શું ગુજરાતી ભાષામાં વાચકો સારું વાંચવા માગતા નથી? : સૌરભ શાહ

તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧

અંગ્રેજીવાળાઓ વારંવાર આવી ચર્ચાઓ ઉપાડતા હોય છે. સાહિત્યકારોને, ખાસ કરીને કવિઓને તથા ઉચ્ચભ્રૂના નામે અગડમ્‌બગડમ્‌ લખતા લેખકોને ટેવ હોય છે આવી. પોતાનું કોઈ વાંચતું ન હોય, પોતાના પુસ્તકોની થપ્પીઓ પ્રકાશકના ગોડાઉનમાં ધૂળ ખાતી હોય ત્યારે વાચકોનો વાંક કાઢવાનો રિવાજ માત્ર ગુજરાતીમાં જ નથી. નૃત્ય ન આવડે ત્યારે આંગણાનું અલાઇન્મેન્ટ સ્લાઇટ્‌લી ટેઢું છે એવું પુરવાર કરવાનો પ્રયત્ન થાય છે.

વાચક ક્યારેય મરી પરવારતો નથી. હા, લેખક મરી પરવારે એ શક્ય છે. લેખક જ્યારે જિંદગીમાં રસ લેવાનું ઓછું કરી નાખે છે ત્યારે આપોઆપ એનાં ઇન્પુટ્‌સ ઘટી જાય છે. છેવટે આની અસર એના આઉટપુટ પર પડે છે. આઉટપુટની ક્વૉલિટી- ક્વૉન્ટિટી બેઉ કંગાળ થતી જાય છે. કૂવામાં હોય તો હવાડામાં આવે એવો સીધો હિસાબ છે પણ કૂવામાં ક્યારે હોય ? જ્યારે એમાં ઊંડાણ હોય, એમાંનો કચરો સતત સાફ થતો હોય અને સૌથી મહત્વની વાત એ કે એના તળને બીજાં અનેક પાતાળ ઝરણાંનો લાભ મળતો હોય. આ તમામ શરતોનું પાલન ન કરી શકતો કૂવો ખાલી થઈને સુકાઈ ગયા પછી ફરિયાદ કરે કે હવે પાણી પીવા કેમ કોઈ આવતું નથી, એ જ રીતે ઊંચા ઊંચા સાહિત્યકારોએ ચર્ચા ઉપાડી છે: વાચકો ક્યાં ગયા બધા ?

લોકો જે માગે છે તે આપવું અને લોકોને જેની જરૂરિયાત હોઈ શકે છે તે આપવું- આ બેઉમાં ફરક છે. ડેવિડ ધવન અને ગુલઝાર જેવો અથવા તો બપ્પી લાહિરી અને નૌશાદ જેવો. અહીં કોઈની કક્ષા ઊંચી કે નીચી છે એવું ન માનવું- માત્ર જુદી છે એટલું જ માનવું. લેખકોની બાબતમાં પણ આ સાચું છે. કોઈ પણ કળાની બાબતમાં, ફૉર ધૅટ મૅટર. બેગમ અખ્તરે શાયર કૈસર કલન્દરને આકાશવાણી પર આપેલા ઇન્ટરવ્યૂમાં એક વખત કહ્યું હતું કે ભાવકના હ્રદયને સ્પર્શી જાય તે જ ખરી કળા. બેગમ અખ્તરની આ સાદગીભરી બાનીમાં પ્રગટ થતી સચ્ચાઈમાં ઉમેરો એટલો કરવાનો કે જે કળાકાર ભાવકના હ્રદયની પાત્રતા વિસ્તારે, એનો વ્યાપ તથા એ હ્રદયનું ઊંડાણ વધારે એ કળાકારની કળા વધુ ઉપયોગી, વધુ ટકવાની.

ઉત્તમ વિચારોને પોતાનાં લખાણો દ્વારા પ્રકાશમાં લાવતા લેખકને અપ્રચલિત અર્થમાં તમે સારો પ્રકાશક કહી શકો અને પ્રકાશમાં આવેલા આ વિચારોને પોતાનાં લખાણો દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી રહેલા લેખકને તમે એક સારો વિતરક-ડિસ્ટ્રિબ્યુટર પણ કહી શકો. ગુજરાતીમાં સારા લેખકોની ખોટ ક્યારેય નહોતી, આજે પણ નથી અને આવતી કાલેય નહીં હોય.

નર્મદ, નવલરામ, ગોવર્ધનરામ, મણિલાલ નભુભાઈ,નરસિંહરાવ, રમણલાલ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, બ.ક.ઠા., મો. ક. ગાંધી, સ્વામી આનંદ, પંડિત સુખલાલજી, કાલેલકર, મુનશી, રા. વિ. પાઠક, કિ. ઘ. મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ, મેઘાણી, વિજયરાય વૈદ્ય, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ગગનવિહારી મહેતા, ચં. ચી. મહેતા, જ્યોતીન્દ્ર દવે, કિશનસિંહ ચાવડા, ઉમાશંકર જોશી, સુરેશ જોષી- આ એક નાનકડી યાદી એવા સદ્‌ગત લોકોની છે જેમણે પોતાના વિચારોને વાચકપસંદ શૈલીમાં, રીડરફ્રેન્ડલી સ્ટાઇલમાં, લોકો સુધી પહોંચાડ્યા છે. એમણે પોતાની સર્જનાત્મકતાને કવિતા-નવલકથા-વાર્તાલેખન કે વિવેચન સુધી સીમિત નથી રાખી. આ સૌ લેખકોએ વિચારોત્તેજક લેખો, નિબંધો લખ્યા. માનવસ્વભાવ અને જીવનની સમસ્યાઓથી માંડીને સમાજનાં વિવિધ પાસાં વિશે ચિંતન કર્યું અને રજૂઆતમાં શૈલીવેડા લાવ્યા વિના તેઓ લોકો સુધી પહોંચ્યા. કવેતાઈ કરવાથી કે વાચકોને આંજી દેનારી સ્યુડો સ્માર્ટ ભાષાથી તેઓ દૂર રહ્યા અને સંસ્કૃતપ્રચુર ભાષા દ્વારા પોતાની પંડિતાઈ બતાવવાના પ્રયત્નોથી પણ આઘા રહ્યા તેઓ. એટલે જ તો ટકી શક્યા છે એમનાં લખાણો અત્યાર સુધી.

