ગ્લેમરથી અંજાઈને કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં : સૌરભ શાહ

( ‘તડક ભડક’: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, 19 સપ્ટેમ્બર 2021)

એક વાત છે કે દૂરથી જોતાં આપણને જે ગ્લેમરસ કામ લાગે છે કે જેની ચમકદમકથી આપણે અંજાઈ જઈએ છીએ તે દરેક કામ વાસ્તવમાં અત્યંત મહેનત, ધીરજ, ખંત અને પ્રતિભાનો ભંડાર માગી લે એવું હોય છે.

આજકાલ યુટ્યુબનો જમાનો ચાલે છે. લોકોને રાતોરાત ફેમસ યુટ્યુબર બની જવું છે, સિલ્વર અને ગોલ્ડ બટન મળી જાય એટલા ચાહકો (એક લાખ, દસ લાખ) મેળવી લેવાં છે. ટીવી પરના રિયાલિટી શોમાં ભાગ લઈને પોતાની ટેલેન્ટ દેખાડવી છે. ફિલ્મોમાં કામ કરીને અમિતાભ બચ્ચન બની જવું છે. ન્યુઝ ચેનલમાં એન્કરિંગ કરીને આખા દેશમાં જાણીતા ચહેરા બની જવું છે. ક્રિકેટ રમીને સચિન કે વિરાટ બની જવું છે.

આ અને આવા અનેક વ્યવસાય ગ્લેમરસ છે. ખૂબ પૈસા છે, પ્રસિદ્ધિ તો છે જ. એક વાત લખી રાખીએ કે માત્ર ગ્લેમરથી ખેંચાઈને જો કોઈ વ્યવસાય કરવા ગયા તો તમે ઊંધે માથે પછડાવાના. કારણ કે આ તમામ વ્યવસાયનો અસલી ચહેરો ધૂળ-પરસેવાથી રગદોળાયેલો હોય છે. અનેક દબાણો અને ટેન્શનો વચ્ચે સ્વસ્થતા રાખીને દિવસરાત કામ કરવું પડે, પછી વર્ષો બાદ એ કામ પર ગ્લેમરનો ઢોળ ચડતો હોય છે.

બાળકોને, સંતાનોને નાનપણથી ઉત્સાહી માબાપ એન્કરેજ કરતા રહે છે કે બેટા, તું મોટો થઈને આના જેવો બનજે કે દીકરી, તું મોટી થઈને આ ફિલ્ડમાં કામ કરજે.

પેરેન્ટ્સે સંતાનો પર રોલ મોડલ્સ થોપતાં પહેલાં એ તમામ વ્યક્તિઓ કેવી રીતે ત્યાં પહોંચી એ વિશે રિસર્ચ કરીને એની વિગતો બાળકોના મગજમાં રોપી દેવી જોઈએ. તમારા બાળકે ઇવન સ્ટૅન્ડ અપ કૉમેડિયન પણ બનવું હશે તો પણ તે કંઈ હસવાના ખેલ નથી એટલી સમજ એનામાં પહેલેથી જ આવી જવી જોઈએ.

ડૉક્ટર, એન્જિનિયર કે પાયલોટ જેવા ડઝનબંધ વ્યવસાયોમાં પ્રવેશવા માટે સખત તાલિમ લેવી પડે. અને એ પછી એ કામમાં સફળ થવા જેટલી મહેનત લગન અને ટેલેન્ટ જોઈએ એટલી જ તાલિમ, મહેનત વગેરે યુટ્યુબ કે ફિલ્મ-ટીવી-ચેનલ પર દેખાતા જાણીતા ચહેરા બનવા માટે જોઈતી હોય છે. જે ક્ષેત્રમાં વધારે ગ્લેમર હોય છે એ ક્ષેત્રમાં પ્રવેશવા માટે અને ઉપર આવવા માટે અન્ય ક્ષેત્રો કરતાં વધારે મહેનત-ખંત વગેરેની જરૂર પડતી હોય છે. વધુ ચમકદમક ધરાવતાં ક્ષેત્રોમાં કૉમ્પીટિશન પણ ગળાંકાપ હોવાની. ટેલેન્ટનો અખૂટ ભંડાર તો જોઈએ જ જોઈએ. ઓછી પ્રતિભાથી કે કોઈની વગથી તમે એ ક્ષેત્રમાં પહોંચી પણ ગયા તો થોડા જ સમયમાં પારખાં થઈ જશે. તમારી ઓળખાણોથી પ્રવેશ લઈ લીધો હોવા છતાં ત્યાં ટકી રહેવા માટે તો તમારે તમારા પગ પર જ ઊભા રહેવું પડશે. સુનીલ ગાવસ્કરના દીકરા રોહન ગાવસ્કરથી માંડીને સુનીલ શેટ્ટીની દીકરી (જે કંઈ નામ હોય એનું) પૂછી આવજો કે પિતાના નામની વગ એમને કેટલે સુધી લઈ ગઈ.

