દરેકની એક્ટિંગ લાજવાબ: ‘ઊંચાઈ’ રિવ્યુ પાર્ટ ટુઃ સૌરભ શાહ


(ગુડ મૉર્નિંગઃ શુક્રવાર, 18 નવેમ્બર 2022)

“લોકો કહે છે કે દોસ્તો અને દારૂ જૂના સારા, રમકડાં નવાં સારાં!”

મારા વડીલ કહેવાય એવા, મારાથી બે દાયકા સિનિયર અને 40 વર્ષથી જેમની સાથે ગાઢ સંબંધ છે એવા, મને પોતાનો મિત્ર ગણતા સ્વજનને મેં ‘ઊંચાઈ’ જોવા માટે સૂચન કરતો વૉટ્સઍપ કર્યો તે વખતે હજુ ફિલ્મ રિલીઝ પણ નહોતી થઈ. સાહેબે મને જવાબમાં ઑડિયો મેસેજ મોકલ્યોઃ

‘સૌરભ, થેન્કયુ વેરી મચ! જુના દિવસો યાદ આવી ગયા. લોકો કહે છે કે દોસ્તો અને દારૂ જૂના સારા, રમકડાં નવાં સારાં! થેન્ક્સ.’

‘રમકડાં’ એટલે શું એ વિશે ફોડ પાડીને કહેવાની જરૂર ન હોય!

‘ઊંચાઈ’માં ‘કેટી કો’ ગીત પહેલાં ચારેય દોસ્તો દિલ્હી જિમખાનાના સ્વિમિંગ પુલ પાસે બેઠા છે. બમન ઇરાની અનુપમ ખેરને ઇશારાથી કહે છે કે બાજુ હટ, તું મારો વ્યુ બ્લોક કરે છે! અનુપમ બાજુએ ખસકે છે તો બચ્ચનજી વ્હિસલ મારીને એને કહે છે કે હવે તું મારો વ્યુ બ્લોક કરે છે.

સ્વિમિંગ પુલમાં ટુ પીસ બિકીની પહેરેલાં ‘રમકડાં’ જોવાનું નયનસુખ આ બે દોસ્તારો ગુમાવવા નહોતા માગતા.

યારી-દોસ્તીના સંબંધો ટીનએજમાં હોય, યુવાનીમાં હોય, ફોર્ટીઝ-ફિફ્ટીઝમાં હોય કે પછી આ ચાર દોસ્તારોની ઉંમરમાં હોય-અમુક બાબતો બધી જ ઉંમરમાં એકસરખી રહેવાની. મજાક-મસ્તી, ટિખળ, એકબીજાની ટાંગ ખેંચવાની…

‘ઊંચાઈ’માં આવી અનેક નાનીનાની મોમેન્ટ્સથી દિગ્દર્શકે ગજબનું આત્મીય વાતાવરણ ઊભું કર્યું છે. દિલ્હીથી કાઠમંડુ જવા નીકળેલા આ મિત્રોની સાથે બમનની વાઇફ નીના ગુપ્તા પણ છે જેને કાનપુર દીકરીને ત્યાં ઠાલવવાની છે. નીનાને ખબર નથી કે આ ત્રણેય શેતાનો પોતાને ઉલ્લુ બનાવીને સાડા ચાર હજાર ફીટની ઊંચાઈએ આવેલા કાઠમંડુથી છેક સાડા સત્તર હજાર ફીટે આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી જવાના છે.

કારમાં બેસતાં બેસતાં અનુપમનો દીકરો કંઈક લોચો મારે છે અને અમિતાભ સમયસૂચકતા વાપરીને બાજી સુધારી લે છે. પછી નીના ગુપ્તાને મસ્કો મારવા અમિતાભ પોતે શૉફર કે દરવાન હોય એવી અદાથી લળી લળીને નીના ગુપ્તા માટે કારનો દરવાજો ખોલે છે. નીનાની પાછળ પતિ બમન પણ આવી રહ્યો છે , ખુશખુશાલ છે કે દોસ્તાર આટલો વિવેકી છે. ત્યાં જ નીનાજી બેસી ગઈ એટલે બચ્ચનજીએ ધડામ દઈને દરવાજો બંધ કરીને બમનને ઇશારાથી કહ્યું, ‘સાલા, આ દરવાજો તારા માટે નથી ખોલ્યો, તારા બાપનો નોકર છું! તું પેલા દરવાજેથી આવ!’ આમાંનો એક પણ શબ્દ બચ્ચનજી બોલતા નથી પણ એમના ઇશારામાં આ પ્યારભરી મસ્તીની છેડછાડ તમે સાંભળી શકો છો.

