ગુરુદેવ કહે છે કે તમે તમારા મનને પૂછો કે તમને જીવનમાં ફરીવાર શું જોઈએ છે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ ભાદરવી પૂનમ, વિક્રમ સંવત ૨૦૭૭. સોમવાર, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧)

ઓછામાં ઓછા અને સરળતમ શબ્દોમાં જીવનની સૌથી ગહન વાતોને કેવી રીતે સમજાવવી એ કળાના આશીર્વાદ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબને મા સરસ્વતી પાસેથી પ્રાપ્ત થયા છે. ‘શૂન્યનું રૂપાંતરણ પૂર્ણમાં’ નામના ગુરુદેવના 385મા પુસ્તકની પ્રસ્તાવનાનો આ અંશ વાંચીને તમને ખ્યાલ આવશે કે એક આખો દળદાર ગ્રંથ લખી શકાય એવી વાતો એમણે અડધા પાનામાં કહી દીધી છેઃ

‘અંતઃકરણ અને મનની આમ તો જાતજાતની ઓળખાણ છે. શુદ્ધિકરણમાં રસ એ જો અંતઃકરણ છે તો સ્પષ્ટિકરણમાં રસ એ મન છે. સ્વભાવનું આકર્ષણ એ જો અંતઃકરણ છે તો પ્રભાવનું આકર્ષણ મન છે. હાથ આપવામાં રસ એ જો અંતઃકરણ છે તો પગ ખેંચવામાં રસ એ મન છે… કલ્યાણમિત્ર બનવામાં રસ એ જો અંતઃકરણ છે તો મિત્ર બનાવવામાં રસ એ મન છે. હિતમાં રસ એ જો અંતઃકરણ છે તો સુખમાં રસ એ મન છે. પતન-ઉત્થાનની વિચારણા એ જો અંતઃકરણ છે તો લાભ-નુકસાનની વિચારણા એ મન છે…’

બાળસહજ નિર્દોષતા ધરાવતા અંતરાત્માના અવાજને દાબીને ઉચ્છ્રંખલ, ચંચળ અને ભારાડી એવું મન પોતાની મનમાની કરતું થઈ જાય ત્યારે આપણે ભટકતા થઈ જઈએ છીએ એવું ગુરુદેવનું કહેવાનું છે. આ રખડપટ્ટીને સીધા માર્ગે લાવવા માટેની કેટલીક ટિપ્સ સાહેબજી આ પુસ્તકમાં આપે છે.

ગુરુદેવ લખે છેઃ ‘આમ જોવા જાઓ તો મનની એક આગવી ઓળખ છે- ‘પ્રશ્નો પૂછવાનું યંત્ર’ અને એમાં મોટા ભાગના પ્રશ્નો તો નકામા, નિરર્થક, નુકસાનકારી અને જીવનને નમાલા તેમ જ નિઃસત્ત્વ બનાવે તેવા હોય છે: આ દેશનું શું થશે, મોંઘવારી ક્યારે ઘટશે, યુવાપેઢી ક્યારે સુધરશે, પૈસાનો બેફામ વેડફાટ ક્યારે ઘટશે?’

ગુરુદેવની વાતમાં સો ટકા સત્ય છે. નવરા લોકો ગામ આખાની ફિકર કરતા હોય એમ એકબીજાને પૂછતા રહે છેઃ આ સરકારનું તમને કેમનું લાગે છે – નેક્સ્ટ ઇલેક્શનમાં ફરી ચૂંટાશે? પેટ્રોલના ભાવ ક્યારે ઘટશે? આજની શિક્ષણપ્રથા ક્યારે સુધરશે? મોબાઇલ જેવાં સાધનોનો દુરુપયોગ બંધ કરવા શું થવું જોઈએ?

