આજની એકત્રીસ ઑગસ્ટ અને એ વરસની એકત્રીસ ઑગસ્ટ

(ગુડ મૉર્નિંગ: બુધવાર, ૩૧ ઑગસ્ટ ૨૦૨૨)

આજે એકત્રીસમી ઑગસ્ટ અને ગણેશ ચતુર્થી.

આજથી વીસ વર્ષ પહેલાંની ૩૧ ઑગસ્ટે જન્માષ્ટમી હતી.

૨૦૦૨ની સાલના એ પવિત્ર દિવસે મારા સૌ પ્રથમ લેખસંગ્રહ ‘એકત્રીસ સુવર્ણમુદ્રા’નો મુંબઈમાં લોકાર્પણ સમારંભ હતો.

આ પુસ્તકમાંથી એક લેખનું પઠન મેં કર્યું. કયો લેખ હતો? યુટ્યુબ પર ‘ન્યુઝપ્રેમી’ની ચેનલ પર અપલોડ કરી દીધો છે. તમે સાંભળો.

2002ના એ વર્ષે, એકત્રીસ ઑગસ્ટના પાંચેક મહિના પહેલાં, સ્વતંત્ર ભારતમાં હિન્દુઓ વિરુદ્ધનું અત્યાર સુધીનું સૌથી મોટું કાવતરું અમલમાં મૂકાયું. ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરા હિન્દુ હત્યાકાંડમાં ૫૯ હિન્દુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા.

એ વખતે હું મુંબઈના ગુજરાતી દૈનિક ‘મિડ-ડે’નો તંત્રી હતો. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે અને દેશના દુશ્મન સમાન સેક્યુલરોની આ ઘટનાને મૂલવવાની દૃષ્ટિ વિશે મેં એક કડક-તેજાબી ફ્રન્ટ પેજ તંત્રીલેખ લખ્યો.

આ તંત્રીલેખ લખાયાના લગભગ પાંચ મહિના બાદ મેં સૌ પ્રથમ વાર જાહેરમાં એનું વાંચન કર્યું એ ગાળા દરમ્યાન ઘણું બધું બની ગયું — ‘મિડ-ડે’ અંગ્રેજીના તોફાની અને સેક્યુલર તંત્રી આકાર પટેલે એ તંત્રીલેખનો જુઠ્ઠાણાઓભર્યો અનુવાદ કરીને ‘મિડ-ડે’ના મેનેજમેન્ટતંત્રમાં જ નહીં, આખી દુનિયામાં એ ભ્રમિત અનુવાદને ફેલાવી દઈને મને હિન્દુ કોમવાદી તરીકે બ્રાન્ડ કરવાનું હીનતાભર્યું કાવતરું કર્યું.

બે દાયકા પહેલાં સેક્યુલરો/હિન્દુદ્વેષીઓ દ્વારા આવી હરકતો ખૂબ થતી. હાલાંકિ આકાર પટેલ ખુદ હિન્દુ એટલું જ નહીં, ગુજરાતી પણ ખરો!

આ આકાર પટેલ વખત જતાં ભારતનું અહિત કરનારી કુખ્યાત આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ’ સાથે હાથ મિલાવીને ખૂબ કમાણી કરે છે. આજની તારીખે આકાર અને આ બદનામ એન.જી.ઓ.પર અદાલતમાં કરોડો રૂપિયાના મની લૉન્ડરિંગનો કેસ ચાલે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના તપાસ અધિકારીઓ આકાર પટેલની આકરી પૂછપરછ કરી રહ્યા છે. આ કેસમાં ગુનેગારને ઓછામાં ઓછા 3 વર્ષની સખત મજૂરી સાથેની જેલ થાય છે. સાત વર્ષની સજા પણ થઈ શકે.

આકાર પટેલનાં પાપ છેક હવે છાપરે ચડીને પબ્લિકના ધ્યાનમાં આવી રહ્યાં છે. તે વખતે, ૨૦૦૨માં, કમસેકમ બે જણાને તો ખબર જ હતી કે આકારના દિમાગમાં કયા રંગનો ઉકરડો ભરેલો છે.

