ઊંચાઈ કેવી છે? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ ગુરુવાર, 17 નવેમ્બર 2022)

‘ઊંચાઈ’ દોસ્તીની ગીતા તો છે જ અને મૈત્રીનું ઉપનિષદ પણ છે પરંતુ આ ફિલ્મ માત્ર ભાઈબંધીની વાત નથી કરતી. ‘ઊંચાઈ’માં ઘણા બધા લેયર્સ છુપાયેલા છે જે એક પછી એક ઉખેળતા જઈએ અને માણતા જઈએ આ રિવ્યુમાં.

જોકે, આ રિવ્યુ કરતાં ફિલ્મનો આસ્વાદ વધુ છે. રિવ્યુ વાંચવાની જો ઇચ્છા હોય તો કહી દઉં કે હા, આ ફિલ્મ જોવા જેવી છે. કદાચ, એક નહીં પણ એક કરતાં વધારે વાર જોવા જેવી છે. હું આ ફિલ્મને પાંચમાંથી ચાર સ્ટાર્સ આપીશ. એક સ્ટાર શું કામ ઓછો એના વિશે પણ આગળ વધતાં વાત કરીશું.

આવી ફિલ્મ હિન્દી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં છાશવારે નથી આવતી. વર્ષો પછી ‘ઊંચાઈ’ જેવી શુદ્ધ મનોરંજન ધરાવતી, સાત્વિક અને સોફિસ્ટિકેટેડ ફિલ્મ આવતી હોય છે. આ વર્ષે આપણને ‘કાશ્મીર ફાઇલ્સ’ અને ‘રૉકેટ્રી’ જેવી ઉમદા ફિલ્મો થિયેટરમાં જોવા મળી. થોડીક નકામી ફિલ્મો વચ્ચે આવી ગઈ. સાઉથ ઇન્ડિયન ફિલ્મોના હિન્દી ડબિંગ વર્ઝનના કેટલાક લોકો પ્રેમમાં પડી ગયા. સારું છે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તરક્કી થશે એને કારણે.

પણ આપણને નિસબત બૉલિવુડ સાથે છે, હિન્દી સિનેમા જગત સાથે છે.

‘ઊંચાઈ’.

દર વર્ષે આવી ફિલ્મો નથી આવતી. દસ વર્ષે એકાદ-બે વાર આવી ફિલ્મો બનતી હોય છે.

ભૂપેન બરુઆ (ડેની ડેન્ઝોંગ્પા) પહાડોમાં ઉછરેલો માણસ છે. એનું બાળપણ હિમાલયમાં એવરેસ્ટની છાયામાં વીત્યું છે. એ વાતને હવે પચાસથી વધુ વર્ષ વીતી ગયાં છે. હવે એની ઇચ્છા છે કે પોતાના ત્રણ જિગરી દોસ્તો સાથે એવરેસ્ટના બેઝ કૅમ્પ સુધીની યાત્રા કરી આવે. મિત્રોને બતાવે કે આ પહાડી પ્રદેશનું કુદરતી સૌંદર્ય કેવું ગજબનું છે, એક આધ્યાત્મિક અનુભવ કરાવનારું છે. બાકીના ત્રણ મિત્રો પણ ભૂપેનની ઉંમરના જ છે – બધા સિક્સ્ટી ફાઇવ પ્લસ છે. દુનિયા જેમને સિનિયર સિટિઝનના નામે હાંસિયામાં ધકેલી દેવા આતુર હોય છે એવા આ વડીલો છે જેમણે જે કંઈ જીવવાનું-માણવાનું હતું તે બધું જ કરી લીધું છે એવું યુવાન પેઢી માની લેતી હોય છે.

ભૂપેનના બીજા ત્રણ મિત્રો એટલે અમિત શ્રીવાસ્તવ (અમિતાભ બચ્ચન), ઓમ શર્મા (અનુપમ ખેર) અને જાવેદ સિદ્દીકી (બમન ઇરાની). અમિત બેસ્ટ સેલર રાઇટર છે, રિચ છે. જાવેદ સિદ્દીકીની ગાર્મેન્ટ શૉપ છે, અપર મિડલ ક્લાસ છે. ઓમ શર્માનો પુસ્તક ભંડાર છે,મિડલ ક્લાસ છે. ત્રણેયની માનસિકતા પણ પોતે જે આર્થિક વર્ગના છે એના જેવી જ છે. ભૂપેન નિવૃત્ત સરકારી બાબુ છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઈ.આર.એસ.)માં હતો. કમ્ફર્ટેબલ લાઇફસ્ટાઇલ છે અને આ ત્રણ મિત્રો સિવાય આ દુનિયામાં એનું કોઈ નથી. અપરિણિત છે. શું કામ લગ્ન નથી કર્યાં એ તમને ફિલ્મના સેકન્ડ હાફમાં ખબર પડે છે.

