છેલ્લાં 50 વર્ષની 10 સર્વશ્રેષ્ઠ હિંદી ફિલ્મો કઈ? : સૌરભ શાહ

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આજકાલ માઠી દશા ચાલે છે. કોરોનાને કારણે બીજી અનેક ઇન્ડસ્ટ્રીની જેમ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીને પણ ઘણું શોષાવું પડ્યું. પણ આમેય હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છેલ્લા એકાદ દાયકાથી ગ્રહણ લાગી ગયું છે. કેટલાય તેજસ્વી અને પ્રતિભાવંત લોકો આ ક્ષેત્રમાં કામ કરતાં હોવા છતાં દાયકાઓ સુધી યાદ રહી શકે એવી એક પણ હિંદી ફિલ્મ વીતેલાં દસેક વર્ષમાં આવી નથી; એવરેજ ફિલ્મો આવી, અબવ એવરેજ પણ આવી, બાકી બધી તદ્દન નકામી આવી.

હિંદી ફિલ્મ જેવી જ, કદાચ વધારે, માઠી દશા હૉલિવુડની છે. આટઆટલા પૈસા અને ટેલેન્ટ હોવા છતાં હૉલિવુડે ક્યાં કોઈ લૅન્ડમાર્ક ફિલ્મ છેલ્લા એક દાયકામાં આપી જેને તમે હૉલિવુડની ટૉપ ટેન – ફિફ્ટી કે ઇવન હન્ડ્રેડ ફિલ્મોમાં સ્થાન આપી શકો?

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં વળતાં પાણી એક ટેમ્પરરી ફેઝ છે. ભવિષ્યમાં સારી, વધુ સારી અને અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોને ટક્કર મારી શકે કે પછી એની હરોળમાં ઊભી રહી શકે એવી ફિલ્મો જરૂર આવવાની. એવી ફિલ્મો આવે એની રાહ જોતાં જોતાં હિંદી ફિલ્મોના ગોલ્ડન પીરિયડને યાદ કરીને છેલ્લાં 50 વર્ષની ટૉપ ટેન ફિલ્મોની યાદી બનાવી લઈએ.

છેલ્લાં પચાસ વર્ષનો ગાળો માત્ર સગવડિયો છે. આમ તો 1972થી 2022 એટલે 50 વર્ષ થાય પણ આપણે 1972ના ત્રણ વર્ષ પહેલાંના ગાળાને પણ એમાં ગણી લઈશું, જેની પાછળ કારણ છે અને ચોક્કસ ગણતરી છે.

આ દરેક ફિલ્મને યાદીમાં સામેલ કરવાનો સૌથી મોટો માપદંડ એ રાખ્યો છે કે એ ફિલ્મ ટ્રેન્ડસેટર હોવી જોઈએ. એની રિલીઝ પછી એ પ્રકારની ફિલ્મો બનાવવાની બીજાઓને ચાનક ચડી કે નહીં એ સૌથી મોટો ક્રાઇટેરિયા અપનાવ્યો છે.

1 `આરાધના’

1969માં રિલીઝ થઈ, આજથી 53 વર્ષ પહેલાં. હિંદી ફિલ્મમાં ત્યાં સુધી દિલીપકુમાર, રાજ કપૂર, દેવ આનંદનું શાસન ચાલ્યું. રાજેન્દ્રકુમાર, મનોજકુમાર વગેરે જેવા અડધો ડઝન ઑલ્સો રેન પણ હતા. પણ દિલીપ-રાજ-દેવ જેવો ચાર્મ આમાંના કોઈનોય નહીં. ‘આરાધના’એ આ ત્રિપુટીની ચમકને ઝાંખી પાડી દે એવો સુપરસ્ટાર હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપ્યો. રાજેશ ખન્ના જેવો સુપર સ્ટાર અગાઉ ક્યારેય આ ઇન્ડસ્ટ્રીમાં નહોતો. અમિતાભ-શાહરૂખ વગેરેના આગમન પછી પણ રાજેશ ખન્નાની એ જમાનાની લોકપ્રિયતાને આંબી શકે એવો સુપરસ્ટાર હજુ પણ આ ઇન્ડસ્ટ્રીમાં નથી. છેલ્લાં પચાસ વર્ષની ટૉપ ટેન ફિલ્મોમાં કાળક્રમ મુજબ સૌથી પહેલો નંબર (કાળક્રમ મુજબ, બૉક્સ ઑફિસની સફળતાના આંકડા મુજબ નહીં. આ લિસ્ટ આ જ રીતે બની રહ્યું છે – કાળક્રમ પ્રમાણે) ‘આરાધના’નો આવે.

