અધૂરાં સપનાં , અધૂરાં કામ અને અધૂરા સંબંધો સતાવતાં હોય ત્યારેઃ સૌરભ શાહ

કવિએ તો આ શબ્દો મહોબ્બતના સંદર્ભમાં લખ્યો પરંતુ આપણે એના સંદર્ભનો ઘણો બહોળો વિસ્તાર કરીને જીવનનાં અનેક પાસાંઓ આવરી શકીએ એટલી બધી સર્જનાત્મક ફિલોસોફી આ શેરમાં ઠાંસી ઠાંસીને ભરેલી છેઃ

બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,

મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ.

‘મરીઝ’ના આ અમર શેરને પ્રેમી/પ્રેમિકા વચ્ચેના સંબંધોમાંથી બહાર લઈ જઈએ. દરેક સંબંધ માટે આ વાત સાચી છે. તમે જૂનું ઘર બદલીને નવા ઘરે રહેવા જતા હો એવી કલ્પના કરો. ધારો કે તમને જૂના પાડોશી સાથે નહોતું બનતું. પણ જો તમે જતાં જતાં પાડોશી માટે, એમના કુટુંબ માટે, બે વાત કોઈ એવી કરતા જશો જે એમને ગમી જાય, એમના માટે બે કામ એવાં કરતાં જશો જેને કારણે એમને તમારા સારા સ્વભાવનો પરિચય થાય તો પાડોશી ભૂલી જશે કે તમારી અને એમની વચ્ચે કોઈ ખટરાગ હતો.

કોઈ મિત્ર સાથે કે ઑફિસના કલીગ સાથે અણબનાવ થાય અને ભવિષ્યમાં એમની સાથે સંબંધ નથી રાખવો એવું નક્કી કરો તો પણ અગાઉના બદવર્તન બદલ માફી માગીને એ રીતે છૂટા પડવું કે તમારા મનમાં કોઈ રંજ, કોઈ કડવાશ ન રહે – એના મનમાં રહી જાય તો એનું એ જાણે. પણ ચાન્સીસ એવા છે કે તમે જો છૂટા પડતી વખતે જેન્યુઈન ભલમનસાઈથી વર્તવાનું શરૂ કર્યું હશે તો એમના ચિત્તમાં સંઘરાયેલી કડવાશભરી સ્મૃતિઓ ઝાંખી થઈ જશે.

તમે જો એક નોકરી છોડીને બીજી નોકરી કરવાનું વિચાર્યું હોય તો જૂના બૉસે તમારી સાથે અગાઉ જે કંઈ ખટપટો કરી હોય તેની સ્મૃતિને છેલછેલ્લા દિવસોમાં લાવ્યા વિના એમની સાથે હસી હસીને, એમના હુકમોનું ઉત્સાહપૂર્વક પાલન કરીને વિદાય લેવી. તમને સારું લાગશે અને એમને પણ.

‘મરીઝ’નો આ શેર જિંદગીનાં તમામ ક્ષેત્રોને લાગુ પાડી શકીએ એટલો બધો અર્થસભર છે.

આખી જિંદગી દરમ્યાન તમે ઘણાં સપનાં જોતાં રહો છો, ઘણાં કામ શરૂ કરતાં રહો છો. દરેક સપનાં સાકાર નથી થતાં, આદરેલાં દરેક કામ પૂરાં નથી થતાં. સ્વાભાવિક છે. સપનું જોવાનું શરૂ થાય એ પળ આહલાદની હોય છે. એને સાકાર કરવાના પ્રયત્નો વખતે મનમાં કેટલો બધો ઉત્સાહ હોય છે. પણ એક યા બીજા કારણસર એ સપનું અધૂરું છોડી દેવું છે ત્યારે મનમાં કડવાશનો સ્વાદ પેસી જાય છે. ક્યારેક ઊંડી હતાશામાં ગર્ક થઈ જવાય છે. પણ ‘મરીઝ’ને યાદ કરીને આપણે એ કડવાશને સ્વસ્થતામાં પલટી શકીએ છીએ. સેવેલાં સપનાંને સંયોગવશાત અધૂરાં મૂકીને એનાથી છૂટા પડવાની વેળા આવે ત્યારે વિચારી શકીએ કે : ઠીક છે, આ સપનું સેવવામાં હું અતિ મહત્વાકાંક્ષી ભલે પુરવાર થઉં છું પણ હવે પછીનું સપનું હું મારી ક્ષમતા વધાર્યા પછી જોઈશ. અને જો પ્રયત્નો કર્યા પછી પણ મારી ક્ષમતા ન વધી તો જેટલી ક્ષમતા હોય એટલું જ સપનું જોઈશ. અધૂરા રહી ગયેલા સપનાને કડવાશ સાથે વિદાય આપવાને બદલે એને ભેટીને, વાત્સલ્યભર્યું આલિંગન આપીને, હૂંફ સાથે વિદાય આપવી. પછી મનમાં ખટકો નહીં રહે. તમને તમારા માટે નીચાજોણું નહીં લાગે.