એક તો મને આ વાતની ખબર હતી. બીજા કોને? આકારના જ મોઢે સાંભળો — ‘ન્યુઝલૉન્ડ્રી’ નામના હિન્દુ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરતા સેક્યુલર ડિજિટલ પોર્ટલ પરના એક લેખમાં આકાર પટેલ કહે છે ( આ શબ્દોનું ગુજરાતીકરણ કરતાં પહેલાં મૂળ અંગ્રેજી પર નજર ફેરવી લઈએ) :

“I first met Narendra Modi in his office in 2002…He spoke to me in Gujarati, took me to the side and, holding my hand, began swinging it in the fashion of Indian men walking together. “Saurabh bhai saffron”, he said with a chuckle (pronouncing saffron as rhyming not with “run” but with “brawn”). “Aakar bhai red.” His reference was to my former colleague Saurabh Shah, editor of Gujarati Mid-Day, who had been fired after writing a fiery defense of Gujarati behaviour after Godhra, justifying collective punishment.”

વાત જાણે એમ હતી કે ‘એડિટર્સ ગિલ્ડ’ નામની સામ્યવાદીઓથી ખીચોખીચ ભરેલી અને આ દેશનું અહિત કરનારાઓની સતત પડખે રહેતી સંસ્થા વતી ત્રણ કુખ્યાત પત્રકારો ( વર્ઘીસ, પાડગાંવકર અને આકાર) ગુજરાતમાં આવીને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક રિપોર્ટ તૈયાર કરી મોદીને, ગુજરાતને અને હિન્દુઓને ભારતમાં જ નહીં, દેશવિદેશમાં બદનામ કરવાનો મનસુબો ધરાવતા હતા. આ તોફાની ટોળકી મુખ્યમંત્રી મોદીને મળી ત્યારે મોદી આકાર પટેલને કંઈક આ મતલબનું કહે છે કે સૌરભ શાહ તો ભગવા રંગે રંગાયેલા હિન્દુવાદી-રાષ્ટ્રવાદી પત્રકાર છે પણ એમના કલીગ આકાર પટેલ લાલ રંગથી ખરડાયેલા સામ્યવાદી-દેશવિરોધી પત્રકાર છે…( આ મેં કરેલો મુક્ત અનુવાદ છે. મોદીએ આકાર પટેલ સાથે ગુજરાતીમાં જે વાત કરી હશે તે અંગ્રેજીમાં આકારે આ શબ્દોમાં ઉતારી છે: ‘ સૌરભભાઈ સેફ્રોન…આકારભાઈ રેડ…’ જેનો અક્ષરશઃ તરજૂમો થાય — ‘સૌરભભાઈ ભગવા, આકારભાઈ લાલ’ ).

લાલ રંગનાં ચશ્માં પહેરેલા આકારભાઈએ મારા તંત્રીલેખ વિશે અંગ્રેજીમાં જે લખ્યું તેનો મતલબ એવો થાય કે સૌરભ શાહે મુસ્લિમોની વિરુદ્ધ રમખાણો કરીને મુસ્લિમોને પાઠ ભણાવવાની હિન્દુઓની વર્તણૂકને વાજબી ઠેરવી એટલે એમને તંત્રીપદેથી તગેડી મૂકવામાં આવ્યા.

તંત્રીલેખ તમારી સામે છે. આકારભાઈ લાલરંગવાળાના આક્ષેપમાં કેટલું તથ્ય છે તે તમે જ નક્કી કરી લો.

રહી વાત તંત્રી તરીકેની નોકરીની. નોકરીમાંથી છૂટા થયા પછી વિક્રમ વકીલના તંત્રીપદે પ્રગટ થતા સાપ્તાહિક ‘ હૉટલાઇન’ને એક દીર્ઘ મુલાકાત મેં આપી હતી ( જે આખેઆખી મારા પુસ્તક ‘ અયોધ્યાથી ગોધરા’માં છે). આ ઇન્ટરવ્યુમાં મેં વિગતે કહેલું કે કઈ રીતે મેં આર્થિક રીતે ડૂબી રહેલા ગુજરાતી ‘મિડ-ડે’નું સંપાદકીય સ્તર સુધારીને એને વાચકોમાં લોકપ્રિય બનાવ્યું જેને કારણે એનું સર્ક્યુલેશન વધતું ગયું, જાહેરખબરો મળતી થઈ અને આવકમાં તોતિંગ વધારો થયો — આ બધું પત્રકારત્વના સિદ્ધાંતોનું શતપ્રતિશત પાલન કરીને થતું, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં.