2 ‘આનંદ’

બીજા નંબરે પણ યોગાનુયોગ રાજેશ ખન્નાની જ ફિલ્મ આવે પણ આ ફિલ્મ એની સ્ટાર વેલ્યુને લીધે નહીં પણ એના દિગ્દર્શકના એપ્રોચને કારણે છેલ્લાં 50 વર્ષથી લૅન્ડમાર્ક ફિલ્મ છે. ઋષિકેશ મુખર્જીની ‘આનંદ’ (1971) ફિલ્મની જબરજસ્ત સફળતાને કારણે મિડલ ઑફ ધ રોડ ફિલ્મોની બોલબોલા શરૂ થઈ. ઋષિકેશ મુખર્જીએ જ નહીં બિમલ રૉય જેવા બીજા અનેક પ્રતિભાશાળી દિગ્દર્શકોએ આ પહેલાં, ન આઉટ ઍન્ડ આઉટ કમર્શિયલ કે ન સાવ આર્ટીશાર્ટી, એવી ફિલ્મો બનાવીને સફળતા મેળવી જ હતી. આ બેઉ અંતિમો વચ્ચેની-મિડલ ઑફ ધ રોડ કહેવાતી ફિલ્મો પણ બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડી શકે છે એ વાત ‘આનંદ’ દ્વારા પુરવાર થઈ. નાનું બજેટ હોય, કોઈ ભવ્ય સેટ કે આંખો આંજી નાખનાર લોકેશન્સ ન હોય પણ વાર્તા તથા અભિનયકળાના જોરે તમે જો નાની ફિલ્મ બનાવો તો પ્રેક્ષકો તે જોવા ઉમટી પડે એવો ધસમસતો ટ્રેન્ડ ‘આનંદ’ પછી શરૂ થયો – બાસુ ચેટરજીથી માંડીને ગુલઝાર-મહેશ ભટ્ટ વગેરે ડઝનબંધ દિગ્દર્શકોને આ ટ્રેન્ડનો ફાયદો થયો.

3 ‘બૉબી’

કાળક્રમે આગળ વધીએ તો ત્રીજા ક્રમાંકે 1973માં રિલીઝ થયેલી ‘બૉબી’ આવે. ટીન એજ લવસ્ટોરીના આધુનિક જમાનાનો પાયો ‘બૉબી’ને કારણે નખાયો. કુટુંબ-સમાજ સાથેની બગાવત, ટ્રેન્ડી કપડાં, હીરોઇનમાં છલકાતું ભરપૂર યૌવન અને કવિતાવેડાથી દૂર રહીને લખાયેલાં કૉલેજિયનોની જુબાનનાં ગીતો —’બૉબી’એ શરૂ કરેલો આ ટ્રેન્ડ હજુય ચાલે છે.