આગ્રામાં મીઠાઈની દુકાનમાં પેઠાની ખરીદી પછી ઇમરતી લેવાની હતી ત્યારે અનુપમ કહે છે કે મારે પણ ગોરખપુર માટે લેવાની છે. બમન એને કહે છે કે, ‘તું લાઇનમાં આવ.’ એક્ચ્યુલી, બમન અનુપમને ચીડવી રહ્યો છે. પણ અનુપમ સાચેસાચ ચીડાઈ જાય છે!

આવી નાની નાની ક્ષણોથી દોસ્તી ગાઢ બનતી હોય છે. અંગત જીવનમાં મારા દાદા અને એમના દોસ્તાર વચ્ચેની આવી એક હૂંફભરી ક્ષણનો સાક્ષી રહ્યો છું. તે વખતે મારી ઉંમર આઠ-નવ વર્ષની હશે. મારો ભાઈ મારા કરતાં બે વર્ષે મોટો. દાદા જ્યારે મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણતા હતા તે વખતના એમની જિગરી દોસ્તાર સૂર્યકાન્તકાકાની ઓલ્ડ ફિયાટની પાછલી સીટ પર અમે બંને બેઠા હતા. દાદા આગળની સીટ પર, સૂર્યકાન્તકાકા સ્ટિયરિંગ પર. રસ્તામાં દાદાએ સિગારેટનું કેસ કાઢ્યું અને એક સિગારેટ પોતાના બે હોઠ વચ્ચે લટકાવી. સૂર્યકાન્તકાકા તરત બોલ્યા, ‘વાડી, એક મારા માટે પણ…’

દાદાએ બે સિગારેટ લાઇટરથી જલાવી અને એંઠી સિગારેટ એમના દોસ્તારને આપી, બીજી પોતે માણવા લાગ્યા.

બે દોસ્તારોની આ યારીની નાનકડી ક્ષણ અમારા કુમળા માનસ પર એવી છાપ છોડી ગઈ કે હું અને મારો ભાઈ, અમારે ત્યાં સંતાનોના જન્મ પછી પણ, ક્યારેક બેઠા હોઈએ અને બેમાંથી એક સિગારેટ સળગાવે તો બીજો હસીને કહેઃ ‘વાડી, એક મારા માટે પણ!’ અને બેઉ ભાઈઓ મોજથી બીજાની એંઠી સિગારેટનો કશ મારીએ.

‘ઊંચાઈ’માં ચાર દોસ્તો વચ્ચેની આવી નાનીનાની ક્ષણોનું સાહજિક ચિત્રણ વાર્તાને વધુ ચુંબકીય બનાવ્યા કરે છે. આવી ક્ષણોને વધુ જાનદાર બનાવવાનું કામ દરેક ‘ઊંચાઈ’ના કળાકારે કર્યું છે. ‘ઊંચાઈ’ની નેત્રદીપક સ્ટારકાસ્ટનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. દરેક વિશે થોડીક વાતો કરીએ- અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બમન ઇરાની અને ડેની.

ડેનીનો ઘણો નાનો રોલ છે. ગેસ્ટ એપિયરન્સ છે. લાંબો રોલ હોત તો ગમ્યું હોત પણ સ્ક્રિપ્ટની જરૂરિયાતને હિસાબે કે પછી બીજાં કોઈ કારણસર એ લોકોએ ડેનીનો રોલ બહુ જ નાનો રાખ્યો છે. વાંધો નહીં. કોઈ ફરિયાદ નથી. ડેની જેવા ડિગ્નિફાઇડ એક્ટરને લીધા એનો ખૂબ આનંદ છે. ભૂપેન બરુઆના રોલમાં ડેની જ શોભે. ધારો કે ડેનીએ આ ફિલ્મ કરવાની ના પાડી હોત અને બીજા કોઈ સારામાં સારા એક્ટરને પણ લીધા હોત તો પણ આ રોલમાં કોઈ જ ના ચાલે એવું મને લાગે છે.

ડેનીનું નામ ડેની કોણે પાડ્યું ખબર છે? જયા ભાદુરીએ. બેઉ સમવયસ્ક. પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં સાથે ભણતાં. ત્શેરિંગ ફિન્ત્સો ડેન્ઝોંગ્પાને જયાજીએ કહ્યું કે આ નામથી હિંદી સિનેમામાં તને ઓળખવામાં લોકો લોચા વાળશે, તારું નામ `ડેની ડેન્ઝોંગ્પા રાખી લે!

