પોણા ત્રણ હજાર વર્ષ પહેલાંથી ચીનના લોકો ભારતને ‘હિન્દુ રાષ્ટ્ર’ તરીકે ઓળખે છે

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

રાજીવ મલ્હોત્રા પછી સુબ્રહ્મણ્યમ સ્વામીનું પ્રવચન શરૂ થયું. સ્વામીનો મુંબઈ સાથે ઘણો જૂનો સંબંધ છે. ‘૭૫ની ઈમરજન્સી દરમિયાન એમણે જે રીતે એની વિરુદ્ધમાં લડત ચલાવેલી – દેશપરદેશમાં – અને જે ચાલાકીથી તથા બહાદુરીથી વિદેશથી ભારત આવીને સંસદમાં હાજરી આપી હતી તે વિશે વાત કરવા બેસીએ તો મૂળ મુદ્દાની વાત રહી જશે. બસ એટલું જ કહેવું રહ્યું છે કે મા-દીકરાએ અત્યારે જામીન પર છૂટવું પડ્યું છે તેવું નહેરુ ખાનદાનમાં પહેલીવાર બન્યું છે અને નૅશનલ હેરલ્ડ દૈનિકની માલિકીને લગતા એ કેસના બારામાં આ બન્યું છે. આ કેસ સુબ્રહ્મણ્યમ સ્વામીની બદૌલત કોર્ટમાં દર્જ થયો અને આ ઉપરાંતના રામ જન્મભૂમિ સહિતના કોર્ટ કેસીસમાં સ્વામીનું પ્રદાન ઘણું મોટું છે. ભારતના સાચા ઈન્ટેલેક્ચ્યુઅલ ઍક્ટિવિસ્ટ દેશપ્રેમીઓની યાદીમાં સબ્રહ્મણ્યમ સ્વામીનું નામ પ્રથમ હરોળમાં આવે. બે મહિના પછી, ૧૫મી સપ્ટેમ્બરે સ્વામી ૮૦મા વર્ષમાં પ્રવેશશે, પણ એમને જુઓ અને સાંભળો તો એથી અડધી ઉંમરના જેટલો જોશ, એટલી એનર્જી એમનામાં તમને જોવા મળે. સ્વામી ૧૯૭૭ની ઐતિહાસિક ચૂંટણી વખતે ઈશાન મુંબઈ (ઘાટકોપરથી મુલુન્ડ) મતવિસ્તારમાંથી લોકસભા જીત્યા હતા. જનતા પાર્ટીના પ્રચંડ મોજાને કારણે મુંબઈની છએ છ સીટ પરથી કૉન્ગ્રેસનો કારમો પરાજય થયો હતો. આ છમાંથી સૌથી વધુ માર્જિનથી જીતાયેલી સીટ ઘાટકોપર-મુલુંડવાળી સ્વામીની સીટ હતી. ગુજરાતીઓએ સ્વામીને શરૂઆતથી જ ચાહ્યા છે, ખૂબ આદર આપ્યો છે. સ્વામી કુલ ત્રણ વાર લોકસભાના અને ત્રણ વાર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. અત્યારે તેઓ રાજ્યસભાના નીમાયેલા સભ્ય છે. આ સભામાં એમની સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત હતો. હી ઈઝ અ ટાર્ગેટેડ પર્સન. એમના જેવા, જાન હથેળી પર લઈને, જે સાચું છે તેને બેઝિઝક પ્રજા સુધી પહોંચાડી રહેલા દેશના સપૂતો માટે સરકારે કોઈ પણ ભોગે અને ગમે એટલા ખર્ચે સિક્યુરિટી પ્રોવાઈડ કરવી જ જોઈએ. સ્વામી જેવા મહાનુભાવો આપણા સૌના માટે, આખા દેશ માટે અણમોલ રતન છે.

રાજીવ મલ્હોત્રા અને સુબ્રહ્મણ્યમ સ્વામીની પ્રવચનસભા જે રવિવારની બપોરે હતી તે દિવસે ધોધમાર વરસાદ હતો. બે દિવસથી ચાલુ હતો. સ્વામીએ આયોજકોને પૂછ્યું હતું કે આટલા વરસતા વરસાદમાં સભામાં કોણ આવશે? આયોજકે કહ્યું હતું કે આ મુંબઈ છે, સાહેબ. મુંબઈગરાઓ જો નક્કી કરે કે ધોધમાર વરસાદમાં પણ ઘરની બહાર નીકળીને પ્રવચન સાંભળવા આવવું છે તો એ આવશે જ, તમે ચિંતા નહીં કરતા.

