વિસ્મય, કૌતુક અને આશ્ર્ચર્યોની કૂંપળો : સૌરભ શાહ

લાઉડમાઉથ:બુધવાર, 29 જુલાઈ 2020

નવી વ્યક્તિઓ અજાણી ન લાગે અને પરિચિત વ્યક્તિઓને ફરી ફરી મળવાનું મન થાય એ માટે શું કરી શકીએ? બેઉ જુદા મુદ્દા છે. વારાફરતી લઈએ.

જેમની સાથે અગાઉ ક્યારેય મુલાકાત કે વૉટ્સઍપ કે ફોનવ્યવહાર ન થયાં હોય એવી વ્યક્તિને પહેલવહેલી વાર મળતાં સામાન્યત: ખચકાટ થાય. જો કોઈ કામ માટે જતા હો તો કામ કરી આપશે કે નહીં, ચાહક તરીકે મળતા હો તો તોરીલો વર્તાવ કરશે કે હૂંફથી મળશે, મિત્ર બનાવવા માગતા હો તો મિત્ર તરીકેની લાયકાતો એનામાં હશે કે નહીં એવો ઉચાટ અંદરખાને રહેવાનો. પ્રથમ વાર મળવાના બાહ્ય ઉશ્કેરાટ હેઠળ આ ઉચાટ પોતાની જ સમક્ષ પ્રગટ ન થાય એવું પણ બને. નવી વ્યક્તિની ઓળખાણ સાથે એ વ્યક્તિની આસપાસના સમગ્ર માહોલનો પરિચય થવાનો. વ્યક્તિ ગમે પણ એનું વાતાવરણ ન ગમે એવું ય ને ક્યારેક એથી ઊંધું પણ બને.

પાર્ટી કે જાહેર સમારંભ કે નાટક, લગ્ન, મેળાવડાઓમાં થતી રહેતી નવી નવી ઓળખાણોમાંથી દરેક ઓળખાણ માત્ર ઔપચારિકતાના સ્તર પર રહી શકતી નથી. કેટલાક પરિચયો વિઝિટિંગ કાર્ડ્ઝની કે સેલફોનના નંબરની આપ-લેની ફૉર્માલિટી વટાવીને ખૂબ આગળ જઈ શકતા હોય છે.

નાનકડા વર્તુળમાં, ઘરમાં, ઑફિસમાં કે પછી ટ્રેન-ફ્લાઈટ જેવી જાહેર જગ્યાઓએ માત્ર એકાદ બે જાણીતી વ્યક્તિઓની જ હાજરીમાં કે પછી એમનીય હાજરી વિના થતા પરિચયોમાં નિરાંતે પ્રસ્તાવના બાંધવાની મોકળાશ મળતી હોય છે. વ્યક્તિ એટલે માત્ર એના કાર્ડ પરનું નામ કે હોદ્દો નહીં, પરંતુ એથી વિશેષ એની પ્રતીતિ આવા નિરાંતના પરિચયો દરમિયાન થતી હોય છે. આવા પરિચયોમાં ભવિષ્યમાં અપોઈન્ટમેન્ટ વિનાના સંબંધો પાંગરવાની શક્યતા હોય છે.

એક વખત મળ્યા પછી ક્યારેય ન મળતા હોય એવા ચહેરાઓની યાદી ઘણી લાંબી હોવાની. ક્યારેક આમાંના કેટલાક ચહેરા નજર સામે ઝબકીને તરત ઓગળી જવાના, એમની સાથેની મુલાકાતનું સ્થળ, એ સમય, એ માહૌલ યાદ કરો તે પહેલાં જ ધુમ્મસમાં વિલીન થઈ જવાના. બાકી રહી જવાની એમને ફરી ક્યારેક મળવાની ઝંખના. પ્રથમ પરિચય પછી જેઓ નિયમિતરૂપે કે અવારનવાર મળતા રહે છે એમાંથી કોને કેટલાં વર્ષોથી ઓળખો છો? એમની સાથેની પ્રથમ મુલાકાત યાદ છે? કેટલાકની સાથેની પ્રથમ મુલાકાતની એક-એક સેક્ધડ યાદ છે? કેટલાક લોકો ખૂબ નજીક આવ્યા હોવા છતાં એટલા દૂર નીકળી જતા હોય છે કે એમની સાથેની પ્રથમ તો શું છેલ્લામાં છેલ્લી મુલાકાત પણ સ્મૃતિમાંથી ભૂંસાઈ જતી હોય છે.

