે અમારી કુળદેવીનાં દર્શને ગયાં. અમદાવાદથી થોડે દૂર છે. ત્યાં મેં તમારા માટે બાધા રાખી. હેમખેમ બહાર આવી જશો તો હું આખી જિંદગી બીડી-સિગરેટ-તમાકુ-ગુટકો- સાદું પાન પણ, છોડી દઈશ.’

મારી સિગરેટ ફરી શરૂ થઈ ગઈ અને સાતેક વર્ષ સુધી એ લત પુનઃ મારા જીવનમાં રહી. ( ચારેક વર્ષ પહેલાં સાવ છોડી, આ વખતે આજીવન ). ભરતભાઈએ ન તો સિગેરટ-બીડી શરૂ કર્યાં છે, ન તમાકુ-ગુટકો, ન ઈવન સાદું પાન.

અગિયાર વરસ પહેલાં અમદાવાદ છોડ્યું ત્યારે એ મને મુંબઈ સુધી મૂકવા આવ્યા હતા. બે-ત્રણ દિવસ રહીને પુસ્તકો વગેરે ગોઠવવામાં મદદ કરીને પાછા ગયા. બીજે વરસે એમના દીકરાનાં લગ્ન હતાં. એમની ખૂબ ઈચ્છા હતી અને મારી પણ. પરંતુ તે વખતે મારે જે વહેવાર કરવો જોઈએ એટલા તો શું ગાડીભાડાનાં પણ ફાંફા હતા. હું બહાનું કરીને ન ગયો. ભરતભાઈને માઠું લાગ્યું હશે પણ સમજતા પણ હશે. એ પછી એમની દીકરીનાં લગ્નનો પ્રસંગ આવ્યો. હું થાળે પડી રહ્યો હતો. મારે જે વહેવાર-ભેટો વગેરે લઈ જવું હતું તે તો ખરું જ પણ વહેલી સવારના માંડવા મુહૂર્તથી મોડી સાંજે કન્યા વિદાય સુધી હું ને મેઘા એમની, એમના કુટુંબીઓ, સગાં, નાતીલાઓ, મિત્રો-સ્વજનોની સાથે રહ્યા. ઘરનાં લગ્ન હોય એ જ ઉમળકાથી એ લગ્ન માણ્યાં.

અમદાવાદ જતો-આવતો હોઉં ત્યારે એમને મળવાનું ચૂકતો નથી, વારતહેવારે ફોન પર વાત થતી રહે. ક્યારેક અમદાવાદમાં હોઉં ત્યારે સાંજે ભરતભાઈને ફોન કરીને કહું : ‘બહેનને કહેજો કે બે રોટલી વધારે બનાવે, હું જમવા આવું છું.’

દોસ્તી પૈસાથી નથી મપાતી, દોસ્તીમાં સામાજિક સ્તર નથી હોતા, દોસ્તી ભાવનાઓથી/લાગણીઓથી સિંચાય છે. જિંદગીમાં જે પ્રિય છે એવું ત્યજીને દોસ્તીનો ધર્મ સચવાય છે એવું મને ભરતભાઈ પરમારે શીખવાડ્યું.”

બસ, આ જ કિસ્સો ટાંકવો હતો ભરતભાઈની સ્મૃતિમાં.

આજનો વિચાર

પરમાત્મા,

અમને પણ એવા મૈત્રીભાવથી ભરી દે કે અમારા મિત્રોની અપ્રગટ શક્યતાઓ પિછાણી શકીએ અને તેને બહાર લાવવામાં સહાયભૂત બનીએ. અમારી ઊણપો, નબળાઈઓ, ભૂલો દૂર કરવાના અને સાત્ત્વિકતા, સત્યનિષ્ઠા, નિર્ભયતા વધારવાના પ્રયત્નોમાં અમે એકમેકને સક્રિય સાથ આપીએ. અમારી સારી દશામાં જેઓ અમારી સાથે હતા, તેમનો માર્ગ ખીણમાંથી પસાર થાય ત્યારે તેમને વીસરીએ નહીં.

— કુન્દનિકા કાપડીઆ (‘પરમ સમીપે’માં)

10 COMMENTS

  1. શ્રી સૌરભભાઈ,
    આપે થોડા સમય પહેલાં ૨૬-૧૧ ની ઘટના વિશે મણિ સરની શ્રેણી લખેલ હતી, તેના આઠેય ભાગ જો શક્ય હોય, તો મોકલવા માટે વિનંતી, આપનો સદા આભારી રહીશ.
    આપનો નિયમિત વાચક
    નીતિન વ્યાસ (રાજકોટ)

  2. સ્નેહી ભાઈ શ્રી સૌરભ,
    “ન્યુઝ પ્રેમી- વન પેન આર્મી” ને હાર્દિક અભિનંદન. આશા રાખું છું કે તમે મુંબઇ કર જ હશો. છેલ્લા બારેક મહિનાના લોકડોઉન દરમ્યાન કેટલાક જાણીતા મરાઠી પત્રકાર , જેમકે ભાઉ તોરસેકર જેમણે “પ્રતિપક્ષ” વલોગ (vlog) ચાલુ કર્યું છે. યુ ટબ પર તે સવાર સાંજ સાંભળવાની મજા આવે છે. તેમનું વિશ્લેષણ પણ નિષ્પક્ષ હોય છે. આપને પણ આવુજ કંઈક ગુજરાતી માં ચાલુ કરવા વિનંતી. બીજી ઘણી બાબતો ગુજરાતી સમાચાર પત્રો વિશે આપની સાથે ચર્ચા કરવાનું ઘણુંજ મન છે.
    બને તો આપનો નંબર શેર કરશો.
    CA કિરણ કાનાની, પુણે.

  3. સૌરભભાઈ,
    મારે એક માહિતીની જરૂર છે જેના માટે મેં ઘણો પ્રયત્ન કર્યો પરંતુ આ માહિતી ઉપલબ્ધ થઇ શકી નથી
    મારે એ જાણવું છે કે arnab ગોસ્વામી તેમની ચેનલ રિપબ્લિક ઇન્ડિ યા કે R. ભારતમાં તેઓ કોઈ પણ કાર્યક્રમ આપવા આવતા નથી આ અંગેનુ કારણ શું છે? ભવિષ્યમાં તેઓ આવશે કે નહીં તે જાણકારી હોય તો આપવા વિનંતી છે.

  4. ખુબ સરસ. વધારે શબ્દો મળતા નથી. શું લખું?

  5. સાચી દોસ્તી કેવી હોય તેની સમજ આપતો સરસ લેખ. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here