4 ‘અંકુર’

શ્યામ બેનેગલની પ્રથમ ફિલ્મ ‘અંકુર’ 1974માં આવી તે પહેલાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ આર્ટ ફિલ્મ બની જ નહોતી એવું નથી. પણ ‘અંકુર’ પછી આર્ટ ફિલ્મોની નાનકડી કેડી પર ચાલવા માટે અનેક દિગ્દર્શકો-અભિનેતાઓ આતુર થયા અને એમને પ્રોડ્યુસરો પણ મળવા માંડ્યા. ‘અંકુર’થી શરૂ થયેલા આર્ટ ફિલ્મોના મેજર પ્રવાહને લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નસિરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરિશ પુરી ઉપરાંત શબાના આઝમી, સ્મિતા પાટિલ સહિત ડઝનબંધ પ્રતિભાવંત ઍક્ટરો મળ્યા અને સાથોસાથ નવી નવી વાર્તાઓ મળી. આ ટ્રેન્ડ બીજા દોઢ-બે દાયકા સુધી ચાલ્યો અને પછી ખોવાઈ ગયો. મલ્ટિપ્લેક્સના આગમન પછી આર્ટ ફિલ્મો ફરી જીવતી થઈ અને અગાઉના કરતાં વધુ લોકો સુધી પહોંચીને ભરપૂર કમાણી કરતી પણ થઈ. ઓટીટીએ આર્ટ ફિલ્મો માટે નવું ઑડિયન્સ આપ્યું.

5 ‘દીવાર’

1975માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દીવાર’ની સાથે ઇન્ડસ્ટ્રીમાં લેખકનું મહત્ત્વ જડબેસલાક રીતે સ્થપાયું. અગાઉ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપર હિટ ફિલ્મોમાં પણ લેખકના પ્રદાનની ભાગ્યે જ ચર્ચાઓ થતી. લેખનકાર્ય કરનારાઓ ગમે એટલા ટેલન્ટેડ હોય, ભરપૂર ડિમાન્ડ પણ હોય એમની, છતાં કંગાળ જ રહેતા. સ્વભાવે પણ ગરીબ જ રહેતા. ‘દીવાર’ પહેલાં સલીમ-જાવેદ સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા પણ ‘ઝંજીર’ની સ્ટોરી આખેઆખી એકલા સલીમ ખાને લખેલી. ‘હાથી મેરે સાથી’ સાઉથની ફિલ્મના રાઇટ્સ લઇને એમાં ફેરફારો કરીને લખાયેલી. ‘સીતા ઔર ગીતા’ ‘રામ ઔર શ્યામ’નું ફીમેલ વર્ઝન હતું. રમેશ સિપ્પીની ‘અંદાઝ’ (ઝિંદગી એક સફર હૈ સુહાના)માં ગુલઝાર અને સચિન ભૌમિક પણ સલીમ જાવેદની સાથે સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં હતા. ‘યાદોં કી બારાત’ માટે કહેવાતું કે સલીમ-જાવેદે ‘ઝંજિર’ની જ સ્ટોરી પ્રકાશ મહેરા અને નાઝિર હુસૈન – બેઉને વેચી. ‘મજબૂર’ તથા ‘હાથ કી સફાઈ’ સારી ફિલ્મો હતી. પણ ‘દીવાર’ની સ્ક્રિપ્ટને આજની તારીખે પણ કોઈ ટક્કર ન મારી શકે. ફિલ્મની પટકથા લખવાના કોર્સમાં એક આખું વર્ષ માત્ર ‘દીવાર’ની સ્ક્રિપ્ટ જ ભણાવી શકાય એટલાં બધાં પાસાં આ ફિલ્મના સ્ક્રીન પ્લેમાંથી મળી આવે. પટકથા લેખક, સંવાદ લેખક અને વાર્તા લેખકના કામને આ ફિલ્મ પછી માનપાન, પૈસા અને બેઉ મળવાં લાગ્યાં.