નવી વ્યક્તિને મળતી વખતે કેટલાક પોતાના સંરક્ષક ક્વચમાંથી બહાર આવતાં ડરે છે. બખ્તર દૂર થતાં જ પોતાની વલ્નરેબિલિટી ઉઘાડી પડી જશે એવો ડર એમને સતાવે છે. અજાણી વ્યક્તિઓને પણ મળવું જોઈએ, એમાંથી કોણ મિત્ર બની શકે, કહી ન શકો. અત્યારે જે મિત્રો છે તે પણ કોઈ એક સમયે તમારાથી અજાણ્યા હતા. કમનસીબી એ છે કે જે મિત્રો હતા તેમાંના કેટલાક આજે અજાણ્યા થઈ ગયા છે. પરિચય આગળ વધતાં વધતાં ક્યારેક એવા મોડ પર આવીને ઊભો રહે છે જ્યારે તમે એમની સાથે નથી જઈ શકતા અને એ માર્ગ બદલીને તમારી દિશામાં ચાલી નથી શકતા. પછી પરિચિતમાંથી અપરિચિત થવાની પ્રક્રિયા ચાલે છે જે ઘણી લાંબી હોય છે, અને દર્દનાક પણ.

છૂટી ગયેલા ચહેરાઓ છેવટે ભુલાઈ જાય છે, અથવા તો એ ભુલાઈ ગયા છે એવું જાતને સાંત્વન આપવામાં આવે છે. અત્યારની પરિચિત વ્યક્તિઓના ચહેરામાં ક્યારેક એ ભુલાઈ ગયેલા ચહેરાને જોવાની કોશિશ કરો છો અને એ બેઉનેય, તમારા સહિત ત્રણેયને, અન્યાય કરી બેસો છો.

કુટુંબમાં, સમાજમાં, મિત્રવર્તુળમાં અને અન્ય પરિચિતોમાં એવા કેટલાય ચહેરા હોય છે જેમની સાથેના સંબંધો પર વર્ષોની ધૂળ બાઝી ગઈ હોય. લાગણીઓ સ્થગિત થઈ જાય ત્યારે આવું બનતું હશે. ઉમળકામાં, હૂંફમાં કે આવેશમાં વધારો ન થાય અને ઘટાડો પણ ન થાય એ સ્થિતિ સંબંધો માટે જોખમી છે. આવા સપાટ સંબંધોની અવાવરુ જમીન પર ઘણું બધું ખડ ઊગી નીકળે જેને કારણે વિસ્મય, કૌતુક અને આશ્ર્ચર્યોની કૂંપળો ફૂટી શકતી નથી. સંબંધો સ્થિર થઈને બંધિયાર બની ન જાય એ માટે જ કદાચ લાંબા ગાળાના ઘનિષ્ઠ સંબંધોમાં તંદુરસ્તી જાળવવા ઝઘડા અનિવાર્ય ગણાતા હશે. મનમાં જામી ગયેલો કચરો વલોવાય છે ત્યારે જ નજીકની વ્યક્તિઓ સાથે ઝઘડાઓ સર્જાય છે.

તળિયે બાઝી ગયેલો કચરો ઉપર આવી જાય ત્યારે એને તારવીને ફેંકી દેવાનો હોય. દુનિયાદારીની ભાષામાં આ તારવણીની ક્રિયાને રિસામણાં – મનામણાં – સમજાવટ કહેતા હશે. આ ક્રિયા જો મોડી શરૂ થાય કે લાંબી ચાલે તો પ્રવાહી ફરી પાછું હતું તેવું ને તેવું જ થઈ જવાનો ભય રહે છે.

