દીકરાને દોસ્ત બનાવી દીધા પછી એની પાસેથી પિતા છીનવાઈ જાય છે : સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 19 જૂન 2022)

પિતાએ પુત્રને પાંચ વર્ષની ઉંમર સુધી જ લાડપ્યાર કરવા જોઈએ? ના. પુત્રો આખી જિંદગી પિતાના લાડપ્યારના હક્કદાર હોય છે.

પિતાએ એ પછીનાં દસ વર્ષ સુધી પુત્રને કહ્યામાં રાખવા માટે ઠપકો આપવો જોઈએ, ગુસ્સે થવું જોઈએ, ધમકાવવો જોઈએ? ના. પિતાએ આખી જિંદગી પુત્ર સાથે જ્યારે જરૂર પડે ત્યારે આવો વ્યવહાર કરવો જોઈએ.

પુત્ર સોળ વર્ષનો થાય એ પછી પિતાએ એની સાથે મિત્ર જેવો વ્યવહાર રાખવો જોઈએ? ના. પિતાએ પુત્રના મિત્ર બનવાની ક્યારેય કોશિશ ન કરવી જોઈએ. પુત્રને મિત્ર બનાવી દેવાથી તમે એની પાસેથી એક પિતા છીનવી લો છો એ વાત દરેક બાપે સમજી લેવી જોઈએ. ના સમજાતું હોય તો લો, સમજાવું.

મિત્રો તો જિંદગીમાં પછીથી ઉમેરાતા હોય છે. પિતા સાથેનો નાતો જન્મતાંવેંત સ્થપાય છે. પુત્રના જીવનમાં સૌથી પહેલો પુરુષ પિતા સ્વરૂપે પ્રવેશે છે અને એટલે જ એક બાપ પોતાના દીકરાને જેટલો સમજી શકે, જાણી શકે એટલી નજીકથી બીજું કોઈ એને ઓળખી શકે નહીં- પુત્રનો સૌથી અંગત મિત્ર પણ નહીં. એ વાત અલગ છે કે દીકરાને સૌથી વધુ નિકટતાથી ઓળખનારો બાપ દર વખતે દીકરાની સમક્ષ પોતાના મનોભાવ વ્યક્ત કરીને એનું માર્ગદર્શન નહીં કરે. મોટાભાગે તો એ સંબંધ મૌનનો હોય છે. મનોમન બંને વચ્ચે ‘વાતચીત’ થતી હોય છે, એ ‘સંવાદ’ નિઃશબ્દ હોવાનો. દોસ્તારો સાથે કલાકો બેસીને જે પ્રશ્નો ઉકેલવાની મથામણ થતી હોય છે એ સમસ્યાઓનું સમાધાન પિતાના સાન્નિધ્યમાં ચપટી વગાડતાંમાં આવી જતું હોય છે – ક્યારેક તો કશું બોલ્યાકર્યા વિના નિરાકરણ મળી જતું હોય છે— માત્ર એકમેકની હાજરી જ પૂરતી હોય છે.

ઘણાને હોંશ હોય છે એવું જતાવવાની કેઃ હું તો મારો દીકરો મોટો થયો એ પછી એની સાથે ડ્રિન્ક શેર કરું છું.

શું જરૂર છે, સાહેબ? દીકરો પોતાનું ડ્રિન્ક જેમની સાથે એન્જોય કરી શકે એવા ડઝનબંધ મિત્રો છે એની જિંદગીમાં. તમે પણ જેમની સાથે ડ્રિન્ક એન્જોય કરી શકો એવા ડઝનબંધ મિત્રો તમારા સર્કલમાં છે. ડ્રિન્કની સાથે બહેકી બહેકી વાતો થઈ શકે એવું નિકટતમ મિત્રોનું વર્તુળ બેઉની પાસે છે. બાપે પોતાની ગર્લફ્રેન્ડો વિશેની વાતો દીકરા સાથે શેર કરવાની કે પછી દીકરાની બહેનપણીઓ વિશે એની પાસેથી જાણકારી મેળવવાની કોઈ જરૂર નથી.

પિતાએ અને પુત્રએ એક વાત સમજી લેવી જોઈએ કે પુત્રની જિંદગીમાં મિત્રો એક કરતાં વધારે હોઈ શકે છે પણ પુત્ર માટે પિતા એક જ હોય છે.