6 ‘શોલે’

‘શોલે’ પણ સલીમ-જાવેદની જ સ્ક્રિપ્ટ પણ ‘શોલે’માં ‘દીવાર’ની જેમ માત્ર સ્ક્રિપ્ટનું મહત્ત્વ નથી. આ મેગા બજેટ ફિલ્માં ફિલ્મ મેકિંગની ટેકનિકનાં સિનેમેટોગ્રાફી, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, એક્શન સીન્સની કોરિયોગ્રાફી, સેટિંગ્સ, પબ્લિસિટી વગેરે અનેક પાસાં શીખવા મળે. સંવાદ, વાર્તા, અભિનય વગેરે પાસાંઓ તો બીજી સુપરહિટ ફિલ્મોમાં પણ આટલાં જ સારાં હોઈ શકે. પણ આ જે ટેકનિકલ બાબતો છે (જેમાં સાઉન્ડ પણ આવી જાય) તે બધી જ ટેકનિક એક સાથે એક જ ફિલ્મમાં આવે છે ત્યારે— ટૉપ મોસ્ટ ક્રિયેટિવિટીમાં એ વન ગ્રેડની ક્રાફ્ટ ભળે છે ત્યારે – ઉચ્ચતમ કળામાં ઉચ્ચતમ કસબ ઉમેરાય છે ત્યારે – એક નખશિખ સુંદર કૃતિનું સર્જન થાય છે તે ‘શોલે’એ પુરવાર કર્યું.

7 ‘હમ આપ કે હૈં કૌન’

1994માં રાજશ્રી ફિલ્મ્સના સ્થાપક તારાચંદ બડજાત્યાના પૌત્ર સૂરજ બડજાત્યા દિગ્દર્શિત ‘હમ આપ કે હૈ કૌન’ રિલીઝ થઈ. સાડા ત્રણ કલાક લાંબી ફિલ્મમાં ગીતો જ ગીતો. દરેક ગીત સુપર હિટ. કેટલાકે એ ફિલ્મને લગ્નની વીડિયો ગણીને હસી કાઢી પણ આ જ ફિલ્મે હિંદી સિનેમામાં ઇલેબોરેડ મેરેજ ફંક્શન્સનો ટ્રેન્ડ શરૂ કર્યો. નવા, આધુનિક મિજાજવાળા દિગ્દર્શકોએ પણ આ ટ્રેન્ડ અપનાવ્યો.
સૂરજ બડજાત્યા ઑલરેડી 1989માં પોતાની પ્રથમ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી પુરવાર કરી ચૂક્યા હતા કે યુવાન દિગ્દર્શક ભારતીય પરંપરામાં આસ્થા ધરાવીને ફિલ્મ બનાવે છે ત્યારે ફૅમિલી વેલ્યુઝ તો સાચવે જ છે, ટીન એજર્સને —આજની નવી પેઢીને પણ આકર્ષી શકે છે. સૂરજ બડજાત્યા પરથી પ્રેરણા લઈને અનેક સફળ દિગ્દર્શકો ઇન્ડસ્ટ્રીમાં આવ્યા – આદિત્ય ચોપરા અને કરણ જોહર આમાંનાં બે ઝળહળતાં નામ. માટે ટૉપ ટૅનની સાતમી ફિલ્મ ‘હમ આપ કે હૈ કૌન’.

8 ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’

આઠમી ફિલ્મ આદિત્ય ચોપરાની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જે હજુ પણ, રિલીઝના 27 વર્ષ પછી પણ, મુંબઈના ‘મરાઠા મંદિર’ થિયેટરમાં રોજ મેટિની શોમાં બતાડવામાં આવે છે. આ ફિલ્મે એટલી કમાણી કરી કે એની આવકમાંથી પુત્ર આદિત્યએ પિતા યશ ચોપરા માટે મુંબઈમાં અંધેરી જેવી પ્રાઇમ જગ્યાએ વિશાળ ફિલ્મ સ્ટુડિયો બાંધ્યો જેની માર્કેટ વેલ્યુ આજની તારીખે રૂપિયા 6,200 કરોડથી વધુની ગણાય છે. ‘ડીડીએલજે’માં નવું કશું જ નથી છતાં જે કંઈ છે તે બધું જ નવી રીતે કહેવાયેલું છે. આ ફિલ્મની ખરી તાકાત આ જ છે. એક લવસ્ટોરીમાં જેટલા વળાંકો હોઈ શકે તે બધા જ એમાં છે છતાં કોઈ ટ્વિસ્ટ ન તો જૂના અંદાજનો છે, ન મારી મચડીને ફિલ્મમાં નાખવામાં આવ્યો છે એવું લાગે છે. દિગ્દર્શક પોતે ફિલ્મના દરેક ડિપાર્ટમેન્ટ માટે સ્પષ્ટ હોય અને એનામાં તમામ કળાકાર કસબી પાસેથી કામ લેવાની આવડત-ધીરજ હોય ત્યારે આવી લૅન્ડમાર્ક ફિલ્મ બની શકે.