પરિચિત વ્યક્તિઓને ફરી ફરી મળવાનું મન થાય એ માટે જાતને રોજ માંજીને ચકચકિત રાખવી પડે. આખરે તો તમે જેને મળો છો એના વ્યક્તિત્વનું પ્રતિબિંબ ઝીલવાનું જ કામ કરતા હો છો. તમારો અરીસો જેટલો ચોખ્ખો હશે એટલું પ્રતિબિંબ પણ સ્પષ્ટ હોવાનું.

પોતાને નીરસ બનાવી દેતી વ્યક્તિને ક્યારેય બીજાઓના જીવનમાં રસ પડતો નથી. નવા પ્રવાહો, નવા વિચારો, નવા શોખ, નવો સમય સ્પર્શવો જોઈએ અને જૂનાં મૂલ્યો, જૂની નીતિમત્તા, જૂની પ્રામાણિકતા અને જૂની ખાનદાનીની સતત ધાર નીકળતી રહેવી જોઈએ; નહિતર નજીકનો પરિચય અવજ્ઞામાં, ઉપેક્ષામાં ફેરવાઈ જવાનો. દરેક સંબંધના ઉછેરની અને એને તાજગીભર્યા સાતત્યને માર્ગે વાળતા રહેવાની એકમાત્ર જવાબદારી તમારા પોતાના શિરે છે. સામેવાળાને જે રીતે વર્તવું હોય એ રીતે એ વર્તે, આપણે કઈ રીતે વતવું એનો નિર્ણય આપણા પર છે.

પરિચિતતામાં એકધારાપણું પ્રવેશે એ પહેલાં જ સહજતાથી થોડું અંતર વધારી દેવું જોઈએ. આવી ઓટ પછીની ભરતી વધુ નિકટતા લાવે. ક્યારેક દરેક પરિચયને વારાફરતી નવી જગ્યાએ ઊભા રહીને, નવા દૃષ્ટિકોણથી જોવા-તપાસવાની ટેવ પાડવી જોઈએ. શક્ય છે કે કોઈક એવું અજાણ્યું પાસું ધ્યાનમાં આવે જેને કારણે સંબંધને નવો અર્થ મળે. આમાં જોખમ પણ છે. કોઈક એવું પાસું પણ જોવા મળી જાય જેને જોયા પછી અર્થનો અનર્થ પણ થઈ જાય. છતાં જોખમ લેવું જોઈએ. જોખમો લીધા વિનાના સંબંધો અણીના સમયે કાયર બનીને બેસી પડે. ક્યારેક સામેની વ્યક્તિના સ્થાને પોતાની જાતને મૂકીને આખાં દૃશ્યો જોવાથી પોતાની મર્યાદાઓ સુધારવાનો અવકાશ ઊભો થાય.

જીવનમાં અનેક વ્યક્તિઓ મળે છે, કેટલીક છૂટી પડે છે, કેટલીક ફરી મળે છે. દરેક વ્યક્તિનું મળવું આપણા અસ્તિત્વમાં કશોક ઉમેરો કરે છે અને એમનું છૂટા પડવું બાદબાકી. આટઆટલા ઉમેરાઓ અને બાદબાકીઓ છતાં સરવાળે જિંદગી જીવવા જેવી લાગે છે એનું રહસ્ય શું? દુનિયાનાં તમામ રહસ્યોનો તાગ મળી જાય તો કશું લખવાની જરૂર જ ન રહે. અત્યારે ઘરની બહાર નીકળીને ક્યાંય જવાનું નથી પણ જિંદગી અને દુનિયા પૂર્વવત્ થઈ જાય ત્યારે નવું રૂટિન ગોઠવતી વખતે આ બધી વાતો યાદ રાખવાની.

સાયલન્સ પ્લીઝ!

છૂટા પડવું એટલે ફરી એક વાર મળવાની તૈયારી કરવી.

—અજ્ઞાત

•• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. Meeting / Parting is very natural. But permanent parting of beloveds and others is very painful. That pain too goes away. Time is a healing factor.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here