તમે શરૂ કરેલા દરેક કામ પૂરાં નથી થતાં. કેટલાંક કામ શરૂ જ કરવા જેવા હોવાનાં. કેટલાંકમાં અણધાર્યાં વિઘ્નો સર્જાવાનાં. કેટલાંક કામ તમારા ભવિષ્ય માટે જોખમી કે પછી બિનઉપયોગી થશે એવું તમને અડધે રસ્તે આવ્યાં પછી લાગે. કેટલાંક કામ શરૂ કર્યા પછી તમને રિયલાઇઝ થાય કે આ કામ અત્યારે તમારે હાથમાં નહોતું તેવું જોઈતું, ભવિષ્યમાં કરવાનું હતું, અત્યારે તમારી પ્રાયોરિટી કંઈક બીજી જ છે, તમારો સમય, તમારી શક્તિ અત્યારે આ કામ પાછળ ઇન્વેસ્ટ નથી કરવાં. આવાં અનેક કારણોસર તમારાં અનેક કામ અધૂરાં રહી જાય એ સ્વાભાવિક છે.

આવાં કામને અધૂરાં છોડી દેતી વખતે મનમાં આપણા માટે કોઈ હીન ભાવ લાવવાની જરૂર નથી. જૂના પાડોશી, જૂના મિત્ર કે જૂના બૉસને છોડતી વખતે જેટલો સદ્‌ભાવ બતાવવાનું નક્કી કર્યું હતું એટલો જ સદ્‌ભાવ તમારે કોઈ કામને અધૂરું છોડી દેવાનો નિર્ણય લેતી વખતે તમારી પોતાની જાત સાથે રાખવાનો હોય.

કેટલાક લોકો બે-ચાર દિવસ કે બે-ચાર અઠવાડિયા માટેનું સુંદર વૅકેશન લઈને ઘરે પાછા આવતા હોય ત્યારે હૉટેલ છોડતી વખતે વેઇટર કે મૅનેજર સાથે ઝઘડી પડતા હોય છે. મૅનેજમેન્ટ વિશે કે ફૂડ વિશે ફરિયાદ કરતા હોય છે. છેવટે કહીં નહીં તો ઘરે પાછા આવતી વખતે ટેક્સીવાળા સાથે રકઝક કરતા હોય છે.

આટલો ખર્ચ કરીને, આટલો સમય કાઢીને તમે મોજ કરવા માટે ગયા હતા તે મોજનો મૂડ તમે આવું બધું કરીને કિરકિરો કરી નાખતા હો છો. વેઇટર, મૅનેજર કે ટેક્સીવાળા સાથેની ખટપટમાં તમે હન્ડ્રેડ પર્સેન્ટ સાચા હો તો પણ તમારે આવા ઘર્ષણની ક્ષણો ટાળવી જોઈએ. એમાં તમારું જ ભલું છે. પેલાઓને તો ઠીક છે. એક માણસ નકામો ભટકાયો એવું લાગશે. એના ધંધામાં તો તમારા જેવા રોજના ડઝનબંધ લોકો ભટકાવાના હોય છે. વરસમાં તમારા જેવા સેંકડો-હજારો લોકો સાથે પનારો પાડવાનો હોય છે. પણ તમે આટલાં પૈસા-સમય ખર્ચીને રોજરોજ વૅકેશન પર નથી જવાના. આટલું સમજાય તે માટે ‘મરીઝ’ને યાદ કરીને નક્કી કરી નાખવાનું કે વૅકેશનની મધુર સ્મૃતિઓને જો તમે ચિત્તને ક્ષુબ્ધ કરી નાખે એવી ઘટનાઓથી બચાવી લીધી હશે તો એ સ્મૃતિઓની સુગંધ તમને હથેળીમાં ખોબો ભરીને મૂકેલા બોરસલ્લીના ફૂલની જેમ સદાય માટે સુગંધિત કરતી રહેશે.

પાન પનાર્સવાલા

અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહદ દરમ્યાન જિંદગી વિશે સેવેલાં મોટાં મોટાં સપનાંઓ અને આદર્શો ઘણી વાર ભૂંસાતાં જતાં હોય છે.

—રસ્કિન બૉન્ડ

( તડકભડક : ‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૨૨ મે ૨૦૨૨)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

11 COMMENTS

  1. Thank you for such a nice article . Right now , I am also going through a similar phase. This has been an inspiration and you are always a person who inspires me .

  2. પુણઁતા નહી ઘણીવાર અપુણઁતા ની પણ મજા છે

    ખુબ ખુબ આભાર 🙏

  3. ખૂબ સરસ.. ઘણા સમયે સરસ વાંચન મળ્યું..

  4. ૧૦૦% સાચી વાત કરી. દરેકે સમજી હૃદય – મનમાં સાચવી રાખવી. વારંવાર વાંચવી તો જરૂરથી.

  5. ખુબ સરસ
    વિતેલી વ્યથાને મમળાવાથી આવનારો આનંદ છિનવાય જાય છે

  6. સૌરભભાઇ તમારી હરિદ્વાર ની 50 દિવસની કાયાકલ્પ વિધી ના 26 દિવસ પછી નું જાણવાની ખૂબ જ ઉત્કંઠા છે
    અહેવાલ અધૂરો કેમ છોડ્યો ?

  7. Good morning Sh. Saurabhbhai,
    As always, a very nice and an apt article. Nice that your new post has appeared.
    Thanks again and with best regards,
    Kamlesh.

  8. Good to see your long awaited article. But one serious complaint that there is long period , awaited to have your daily write up. After Ramdevbaba articles of series, there is long waiting.. hope it’s now continue daily as become daily habit to read yr valuable thoughts..

    Fm One of your Fan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here