ભૂપેનની વર્ષગાંઠની પાર્ટી છે. પાર્ટીમાં ભૂપેન ફરી એકવાર ત્રણેયને કહે છે કે બે મહિના પછી ટ્રેકિંગ સિઝન શરૂ થશે, મારે તમને એવરેસ્ટ બેઝ કૅમ્પના ટ્રેક પર લઈ જવા છે.

એવરેસ્ટ બેઝ કૅમ્પ (ઈબીસી) એ જગ્યા છે જ્યાંથી પર્વતારોહકો એવરેસ્ટ પર ચડવાની શરૂઆત કરે છે. એવરેસ્ટ તો 29,000 ફીટ કરતાં વધુ ઊંચો છે. બેઝ કૅમ્પ 17,500 ફીટ પર છે. પણ આ સાડા સત્તર હજાર ફીટ સુધી જવું એ પણ કંઈ બચ્ચાના ખેલ નથી, કાચાપોચાનું કામ નહીં. હવામાંના ઑક્સિજનનું લેવલ અડધું થઈ જાય. પાતળી હવામાં શ્વાસ લેવો ભારે પડે, હાંફ ચડે, બ્લડ પ્રેશર-હાર્ટ બીટ્સ આ બધામાં ફેરફારો થઈ જાય. નબળું શરીર હોય તો ક્યારેક જાન પણ જાય અને પગબગ લપસી જાય તો સીધા વૈકુંઠ ભેગા ન થઈ જાઓ તોય હાડકાંપાંસળા તો ભાંગે જ.

બર્થડેના બીજા દિવસે વહેલી સવારે ખબર પડે છે કે ભૂપેનનું અવસાન થયું છે. હાર્ટ ઍટેક. ચારેય મિત્રોમાં ભૂપેન સૌથી ફિટ હતો અને પોતાના શરીર પ્રત્યેની જવાબદારીનું એને ભાન હતું. આમ છતાં બાકીના ત્રણ મિત્રો કરતાં એ વહેલો જતો રહ્યો. કોઈ જ ઈશારો કર્યા વિના. અચાનક. અમિતને ડર છે કે બાકી બચેલા ત્રણ મિત્રોમાંથી કોણ ક્યારે જતું રહેશે, કોને ખબર.

ભૂપેનની આખરી ઇચ્છા ત્રણ મિત્રો સાથે એવરેસ્ટ બેઝ કૅમ્પ જવાની હતી અને એણે ચારેયનું બેલમોન્ટ ટ્રેકિંગ કંપનીમાં બુકિંગ પણ કરાવી દીધું હતું. ભૂપેનના ગયા પછી ઓમ અને જાવેદની ઇચ્છા છે કે અસ્થિ વિસર્જન વારાણસી જઈને થાય. અમિત કહે છે કે દોસ્તની આખરી ઇચ્છાને માન આપીએ અને એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી ચડીને અસ્થિ વિસર્જન કરીએ.

ઓમ અને જાવેદ અમિતને પાગલ ગણે છે. આ ઉંમરે એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી જઈને યમરાજને સામેથી ચાલીને આમંત્રણ આપવા જેવું છે – બનારસ જ ઠીક છે.

અમિત કેવી રીતે ઓમ-જાવેદને મનાવે-સમજાવે છે, એ પછી કયાં ક્યાં વિઘ્નો આવે છે એની કથા એટલે ‘ઊંચાઈ’. ગુજરાતી લેખક સુનીલ ગાંધીની જબરજસ્ત વાર્તા અને અભિષેક દીક્ષિતે સૂરજ બડજાત્યા સાથે મળીને લખેલી જબરજસ્ત પટકથા તથા સંવાદ પણ ચોટદાર.