ખરેખર જોવા જાઓ તો આ દુનિયામાં તમારા ખાનદાનનું નામ કે એની વગ તમને અમુક હદ સુધી જ કામ લાગે છે. અનેક ઉદ્યોગપતિઓનાં સંતાનોએ ભવ્ય વારસો મળ્યો હોવા છતાં લાખના બાર હજાર કર્યા હોય એવા દાખલા તમે નથી જોયા?

સ્ટીવ જૉબ્સના જીવનની વાતો સાંભળીને આઇટી ક્ષેત્રમાં કામ કરનારા તમામ મુગ્ધ યુવાન-યુવતીઓ એના જેવા બની જવા માગતા હોય છે. રાજકારણ સહિતના દરેક ક્ષેત્રના ટોચના લોકો સેલિબ્રિટી બની જતા હોય છે – એમના નામ સાથે એક આભામંડળ જોડાઈ જતું હોય છે, એમનો ચહેરો એમની લાઇફ સ્ટાઇલ કરોડો લોકોની આંખે ચડી જાય છે. આપણે એમના જેવા બનવા માગીએ છીએ કારણકે આપણી નજર સમક્ષ એમના જીવનનું એન્ડ રિઝલ્ટ દેખાઈ રહ્યું છે- સિદ્ધિના જે શિખર પર તેઓ અત્યારે ઊભા છે તે દેખાઈ રહ્યું છે. આ શિખરની તળેટીએ આવેલા પ્રથમ પગથિયા પર ક્યારેક તેઓ ઊભા હશે એની કલ્પના પણ આપણને નથી હોતી. એ પછી દરેક પગથિયું ચડવા માટે કેટલે વીસે સો થાય છે એની આપણને જાણ નથી હોતી.

પૈસો અને પ્રસિદ્ધિ પામેલા આપણી આસપાસના જ વાતાવરણમાં રહેલા, આપણે જેમને ઓળખતા હોઈએ એવા તમામ લોકોની મોંઘી કાર, એમનાં મોંઘાં કપડાં, મોંઘા ઘર, મોઘું ઇન્ટિરિયર તથા મોંઘી લાઇફસ્ટાઇલ આપણે જોઈ શકીએ છીએ. બીજાઓ એમને કેટલાં માનપાનથી બોલાવે છે, ખમ્મા ખમ્મા કહીને એમનો પડ્યો બોલ ઝીલી લેવા આતુર હોય છે તે જોઈ શકીએ છીએ. પણ એક જમાનામાં ગજવામાં એક રૂપિયો પણ ન હોવાથી એમણે એક કપ ચા પીવા માટે કેવી મજબૂરીઓ સહન કરવી પડી હતી તેનો આપણને ખ્યાલ નથી હોતો. આ નાથાલાલો જ્યારે નાણાં વગરના નાથિયા હતા ત્યારે એમના જ કુટુંબીઓ, પરિચિતો અને સામાજિક વર્તુળના લોકો એમને કેવી રીતે હડધૂત કરતા, અવગણતા કે અપમાનિત કરતા તેમાંનું કશું આપણે જોયું નથી હોતું.

ઝવેરાતના શોરૂમમાં આંખો આંજી દે એવાં ઘરેણાં જોતી વખતે યાદ રાખીએ કે સોનાની ખાણમાં કે હીરાની ખાણમાં ટનબંધ માટીમાં ક્યાંક ક્યાંક છુપાયેલી આ દાગીનાની એક એક કણ કેવા કઠિન પ્રવાસો પછી આ ઝગમગાટભર્યા શોકેસ સુધી પહોંચ્યા છે.

પાન બનાર્સવાલા
આજથી વીસ વર્ષ પછી, તમને વીતેલા બે દાયકા દરમ્યાન કરેલાં કામનો કોઈ અફસોસ નહીં હોય પણ નહીં કરેલાં કામનો પારાવાર પસ્તાવો થતો હશે.
-માર્ક ટ્વેઇન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here