જે પરિસ્થિતિ પોતાના કાબુમાં છે જ નહીં અને જેના વિશે કંઈક કામ કરવાનું આવે તો તરત જ છટકી જઈએ છીએ એ પરિસ્થિતિ વિશે ગંભીર મોઢે પ્રશ્નો કરીને આપણે માનતા થઈ જઈએ છીએ કે આપણે બહુ મોટા ડહાપણના ભંડાર એવા સમજદાર અને પંડિત થઈ ગયા. જે પ્રશ્નો ખરેખર પૂછાવા જોઈએ એ વિશે તો કોઈ વિચાર કરવા પણ તૈયાર નથી. ગુરુદેવ લખે છે: ‘જો સાચે જ આપણે જીવનને નિખાર આપવા માગતા હોઈએ તો આ પાંચ પ્રશ્નો જાતને પૂછવાનું શરૂ કરવા જેવું છે? ૧.મને જે મળ્યું છે એને શું હું લાયક છું? ૨. અન્યના સત્કાર્યોની શું હું કદર કરું છું? ૩. શું હું સમ્યક્‌ને (જે સાચું છે અને જે યોગ્ય છે તેને) પસંદ કરું છું? ૪. મને મળેલાં પરિબળોનો શું હું સદુપયોગ કરું છું? અને ૫. મને ફરી વાર જે જોઈએ છે એ શું છે?’

આ પાંચ પ્રશ્નો વિશેની સમજૂતી આપતાં ગુરુદેવ સૌથી પહેલાં પ્રથમ પ્રશ્ન હાથમાં લઈને કહે છેઃ

‘દૂધપાક મળી જવો એ કદાચ ભાગ્ય હશે પણ દૂધપાક પચી જવો એ તો સદ્‌ભાગ્ય છે. શક્તિ અને સંપત્તિ મળી જવી એ કદાચ ભાગ્ય છે પણ એનો સદુપયોગ એ તો સદ્‌ભાગ્ય છે.’ આટલી સમજ કેળવીને જાતને પૂછવું જોઈએ કેઃ ‘મને જે મળ્યું છે એને શું હું લાયક છું?’

બીજો સવાલ પણ એટલો જ મહત્ત્વનો છે કે બીજાનાં સત્કાર્યોની હું કદર કરું છું? ગુરુદેવ કહે છેઃ ‘મનને ફરિયાદો કરવામાં જેટલો રસ છે એનો લાખમા ભાગનો રસ પણ ધન્યવાદ આપવામાં નથી. એને આક્ષેપો કરવામાં જેટલો રસ છે એનો લાખમા ભાગનો રસ પણ કદર કરવામાં નથી.’
ગુરુદેવ આગળ લખે છેઃ ‘આપણને જે સુખો મળ્યાં છે એ આપણી લાયકાત કરતાં ઘણાં વધારે છે અને આપણા પર જે કંઈ દુઃખો આવ્યાં છે એ આપણી નાલાયકતા કરતાં ઘણાં ઓછાં છે. હવે ફરિયાદ શું કામ? આક્રોશ, ઉદ્વેગ અને ઉકળાટ શું કામ?’

ત્રીજો સવાલ હતોઃ મને શું પસંદ છે? ગુરુદેવ લખે છેઃ ‘મને શું મળ્યું?- એના આધારે મારું જીવન બનવાનું નથી. ‘મેં શું કર્યું?- એના આધારે પણ મારું જીવન બનવાનું નથી. પણ મને શું ગમ્યું અથવા મેં શેની પસંદગી કરી એના આધારે જ મારું જીવન બનવાનું છે… આપણે આજે જે છીએ તે આપણી ભૂતકાળની પસંદગીનું પરિણામ છે. આવતી કાલે આપણે એ હશું જે આપણે આજે પસંદ કરી રહ્યા છીએ.’

