જે સાચું છે અને સારું છે એવી શ્રદ્ધા ક્યારે દૃઢ થાય : સૌરભ શાહ

( લાઉડ માઉથ : ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, 18 ઑક્ટોબર 2023 )

જે સાચું અને સારું છે તેનો પક્ષ લેતાં માણસ ક્યારે ગભરાય? જ્યારે એને પોતાની આસપાસ ચાલી રહેલો પોતાના અંતરાત્માના અવાજ વિરુદ્ધનો કોલાહલ ડિસ્ટ્રેક્ટ કરે.

તમારી આસપાસના લોકો કે સમાજને ક્યારેક જે સાચું અને સારું છે એનો પક્ષ લેવામાં રસ ન હોય એવું બને. ઘણાં કારણો હોઈ શકે: જે સાચું છે તેને સાચા તરીકે તેઓ સ્વીકારતા હોય પણ એ બધા માટે સારું જ છે, આવકાર્ય છે એવું ન માનતા હોય. તો ક્યારેક, એમને ખબર હોય કે આ સારું તો છે પણ સાચું છે કે નહીં એની એમને ખબર ન હોય.

અંગત અને જાહેર જીવનમાં વારંવાર, કંઈ કેટલીય વાર અનુભવ્યું છે કે તમે જ્યારે તમને જે સાચું અને સારું લાગ્યું હોય અને ખુલ્લેઆમ એનો પક્ષ લીધો હોય ત્યારે તમને તમારા એ સ્ટૅન્ડ બદલ ટૅમ્પરરી નુકસાન થયું હોય પણ લાંબાગાળે એનો ફાયદો થયો હોય. લાંબા ગાળાની કોઈ વ્યાખ્યા નથી હોતી. ક્યારેક પરમેનન્ટ નુકસાન થયું હોય એવું પણ બને જેની તમને જાણ ન હોય કે આ નુકસાન કાયમી છે. તમે એમ માનતા રહો કે લાંબા ગાળે ફાયદો થવાનો છે.

લોકોને ખુશ કરવાનું કામ સહેલું છે. તમને પોતાને ખુશ કરવાનું કામ પણ કંઈ અઘરું નથી. વહેતી ગંગામાં હાથ ધોઈ નાખો એટલે લોકો ખુશ. પ્રવાહ જે પ્રમાણે વહેતો હોય ત્યાં તમે પણ વહી જાઓ. ગંગા જઈને ગંગાદાસ અને જમના જઈને જમનાદાસ બની જાઓ એટલે ધારો એટલા ફાયદા પ્રાપ્ત થઈ જાય. તમે ખુશ, લોકો પણ ખુશ.

અઘરું કામ તમારો આગવો દૃષ્ટિકોણ કેળવવાનું છે, ગાડરિયા પ્રવાહમાં તણાતા અટકીને સ્વતંત્ર વિચારસરણી કેળવવાનું છે. એવું નથી કે બધા જે કરે છે તેનાથી હું જુદું કરીશ એટલે મને કૉલર ઊંચો રાખીને ફરવાનો હક્ક આપોઆપ મળી જશે કે હું ગાડરિયા પ્રવાહમાં તણાતો નથી, આ બધા મૂર્ખાઓ વચ્ચે હું એકલો જ ડાહ્યો છું. આવી એટિટ્યુડ ધરાવનારાઓ સ્વતંત્ર કે મૌલિક વિચારક નહીં પણ દોઢડાહ્યા હોવાના. ગામ કરતાં જુદું જ કરવાનો શોખ ધરાવતા આવા દોઢડાહ્યાઓ છેવટે ગામ કરતાં પોતાનું નુકસાન વધારે કરતા હોય છે.

સ્વતંત્ર અને મૌલિક રીતે વિચાર કરવા ત્રણ વાતની જરૂર પડે. એક તો સમજવું પડે કે ગાડરિયા પ્રવાહમાં તણાઈ જતા લોકો શા માટે ગાડરિયા પ્રવાહમાં તણાય છે. એનાં કારણો શોધીને એમાં રહેલી ખામીઓ સમજવી પડે.

બીજું એ કે શું સાચું છે એની માત્ર માહિતી જ જરૂર નથી, એ માટેનું કન્વિક્શન પણ હોવું જોઈએ. બધા પાસે એવી દૃઢતા નથી હોતી. સાચું શું છે એની ખબર હોવા છતાં તેઓ એને વળગી રહી શકતા નથી, કારણ કે સાચા માટેની એમની શ્રદ્ધા વારંવાર ડગમગી જતી હોય છે. કોઈક વધારે જોરથી એમની આગળ દલીલ કરે કે તરત તેઓ પાણીમાં બેસી જતા હોય છે.

ત્રીજી વાત એ કે જે સાચું છે તે સૌના માટે સારું પણ છે એવી સમજ વર્ષોના અનુભવ પછી કેળવાય છે અને છતાં દરેક નવી વાત નવી ચેલેન્જ લઈને આવે છે અને તમને પૂછતી રહે છે કે આ વખતે આ વાત પણ ભલે સાચી હોય પણ સૌના માટે સારી પુરવાર થશે? આવા સમયે તમારે તમારી ઈન્ટ્યુઈશન પર, કોઠાસૂઝ પર આધાર રાખવો પડે. શું સાચું છે અને સારું છે એ વિશે ડગલે ને પગલે નિર્ણયો કરવાના હોય છે. આવા નિર્ણયો કરતી વખતે ન તો તમે તમારી જીદ પર અડી રહીને અડીબાજી કરો તે સારું, ન તમે બીજાના દોર્યે દોરવાઈ જાઓ તે સારું.

દર વખતે સૂઝપૂર્વક નિર્ણય કરવા ક્ષમતા સર્જાય અને ટકી રહે એ માટે તમારી આસપાસનું વિષમય વાતાવરણ દૂર કરીને નિર્મળ, પારદર્શક અને તમારા વિચારોને પોષણ આપે એવું વાતાવરણ સર્જવાની જવાબદારી તમારી. અંગત ફાયદા-ગેરફાયદાનો વિચાર છોડીને જે માણસ ‘એકલો જાને રે’માંની શ્રદ્ધાએ આગળ વધતો રહે છે તે જ આવું વાતાવરણ સર્જી શકે છે.

આ લખતી વખતે ઇઝરાયલ-હમાસથી લઈને કંઈ કેટલાય વિષયો આ તમામ વિષયો મનમાંથી ખસતા નહોતા. એટલે આ લખ્યું. આમ જુઓ તો વિષય નવો છે. પણ મુદ્દાની જે વાત છે તે તો મહાભારત અને રામાયણના કાળ જેટલી જૂની છે.

સાયલન્સ પ્લીઝ

સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!

કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને;
નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને!

—સ્વ. નયન હ. દેસાઈ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. હરિ ઓમ.
    જાનદાર લેખ.
    સારાંશ કહેવો હોય તો…
    Take a break and give your soul what it needs.

    Thanks for the valuable write up which is absolute in the sense ….that it can not be subject to time or place or society etc.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here