આ અરુણ શૌરીસાહેબને આજકાલ શું થઈ ગયું છે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 21 નવેમ્બર 2018)

માણસના વિચારોમાં કુદરતી અને સાહજિક રીતે ફેરફારો થાય તો એને ‘પરિવર્તન’ કહેવાય અને માણસ પોતાના કોઈ સ્વાર્થ, કોઈ વેસ્ટેડ ઈન્ટરેસ્ટને કારણે વિચારોમાં ફેરફાર કરે તેને ‘તકવાદ’ કહેવાય.

લોકો કહે છે કે શત્રુઘ્ન સિન્હા અને યશવન્ત સિન્હાની કંપનીને કારણે અરુણ શૌરી જેવા પ્રામાણિક અને નિષ્ઠાવાન પત્રકાર ‘બગડી ગયા’ છે. શત્રુજી અને યશવન્તજી બેઉ વાજપેયીજીના જમાનાથી ભાજપમાં અને હિન્દુત્વના પ્રચારક. એ બેઉએ પોતપોતાની સ્વાર્થવૃત્તિને આગળ કરીને પોતાની હેસિયત કરતાં વધુ મેળવી લેવાની કોશિશ કરી અને હવેલી લેવા જતાં ગુજરાત ખોઈ, બંને મોદીની નજરમાંથી ઊતરી ગયા, ભાજપે એમને વાજબી રીતે સાઈડલાઈન કરી નાખ્યા.

અરુણ શૌરી જેવા વિદ્વાન, ખંતીલા અને પ્રામાણિક પત્રકાર તમને આખા દેશમાં ક્યાંય જોવા નહીં મળે. અમે લોકો તો એમના પગની ધૂળ બરાબર પણ નથી, એવું અને એટલા મોટા ગજાનું કામ તેઓ કરીને બેઠા છે. એમનું ‘સેક્યુસર એજન્ડા’ પુસ્તક લો કે પછી મિશનરીઓને લગતું, ફતવાને લગતું, સામ્યવાદી ઈતિહાસકારોને લગતું, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને લગતું પુસ્તક લો – દરેકે દરેક પુસ્તકને તમે સાચા હીરાઓ વડે તોલો તો પણ એ પુસ્તકનું મૂલ્ય ઊંચું થાય. વાજપેયી સરકાર દરમ્યાન એમણે ડિસ્ઈન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર તરીકે કરેલી કામગીરી નેત્રદીપક હતી. પણ એ ગાળામાં, 2003ની આસપાસના અરસામાં, વાજપેયી જ્યારે મોદીને ગુજરાતના સીએમ તરીકે ચાલુ રાખવા કે નહીં તેની ગડમથલમાં હતા ત્યારે શૌરી મોદીને હટાવવાના મતના હતા, કારણ જે હોય તે. પણ શૌરી સ્પષ્ટપણે માનતા હતા કે મોદીને ગુજરાતના સીએમ તરીકે ચાલુ રાખવાથી ભાજપને નુકસાન છે. શૌરીના મત સાથે તે વખતે કે આજેય અમે સહમત નથી. પણ શૌરીને એમનો સ્વતંત્ર મત હોઈ શકે છે અને એવો મત યોગ્ય વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરવાનો એમને હક્ક પણ છે.

શૌરીના એ વખતના આ મત વિશે જો આપણા જેવા કૉમનમૅનને જાણકારી હોય તો મોદી પાસે તો એમના પોતાના ભરોસાવાળા સોર્સીસ હોવાનાં. એમને પાકેપાયે ખબર હોવાની કે શૌરી ગમે એટલા પ્રામાણિક હોવા છતાં નિષ્ઠાવાન નથી, અને પોતાના રાજકીય ભવિષ્ય માટે જોખમકારક છે.

ઑનેસ્ટી અને ઈન્ટેગ્રિટી – આ બેઉ વિશેષણો દ્વારા જે પ્રગટ થાય છે તે બેઉ ગુણ વ્યક્તિમાં એકસાથે હોય તો જ એની વેલ્યૂ છે. પ્રામાણિકતા અને નિષ્ઠા. આ નિષ્ઠામાં વફાદારીનો ગુણ પણ આવી જાય. આ નિષ્ઠામાં પોતે જે સિદ્ધાંતોમાં, જે વેલ્યૂઝમાં, જે નીતિમત્તામાં માને છે તેને અડગપણે વળગી રહેવાની જીદ પણ આવી જાય. આ વફાદારી છે. વ્યક્તિ પ્રત્યેની વફાદારીની વાત નથી. મૂલ્યો માટેની, સિદ્ધાંતો માટેની વફાદારી એટલે નિષ્ઠા.

માણસ આવો વફાદાર હોય પણ જો પ્રામાણિક ન હોય તો ગમે ત્યારે એની નિષ્ઠા જોખમમાં આવી જાય. પ્રામાણિકતા માત્ર પૈસાની બાબતની જ નથી હોતી. વ્યવહાર, ચારિત્ર્ય અને વર્તનની બાબતમાં પ્રામાણિક હોવું પણ એટલું જ જરૂરી છે જેટલું આર્થિક બાબતોમાં હોવું અનિવાર્ય છે.