9 ‘સત્યા’

પ્રથમ હિંદી ફિલ્મ બની એના દસેક વર્ષમાં જ ક્રાઇમ ફિલ્મો બનવા માંડી અને બૉક્સ ઑફિસ પર સફળ પણ થવા માંડી. 1943માં જ્ઞાન મુખર્જીએ ‘કિસ્મત’ બનાવી જેમાં હીરો અશોકકુમાર પાકિટમાર છે. કલકત્તાના ‘રૉક્સી’ સિનેમામાં સળંગ 187 અઠવાડિયાં (લગભગ પોણા ચાર વર્ષ) ચાલી. અંડર વર્લ્ડ પર કેટલીક ઉમદા ફિલ્મો આપણે ત્યાં બની પણ 1998માં રામ ગોપાલ વર્માની ‘સત્યા’ આવ્યા પછી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્રાઇમ ફિલ્મ બનાવવાની આખી ટેમ્પ્લેટ જ બદલાઈ ગઈ. પ્રોફેશનલ ક્રિમિનલ્સની દુનિયાની વાસ્તવિકતાને કોઈ ગ્લેમર વિના યથાતથ રજૂ કરવી, ગુનાખોરીમાં સંડોવાયેલાં પાત્રોને જસ્ટિફાય કર્યા વિના એમની જીવનકથા રજૂ કરવી અને આ પાત્રો એમનાં પાપને લીધે કમોતે મરે ત્યારે પ્રેક્ષક આઘાત પામે, દુઃખી પણ થાય – આવા નરેટિવવાળી ક્રાઇમ ફિલ્મનો ટ્રેન્ડ ‘સત્યા’થી શરૂ થયો જે અનુરાગ કશ્યપની ‘ગૅન્ગ્સ ઑફ વાસીપુર’ સુધી લંબાયો. તો ‘સત્યા’ થઈ આ યાદીની નવમી ફિલ્મ.

10 ‘ધ કશ્મીર ફાઇલ્સ’

દસમી ફિલ્મ આ વર્ષના માર્ચમાં રિલીઝ થઈ. અત્યાર સુધીમાં આ ફિલ્મે રૂપિયા 350 કરોડનો અકલ્પનીય બિઝનેસ કર્યો છે. એક જમાનામાં આવી ફિલ્મ બનાવવાની કોઈ હિંમત નહોતું કરતું અને ખૂણેખાંચરે જો આવી ફિલ્મ બનતી તો એને રિલીઝ કરવાનાં ફાફાં પડતાં. રિલીઝ થતી તો કોઈ જવા નહોતું જતું. ‘ધ કશ્મીર ફાઇલ્સે’ પુરવાર કર્યું કે 1947માં આઝાદ થયેલા ભારત દેશે હવે પોતાની રહીસહી જંજિરોને ફગાવી દીધી છે. જે વિષયોને સ્પર્શવાની કોઈની હિંમત ચાલતી નહોતી એ વિષય પર બહાદુરીપૂર્વક, ખોંખારો ખાઈને, કાણાને કાણો કહેવાની સ્પષ્ટતા સાથે ઑથેન્ટિક ફિલ્મ બનાવવામાં આવે તો આ દેશની બહોળી જનસંખ્યા એને વધાવી લેશે.

