ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ
નવમાંની ત્રણ વાતો વિશે ગઈ કાલે ચર્ચા કરી કે તમારે કોઈની સાથે ઝઘડો થયો હોય કે કોઈએ તમારું અપમાન કર્યું હોય કે કોઈએ તમારી પ્રશંસા કરી હોય તે વિશે તમારે બીજા કોઈ આગળ કશુંય બોલવાનું નહીં, વાત ખાનગી રાખવાની.
ચોથી ખાનગી રાખવા જેવી વાત તમારા મેડિકલ પ્રોબ્લેમ્સ. નાની મોટી શારીરિક તકલીફો સૌ કોઈને હોવાની અને દરેક જણ પોતપોતાની રીતે એ સમસ્યાઓનો સામનો કરવાનું છે. સોનિયા ગાંધીને કે અત્યારે રિશી કપૂરને કઈ બીમારી છે એની તમને ખબર છે? ડોનલ્ડ ટ્રમ્પ કે અમિતાભ બચ્ચન રોજ કેટલા પ્રકારની ગોળીઓ ગળે છે એની તમને જાણ છે? નથી અને ન જ હોવી જોઈએ. સેલિબ્રિટીઓ જ નહીં, આપણા જેવી નૉર્મલ વ્યક્તિઓની મેડિકલ કંડિશન વિશે પણ ફેમિલીમાં લાગતીવળગતી એકાદ બે વ્યક્તિઓ સિવાય બીજા કોઈને ખબર ન હોવી જોઈએ. તમને કબજિયાત હોય તો એ તમારો પ્રોબ્લેમ છે (બહુ બહુ તો ભાવનગરવાળા શેઠ બ્રધર્સનો પ્રૉબ્લેમ છે). ગામ આખાને એની જાણકારી આપવાની જરૂર નથી. એવું જ બીપી, કોલેસ્ટરોલ, શુગર સહિતની દસ ડઝન નાની મોટી કંડિશન્સ વિશે માનવું. કોઈ પૂછે કે તબિયત કેમ છે ત્યારે ગયા મહિને કઢાવેલા કમ્પ્લીટ બોડી ચૅકઅપનો રિપોર્ટ આપતા હોઈએ એમ વિગતો આપવા નહીં બેસી જવાનું. જલસા છે, એમ જ કહેવાનું. લોકોના દેખતાં તમારી રોજની લાલપીળી ટેબ્લેટ્સની ડબ્બી ખોલીને નાસ્તો કરવા નહીં બેસી જવાનું. જમ્યા પછી આઈસક્રીમ ન ખાવો એવું ડૉક્ટરે કહ્યું તો એટલી ચરી પાળવાની, પણ જેમણે આઈસક્રીમની ઑફર કરી હોય એને તમારે કહેવાની જરૂર નથી કે: ના હોં. ખબર છે કાલે શુગર અઢીસો થઈ ગઈ’તી. એ જ રીતે તમને માનસિક પ્રૉબ્લેમ હોય તો કયા સાઈક્રીએટ્રિસ્ટની તમે ટ્રીટમેન્ટ લો છો એનો ઢંઢેરો પીટવાની જરૂર નથી. લોકો તમને ગાંડા ગણશે. બાયપાસ કરાવી હોય, સ્ટેન્ડ મુકાવ્યા હોય, કિડનીના પ્રોબ્લેમ્સ સોલ્વ કરાવ્યા હોય કે પછી સ્વામી રામદેવની શિબિરોમાં જઈને ઘૂંટણના વાની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો બધાને કહેવાની જરૂર નથી. જિંદલ ફાર્મમાં જવું હોય તો મહિનો બેન્ગલોરનો આંટો મારી આવવાનો. આવ્યા પછી સ્લિમ ઍન્ડ ટ્રીમ થઈ ગયા હો તો બડાશ હાંકવાની જરૂર નથી કે તમે કેવી રીતે ત્રીસ દિવસ સુધી માત્ર રોજની ત્રણ કિલો પલાળેલી કાળી દ્રાક્ષ ખાઈને કાઢ્યા અને એ દરમ્યાન તમારા મળના રંગમાં કેવા કેવા ફેરફારો થયા. છી કોઈને તમારી છી છીમાં રસ નથી. તમે કયા કયા ડૉક્ટરોની કઈ કઈ ટ્રીટમેન્ટો લીધી એની વિગતોમાં પણ કોઈને રસ નથી. તમારી ઉંમર કંઈ પણ હોય 25, 35, 45, 55, 65, 75 કે પછી 85 કે 95 – તમારી મેડિકલ હિસ્ટરી તમારી પાસે જ રાખવાની હોય, તમને મળેલા પદ્મશ્રી અવૉર્ડની જેમ – બધાને એની ફાઈલ બતાવ બતાવ કરવાની ન હોય.
પાંચમી વાત જે ખાનગી રાખવાની હોય છે તે તમારી ઉંમર. બધા જાણે છે એ તો કે ક્યારે કોઈનેય એમની ઉંમર પૂછવાની ન હોય, સ્ત્રીને તો ખાસ નહીં. ગમે એટલી નાની ઉંમરની યુવતી હોય કે મોટી ઉંમરની કાકી હોય. ક્યુરોસિટી બહુ હોય તો કઈ સાલમાં એસ.એસ.સી. પાસ કર્યું કે કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું એવું પણ નહીં પૂછવાનું. ના એટલે ના. એવી કોઈ આડકતરી ચાલબાજી પણ ના ચાલે.