અને બન્યું એવું જ. સભાના નિર્ધારિત સમયના અડધો કલાક પહેલાં સભાગૃહની બહાર લાઈનસર છત્રીઓ જ છત્રીઓ અને સભાખંડની અંદર પગ મૂકવાની જગ્યા નહીં. બહાર સીસીટીવી પર જોઈને કેટલાય લોકોએ મન મનાવી લેવું પડ્યું અને સ્થળ પણ પાછું સુગમતાથી પહોંચાય એવું નહીં. શિવાજી પાર્ક પર મેયરના બંગલોની બાજુમાં આવેલા ભવ્ય- વિશાળ વીર સાવરકર સ્મારકના પરિસરમાં આવેલું વીર સાવરકર સભાગૃહ.

આ સભામાં બેઉ મહાનુભાવોએ વિશાળ જનસમૂહ સુધી પોતાના મૌલિક વિચારો પહોંચાડવા આ જ ઉપક્રમ હતો, આશય હતો આ સભા યોજવાનો.

સ્વામીએ પ્રવચનના આરંભે જ કહ્યું કે આપણે આપણા ભારત દેશને અંગ્રેજીમાં ‘ઈન્ડિયા’ તરીકે ઓળખીએ છીએ, પણ ચાઈનીઝ પ્રજા એમની ભાષામાં ભારતને ‘ઈન્દુ ગો’ તરીકે ઓળખે છે. જેનો મતલબ થાય ‘હિન્દુ રાષ્ટ્ર’! હું મારા સામ્યવાદી મિત્રોને કહેતો હોઉં છું કે તમે ચાઈનીઝ લોકોનો વિરોધ કેમ નથી કરતા કે ઈન્ડિયાને તમે હિન્દુ રાષ્ટ્ર કેમ કહો છો! ઈસ્વીસન પૂર્વે ૭૦૦ વર્ષ પહેલાં (એટલે કે આજથી લગભગ પોણા ત્રણ હજાર વર્ષ કરતાં પણ અગાઉના સમયથી) ચીનાઓ ભારતને હિન્દુ-રાષ્ટ્ર તરીકે ઓળખતા આવ્યા છે. જે પેલી લોકવાયકા છે કે આરબોએ કે વિદેશીઓએ સિંધુને હિંદુ કહેવાનું શરૂ કર્યું એના સેંકડો વર્ષો પહેલાંની આ વાત થઈ.

તો પછી હિન્દુ શબ્દનું મૂળ ક્યાં છે? કેટલાક વિદેશીઓ કે ઈરાનીઓ સિંધુમાંનો ‘સ’ બોલી શકતા નહોતા અને ‘સ’ને બદલે ‘હ’ બોલતા એટલે સિંધુ નદી ઓળંગીને જે પ્રદેશમાં આવ્યા તેને હિન્દુ તરીકે ઓળખતા થયા એ વાત બોગસ છે, હિંદુ શબ્દ બે અક્ષરની સંધિમાંથી નીપજેલો છે. હિમાલયનો ‘હિ’ અને ઈન્દુ સાગરનો ‘દુ’. ઈન્દુ સાગરને પછી પેલા લોકોએ ઈન્ડિયન ઓશન બનાવી દીધો. હિન્દુ ધર્મનું મૂળ આપણા વેદોમાં છે, શાસ્ત્રોમાં છે અને આજનું આપણું શાસ્ત્ર છે – ભારતનું બંધારણ, ઈન્ડિયા કૉન્સ્ટિટ્યૂશન અને ભારતીય સંવિધાનમાં હિન્દુ પ્રતીકો તથા હિન્દુ વિચારોની રક્ષાની વાતો ઠેર ઠેર પથરાયેલી છે. ગૌહત્યા પર પાબંદીની વાત ભારતીય બંધારણમાં કરવામાં આવી છે. જે લોકો કહે કે ‘અમને જે ખાવું હશે તે ખાવાની અમને સ્વતંત્રતા છે.’ ના એવું નથી. બંધારણની ૪૮મી કલમ તમારા પર ગૌમાંસ પર પાબંદી મૂકે છે, ગૌહત્યા પર પ્રતિબંધ મૂકે છે. ખુદ ગાંધીજી કહી ગયા કે સ્વતંત્રતા મળે કે ન મળે, ગૌહત્યા પર પ્રતિબંધ આવવો જ જોઈએ.