દેખીતી રીતે તમને એમ લાગે કે દોસ્તની અંતિમ ઇચ્છા કેવી રીતે પૂરી કરવી જોઈએ એ વિષય પરની આ ફિલ્મ છે. પણ આ તો પ્રગટપણે જે દેખાય છે તે વાર્તા છે. મને પોતાને આ ફિલ્મ જોતાં એમ લાગ્યું કે દોસ્તની અંતિમ ઇચ્છા તમે પૂરી કરો તે તો સારી જ વાત છે પણ દોસ્તની ઇચ્છા એના મૃત્યુને લીધે અધૂરી રહી જાય એના કરતાં બહેતર છે કે દોસ્ત જીવતો હોય ત્યારે એની ઇચ્છા પૂરી કરો.

ડેની ક્યારના કહેતા હતા – અમિતાભ, અનુપમ, બમનને – કે ચાલો એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી જઈએ, જઈએ પણ આ ત્રણ દોસ્તારો ડેનીની ઇચ્છાને સમજતા જ નહોતા, ડેનીનો પહાડપ્રેમ સમજતા જ નહોતા, દોસ્તો સાથે આ પ્રેમ શેર કરવાની ડેનીની પૅશનને આ ત્રણ જણ ગણકારતા જ નહોતા.

મને લાગે છે કે તમારા દોસ્તની આ કે આવી ઇચ્છાઓ એણે તમારી સમક્ષ પ્રગટ કરી હોય તો એને એના જીવતેજીવત પૂરી કરવી એ તમારી ફરજ છે. દોસ્તની પણ ફરજ છે કે એ પણ તમારી આવી ઇચ્છાઓને માન આપીને એને પૂરી કરે જેથી કોઈ પણ દોસ્તના મનમાં ખટકો ન રહી જાય કે એની હયાતી દરમિયાન મેં એની ઇચ્છાઓને માન ન આપ્યું.

દોસ્ત એટલે ભાઈબંધ જ નહીં, તમારી કોઈ પણ પ્રિય વ્યક્તિ. તમારા પિતા, તમારી માતા, તમારા ભાઈ, તમારા પતિ કે તમારી પત્ની, બહેન, સંતાન, પ્રિયજન, સ્વજન કે ઇવન તમારી બહેનપણી! કોઈ પણ. જે તમારી સૌથી નિકટ હોય એવી વ્યક્તિઓની ઇચ્છાઓને તમે એમના જીવતેજીવત પૂરી કરો છો ત્યારે તમને એમના ગયા પછી જીવનમાં ખોટ મહેસૂસ થાય પણ કોઈ ખટકો નથી રહેતો.

આ સૌની ઇચ્છાઓને એમના જીવતેજીવત પૂરી કરો એ વધારે મહત્ત્વનું છે કારણ કે એ એમની ઇચ્છાઓ નથી, વાસ્તવમાં તો એ તમારી પોતાની ઇચ્છાઓ છે – તમને સંતોષ મળે છે કે મારી મમ્મીની આ ઇચ્છા મેં પૂરી કરી, તમને આનંદ મળે છે કે મારી દીકરીની આ ઇચ્છા મેં સંતોષી. તો આ તમારી ઇચ્છા છે. મારે હિસાબે ‘ઊંચાઈ’ ફિલ્મનો આ સાર છે. દરેક પ્રેક્ષક પોતપોતાની રીતે થિયેટરમાંથી સાર લઈને બહાર નીકળે છે. હું આ સાર લઈને બહાર નીકળ્યો છું.

પોતાનામાં ધરબાઈ રહેલી શક્તિને બહાર કાઢતાં શીખો – એ તો આ ફિલ્મનો દેખીતો સાર છે જ છે પણ જે ગર્ભિત વાત છે તે જીવતેજીવત સ્વજનની ઇચ્છાને માન આપીને એને યથાશક્તિ પરિપૂર્ણ કરવાની વાત છે. આવી ઇચ્છાઓ આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે પૂરી કરીશું એમ વિચારીને આપણે ટાળ્યા કરીએ છીએ અને ક્યારેક ઘણું મોડું થઈ જતું હોય છે – ભૂપેન બરુઆના કિસ્સામાં થયું એમ.

સાઠ-પાંસઠ પાર કર્યા પછી લોકો વિચારતા થઈ જાય છે કે ‘હવે મારે કેટલાં વર્ષ…’ અથવા ‘આ ઉંમરે કંઈ આવું થાય?’ અથવા ‘આવું બધું કોના માટે કરવું?’ અથવા ‘હું તો સામાન બાંધીને સ્ટેશન પર આવી ગયો છું, પ્લેટફોર્મ પર ગાડી આવે એની રાહ જોઉં છું.’