ઝૂંપડપટ્ટીઓમાં જાજરૂ બંધાવવા કે બેરોજગારો માટે નોકરીની તકો ઊભી કરી આપવી કે પછાત વિસ્તારમાં ઉદ્યોગોને ખીલવવા માટે માર્ગ-પાણી-વીજળીનું માળખું ઊભું કરી આપવું- સમાજની સેવા માત્ર આ કે આવા જ કામોમાં સમાઈ જતી નથી. નર્મદથી માંડીને આજના લેખકો-પત્રકારો-સાહિત્યકારો દ્વારા સમાજ માટેનું ઘણું મોટું કામ થતું આવ્યું છે. એ કૉન્ટ્રિબ્યુશન કે એનું પરિણામ આંખ સામે ભૌતિક સ્વરૂપે તરત ન દેખાતું હોય એ શક્ય છે. આ બધાંની અસર ખૂબ ધીમે , પણ લાંબા ગાળાની, ક્યારેક તો કાયમી હોવાની. ઝૂંપડપટ્ટીમાં જાજરૂ કોણે બંધાવ્યાં એ વિશે તમે એક વ્યક્તિનું, એક સંસ્થાનું નામ આપી શકો, પણ અમુક માણસોમાં આભડછેટની સૂગ કોણે નાબૂદ કરી તે વિશે તમે ચોક્કસ કોઈ વ્યક્તિનું નામ ન આપી શકો. વિધવા પુનર્વિવાહને સમાજ સ્વીકારતો થાય એવું વાતાવરણ કોણે રચ્યું તે વિશે કોઈ એક જ વ્યક્તિને જશ ન આપી શકાય. અંધશ્રદ્ધા કે ચમત્કારોમાંથી સમાજના મોટા વર્ગને કોણે ઉગાર્યો એ અંગે તમે આંગળી ચીંધીને કોઈ એક જ નામને હાર પહેરાવી ન શકો. લગ્નમાં થતાં ખોટા ખર્ચાથી માંડીને અનૈતિક માર્ગે પણ પૈસો મેળવવાની ઘેલછામાંથી યુવાન પેઢીને બીજે વાળવાના પ્રયત્નો માટે કે એમાં ક્યારેક મળતી સફળતા માટે તમે એક જ વ્યક્તિ જશ ન આપી શકો.

વાચક ક્યાંય જતો રહેતો નથી. એ રાહ જોઈને ઊભો જ છે. કોઈક આવે એના માટે, મનગમતું વાંચન લાવે. મનને બહેલાવતું વાચન તો એને ગમે જ છે; મનને સમજાવતું, મનની મૂંઝવણોને ઉકેલતું વાંચન પણ એને ગમે છે. પોતાનો અભિપ્રાય ઘડવા માટે ઉપયોગી બની શકે એવા વાંચનની પણ ભૂખ હોય છે વાચકને.

અત્યારે જો લેખન, વાચન, પ્રકાશન ક્ષેત્રે સ્થગિતતા જેવું લાગતું હોય તો તેનું કારણ એ કે સર્જક પોતે પોતાના ભાવકોની સૃષ્ટિની બહાર નીકળી ગયો છે. લેખક જ્યારે વાચકોના ભાવવિશ્વ સાથે ઓતપ્રોત નથી થઈ શકતો ત્યારે ધીમે ધીમે એ લેખક ભૂંસાઈ જાય છે. આવું એક કરતાં વધુ લેખકોની બાબત બને , ઉપરાછાપરી બનતું રહે, જેને કારણે પુસ્તક પ્રકાશનના વ્યવસાયમાં મંદી આવી જાય તો એમાં વાંક કોનો ? વાચકનો કે લેખકનો ? તો પછી તમે શા માટે એવી ચર્ચા કરો છો કે ઈઝ ધ રીડર ડાઇંગ ? રીડર તો મરતો જ નથી. એ એવા રાઇટરોની રાહ જુએ છે જેમનું કમિટમેન્ટ સમાજ સાથે હોય, પોતાની જાત સાથે હોય, વાચકો સાથે હોય.

શું વાચક મરી પરવાર્યો છે એવો પ્રશ્ન પૂછવાનું કોઈને મન થાય ત્યારે એણે પહેલાં તો એ પૂછવું જોઈએ કે વાચકને જીવનનાં સત્યોની પ્રતીતિ કરાવી શકે એવા કેટલા લેખકો અત્યારે હયાત છે ? જેઓ હયાત છે તેઓ આવા કોઈ પ્રશ્નો ઉઠાવ્યા વિના ચૂપચાપ પોતાનું કામ કર્યા કરે છે અને વાચકો બડી ચાહનાથી એમને વાંચ્યા કરે છે.

પાન બનાર્સવાલા

લખવાનું કામ અત્યંત પીડાદાયક હોય છે. જેના માટે લખવું એ ડાબા હાથનો ખેલ છે એ ક્યારેય સારું ના લખી શકે.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here