ઉંમર ઉપરાંત તમારે ક્યારેય તમારી આવક કે તમારી પાસે કેટલી મિલકત છે એની પણ માહિતી કોઈને આપવાની ના હોય. કોઈ પૂછે તો કહી દેવાનું કે ભગવાનની મહેરબાની છે. અને જેમને કલ્પના કરવી હોય તે તમારી ગાડી કે તમારા ફલેટ-બંગલા પરથી કલ્પના કરી લે, પણ તમારી આર્થિક સદ્ધરતા (કે પછી આર્થિક પડતી) વિશે તમારા ઉપરાંત જો બીજા કોઈને એની માહિતી હોય તો તે માત્ર તમારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને જ હોવી જોઈએ. જેમ તમારી શારીરિક કે માનસિક બીમારીઓ વિશે તમે જેમની પાસેથી સારવાર લેતા હો એમને જ ખબર હોય એવું જ આર્થિક બાબતોનું છે.
નવમાની છ વાત થઈ ગઈ. સાતમી વાત છે તમારા પ્રેમ સંબંધોની. તમને ભૂતકાળમાં ક્યારે કોની જોડે પ્રેમ થયેલો કે અત્યારે તમારું કોની જોડે અફેર ચાલે છે કે તમે કેટલાં વન નાઈટ સ્ટેન્ડ્સ કર્યાં છે કે તમે હજુય તમારી/તમારા ઍક્સના ટચમાં છો કે નહીં એની વાતો તમે એકલા જ જાણો, બીજું કોઈ નહીં – ફૉર ઑબ્વિયસ રિઝન. દોસ્તીમાં કે મજાકમાં કે દારૂ પીને છાકટા થઈને કે ઈમોશનલ થઈને કે પછી એણે એની આટલી ખાનગી વાત રિવીલ કરી તો હું પણ મારી એવી વાતો એની પાસે ઉઘાડી પાડું એવા કોઈ ભાવાવેશમાં તણાવાનું નહીં. તમારા અંગત સંબંધો માત્ર તમારી જ નહીં, જેની સાથે એ અંગત સંબંધો હતા કે છે – એ વ્યકિતની પણ મૂડી છે, આ સહિયારી મિલકત કહેવાય. એને એકપક્ષીય નિર્ણય લઈને વેડફી ન દેવાય.
આઠમી વાત તમારા ધર્મ-સંપ્રદાય-તમારી ધાર્મિક માન્યતા-આસ્થાની વાતો. કોઈની સાથે એની ચર્ચા કરવાની નહીં. તમને ફલાણા ધર્મગુરુમાં આસ્થા હોય અને બીજું કોઈ ઢીંકણા સંપ્રદાયનું અનુયાયી હશે તો નાહક તમારી વચ્ચે કલેશ અને કલેહ ઊભો થશે.
છેલ્લી અને નવમી વાત એકદમ યુનિક છે. તમને મળેલી ભેટ, ગિફટ્સ વિશે ક્યારેય ઢંઢેરો પીટવાનો નહીં. કોઈ તમારા સેન્ટનાં કે તમારી પેનનાં કે તમારા ઘરની કોઈ ચીજનાં વખાણ કરે ત્યારે એવું કહેવાની જરૂર નથી કે મને ભેટમાં મળ્યું છે કે આ તો ફલાણાં કે ફલાણીએ અમુક પ્રસંગે મને ગિફ્ટ આપી હતી, કારણ કે આવું સાંભળ્યા પછી જેને તમે આ બધું કહી રહ્યા છો. એને કદાચ એમ પણ લાગે કે આ વ્યક્તિ ઈન્ડાયરેક્ટલી એમ કહી રહી છે જુઓ, મને તો આ લોકો ભેટ આપે છે, તમે કેમ ક્યારેય કશું આપતા નથી!
આ દિવાળીએ જીવનમાં ખાનગી રાખવા જેવી નવ વાતો વિશે જણાવીને મારા વાચકોને મેં જે ભેટ આપી છે તે તમને કોની પાસેથી મળી છે તે કોઈને કહેતા નહીં. બીજા લેખકોને માઠું લાગશે.
આજનો વિચાર
દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન વખતે આપવા જેવી શુભેચ્છા: બીજી વખત નૉટબંધી થાય ત્યારે સૌથી વધુ ટેન્શનમાં તમે હો એવી શુભકામના!
– વૉટ્સઍપ પર વાંચેલું.
એક મિનિટ!
મિત્રો, ઉત્સવોની મઝા માણજો પણ ડ્રિન્ક ઍન્ડ ડ્રાઈવ નહીં કરતા. સેફ ડ્રાઈવિંગ માટે અમે તમારી સેવા માટે હાજર છીએ. અમને ફોન કરો, તમારી તહેનાતમાં અમારા અનુભવી સ્વયંસેવકો હાજર થઈ જશે. અમારા માણસો આવીને તમારો દારૂ પી જશે. પછી તમે સેફલી ડ્રાઈવિંગ કરીને તમારા ઘરે પહોંચી શકશો.
– બકા-પકાએ આપેલી જાહેરાતનો એક નમૂનો.
( મુંબઇ સમાચાર : બુધવાર, 7 નવેમ્બર 2018)
Thank you so much Sir for This wonderful gift.
Welcome newly born saurabh shah, keep it up, we also eager to read your other 40 years article.
Koi agar affair vise puchhe to su kehva nu?? And koi umer pu6e to??
ШΩΠDΣRҒUL ΔRTICLΣ