‘ઊંચાઈ’ તમને કહેશે કે આવું માનવું કે આવું વિચારવું ખોટું છે. ફિલ્મના સેકન્ડ હાફમાં બચ્ચનજીના મોઢે એક વાક્ય બોલાય છે: ‘મારી કમજોરીઓને હરાવવાની એક તક મને જોઈએ છે.’

જિંદગીમાં ઘણી પછડાટો ખાધી હોય, ઘણી સફળતાઓ પણ મેળવી હોય, પોતાની નબળાઈઓ પિછાણી હોય. એ નબળાઈઓને દૂર કરવાની અનેક તક મળી હોય પણ કદાચ ન લીધી હોય, તો ભલે. પણ હવે જ્યારે તક છે તો એ નબળાઈને હરાવીને સંતોષ સાથે બાકીની જિંદગી જીવવામાં ખોટું શું છે?

ઘણાને લાગશે કે આ ફિલ્મ સાઠ-પાંસઠ પ્લસના જે લોકો છે, જેઓ આયુષ્યના સાતમા, આઠમા કે નવમા દાયકામાં છે તેમના માટેની ફિલ્મ છે. વેલ, એ ઉંમરના લોકો આ ફિલ્મમાંથી કંઈક પ્રેરણા લે તો તે સારી જ વાત છે, પણ પાકા ઘડે કાંઠા કદાચ ન પણ ચડે. સાઠ-સિત્તેરના થયા પછી નવેસરથી જીવવાની તક મળે તોય બહુ ઓછા લોકો શારીરિક-માનસિક રીતે એ માટે સક્ષમ હોય. મારે હિસાબે થર્ટીઝ, ફોર્ટીઝ અને ફિફ્ટીઝમાં જે લોકો છે એમના માટેની આ ફિલ્મ છે. 30થી 60 વર્ષની ઉંમરના લોકો માટે. તેઓ અર્લી એજથી પ્લાનિંગ કરી શકે, આ ફિલ્મ જોઈને, કે એમણે સાઠ પ્લસના થયા પછી કેવી રીતે જીવવું છે અને એ માટે શારીરિક અને માનસિક ક્ષમતાને કેવી રીતે કેળવવી છે. એ એજ ગ્રુપ માટે એક-બે-ત્રણ દાયકાનો સમય છે સજ્જ થવા માટે જેને કારણે તેઓ સાઠ પછીનો નવો સૂર્યોદય જોઈ શકે, માણી શકે. ટૂંકમાં આ ફિલ્મનું ટાર્ગેટ ઑડિયન્સ સિનિયર સિટિઝન્સ નથી જુનિયર સિટિઝન્સ છે.

મને આ ફિલ્મ વધારે સ્પર્શી એનું કારણ હું તપાસતો હતો ત્યારે બે કારણ મને જડ્યાં.

તમારા સૌની જેમ મારી જિંદગીમાં પણ સ્કૂલમાં જેમની સાથે દોસ્તી થઈ હોય એવા મિત્રો છે. અને દાયકાઓ દરમ્યાન એ અંગત મૈત્રીમાં એવી ઘનિષ્ઠતા ઉમેરાઈ જેને કારણે જિંદગી પરમાત્માના આશીર્વાદ જેવી લાગવા માંડી. અમે ચાર મિત્રો. સ્કૂલના ચોથા-પાંચમા-છઠ્ઠા ધોરણથી દોસ્તી. મોટા થયા પછી પણ રોજ એકવાર ફોન પર વાત ન થાય કે અઠવાડિયે એટલીસ્ટ એકવાર સાથે જમીએ નહીં તો ચેન ના પડે એવી દોસ્તી—બધાના જીવનમાં હોય છે એવી જ. મારા આ ત્રણ દોસ્તારોને અને એમની પત્નીઓને મેં મારું મેનેજમેન્ટ સિરીઝમાંનું એક પુસ્તક અર્પણ કર્યું છે જેની અર્પણ પંક્તિમાં ‘મરીઝ’નો શેર ટાંક્યો છેઃ ‘જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.’