યુનિફૉર્મ સિવિલ કોડ, સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા, સંસ્કૃત, દેવનાગરી લિપિ – આ બધું જ આપણા કૉન્સ્ટિટ્યૂશનમાં લખેલું છે. આમ છતાં જો હું કહું કે ગૌહત્યા પર પ્રતિબંધ લાદવો જોઈએ તો લોકો કહેશે કે આ તો હિંદુ કટ્ટરવાદ છે, પણ આ તો બંઘારણમાં લખેલી વાત છે. એક વખત મારે અસદુદ્દીન ઓવૈસી સાથે ડિબેટ થયેલી. ઓવૈસીએ મને કહ્યું કે તમે લોકો કેવી રીતે મારા પર એવો પ્રતિબંધ લાદી શકો કે હું ગાય ના ખાઈ શકું? મેં કહ્યું કે એ ભારતીય બંધારણમાં લખ્યું છે. પછી એમણે મને કહ્યું કે હાઉ ડુ આય ક્લાસિફાય એઝ એન ઈન્ડિયન? મેં કહ્યું, તમે મારી સાથે હૈદરાબાદની માઈક્રો બાયોલૉજી લૅબોરેટરીમાં ચાલો, પુરવાર થઈ જશે કે તમારા ડીએનએ પણ મારા જેવા જ છે. રાજીવ મલ્હોત્રાએ એ જ વાત કરી. સ્વદેશી મુસ્લિમ. દરેક ભારતીયના ડીએનએનું મૂળ બંધારણ એકસરખું છે. તમારી ત્વચાના રંગમાં ફેરફાર હોઈ શકે – તમે વિષુવવૃત્તથી કેટલા દૂર, કેટલા નજીક રહો છે એ મુજબ તમારી ચામડીના પિગમેન્ટેશનમાં ફેરફારો થાય, એને જિનેટિક્સની સાથે કંઈ લેવાદેવા નથી. આપણે એક પ્રજા છીએ અને આપણે સૌ એક રાષ્ટ્રનાં સંતાનો છીએ.

વધુ કાલે.

આજનો વિચાર

લેંઘાનું નાડું ઢીલું હોય તો નૃત્ય કરવાની લાલચ રોકી રાખવામાં જ ડહાપણ છે એવું ચાણક્યના પાડોશીએ કહ્યું ત્યારે એના મનમાં અવિશ્વાસની દરખાસ્ત હશે?

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

મમ્મી: પપ્પુ, તારી હરકતોને લીધે જ આપણે હારી ગયા.

પપ્પુ: રિઝલ્ટની વાત જવા દો, મમ્મી. મનોરંજન કરવામાં કોઈ કસર રહી ગઈ હોય તો કહો મને!

3 COMMENTS

  1. હવે એક જ કામ અરજન્ટલી થવું જોઈએ- હિંદુસ્તાનનો સાચો ઇતિહાસ લખાવો જોઈએ..અને ખોટો ઇતિહાસ કોણે(અંગ્રેજ-મુસ્લિમ એવા નહેરુ વગેરેએ) ,અને કેમ(હિંદુ સંસ્કૃતિનો ધ્વંશ કરવા) લખાવ્યો એનો પધ્ધતિસરનો પર્દાફાશ કરવો જોઈએ.. તો જ ઈંદીરા-કોંગ્રેસનો સફાયો અને ભારતીયતાનો જયવારો થાય !!

  2. આને જ સાચો વૈચારિક રાષ્ટ્રવાદ કહેવાય, હિમાલય ( કાશ્મીર, માં ગંગા, માં યમુના, વિગેરે ) થી શરૂ કરીને દક્ષિણ ના મહાસાગર સુધી વિસ્તરેલી હિન્દુ સંસ્કૃતિ આપણી ધરોહર છે. ખૂબ માહિતીસભર લેખ વાંચી આનંદ થયો.

  3. બહું સરસ લખાણ. જાણે સ્વામીને એમની સામે બેસીને સાંભળતા ન હોઈએ? સૌરભ ભાઈ, ખરેખર વાંચવાની ખુબ મજા પડે છે તમારું લખાણ વાંચીને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here