જયાજીને કારણે ડેનીને બચ્ચનજી સાથે પણ ગાઢ ઘરોબો થયો. ‘પ્રતીક્ષા’ બંગલોમાં ફુરસદ હોય ત્યારે ડેની-બચ્ચનજી ખૂબ ટેબલ ટેનિસ રમતા.

ડેની ઉપરાંતના જે ત્રણ એક્ટર્સ છે- બચ્ચનજી, અનુપમ ખેર અને બમન ઇરાની—આ દરેકે રિયલ લાઇફમાં પોતપોતાની જે નબળાઈઓ હતી તે દૂર કરેલી છે, એમના જીવનમાં જે કંઈ વિઘ્નો આવ્યાં તેને ઓળંગીને આગળ વધ્યા છે, રોકાઈ નથી ગયા, બેસી નથી પડ્યા તેઓ.

અનુપમ ખેરનો એક કિસ્સો કહું તમને. 1992/93ના ગાળાની વાત છે. સૂરજ બડજાત્યાની ‘હમ આપ કે હૈ કૌન’નું શૂટિંગ ચાલતું હતું. અનુપમ ખેરનો એમાં મોટો રોલ. પ્રેક્ટિકલી અડધા કરતાં વધારે ફિલ્મમાં એમની હાજરી અનિવાર્ય. ઘણું શૂટિંગ થઈ ગયું હતું પણ હજુ બીજું ઘણું બાકી હતું. એક દિવસ સવારે અનુપમ બાથરૂમમાં બ્રશ કરવા ગયા ત્યારે એમણે જોયું કે પોતાનું મોઢું વંકાયેલું હતું. કોગળો મોઢામાં રહેતો નહોતો. જાણે એટલા અંગને પેરેલિસિસ થઈ ગયો હતો. ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું કે આ ફલાણી બીમારી કહેવાય. દવાઓ લખી આપી અને ફિઝિયોથેરપી શરૂ કરાવી અને બેએક મહિના માટે સંપૂર્ણ આરામ કરવાની તાકીદ કરી. આવી બીમારી લઈને આમેય શૂટિંગ પર ક્યાંથી જવાય?

સૂરજ બડજાત્યાને વાત કરી. એમણે પણ અનુપમને રેસ્ટ લેવાની સલાહ આપી. અમુક સીનમાંથી તમારી હાજરી કાઢી નાખીશું કે બોડી ડબલ લઈને પીઠનું શૂટિંગ કરશું એવી વિચારણા પણ થઈ. પણ અનુપમ જાણતા હતા કે આવું કંઈ પણ થશે તો ફિલ્મની ક્વૉલિટી નહીં જળવાય. શૂટિંગ રદ થાય કે પોસ્ટપોન થાય એવી પણ કોઈ શક્યતા નહોતી. કેટલી મોટી સ્ટારકાસ્ટ હતી. સતીશ શાહ, રિમા લાગુ, અજિત વાચ્છાની, આલોક નાથ, દિલીપ જોષી, લક્ષ્મીકાન્ત બેર્ડે અને અફકોર્સ માધુરી-સલમાન. એ બધાની એકસામટી ડેટ્સ ફરી ક્યારે મળે? શેડ્યુલ ખોરવાઈ જાય. સેટ તોડીને નવેસરથી બનાવવા પડે અથવા સ્ટુડિયોનાં તોતિંગ ભાડાં ચડ્યાં કરે. બજેટ લાખો-કરોડોમાં વધી જાય. અનુપમ આ બધું જ સમજતા હતા. અનુપમ ખેરે વંકાયેલા મોઢે પણ શૂટિંગ કર્યું, સતત કર્યું. તમને યાદ હોય તો ફિલ્મમાં પાસિંગ ધ પિલોની રમત રમાય છે તેના અમુક શોટ્સમાં અનુપમજીનું વંકાયેલું મોઢું સ્પષ્ટ દેખાય છે, ગેમમાં પનિશમેન્ટરૂપે ધર્મેન્દ્રના ‘શોલે’માં ટાંકીવાળા સીનની મિમિક્રી કરતી વખતે મોઢું વાંકું કર્યું છે તે ઓડિયન્સને હસાવવા નહીં, પણ પોતાની બીમારીને કારણે. એ ગેમ પછી માધુરી માઈ રે માઈ, મુંડેર પે તેરે ગીત ગાય છે ત્યારે પણ સમુહમાં ડાન્સ કરતા અનુપમ ખેરના ચહેરાને ધ્યાનથી હવે માર્ક કરજો. તમારી આંખમાં આંસુ આવી જાય. એક અભિનેતા કેટલી નિષ્ઠાથી પોતાનું કામ કરે છે. અને આપણે તો અહીં પેટ દુખે છે, માથું દુખે છે કહીને કેઝ્યુઅલ લીવ કે સિક લીવ ઠોકી દઈએ છીએ.