ત્રણેક દાયકા પહેલાં અમે ચારેય દોસ્તાર નૈનિતાલ ગયા હતા ત્યારે એક સાંજે બેઠાં બેઠાં વાત કરતાં મને વિચાર આવ્યોઃ ‘આપણામાંથી જે સૌથી પહેલો વિદાય લેશે તે સૌથી નસીબદાર હશે. એણે દોસ્ત ગુમાવવાની વેદના સહન નહીં કરવી પડે. અને ત્રણ મિત્રોના ગયા પછી જે ચોથો બાકી રહેશે તે સૌથી કમનસીબ હશે કારણ કે એની વેદના શેર કરનાર હવે એની જિંદગીમાં કોઈ નહીં હોય.’

મારી આ વાત સાંભળીને એક દોસ્તાર બોલ્યો, ‘બહુ સરસ સબ્જેક્ટ છે. તું નવલકથા લખ આ વિષય પર.’
મને પણ લાગ્યું કે મારે લખવી જોઈએ અને હું લખીશ. જોકે, મેં ક્યારેય એ નવલકથા લખી નહીં, હજુય એવો કોઈ પ્લાન નથી.
પણ આ તો એક વાત.

બીજી વાત એ કે એવરેસ્ટ પ્રત્યે કે માઉન્ટેનિયરિંગ, ટ્રેકિંગ માટે મને બિલકુલ આકર્ષણ નહીં. હું એકદમ આર્મચેર ટ્રાવેલર ગણાઉં. મારો સ્ટડીરૂમ છોડીને રસોડામાં પાણીનો ગ્લાસ ભરવા જઉં તો જાણે એક એક્સપીડિશન પર જઈ આવ્યો હોઉં એવું લાગે. પણ મેં બારેક વર્ષ પહેલાં એક ખૂબ સુંદર રીતે લખાયેલું અંગ્રેજી પુસ્તક ‘થિન્ક એવરેસ્ટ’ ટ્રાન્સલેટ કર્યું. ગુજરાતના આઈ.પી.એસ. અધિકારી અતુલ કરવલ એવરેસ્ટના શિખર પર જઈને તિરંગો લહેરાવી આવ્યા હતા. એમણે પોતાનાં આઈએએસ પત્ની અનીતા કરવલ સાથે મળીને આ પુસ્તક લખ્યું. કિરણ બેદી, જે એક જમાનામાં તિહાર જેલના સુપરિન્ટેન્ડન્ટ હતાં એમણે, આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી. એક પોલીસ અફસરે લખેલું અને જેલ સુપરિન્ટેન્ડેન્ટે જેની પ્રસ્તાવના લખી એ પુસ્તકને ગુજરાતીમાં ઉતારવાની પ્રસન્ન તક મને મળી ત્યારે 2008નો બનાવ મારા જીવનમાં તાજો જ બન્યો હતો!

‘થિન્ક એવરેસ્ટ’ મારા માટે ખૂબ અઘરું પુસ્તક હતું. એમાંના સ્થળો, એમાંની ટર્મિનોલોજી બધું જ નવું, ખૂબ મહેનત કરવી પડે. પણ અંતે ઘણું સુંદર પરિણામ આવ્યું. અનીતાબહેન કરવલે મને પુસ્તક પ્રગટ થયા પછી અભિનંદન આપતાં કહ્યું હતું કેઃ ‘ગુજરાતી વાંચી શકતી મારી બહેનપણીએ કહ્યું કે તમારા ઓરિજિનલ અંગ્રેજી પુસ્તક કરતાં પણ ગુજરાતી અનુવાદ વાંચવામાં વધારે મઝા આવી!’

આ પુસ્તક વાંચીને જો તમે ‘ઊંચાઈ’ જોશો તો વધારે મઝા આવશે. એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી જતાં પહેલાં લુકલા એરપોર્ટ, નામ્ચે બઝાર, ફાડકિંગ વગેરે સ્થળોનાં નામથી પરિચિત થઈ જશો જે ફિલ્મમાં તમને સાંભળવા મળશે. અને જો તમે ઑલરેડી ફિલ્મ જોઈ ચૂક્યા હશો તો પુસ્તક વાંચીને વધારે મઝા આવશે. વધારે ડિટેલમાં વિગતો મળશે, ફિલ્મ ફરી એકવાર જોવાનું મન થશે. પુસ્તક ખરીદવું હોય તો પબ્લિશરની લિન્ક આ લેખના અંતે છે.

