જૂલે વર્નની કિશોર સાહસકથાઓ અને ભગવદ્ ગીતા વચ્ચે કોઈ સંબંધ છે?: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : મંગળવાર, 28 જુલાઈ, 2020)

કોરોના અને લૉકડાઉનના ઘણા ગેરફાયદા છે, નુકસાન છે. કેટલાક ફાયદા પણ છે. રસ્તાઓ શાંત છે, ઘરમાં પણ કોઈ અવરજવર નથી. હિલ સ્ટેશન જેવું વાતાવરણ સ્ટડી રૂમને ઘેરી વળે છે. લખવાનું ન હોય ત્યારે આ જ રૂમમાં મૂકેલી દાદાના જમાનાની આરામ ખુરશીમાં વાંચવાનું-વિચારવાનું અને નવી નવી દુનિયાઓની સૈર કરવાની.

આવી જ એક દુનિયા દાયકાઓથી દિલમાં ધરબાયેલી છે —કિશોર સાહસકથાઓની દુનિયા.

ગુજરાતીમાં કિશોર સાહસકથાઓ બહુ ઓછી છે, લખાવી જોઈએ એવું ચાર દાયકા પહેલાં ‘ગ્રંથ’ના તંત્રી યશવંત દોશી પાસે ઘણી વખત સાંભળ્યું હતું. એક કિશોરકથા લખવાનું વચન ધીરુબેન પટેલને મેં આપી રાખ્યું છે પણ હજુ સુધી પાળ્યું નથી. જે બધી કિશોરકથાઓ અંગ્રેજીમાં વાંચી છે તેના કરતાં સારું લખી શકીશ એવી જો ખાતરી ન હોય તો શું કામ લખવી? મારી આળસને જસ્ટિફાય કરવા હું આવું મારી જાતને કહ્યા કરતો હોઉં છું.

એને ખબર છે કે વખત આવ્યે મધદરિયે જહાજ હાલકડોલક થશે, તોફાનોનો સામનો કરવો પડશે, બેચાર દહાડા ભૂખ્યા પણ રહેવું પડે અને ન કરે નારાયણ ને કુદરત રૂઠી તો મધદરિયે જ જળસમાધિ લઈ લેવી પડે એવું પણ બને.

ચાર્લ્સ ડિકન્સ, માર્ક ટ્વેઈન અને જુલે વર્ન- મારા માટે કિશોર સાહસકથાઓનાં આ ત્રણ સર્વોચ્ચ શિખરો. બારતેર14 વર્ષનો એક કિશોર હોય, ગુજરાતીમાં જેને પ્રી-ટીનએજનાં વર્ષો કહીએ તે ઉંમરનો. એના કોઈ કાકા અથવા એના સાહેબ કે એના પિતાના અંગત દોસ્તારનો એ જબરો ફેન હોય. એમની સાથે ક્લબમાં કે એમના સ્ટડી રૂમમાં કે એમની પ્રયોગશાળામાં આંટાફેરા કરતો હોય. એક વખત એને ખબર પડે કે એક મોટું મિશન પ્લાન થઈ રહ્યું છે. લેટ્સ સે કોઈ દરિયાઈ સાહસ. એને પણ એમાં જોડાઈ જવામાં રસ છે. હાલાંકિ અત્યારે એની ઉંમર ભણવાની છે, ભણીગણીને નોકરીધંધો કરવાનાં છે, નોકરી ધંધામાંથી કમાણી કરવાની, કમાણી કરીને ઘરસંસાર માંડવાનો, સમાજમાં નામ કમાવાનું. પણ સાહસકથાનો આ કિશોર એવાં કોઈ સપનાં જોતો નથી. એને તો બસ આ એડવેન્ચરમાં ભાગ લેવો છે. એમાંથી બે પૈસાય નથી મળવાના પણ જબરજસ્ત રોમાંચ મળવાનો છે એની એને ખબર છે. એને ખબર છે કે વખત આવ્યે મધદરિયે જહાજ હાલકડોલક થશે, તોફાનોનો સામનો કરવો પડશે, બેચાર દહાડા ભૂખ્યા પણ રહેવું પડે અને ન કરે નારાયણ ને કુદરત રૂઠી તો મધદરિયે જ જળસમાધિ લઈ લેવી પડે એવું પણ બને. જીવન શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જાય એવું બની શકે છે. છતાં એને આ સાહસમાં જોડાવાની ઇચ્છા છે. કશું જ પામવું નથી માત્ર રોમાંચ મેળવવો છે.