એ પછી 2004ની વાત. અનુપમ ખેર પોતે કહે છે કે, ‘મને ટાયકૂન બનવાનાં હેવાં ઉપડેલા. મોટો બિઝનેસ કરવાની હોંશમાં બજારમાંથી આડેધડ વ્યાજે પૈસા ઉપાડેલા પણ મને ધંધો કરતાં આવડ્યું નહીં. ઉધાર લાવેલી રકમ તો ડૂબી જ ગઈ મારી પોતાની મૂડી પણ ધોવાઈ ગઈ. હું દેવાળિયો બની ગયો.’

આ અનુપમ ખેરના મોઢેથી એક ઇન્ટરવ્યુમાં સાંભળેલા શબ્દો છેઃ “હું દેવાળિયો બની ગયો.”

એ પછી તો અનુપમ ખેરે હૉલિવુડમાં કામ કર્યું, ત્યાંની ટીવી સિરીઝોમાં કામ કર્યું, મુંબઈમાં ઍક્ટિંગ ઇન્સ્ટિટ્યુટ સ્થાપી અને ખૂબ મહેનત કરી. નાટક પણ કર્યું, બેસ્ટસેલર પુસ્તકો લખ્યાં. અમેરિકામાં અભિનેતા તરીકે એવી પ્રતિષ્ઠા મેળવી કે રૉબર્ટ ડી’નેરો જેવા મહાન અભિનેતા સાથે દોસ્તી થઈ. નિકટના મિત્ર બની ગયા બેઉ. અનુપમ ખેરના બર્થડે સેલિબ્રેશનની પ્રાઇવેટ પાર્ટીમાં રૉબર્ટ ડી’નેરો આવ્યા હતા. મુંબઈની એક્ટિંગ ઇન્સ્ટિટ્યુટમાં આવ્યા ત્યારે રૉબર્ટ ડી’નેરોને મળવા બૉલિવુડના ટૉપમોસ્ટ સ્ટાર્સ લાઇનમાં ઊભા હતા.

હમણાં જ અનુપમ ખેરે રિવીલ કર્યું કે, ‘છ વર્ષ પહેલાં મેં નક્કી કર્યું કે મારે પોતાની માલિકીનું ઘર નથી જોઈતું. હું કિરાયાના મકાનમાં રહું છું.’ હાલાંકિ આજની તારીખે અનુપમ ખેર મુંબઈના સારામાં સારા એરિયામાં સારામાં સારો ફ્લેટ ખરીદી શકે એટલા શ્રીમંત છે.

જિંદગીની અનેક ઊંચાઈઓને માણી ચૂકેલા અને એટલી જ ઊંડી ખીણોમાં ગબડી ચૂકેલા અનુપમ ખેર આ ફિલ્મમાં ઓમ શર્માનો રોલ કરે છે. ઓમ શર્માનું કેરેક્ટર એવું છે કે એનો સ્વભાવ એકદમ જ ચીડિયો છે. વારંવાર ઇરિટેટ થઈ જાય, નાની નાની વાતે ઓમ શર્માને એના દોસ્તો સાથે વાંકું પડે. પાન મીઠું કેમ છે, બિસ્લેરી ઠંડી કેમ નથી, કરારી રોટી બમનને કેમ આપી મને કેમ નહીં, એક પણ પ્રસંગે આ માણસ કકળાટ કરવાનું છોડતો નથી. હવે અનુપમ ખેર પોતે અંગત જીવનમાં ઠરેલ, પ્રસન્ન, હસમુખ, સમજુ અને આનંદી જીવ છે.

અનુપમ ખેર કહે કે હું જેવો છું એવું જ કેરેક્ટર જો મારે ભજવવાનું હોય તો મારા માટે એ ખૂબ ચેલેંજિંગ પુરવાર થાય, અભિનય કરવામાં થોડી તકલીફ પડે. પણ મારા સ્વભાવ કરતાં ઓમ શર્માનું કેરેક્ટર તદ્દન વિપરીત હતું એટલે મને એ રોલ કરવાની બહુ મઝા આવી!

મારું એક ઇન્ટરપ્રીટેશન એવું છે કે માણસનો સ્વભાવ ચીડિયો ક્યારે થઈ જાય? ઓમ શર્મા તો ફિલ્મી પાત્ર છે પણ રિયલ લાઇફમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે અમુક માણસો હંમેશાં પાણીમાંથી પોરા કાઢતા રહે, નાની નાની બાબતમાં ઝઘડો કરી બેસે, ક્ષુલ્લક વાતે એમને વાંકું પડે, સતત ફરિયાદ કરતા હોય, હંમેશાં અસંતોષ જ હોય. આવો ચીડિયો સ્વભાવ માણસનો શું કામ થતો હશે?