‘ઊંચાઈ’ વિશે વધુ ઘણું કહેવાનું છે. પણ આજે છુટા પડતાં પહેલાં જે વાત કહેવી છે તે એ છે કે આ ફિલ્મનો સાર જો કવિતારૂપે કહેવો હોય તો ફિલ્મમાં ભૂપેનના ફેવરિટ ગીત તરીકે ત્રણ-ચારવાર જે ગીત આવે છે તેના શબ્દો ટાંકીને પૂરું કરીએ. રાજશ્રીની જ ફિલ્મ હતી. પચાસ વર્ષ પહેલાં,1972માં રિલીઝ થયેલી. જયા ભાદુરી હીરોઈન હતાં. ‘પિયા કા ઘર’. લક્ષ્મીકાંત-પ્યારેલાલે આ ગીતમાં જબરજસ્ત સંગીત આપ્યું છે, કિશોર કુમારે દિલ નીચોવીને ગાયું છે અને આ અમર શબ્દો છે આનંદ બક્ષીના.

યે ના સોચો ઈસમેં અપની હાર હૈ કિ જીત હૈ,

ઉસે અપના લો જો ભી જીવન કી રીત હૈ,

યે ઝિદ છોડો યું ના તોડો હર પલ એક દર્પન હૈ,

યે જીવન હૈ, ઈસ જીવન કા યહી હૈ યહી હૈ યહી હૈ રંગરૂપ…

‘થિન્ક એવરેસ્ટ’ પુસ્તક ઘરેબેઠાં મેળવવા માટે આ લિન્ક પર ક્લિક કરો.

આ લેખ વાંચીને તમને આ વીડિયો જોવાની વધારે મઝા આવશે-

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

18 COMMENTS

  1. Sir
    You have raised the benchmark for writing a review of a film by highlighting the positive mindset of the director and his team.
    Awesome movie and wonderful review. I watched it before the review was posted, but will watch again to understand its fine nuances as noted by your good self.

  2. ખુબ સરસ લેખ લખ્યો છે વાંચવાની માણવાની ખૂબ મજા આવી. આપણી ભારતીય ફિલ્મોની મોટાભાગની એક વિશેષતા રહી છે કે ક્યારેય આપણી ફિલ્મો એક સ્તરીય નથી હોતી. આપણા દિગ્દર્શકો કે પછી લેખકો ક્યારે ય વિદેશી ફિલ્મોની જેમ એક સ્તરીય ફિલ્મ બનાવી શકતા નથી, આ ફિલ્મ એડવેન્ચર્સ કેટેગરીની ફિલ્મ છે. તેમ છતાં તમે જણાવ્યું તેમ ઘણા બધા સ્તરો.
    * અત્યાર સુધી ફિલ્મોમાં માત્ર દીકરાઓને જ માતા પિતાને ઉતારી પાડતા દેખાડવામાં આવે છે પણ અહીં દીકરીને પણ માતા પિતાનું આગમન ખટકતું હોય તેવું બતાવ્યું છે
    * લગ્ન જીવનની સંવાદિતા ના પરિબળો ને પણ રજુ કરવાનો પ્રયત્ન થયો છે.
    * અમિત ના લગ્નજીવનની વાત પિક્ચર સાથે પ્રવાહીત થઈ શકતી જ નથી
    * બે ત્રણ પાત્રોને બાદ કરતાં અભિનય મધ્યમ કક્ષાનો રહ્યો .
    * આપની વાત સાચી છે કે આ ફિલ્મ એકવાર નહીં પણ બે ત્રણ વખત તો જોવી જ જોઈએ.

  3. સર, ફિલ્મ જોયા પછી આપના વિડીયો અને આ લેખ વાંચ્યા. લાગ્યું કે જાણે એ ફિલ્મનું હાર્દ થોડું વધુ સરળતા અને સહજતાથી સમજાયું. આપ કમાલના લેખક છો. રાજકારણ હોય કે ફિલ્મી ક્ષેત્ર, આપના દરેક લેખ to the point ના હોય છે જે વાંચવા બહુ ગમે છે. અભિનંદન. આપના આવતા લેખને વાંચવાની ખૂબ ઇંતેજારી રહેશે.