સાહસકથાઓના આ કિશોર વિશે વિચાર આવ્યો અને એવી જિંદગી કેટલી રોમાંચક હોઈ શકે એવા ખ્યાલોમાં ડૂબી ગયો.

સીન બીજો.

આ દિવસોમાં ઉપરાછાપરી બે મિત્રોએ એક જ વાત અલગ અલગ દિવસે કરી. એક મિત્રને એમના ટીનએજર પુત્ર માટે સમજવામાં સહેલી પડે એવી ગીતાની ટિપ્પણી–કમેન્ટ્રીવાળી બુક જોઈતી હતી. બીજા મિત્રને પોતાના માટે ગીતા સમજવાની મઝા આવે એવો ગ્રંથ જોઈતો હતો.બેઉને મેં મારી રીતે સંતોષજનક માહિતી આપવાની કોશિશ કરી.

હું પોતે ગીતાનો વિદ્યાર્થી છું. થોડું થોડું સમજું છું અને સ્વાધ્યાય કરીને એક એક ડગલું આગળ વધવાની કોશિશ કરું છું. થોડાં વર્ષો પહેલાં મેં ‘સિમ્પલ ગીતા’ નામની અઠવાડિક કૉલમ ‘મુંબઈ સમાચાર’ની ધર્મવિષયક પૂર્તિમાં લખી. બે વર્ષ કરતાં વધુ સમય માટે લખી. લગભગ સો-સવાસોથી વધુ શ્લોક લઈને સમજાવ્યા. પણ એ કૉલમમાં હું મારું નામ નહોતો વાપરતો. મને સંકોચ થતો હતો કારણ કે હું કોઈ એક્સપર્ટ નથી આ વિષયમાં. વિદ્યાર્થી છું. છતાં આગ્રહવશ કૉલમ લખી અને મઝા આવી. ફરી મૂડ આવશે ત્યારે બાકીનું કામ પૂરું કરીશ અને જો આ વિષયના વિદ્વાન મંજૂરીની મહોર મારશે તો પુસ્તકરૂપે પ્રગટ કરીશ, નહીં તો રહેવા દઈશ. આવા વિષયો પર અધૂરા ઘડાઓ ઘણા છલકાય છે અને બજારમાં બેસ્ટ સેલર્સ પણ બને છે. મારે એમાંના એક તરીકે નથી ગણાવું.

બે મિત્રોને લીધે ગીતા ફરી એકવાર મારામાં ગૂંજતી થઈ. ઇન્સિડેન્ટલી મેં એમની સાથેની વાતચીત પછી ગાંધીજીએ કરેલો ગીતાનો ગુજરાતી અનુવાદ ‘અનાસક્તિયોગ’ એમેઝોન પરથી કિન્ડલ માટે ખરીદ્યો હતો.

ગાંધીજી માનતા કે પોતાનું આચરણ શુદ્ધ છે કે નહીં એનું નિદાન કેવી રીતે કરવું- ગીતા એ આચરણને માન્યતા આપે છે કે નહીં તે તપાસવું. એટલે એમણે ગીતાને નિદાનગ્રંથ કહ્યો.

‘અનાસક્તિયોગ’ની એક કરતાં વધુ નકલો ઘરમાં હોવાની પણ પુસ્તકોને નવેસરથી ગોઠવવાની કામગીરી હજુ લંબાયા જ કરે છે એટલે આ નાનકડી ચોપડી શોધવાની હિંમત નહોતી થતી.

જે દિવસે સવારે કિશોર સાહસકથાવાળો વિચાર આવ્યો એ જ સાંજે મન થયું કિન્ડલમાં ડાઉનલોડ કરેલી ‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનાનાં પાનાં ફેરવવાનું. ગાંધીજીની આ પ્રસ્તાવના વિશે એક આખી અલગ કમેન્ટ્રી લખી શકાય એવી અર્થસભર અને ગહન વાતો છે એમાં. અગાઉ ઘણી વખત એ વાતો મારા લેખોમાં આવી ગઈ છે. અત્યારે મેં આ ઇ-બુકમાં જે લાઈનો અંડરલાઇન કે હાઇલાઇટ કરી છે તેની જ વાત કરું.

