યે જીના ભી કોઈ જીના હૈ એવો સવાલ તમને ઘેરી વળે ત્યારે

તડકભડક : સૌરભ શાહ

(’સંદેશ’ , ’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૯ જાન્યુઆરી ૨૦૨૦)

આ દુનિયા તમારા વિના ચાલતી હતી અને તમે નહીં હો ત્યારે પણ ચાલવાની છે. તો પછી તમારા અસ્તિત્વનું મહત્વ શું?

આ.

આપણો જન્મ આપણી ઈચ્છા વિના થાય છે. મૃત્યુ પણ આપણી મરજીને પૂછીને આવવાનું નથી. પણ આ બે આઉટ ઑફ કન્ટ્રોલ પરિસ્થિતિઓ વચ્ચેના આયુષ્યની અસંખ્ય પળોને કુદરતે આપણા તાબામાં રાખી છે. આ ઉપરાંત પણ બીજી અનેક પળો એવી છે જે પૂરેપૂરી આપણા કાબુમાં ન હોવા છતાં આપણે થોડા ઍડજેસ્ટ થઈને એ પળોનો ઉપયોગ આપણી મરજી મુજબ કરી શકીએ છીએ. આ ઉપરાંત હજુ એવી અસંખ્ય પળો છે જીવનની જે આપણા બિલકુલ કાબુમાં નથી હોતી અને આપણે જોઈ શકીએ છીએ કે એવી, આપણા કહ્યામાં ન હોય એવી, પળો આપણા પોતાના જ લાભમાં હોય છે. એ પળો પર જો આપણો કાબુ હોત તો આપણે અજાણતાં એનો દુરૂપયોગ કરતા હોત.
જીવનની બહુ જ ઓછી પળો એવી હોય છે જે આપણા કહ્યામાં નથી હોતી. અને આપણને અફસોસ થતો રહે છે કે એ કેમ આપણા કહ્યામાં નથી હોતી. અત્યારે જીવનના જે જે નિર્ણયો બદલ અફસોસ થતો હોય એના માટે આપણા કહ્યામાં નહોતી એવી પળોને જવાબદાર ઠેરવી શકાય નહીં. આજે જે નિર્ણયો ભૂલભરેલા લાગતા હોય એ નિર્ણયો લેવાયા હતા ત્યારની પળો તો આપણા સંપૂર્ણ તાબામાં હતી અને એટલે જ આપણે તે વખતે આપણી સંપૂર્ણ મરજી મુજબનો નિર્ણય લઈ શક્યા હતા. એ નિર્ણયો આજની તારીખે ખોટા લાગે કે એના બદલ અફસોસ થતો હોય તો એનાં કારણો જુદાં હોવાનાં. કદાચ આપણે આપણને મળેલી નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો અથવા પૂરતો ઉપયોગ ન કર્યો.

જિંદગી દરમ્યાનની જે પળો અપણા તાબામાં છે એનો આપણે કેવો ઉપયોગ કર્યો છે, કરી રહ્યા છીએ એના આધારે આપણા અસ્તિત્વની મહત્તા નક્કી થતી હોય છે. જિંદગીની જે પળો આપણા કાબુમાં નહોતી કે નથી એ વખતે આપણે કઈ રીતે આપણી મરજીને વાળી એના આધારે આપણા જીવનની સાર્થકતા પુરવાર થતી હોય છે. અને જિંદગીની જે પળો આપણા મિજાજથી સંપૂર્ણપણે વિપરીત પરિસ્થિતિ સર્જતી હતી કે સર્જી રહી છે એ પળોમાં પણ આપણે કઈ રીતે સમતા રાખીને આપણા જીવનધ્યેયને વળગી રહીએ છીએ એના આધારે આપણા જીવનની સંપૂર્ણતા પુરવાર થતી હોય છે.

ઢાળ મળે ત્યારે સૌ કોઈ આસાનીથી દોડી શકે. આપણા તાબામાં હોય એવી પરિસ્થિતિમાં ધાર્યું કરી શકવામાં બહુ કંઈ મોટી ધાડ નથી મારવાની હોતી. હા, અનુકૂળ પરિસ્થિતિમાં ખોટા નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોવા છતાં આપણે એ દિશામાં ન જઈએ અને સાચા નિર્ણયો લઈએ તે સારું જ છે. આવું કરીને આપણે આપણને મળેલી સાનુકૂળતાઓની મહત્તા સ્થાપિત કરતા હોઈએ છીએ.

પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ બનાવીને (કે પછી એને અનુકૂળ થઈ જઈને) આપણે જીવનમાં વધુ મોટાં કામ કરી શકીએ છીએ ત્યારે જીવનને એક નવો અર્થ મળે છે. અનુકૂળ પરિસ્થિતિઓ દરમ્યાન ઘડાતા જીવનને આવી પળો દરમ્યાન એક નવો ઓપ, નવો અર્થ મળે છે. જીવન સાર્થક લાગવા માંડે છે.

પણ જીવનની સંપૂર્ણતા તો ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે સંપૂર્ણપણે આપણા કાબૂમાં ન હોય એવી પરિસ્થિતિઓનો સામનો કરીને ટકી રહીએ છીએ, અડગ રહીને આપણું ધાર્યું કરવાના પ્રયત્નોને છોડવાનો વિચાર નથી કરતા અને ધીરજ રાખીને આપણે આપણું કામ કર્યા કરીએ છીએ – વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ આપણે આપણો દીપક પ્રજ્‌વલિત રહે એની કાળજી રાખીએ છીએ. આવાં કપરાં કામોનો સરવાળો આપણા જીવનને સંપૂર્ણ બનાવે છે.

દુનિયા પહેલાં પણ હતી અને પછી પણ રહેવાની જ છે. તો પછી જીવનનો અર્થ શું? અર્થ તરત સમજાઈ જશે જ્યારે રિયલાઈઝ થશે કે આપણે જન્મ્યા ત્યારે દુનિયા કેવી હતી અત્યારે કેવી છે અને આપણો છેલ્લો શ્વાસ ચાલતો હશે ત્યારે કેવી હોવાની. આ જે ફરક છે એમાં આપણો પણ ફાળો છે.

બસ, આ જ તો આપણા અસ્તિત્વનું મહત્વ છે.

પાન બનાર્સવાલા

તમે જેમાં માનો છો એમાં જો હું ન માનતો હોઉં તો એનો અર્થ એ થયો કે હું જેમાં માનું છું એમાં તમે નથી માનતા, અને એ જ તો પુરવાર કરવાનું છે!

_થૉમસ પૅન (બ્રિટિશ વિચારક, ૧૭૩૭ – ૧૮૦૯)

2 COMMENTS

  1. Sir is it possible that these articles are translated in English, so that we can share with our loved ones who do not read Gujarati.
    Pl let me know if they are steady available.

  2. અભિનંદન
    આપના દરેક લેખ વિચારવા લાયક અને પ્રેરણામય હોય છે .75 વર્ષની વયે એક નવી દ્રષ્ટિ આપી જાય છે .
    આપને અભિનંદન .
    ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here