ઉંમરના કોઈ પણ પડાવ પર તમને નિર્વ્યાજ, નિઃસ્વાર્થ લાડપ્યાર કરી શકે એવી એક જ વ્યક્તિ હોય છે- તમારા પિતા.
તમે ગમે એટલા મોટા થઈ જાઓ, સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા થઈ જાઓ છતાં જો કોઈ ભૂલ કરી રહ્યા હો તો સામેથી સલાહ આપીને તમને સીધા રસ્તે લાવવાની ફરજ એક જ વ્યક્તિ બજાવી શકે છે- તમારા પિતા.

પિતાનો પ્યાર અને પિતાનો ગુસ્સો કોઈ અવરોધ વિના આપણા સુધી પહોંચતો રહે તે માટે એમની આમન્યા જાળવવી પડે. પુત્રને મિત્ર બનાવવાની કોશિશમાં આ આમન્યાનો, મર્યાદાનો લોપ થઈ જતો હોય છે.

મારા ભણતરકાળનાં વર્ષોમાં મારા પિતા પોતાના વ્યવસાયના મધ્યાહ્ન કાળમાં હતા. આખું વરસ ચિક્કાર બિઝી રહે- માત્ર ચોમાસામાં એમની સિવિલ કન્સ્ટ્રક્શનની પ્રવૃત્તિઓ મંદ પડે. એ ગાળામાં તેઓ મહિના એક માટે મુંબઈથી અમારા વતનના ગામે દેવગઢ બારિયા જઈને મારાં દાદા-બા સાથે વૅકેશન ગાળે. દાદા અને પિતા રોજ કલાકો સુધી સુખદુખની વાતો કરે, દુનિયા આખીના સમાચારો વિશે ચર્ચાઓ કરે. આખું વરસ ન મળ્યાની કસર આ રીતે પૂરી કરે. દાદા સ્મોકર. બીડી ચાલુ જ હોય. પપ્પા પણ હેવી સ્મોકર. પણ દાદાની સાથે વાતો કરતાં બેઠા હોય એટલે બેએક કલાકે ‘પગ છૂટા કરી આવું’ કહીને બીજા રૂમમાં જઈને જલદી જલદી એકાદ સિગરેટ પી આવે. દાદા સમજી જાય. એક વખત દાદાએ પપ્પાને ટોક્યા, ‘અશ્વિન, તું આમ બબ્બે કલાકે વાતો છોડીને બહાર જતો રહે છે એને લીધે રંગમાં ભંગ પડે છે. હવેથી મારી હાજરીમાં જ સિગરેટ પીવાનું રાખ જેથી વાતનો દોર તૂટે નહીં!’

આ વાત મારા પપ્પા એમના કોઈ મિત્રને કહેતા હશે ત્યારે મેં સાંભળેલી. અફકોર્સ, એ પછી પણ પપ્પાએ ક્યારેય મારા દાદાની સામે સિગરેટ પીધી નથી.

એક બીજો કિસ્સો યાદ આવે છે. દાદા મુંબઈ આવ્યા હતા. મને અને મારા મોટાભાઈને લઈને એમના સોલિસિટર મિત્ર સૂર્યકાંત દલાલને ત્યાં લઈ ગયા. (દાદા પોતે વકીલ હતા). ત્યાંથી એમની ઓલ્ડ ફિયાટમાં કશેક જવાનું હશે. હું અને ભાઈ બેઉ પાછલી સીટ પર. સૂર્યકાંત દલાલ સ્ટિયરિંગ પર. દાદા એમની બાજુમાં. મુંબઈ આવે ત્યારે દાદા બીડી ઉપરાંત સિગરેટનું પાકીટ પણ સાથે રાખે. ગાડી ચલાવતાં ચલાવતાં દાદાના મિત્ર બોલ્યા, ‘વાડી, મારા માટે સિગરેટ સળગાવી આપ!’

પાછળ બેઠેલા અમે બંને ભાઈ બે વૃદ્ધજનોની આ દોસ્તી જોઈને મલકાઈએ. દાદાએ પાકીટમાંથી એક સિગરેટ કાઢી, પોતાના બે હોઠ વચ્ચે મૂકીને લાઇટરથી સળગાવી અને ઊંડો કશ લઈને ટિપ પરનો અંગાર લાલ થયો એટલે પોતાના દોસ્તારને સોંપી દીધી.