ગાંધીજી લખે છેઃ ‘ગીતા અમારે સારુ આધ્યાત્મિક નિદાનગ્રંથ છે. તદ્વતે આચરણમાં નિષ્ફળતા રોજ આવે છે પણ તે નિષ્ફળતા અમારા પ્રયત્ન છતાં છે’

ગાંધીજી માનતા કે પોતાનું આચરણ શુદ્ધ છે કે નહીં એનું નિદાન કેવી રીતે કરવું- ગીતા એ આચરણને માન્યતા આપે છે કે નહીં તે તપાસવું. એટલે એમણે ગીતાને નિદાનગ્રંથ કહ્યો. ગીતાના કહ્યા પ્રમાણેનું આચરણ કરવું એ કંઈ ખાવાના ખેલ નથી. દાખલા તરીકે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વાંચી-સમજી લીધા પછી એને આચરણમાં મૂકીને કોઈ રાતોરાત સ્થિતપ્રજ્ઞ ન થઈ જાય. એના માટે તો રોજ પડવું-આખડવું પડે, ફરી ઊભા થઈને ચાલવું પડે. ગીતાના કહ્યા પ્રમાણેનું આચરણ નથી થઈ શકતું તેનું કારણ એ નથી કે એ મુજબ આચરણ કરવાનો પ્રયત્ન નથી. પ્રયત્ન થાય છે તે છતાં નિષ્ફળ જવાય છે. છતાં પ્રયત્ન છોડવાનો નથી. મહત્વ પ્રયત્નનું છે, નિષ્ફળતાનું નહીં.

‘પરિણામનો તેમ જ સાધનનો વિચાર અને તેનું જ્ઞાન અત્યાવશ્યક છે. એ થયા પછી મનુષ્ય પરિણામની ઇચ્છા કર્યા વિના સાધનમાં (કામમાં) તન્મય રહે છે તે ફલત્યાગી છે.’

ગાંધીજી પ્રસ્તાવનામાં લખે છેઃ ‘…કર્મ-ફળ-ત્યાગ. આ મધ્યબિંદુની આસપાસ આ ગીતાની ફુલગૂંથણી છે’

જ્ઞાન માર્ગ અને ભક્તિમાર્ગ—આ બેમાંથી કોઈપણ માર્ગે આગળ વધનાર માટે ગાંધીજી લખે છેઃ ‘આ બંને વર્ગને ગીતાજીએ સ્પષ્ટ રીતે કહી દીધું: “કર્મ વિના કોઈ સિદ્ધિ પામ્યા નથી. જનકાદિ પણ કર્મ વડે જ્ઞાની થયા. જો હું (કૃષ્ણ) પણ આળસરહિત થઈને કર્મ ન કર્યા કરું તો આ લોકોનો નાશ થાય” તો પછી લોકોને વિશે તો પૂછવું જ શું હોય?’

અને એક સીધી ને સટ વાત ગાંધીજી કહે છેઃ ‘આવા જ્ઞાને અને ભક્તિએ કર્મફલ ત્યાગની કસોટીએ ચઢવાનું રહ્યું.’

બેઉ માર્ગીઓએ કામ તો કરવાનું જ અને બેઉને સિદ્ધિ ત્યારે જ મળે જ્યારે કામમાંથી મળનારા વળતર વિશે, એના પરિણામ માટે મનમાં કોઈ આશા ન હોય, આસક્તિ ન હોય. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે. ગાંધીજીના જ શબ્દોમાં: ‘ફલત્યાગ એટલે પરિણામ વિશેની બેદરકારી એવો અર્થ નથી. પરિણામનો તેમ જ સાધનનો વિચાર અને તેનું જ્ઞાન અત્યાવશ્યક છે. એ થયા પછી મનુષ્ય પરિણામની ઇચ્છા કર્યા વિના સાધનમાં (કામમાં) તન્મય રહે છે તે ફલત્યાગી છે.’

કામ કરવા મળે છે એ જ ભગવાનની મોટી કૃપા છે અને કામ કરી શકું છું એ મારું સદ્‌ભાગ્ય છે એવું વિચારીને કામ કરવાનું.

જરા ભારેખમ થઈ જાય છે. આપણે માત્ર એટલું જ સમજીએ કે રોજ દુકાને જઈને પૂરા રસ સાથે ધંધોવેપાર કરવાનો. ગ્રાહકોને એમની જરૂર મુજબ હોંશેહોંશે માલ બતાવવાનો. ‘સારું પછી આવું છું’ કહીને એ જતો રહે તો સહેજ પણ અકળાયા વિના પથારો સંકેલી લેવાનો. રાત્રે વકરો ગણીને સૂઈ જવાનું પણ ફરી બીજા દિવસે દુકાને બેસીને આજે તો આટલો ગલ્લો થવો જ જોઈએ એવી આશા કે જીદ કે સપનાં નહીં રાખવાનાં. કારણ કે જો કલ્પના મુજબનો વકરો નહીં થાય તો પછીના દિવસે દુકાને બેસવાનું મન નહીં થાય.