ચોથો પ્રશ્ન હતોઃ મને જે કંઈ મળ્યું છે એનો શું હું સદુપયોગ કરું છું? ગુરુદેવ સમજાવે છેઃ ‘પથ્થરને બહુ ફરક પડી જાય છે જ્યારે એ ગુંડાને બદલે કો’ક શિલ્પીના હાથમાં આવી જાય છે. જીવનને બહુ ફરક પડી જાય છે જ્યારે એ સજ્જનને બદલે દુર્જનના હાથમાં હોય છે… દીવાસળી તો એની એ જ હોય છે પણ નાલાયક એનાથી સળગાવી જાય છે જ્યારે લાયક એનાથી પ્રગટાવી જાય છે… ફરક જે પણ પડે છે એમાં મહત્ત્વનો ફાળો વિવેકનો હોય છે, વિશ્વાસનો હોય છે, વિનાશનો હોય છે અને વાત્સલ્યનો હોય છે જ્યાં આ મંગળ ચતુષ્ક હાજર હોય છે ત્યાં વસ્તુનો, વ્યક્તિનો અને પરિસ્થિતિનો સદુપયોગ જ થતો હોય છે.’

પાંચમો સવાલ વાંચીને તમને વિચાર કરતા થઈ જાઓ છો. જબરદસ્ત પ્રશ્ન છે. ‘મને ફરીવાર જે જોઈએ છે એ શું છે?’
અહીં જરા વાર રોકાઈને તમે વિચારો કે જીવનમાં ઑલરેડી તમને જે જે કંઈ મળી ચૂક્યું છે એમાંથી શું શું ફરી વાર જોઈએ છે? ઘણું બધું યાદ આવશે. મળ્યું તે વખતે જે ગમ્યું તે અત્યારે ક્ષુલ્લક લાગતું હશે, કદાચ નહીં ગમતું હોય. કેટલુંક એવું હશે જે એક વાર મળી ગયું છે અને ગમી ગયું છે છતાં બીજી વાર મળે એવી ઇચ્છા કે ઉત્સુકતા નથી. અમુક એવું હશે જીવનમાં, જે મળ્યું ખરું પણ એ મેળવવા પાછળની કડાકૂટ , એટલા ધમપછાડા કે એટલી મહેનત હવે ફરી નથી કરવાં. તમારે જ નક્કી કરવાનું છે (અને નક્કી કરીને એની જાહેરાત નથી કરવાની કે કુટુંબમાં પણ એનાઉન્સ નથી કરવાનું) કે તમને જીવનમાં ફરી વાર શું જોઈએ છે? આ પ્રશ્નનો જવાબ ખાનગી જ રહેવાનો છે એવી ખાતરી રાખ્યા પછી, જાત આગળ સંપૂર્ણપણે નિખાલસ થઈને તમારે યાદી બનાવવાની છે કે તમારે ફરી વાર શું શું પ્રાપ્ત કરવું છે?

આ યાદી મનોમન બનાવી લીધી હોય તે પછી (એ પછી જ) ગુરુદેવની આ વાતના સંદર્ભમાં તમારી યાદીને ફરી વાર મૂલવો. ગુરુદેવ કહે છેઃ ‘એમ કહેવાય છે કે માણસ જે કંઈ કરે છે (કૃતિ), જે કંઈ સાંભળે છે (શ્રુતિ), જે કંઈ યાદ રાખે છે (સ્મૃતિ) અને જે કંઈ પસંદ કરે છે (રુચિ) એના પરથી એની સાચી ઓળખ પ્રસ્થાપિત થતી નથી પણ એ ફરી ફરી જે કરવા, સાંભળવા, યાદ રાખવા અને પસંદ કરવા માગે છે એ જ એની સાચી ઓળખ છે.’

આ છેલ્લી વાત, પાંચમા પ્રશ્ન વિશેની વાત, વાગોળવા જેવી છે. આજે આખો દિવસ જ્યારે સમય મળે ત્યારે આના વિશે વિચાર કરીશું તો ચોક્કસ જીવનમાં એક નવો વળાંક આવશે.

થોડી વાતો બાકી છે. આવતી કાલે વધુ એક લેખ દ્વારા આ શ્રેણીને પંચામૃતસમી બનાવીએ.

••• ••• •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here