બાપ-દીકરા વચ્ચે અને બે મિત્રો વચ્ચે જેમ સિગરેટ પીવાની બાબતે પોતપોતાનાં આગવાં માપદંડો હોય એવું જ જિંદગીની બીજી બધી જ બાબતોમાં હોવાનું.

અને એટલે જ પિતા હયાત હોય છે ત્યાં સુધી પુત્રને લાગતું રહે છે કે મારા માથે છત્ર છે. તમે ભલે 40, 50, 60 કે 70 વર્ષના થઈ જાઓ- તમારાં પોતાનાં સંતાનો મોટાં થઈ ગયાં હોય, એમને ત્યાં પણ કદાચ સંતાનો હોય – કોઈ પણ ઉંમરે તમે પિતાને ગુમાવો છો ત્યારે જિંદગીમાં શૂન્યાવકાશ છવાઈ જતો હોય છે, માથા પરથી છાપરું ઊડી ગયું હોય એવો અહસાસ થતો હોય છે. કારણ કે તમને ખબર છે કે આ સ્થાન હવે ખાલી જ રહેવાનું છે. પિતાનું સ્થાન લઈ શકે એવું કોઈ નથી હવે જિંદગીમાં.

પાન બનાર્સવાલા

જો કોઈ વાત તમે સહેલાઈથી બીજાઓ સમક્ષ સમજાવી ન શકો તો એનો અર્થ એ થયો કે તમે પોતે એ વાત પૂરેપૂરી સમજ્યા નથી.

-આલ્બર્ટ આઇન્સ્ટાઇન
• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

26 COMMENTS

  1. બહુ જ સરસ લેખ. પિતા-પુત્ર વચ્ચે એક મર્યાદા સાથેની નિખાલસ વાતચીતનો સંબંધ સેતુ હોવો જરૂરી છે કે જેથી જરૂર પડે ત્યારે સમસ્યા કે આનંદને વિના સંકોચે એકબીજા
    સાથે વહેંચી શકાય.

  2. Yes I agree…
    પિતા પુત્ર પર વહાલ વરસાવી શકે અને પુત્રને એ જરુર ગમશે!

    મીઠી ભાષા બોલીને, સિગારેટ શેર ન કરીને સારા શબ્દોમાં સમજાવી શકે!

  3. તમારે ડ્રીંક + સીગરેટની વાતો લેખમાં લાવવી પડી તે ગમ્યું નહીં.
    ફાધર્સ ડે માટેના વિચારો સરાહનીય છે.

  4. Shri Shsurabhbhai,
    What happen the articles on your 50 days program. We read up to 26th days than what happen?

  5. લેખ બહુ જ સરસ છે. સર, વેર-વૈભવ જેવી સરસ નોવેલ આપશો?

  6. Saurabhbhai,
    You are right to a large extent. But the times have changed so much that sons have started believing father as friends. Most Moms push their husband’s and sons in friendship. Freely talking about girlfrieds has become normal in cities and towns. Hard drinks is no more a taboo. But father us a father, that a father can still prove uf he is well read, well informed, has open mind and progressive thoughts, and ability to command respect as a father in presence of outsiders is necessary to remain goof friend of a Son.

  7. એકદમ સાચી વાત.. હું આપનાં આ લેખ સાથે શત્ પ્રતી શત્ સહમત છું. ખૂબ ખૂબ આભાર 👌👍🙏💐💐

  8. The definition of Child in English ” A person is always a child till his/her either of the parents are alive “….

  9. સીધુ આને સટ્ટ….
    રોજ બરોજ ના જીવન માં તથા વિચારો માં ક્લેરીટી આપના ઉપર મુજબ નાં લેખો વાંચવા થી વિશેષ રૂપે આવે છે.
    ખુબ આભાર.

  10. Hats off Sir, for your fresh thinking and courage to swim against age old convention “treat your Son as Friend, when he becomes 16 yrs old”

  11. ૧૦૦% સાચી વાત. જિંદગીમાં પિતાની ગેરહાજરી ખૂબ સાલે છે. શૂન્યાવકાશ છવાઈ જાય છે. હું તો રોજ કહું છું ભાઈ, તમે બહુ યાદ આવો છો.🙏🏻🙏🏻

  12. બહુ વખતના gap પછી આજે. આનંદ થયો. Welcome back. આશા રાખીયે ફરી gap ના પડે. રોજ સૌરભભાઇના વિચારો વાંચવાંની આદત પડી ગઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here