મારો ફ્રન્ટ પેજ તંત્રીલેખ ઠેરઠેર ખૂબ આવકાર પામ્યો એ પછી આકાર પટેલના અને મારા જે એડિટોરિયલ ડિરેક્ટર હતા તે સુપર સેલ્યુલર બચીબેન કરકરિયા રોજ મારી કેબિનમાં આવીને મારી સાથે મીટિંગ કરતા અને લાખો રૂપિયાનો પગાર આપતી મારી નોકરી બચી જાય એ માટે મને સામ-દામ-દંડ-ભેદથી સેલ્યુલર બની જવા માટે તનતોડ મહેનત કરતા. ‘મિડ-ડે’ માટે હું કમાઉ દીકરો હતો, સોનાનાં ઇંડાં આપતી મુર્ઘી હતો.

ખૂબ મીટિંગો પછી મેં નક્કી કર્યું કે આકાર પટેલની સેક્યુલર ગેંગ મને કોમવાદી હિન્દુ ઠેરવીને ભલે બદનામ કરતી રહે પણ નોકરી બચાવવા મારે વટલાઈને એ લોકોના જેવા થઈ જવા કરતાં ભૂખે મરવું સારું.

સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મો ભયાવહઃ

અને એક દિવસ મેં ઑફિસે જઈને મને બે વર્ષ પહેલાં કંપની તરફથી વાપરવા માટે મળેલી નવી નક્કોર શાનદાર કાર મારુતિ-એસ્ટીમની ચાવી મારા રાજીનામા સાથે એચ.આર. ડીપાર્ટમેન્ટને મોકલી આપી.

મારા માટે મારુતિ-એસ્ટીમ કરતાં મારી સેલ્ફ-એસ્ટીમ વધારે જરૂરી હતી, આજે પણ છે.

એ સાંજે દિવસ પૂરો કરીને ઑફિસેથી ઘરે આવવા તાડદેવના રસ્તાની ફૂટપાથ પર ટેક્સીની રાહ જોઈ રહ્યો હતો ત્યારે તંત્રીવિભાગનો આખો સ્ટાફ મને વિદાય આપવા મારી પાછળ સજળ આંખે ઊભો હતો.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. You think you know everything that is out there worth knowing … and then something comes up that teaches you all over again..! I have known about Aakar Patel for a long time now.. Except that he was a Mid-Day Editor…!! Glad with what you decided many years back… not just professionally but also personally… I am sure many of his other ex-colleagues will be also embarrassed today to say that they worked with/under Aakar in their life! And likewise many of YOUR ex-colleagues will be proud even today to say that they worked with you..! 🙏🏻💐🙏🏻

  2. To day I am reding best artical of Saurabh Shah. The newsPremi artical is Des premi artical of Saurabh Shah. Hats of salute to Surabh Shah for hart touching artical. ASHWIN BHATIA. Goregaon Mumbai 400104 Mo.7021632751

  3. આપણી ન્યાય પ્રક્રિયા, સહુએ મળી ને એટલી જટિલ બનાવી દીધી છે. કે દોષી નો ગુનો પુરવાર કરી અને સજામાં અનરાધાર વિલંબ થાય છે. જેથી કરીને ન્યાય અને તેની અસરકારકતા પર પ્રશ્ન ખડા થાય છે.
    આકાર પટેલ અને એના જેવા અનેક દંભી દોષીઓને ત્વરિત સજા થાય તોજ નાગરિકો નો વિશ્વાસ રહેશે. અને તોજ સમાજ માં કોઈ બદલાવ આવશે.

  4. સૌરભભાઈ ભલભલા મીઙીયા ગુપ સામે ઝૂકયા નથી કયારે, મુબંઈ સમા ચાર તેમણે છોઙયુ , તેમા મુંબઈ સમાચારનુ જ નુકસાન થયુ. હુ ફકત ગુઙ મોર્નીંગ કોલમ માટે મુ.સ. લેતો, ગુઙ મોર્નીંગ કોલમ સીવાય એમા હતુ શૂ ?

  5. Article 370 ગયો, રામમંદીર જલ્દી પૂર્ણ થશે, બાકી રહેલ common civil code પણ જલ્દી લાગુ થશે. કોગ્રેસમુકત ભારત લગભગ થઈ ગયુ છે.

  6. આજની 31 ઓગસ્ટે છાપાઓમા સમાચારો આવેલ છે કે સુપ્રીમ કોર્ટ
    ગોધરા – ગુજરાત કેસ, રામમંદીર અયોધ્યા બાબરી ઢાચો કેસ બંધ કરવાનો નિર્દેશ આપનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here