મને ‘કેટિ કો’ ગીતમાંની નાનકડી વાત યાદ આવે છે. એ ગીતમાં અનુપમ શરૂમાં ડ્રિન્ક લેતા નથી, કૉકટેલ પાર્ટી છે પણ એમના ટેબલ પર રકાબીમાં મૂકેલો ચાનો કપ દેખાય છે! બેત્રણ વખત ડ્રિન્કની ના પાડે છે. પણ પછી ડેની અનુપમને નેપાળની વિખ્યાત ઢાકા ટોપી પહેરાવે છે (લિટરલી ટોપી પહેરાવે છે), બચ્ચનજીએ અનુપમના ટેબલ પર ટકીલાના બે શોટ્સ ઓલરેડી મૂકી દીધા છે. અને ડેની-બચ્ચનજી ત્યાંથી ચૂપચાપ સરકી જાય છે. ‘જોઈએ આ હવે શું કરે છે.’

અનુપમ કોઈ જોતું નથી એમ માનીને ધડાધડ બે શોટ્સ ગટગટાવી જાય છે. અને પછી અપ્રસન્ન અનુપમ એકદમ પ્રસન્ન થઈ જાય છે અને માથે ચુંદડી ઓઢીને સરસ ડાન્સ કરે છે.

બે પેગ પેટમાં ઉતારીને અનુપમ પોતાના અસલી મૂડમાં આવી ગયા. મૂળ એ જ એમનો (એટલે કે ઓમ શર્માનો) સ્વભાવ રહ્યો હશે પણ આ કેરેક્ટરનો એક ભૂતકાળ છે. ત્રીસ વર્ષ પહેલાં બનેલી કૌટુંબિક ઘટનાને કારણે એમનામાં જીવનભર કડવાશ પ્રવેશી ગયેલી જેનો કડવો-તૂરો સ્વાદ હજુય ગયો નથી. એ ઘટનાને લીધે ઓમ શર્મા પોતાનો અસલી સ્વભાવ દબાવીને જીવે છે. બે પેગ પીધા પછી માણસની અસલિયત બહાર આવતી હોય છે એવું કહેવાય છે અને મહદ અંશે એ વાત સાચી પણ છે. ઓમ શર્મા પીધા પછી અસલી રંગમાં આવી ગયા, એમનો પ્રસન્ન સ્વભાવ પ્રગટ થઈ ગયો.

આપણે જ્યારે, આપણે જે નથી તે દેખાડતા હોઈએ કે આપણી અસલિયત ઢાંકીને જીવવું પડતું હોય ત્યારે આવા ચીડચીડા થઈ જઈએ – ઓમ શર્મા જેવા.

અનુપમ ખેરના અભિનયને લીધે ‘ઊંચાઈ’ને ચાર ચાંદ લાગી ગયા. હજુ તો બીજા ચાર વત્તા ચાર ચાંદની વાતો હજુ બાકી છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. અમે ગઇ કાલે ફીલ્મ જોઈ , થિયેટર હાઉસફુલ હતું. મોટા ભાગ ના ગુજરાતી પ્ર્ેક્ષકો હતા. લાગે છે તમરી આ આહ્લાદક કોલમ વાંચી ને જ આવ્યા હશે.

  2. Unchai film jetloj Unchai bhrayo saras lekh keep it up

  3. સૌરભભાઈ આપનું તીર અંધારામાં પણ ચોકકસ નિશાન પાર પાડે છે. આપના દરેક લેખ વિસ્તારથી અને પૂરી માહિતી મેળવી ને લખેલા હોય છે. ભલે આપના લેખ અંધારામાં તીર સમાન હોય છે પણ હવાઈ તુક્કા જેવા નથી હોતા.પછી એ બાબા રામદેવ કે પતંજલિ, વારાણસી ની મોરારીબાપુ ની રામકથા કે નાન્યતર જાતિને લગતી કથા હોય. અમારી ઘણી અજ્ઞાનતા અને ગેરસમજો દૂર થઇ જાય છે. આભાર. 🙏

  4. વાહ , સૌરભ સર. આટલી વિગતવાર માહિતી જાણવાની મઝા આવી. જાણે કે ફરીથી ફિલ્મ જોઈ રહી હોઉં એવું અનુભવાય છે.. બાકીના પાત્રો વિશેની માહિતી જાણવાની ઇંતેજારી રહેશે એ વાત નક્કી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here