‘ધ કશ્મીર ફાઇલ્સ’ને લીધે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો અધ્યાય શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી કોઈ પણ ફિલ્મ મેકર ભારતની પરંપરાને ગરીબની જોરુની જેમ પોતાની મરજી મુજબ ફિલ્મમાં પ્રોજેક્ટ કરતો અને એનો વાળ પણ વાંકો થતો નહીં. દેશની અને ભારતીયોની મજાક ઉડાવતા પ્રસંગો ફિલ્મમાં ઉમેરીને ઉચ્ચભ્રુ વિવેચકો તથા વિદેશી બુદ્ધિજીવીઓની શાબાશી મેળવવામાં આવતી. દેશના સાચા ઇતિહાસને છુપાવીને દેશ સાથે ગદ્દારી કરવા માટે કુખ્યાત એવા મુઠ્ઠીભર લોકોએ રચેલા જુઠ્ઠા ઇતિહાસને આગળ વધારવામાં મદદ કરનારા ફિલ્મકારો ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની સફળતાને જોઈને ધુંઆપુંઆ થઈ ગયા છે. સૌ કોઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક વૉટરશેડ ઘટના બની ગઈ છે અને હવે પછીના એક દાયકા દરમ્યાન હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચહેરો ધરમૂળથી બદલાઈ જશે, જેઓ નહીં બદલાય તેઓ ફેંકાઈ જશે, ધૂળ ચાટતા થઈ જશે. અહીં ઉલ્લેખ પામેલી 10 ફિલ્મોમાંથી ઇન્ડસ્ટ્રીના લોકો પર અને પ્રેક્ષકો પર સૌથી વધુ ઇમ્પૅક્ટ કરનારી ફિલ્મ હોય તો તે છે ‘ધ કશ્મીર ફાઇલ્સ’.

હિંદી ફિલ્મો જોવાનો જેમને શોખ નથી એમના માટે આ ફિલ્મ વિષયક કોઈ પણ વાત સમયનો બગાડ છે. હિંદી ફિલ્મો જેમની પૅશન છે તેઓ દિવસો સુધી આ ફિલ્મો વિશે વાતો કરશે છતાં નહીં થાકે. સિનેમાગૃહ ઉપરાંત ટીવી ચૅનલો, ઓટીટી પ્લેટફૉર્મ્સ તથા અન્ય માધ્યમો દ્વારા દર વર્ષે કરોડો ભારતીયો તેમ જ વિદેશીઓ સુધી પહોંચતી હિંદી ફિલ્મોનું મહત્ત્વ દરેકની જિંદગીમાં વત્તુંઓછું રહેવાનું જ છે. આ ફિલ્મોમાં જે કંઈ ન ગમતું હોય તેનો વિરોધ જરૂર કરીએ પણ એવું કરવા જતાં આખેઆખી ઇન્ડસ્ટ્રીને વગોવવાની કોઈ જરૂર નથી.

સાયલન્સ પ્લીઝ!

હું માનું છું કે ફિલ્મો અને જાદુ એક જ સિક્કાનાં બે પાસાં છે. સારી ફિલ્મ બનાવનારાઓ એક રીતે જોઈએ તો જાદુગરો જ છે!

—ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા

( લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 8 અને 15 જૂન 2022)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