  4. આપનો આ લેખ ખુબ જ સરસ છે. જે પણ મનની ઈચ્છા ઓ છે એ કોઈ પણ ઉંમરે પુરી કરવી જોઈએ. જેથી મનની મનમાં ના રહી જાય.નવીનભાઈ લખે છે કે આપનો સમય અને શક્તિ રાજકારણ માં શું કામ વેડફે છો. પણ એને સમય અને શક્તિ વેડફવા ના કહેવાય. પણ મતદારો માં જાગૃતિ લાવી કહેવાય.જે વાતો ની મારા તમારા જેવા ને ખબર ના હોય એ વાતોની સૌરભભાઈ ના લેખથી જાણવા મળે છે. સોનિયા ગાંધી શું કરવા પ્રધાનમંત્રી ના બની શક્યા એ વાતની અને એવી તો ઘણી બધી વાતોની આપણને જાણકારી મળી.ટીપુ સુલતાન,મધર ટેરેસા હીન્દી સીનેમામાં ચાલતું ષડયંત્ર.

  5. સૌરભ ભાઈ, હજુ ગઈકાલે રાત્રે જ આ ફિલ્મ જોઈ અને આજે જ તમારો આ લેખ વાંચવા મળ્યો..
    ખરેખર ઘણી જ સરસ અને સાફ સુંદર ફિલ્મ, બિલકુલ રાજશ્રી પ્રોડક્શન ની ઈમેજ મુજબની જ, સહપરિવાર જોવા માણવા લાયક. કચાશ એક વાતની લાગી કે એના ગીતો સાંભળવા કે ગણગણવા લાયક ન લાગ્યા.
    સારીકા નાં મત મુજબ ત્રણેય મિત્રની ઉંમર અને ટેસ્ટ રિપોર્ટ જોતા *જો તેઓ મનમાં ઠાની લે તો બેસ કેમ્પ સુધીની સફર તેમના માટે બહુ મુશ્કેલ નથી*
    બસ આ મનથી હાર નહિ માનવાની વાત જ દરેક પુખ્ત વ્યક્તિએ સ્વીકારવી જોઈએ. પત્ની, પુત્ર પુત્રી કે ભાઈઓ કે સમગ્ર પરિવાર તરફથી થતી અવગણના કે અવહેલના લક્ષમાં લીધા વિના મન ખાટું કરયા વિના કેમ સરળ સહજ બની મક્કમતાથી આગળ વધવું અને મોજમાં રહેવું એ જ શિખવું જોઇએ.
    આ ફિલ્મ વિષેના બાકી લેખની રાહમાં………
    આગ‌ળ વધવું એ

  6. મને પુસ્તક જોઈએ છે, પણ sold out બતાવે છે, ક્યાંથી મળશે?

  7. આપનો લેખ વાંચી ને, આજે બપોરના મિલાપ થિયેટર માં “ઊચ્ચાઈ” જોવા જવાના છીએ

  8. નવલકથા નો વિષય તૈયાર છે…
    મિત્રોની ઈચ્છા અને આગ્રહ પણ છે..
    તમારા આ ફિલ્મ રિવ્યુનો સંદેશ પણ આ જ છે.
    તમે ભલે 100 વર્ષ જીવવાનો હો પણ એટલી રાહ મિત્રોને અને અમને ના જોવડાવો.
    નવલકથા લખવાનું આયોજન કરો…એવી વિનંતી..🙏🙏

    • Thanks for your warm response, Ankur! At present I am deeply involved in writing a very different kind of a novel. Hopefully I will start working on the subject of friends in 2024!

  9. ખૂબજ સરસ review કે
    ફિલ્મ ચોક્કસ જોવી પડે.
    ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર

  10. રાજશ્રી ની ૧૯૮૯ થી ચાહક હોવાથી રિલીઝના બીજે દિવસે જ જોઈ આવી. મને તો ખુબ જ ગમી. તમારો પ્રતિભાવ પણ ખુબ સુંદર છે. આખી પટકથા આવી જાય છે એમાં. તમે ૪ સ્ટાર કેમ આપ્યા? કદક ગીત ને લીધે. આ ફિલ્મ ના ગીત એટલા લોકપ્રિય નથી થયા. પણ ફિલ્મ, પટકથા, કલાકાર, સંવાદ અદભુત છે.

  11. ઊંચાઈ આપના દરેક શબ્દો માં અનુભવવા મળી.
    રાહ જોઉં છું ક્યારે મારા શહેરમાં આ ફિલ્મ આવે.
    ખૂબ ખૂબ ધન્યવાદ.
    🙏🙏🙏🙏🙏

  12. સૌરભભાઈ આપે આ બહુ સરસ લેખ અને વિડીયો બનાવેલ છે તમારી સમય અને શક્તિ politics માં શા માટે વેઙફો છો ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here