કર્મફળત્યાગને બીજી અનેક રીતે સમજીને જીવનમાં ઉતારી શકીએ. કામ કરવાનું. સખત કરવાનું, નિરંતર કરવાનું, ઉત્સાહથી કરવાનું, હાર્યા વિના કરવાનું. કામ કરવા મળે છે એ જ ભગવાનની મોટી કૃપા છે અને કામ કરી શકું છું એ મારું સદ્‌ભાગ્ય છે એવું વિચારીને કામ કરવાનું. સારું કામ કરીશું તો એનું પરિણામ પણ સારું જ આવવાનું છે એવી શ્રદ્ધા રાખીને કામ કરવાનું. પરિણામ ક્યારે આવશે ને ક્યારે નહીં એની કોઈ ફિકર રાખવાની નહીં. પરિણામ સ્વરૂપે જે આવશે તે ઓછું હશે કે વધારે એનો પણ વિચાર નહીં કરવાનો. તમે જો ફળની આશા રાખો તો તમને થાય કે આ મને વધારે મળ્યું કે ઓછું મળ્યું. જો આશા જ ન રાખી હોય તો જે મળ્યું તેને ખુશીથી સ્વીકારી લો કે મારા નસીબમાં જે હતું તે મળી ગયું.

‘અનાસક્તિયોગ’માં ગાંધીજીની પ્રસ્તાવનાનાં આ શરૂનાં જ પાનાંની વાતો છે. મારા માટે આ તબક્કે આટલી વાતો ઘણી હતી.

મને લાગ્યું કે પેલા સાહસિક કિશોરે ભલે ગીતા નહીં વાંચી હોય, શક્ય છે કે ચાર્લ્સ ડિકન્સ કે માર્ક ટ્વેન કે જુલે વર્ને પણ નહીં વાંચી હોય. પણ એ બારતેર14 વર્ષનો કિશોર પોતાની જિંદગીમાં જે વાતનો અમલ કરી રહ્યો હતો તે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન શ્લોકાર્ધનો જ નીચોડ હતો. એ કિશોર સાહસમાં જોડાવા માટે આતુર છે પણ આ સાહસના પરિણામ વિશે તદ્દન નિર્લેપ છે, ‘નિરાશ’ છે. (નિરાશ શબ્દ ગાંધીજીએ વાપર્યો છે. આપણે જેને હોપલેસ કહીએ તે અર્થમાં નહીં પણ જે આશા રાખીને બેઠો નથી તે અર્થમાં).

કર્મફળ ત્યાગની કન્સેપ્ટ સમજવાની કોશિશ પણ નથી કરી આ કિશોરે અને છતાં એનું આચરણ ગીતાને ઘૂંટીને પી ગયેલા કોઈ જ્ઞાની, કોઈ ભક્ત જેવું જ છે. (અને આવી માનસિકતાથી સાહસ કરનારાઓને ભગવાન છેવટે ખજાનાના ટાપુ પર પહોંચાડે જ છે એની તમને ખબર છે).

દાયકાઓથી સાહસકથાના કિશોર સાથે હું શા માટે મારી જાતને આઇડેન્ટિફાય કરું છું તેનું રહસ્ય હવે મને સમજાય છે. યશવંતભાઈના પરિચય ટ્રસ્ટમાં નોકરી શરૂ કરી ત્યારે આવી જ કોઈ સાહસ યાત્રાના રોમાંચમાં મારે ભાગ લેવો હશે, કોઈ પણ ભોગે. મધદરિયે વહાણ ડૂબી જશે એવા કોઈ ભય વગર અને ખજાનાના ટાપુ પર પહોંચી જવાશે એવી કોઈ લાલચ વગર.

આ સાહસયાત્રામાંથી પ્રાપ્ત થતી એક જ ચીજ જીવનને ટકાવી રાખે છે અને એ છે—રોમાંચ. થ્રિલ. વૉટ નેક્સ્ટવાળી ઇન્તેજારી. આવતીકાલના પ્રભાતનાં કિરણો સાથે ખુલનારું રહસ્ય જેનું બીજું નામ છે—’ગુડ મૉર્નિંગ’.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. Karmafalatyagi = One who pays full attention to perform a task properly, methodically , with intention of (never mind done many times before) making it more efficient this time. Keep aside self appreciation or regrets.
    In Pustimarg, while preparing BHOG for Deity – total cleanliness, no tasting, with exuberant love towards Deity are necessary. This way too, one can perform duty.

  2. It’s an article meant for the persons who have a broad perspective of the life. It’s easy to understand provided you remain in touch with it . You just can’t leave your mother for getting happiness outside, you have to be with her & in her womb. It’s a great pleasure to be with you Respected Saurabhbhai

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here