35 COMMENTS

  1. JAI SHREE KRUSHNA SAURABH BHAI

    MARA JEEVAN NI 4 BEST FILM CHE

    (1) ANAND
    (2) DEEWAR
    (3) PARINDA
    (4) QAYQMAT SE QAYAMAT TAK

    AAMATHI TAME 2 FILM NE PASAND KARI VACHINE ANAND THAYO
    SATYA PAN SARAS FILM HATI
    PAN PARINDA NI TOLE NA AAVE TEMA JACKI SHROFF ANE NANA PATEKAR NI ACTING BEMISHAAL HATI
    CLASSIC FILM TARIKE MERA NAAM JOKER ANE AANDHI PAN AAVE
    MERA NAAM JOKER AATLI SUNDER FILM EVERGREEN DIRECTOR RAJ KAPOORE BANAVI TENO BOX OFFICE PAR KEM DHABDAKO THAYO TE SAMJATU NATHI.
    KHAS KARINE JYARE HERO NI MOTHER MRITYU PAME CHE ANE PACHI HERO NE DHARMENDRA KAHE CHE
    JA RAJU SHOW MUST GO ON SHAYAD AA TAGMARK KE PROVERB PACHI DAREK SAMANYA MANUSHYA NA JEEVAN MA VANAI GAYU.
    AA SEEN TO GAME TYARE JUO TYARE AANKH MA PANI AAVI JAY CHE.
    RAJ KAPOOR NI EK KHASIYAT HATI KE TEMNE EK VAAR DIRCTION KARVANU CHALU KARYU PACHI TEMNE ACTING CHODI DIDHI
    SALAAM CHE RAJ SAAB NE

  2. Saurabh bhai, if trendsetter is criteria than “DIL CHAHTA HAI ” Sshould be there ,so as “PARINDAA”

  3. Defination of “Trend setter” differs from person to person as it depends from which angle an individual is considering this or that film as “Trend setter”. Even for the same individual his or her definition of “Tend setter” differs from time to time depending on his or her thinking process or pattern over the period. Hence this Excercise of listing the “Best” is not as simple and as logical as “2+2=4″type.

  4. This is such “Excercise” which can never be logical like “2+2=4” as the taste differs from person to person and hence the definition of “Trend setter” differs from individual to individual, not only that, it differs for the same individual from time to time as taste and thinking process of an individual varies with times.

  5. મારી દૃષ્ટિ એ આમાં ત્રણ બક્વાસ ફિલ્મોનો સમાવેશ આપે કર્યો છે. એ ફિલ્મો છે. બોબી, હમ આપ કે હૈ કૌન અને ત્રીજી દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે.

    DDLJ ને ભલે હજુ મેટિની માં બળ પૂર્વક માત્ર રેકોર્ડ બનાવવા માટે ચલાવવામાં આવી રહી હોય, પરંતુ તે અશોક કુમારની કિસ્મત ને ક્યારેય નહીં આંબી શકે.

    મને ગર્વ છે કે આ ફિલ્મ મે હજુ સુધી જોઈ નથી!

    આમ સો માર્કના લેખમાંથી હું ત્રણ બક્વાસ ફિલ્મોના ત્રીસ માર્ક કાપીને આપને સિત્તેર માર્ક આપું છું.

    Article is not acceptable for ten great hindi films.

    Rewrite it.

  6. આરાધના ને લીધે એક કિશોર કુમાર નામનું વાવાઝોડું પણ આવ્યું! આરાધના ના સંગીતકાર S.D.BURMAN હતા. પોસ્ટર માં ભુલ છે.

  7. Zindagi na milegi dubara a good film and i think it started bachelors party theme in and out india in our culture.
    Ofxourse in wide angle not that much trend setter

  8. આંધી, સંગમ, મેરા નામ જોકર, અભિમાન, ઉરી, ધ તાશકન્ત ફાઇલ્સ, ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર….એવી તો કઈંક ગણી ગણાય એવી બેસ્ટ ફિલ્મ્સ કેમ ભુલાય?

    • આમાંથી મેરા નામ જોકર નો ટોપ ટેન માં સમાવેશ ચોક્કસ થાય. કેમ કે શરૂઆતમાં નિષ્ફળતાને વર્યા પછી આ ફિલ્મનો જે ઉપાડ થયો, તેવો ઉપાડ બીજી એક ફિલ્મનો થયો નથી.

  9. દીલ ચાહતા હૈ અને રંગ દે બસંતી ને 11 અને 12 મા નંબર ઉપર મુકી શકાય. એક પહેલી અર્બન હીન્દી ફીલ્મ હતી તો બીજી એ દેશ ભક્તિને સામાન્ય જીવન સાથે જોડ્યુ.

  10. What about Bahubali ?
    Vo South Movie ma Aave ?

    I think this is the Only Movie ,
    Jis ka Part 2 ka Intezar Pure Desh ne Kiya ..
    Pure Desh ki JANATA are Eagerly Waiting for BAHUBALI 2 .
    Dangal , MumnaBhai also a Game Changer ..
    KRANTI – Jindagi ki na Tute Ladi ,
    Mr. INDIA , – Mogjembo Khush Huva ..
    DDLJ is a Pani kam , Ye Sub ke Samne …

  11. Comedy film cover nahi kari…border…loc kargil..pan sari hati…milestone movie ma sagar…& ram teri ganga….pan aave..ddlj mara hisabe bakwas movie kehvay..jabardasti film chalave che…baki…jewi jeni choice..& ha satya pehla..ankush..arjoon pan sari hati..gardish…jeno samvesh nathi thayo

    • તમે ગણાવી તે બધી ફિલ્મ નિઃશંક ઉત્તમ છે પણ આમાંથી ટ્રેન્ડસેટર કઈ?
      DDLJ ટ્રેન્ડસેટર છે.

      • DDLJ જો ટ્રેન્ડ સેટર હોત તો મેં તેને અચૂક જોઈ હોત. મેં દુનિયાની તમામ સર્વ શ્રેષ્ઠ ફિલ્મો જોઈ છે.

  12. By adding posters of respective movies, you have ” Chaar chaand lagaavi didha” , especially the first six movies, ofcourse the with the content in whole article.

  13. સફળતાના માપદંડ તરીકે ટિકિટબારી હોય તેવી એક ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ છે . બાકીની ફિલ્મો ‘ દર્શકો ‘ ને ખરેખર ગમેલી ફિલ્મો છે. અને કશ્મીર ફાઈલ નિર્માણ અને દિગ્દર્શન લેખે નબળી ફિલ્મ છે..

    • ના, એવું નથી. એ બાબતે પણ રિમાર્કેબલ છે. મારા લેખો પર નજર ફેરવી જાઓ. આ ફિલ્મ ટ્રેન્ડસેટર છે એટલે યાદીમાં સ્થાન છે.

  14. આ ૧૦ ફિલ્મમાંથી ફક્ત ૫ ફિલ્મો ને જ શ્રેષ્ઠ ફિલ્મો ગણાય. ‘અંકુર’ ઠીક હતી બાકી ‘હમ આપકે હૈં કૌન’ અને ‘દિલવાલે દુલ્હનિયા… સાવ બકવાસ ફિલ્મ હતી. સલમાન અને શાહરૂખ જેવા હીરો ને પબ્લિક શું જોઈને પસંદ કરે છે એ જ નથી સમજાતું. આ બેઉ ઉપરાંત સંજય દત્ત, અજય દેવગણ, સૈફ અલી જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પબ્લિકને માથે મારેલા છે.’ કાશ્મીર ફાઇલ્સ ‘ માં ફિલ્મ કન્ટેન્ટ કરતાં ડોક્યુમેન્ટરી ટાઈપ વધુ હતી. સત્ય હકીકત પણ રજુઆત બોરિંગ હતી.

    • તમને જે નથી ગમતી એ ફિલ્મો ટ્રેન્ડસેટર છે. આ યાદી એવી ફિલ્મોની છે. તમારી પસંદ-નાપસંદ જરૂર હોય પણ એને કારણે ટ્રેન્ડમાં ફેરફાર થોડો થાય.

  15. Surprisingly, after Sholay in 1975 , HAHK in 1994. 19 years without any remarkable film.
    મજાકમાં કહું છું, કેટલા ડાયરેક્ટર, એક્ટરનો કચરો થઈ ગયો.😀

    • બાહુબલી હિંદી ફિલ્મ હતી? તમિળમાંથી ડબ થયેલી હતી.
      મોગલે આઝમ અને ગાઇડ બેહદ સુંદર ફિલ્મો પણ શું એ ટ્રેન્ડસેટર હતી? જી,ના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here