નિષ્ઠાવાન માણસ અપ્રામાણિક હોય તો એ કશા કામનો નથી. એ જ રીતે માણસ પ્રામાણિક હોય પણ નિષ્ઠાવાન ન હોય તો એનું કશું કામ નથી. અરુણ શૌરી પ્રામાણિક હતા, છે અને રહેશે પણ હવે એ નિષ્ઠાવાન નથી રહ્યા. એ જે સિદ્ધાંતો ખાતર લડ્યા, એ જે બોદા લોકોની સામે ઝઝૂમ્યા તેની પાછળ એમનો કોઈ અંગત સ્વાર્થ નહોતો. એ મૂલ્યો માટે લડ્યા, ભારતની પરંપરાને ખંડિત કરનારાં પરિબળો સામે લડ્યા. આજની તારીખે તેઓ જે સેક્યુલરો સાથે હળેભળે છે, એમના દ્વારા યોજેલાં ફંકશનો, પ્રવચનોમાં જઈને જે કંઈ ફેંકાફેંક કરે છે તેને કારણે એ મોદી વિરોધી તત્ત્વોને બેસવાની ડાળ મળે છે. મોદી જે મૂલ્યોમાં માને છે તેના કરતાં તદ્દન વિરુદ્ધ મૂલ્યોમાં આ સેક્યુલર પ્રજા શ્રદ્ધા ધરાવે છે. મોદી દેશને એક કરવા માગે છે, સેક્યુલરો તથા સામ્યવાદીઓ હિન્દુ-મુસ્લિમ, દલિત-સવર્ણો, હેવ્સ-હેવનોટ્સ વચ્ચેની ખીણ સર્જીને દેશને ડિવાઈડ કરવા માગે છે તે આપણે છેલ્લા સાત દસક દરમ્યાન વિટનેસ કર્યું છે.

મોદીએ શૌરીમાં પોતાનો વિરોધી જોયો, સાચું કહીએ તો શત્રુ જોયો. મોદીએ શૌરીની અવગણના કરી. વાજબી રીતે કરી. જો તમે પ્રામાણિક હો પણ નિષ્ઠાવાન ન હો તો તમારું અને મારું લક્ષ્ય એક નથી. હું જે લક્ષ્ય સિદ્ધ કરવા માગું છું તે લક્ષ્ય તરફ તમે ધ્યાન નહીં આપો તો મને ડિસ્ટ્રેક્ટ કરવાની કોશિશ કરવાના છો, માટે હું તમને મારાથી દૂર રાખીશ. આવી કોઈ ભાવનાથી મોદીએ શૌરીને છેટા રાખ્યા. શૌરીએ સમજીને હજુ બે ડગલાં પાછળ હટીને પોતે જે સ્કૉલરલી કામ કરતા રહ્યા છે તે કામ ચાલુ રાખવાનું હોય, વધુ પુસ્તકો લખવામાં ઓતપ્રોત થઈ જવાનું હોય, શત્રુ-યશવન્ત સિન્હા જોડે ભળી જઈને ગાંડાંઘેલાં પ્રવચનો/ નિવેદનો ફેંકવાનાં ન હોય.

વિચારોમાં તકવાદી યુટર્ન લેનારા ઘણા જોયા છે. 1992માં બાબરી ઢાંચો તૂટ્યા પછી સેક્યુલરોના ખોળામાં બેસી જઈને હિન્દુત્વને આવડી ને આવડી ભાંડનારાઓથી માંડીને 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી મોદીના નામ પર રીતસર થૂંકનારા ગુજરાતી તેમ જ અન્યભાષી પત્રકારો, રાજકીય વિશ્ર્લેષકો, સાહિત્યકારો, લેખકો, કટારલેખકોએ મોદીને વધુને વધુ મજબૂત થતા જોઈને ક્રમશ:

જે રીતે યુટર્ન મારવાનું શરૂ કર્યું તેનો આખો ઈતિહાસ મારી પાસે છે. 2014માં તેઓનો યુટર્ન કમ્પલીટ થયો. 2002માં મોદી પર માછલાં ધોવાતાં હતાં ત્યારે એમની સાથે સંઘમાં કામ કરી ચૂકેલા એમના મિત્રો પણ એમના વિરુદ્ધ જાહેરમાં લખતા-બોલતા થઈ ગયા હતા અને મોદીતરફી કોઈએ હરફ પણ ઉચ્ચાર્યો તો એને પીંખી નાખવા નહોર ઉગામતા થઈ ગયા હતા. આ મારો જાત અનુભવ છે. આજે મોદીના એ જ ‘મિત્રો’ ફરી પાછા મોદી, મોદીના નારા લગાવીને સરકારી માનઅકરામો પામતા થઈ ગયા છે.

શું આપણે આવા લોકોને બેમોઢાળા કહીશું? ના. તેઓ ત્રણમોઢાળા, ચારમોઢાળા, પાંચમોઢાળા, મલ્ટીમોઢાળા હોય છે. એક-બે નહીં પણ કંઈ કેટલાય મહોરાઓ ધરાવનારાઓ વિશે સાહિર લુધિયાન્વીએ છેક 1973માં લખ્યું હતું.: એક ચહેરે પે કઈ ચેહરે લગા લેતે હૈં લોગ, જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈં લોગ…

શૌરીસાહેબે લીધેલો યુટર્ન ઊલટી દિશાનો છે. તેઓ અગાઉ જે સેક્યુલરિયાઓને ધિક્કારતા એમના જ ખોળામાં જઈને બેઠા છે. શૌરીસાહેબના બેમોઢાળા વ્યક્તિત્વને તો આપણે ઓળખી ગયા. 2019ની ચૂંટણી નજીક આવતી જશે એમ એમના મલ્ટીમોઢાળા વ્યક્તિત્વનો પરિચય થતો જશે.

મહાભારતના યુદ્ધમાં અર્જુને પિતામહ ભીષ્મને મારવા એમની છાતી પર તીર છોડ્યું તે પહેલાં એક તીર એમનાં ચરણો પાસે છોડ્યું હતું – એમને પ્રણામ કરવા. આ લેખ લખતાં પહેલાં મેં પણ મનોમન કંઈક એવું જ કર્યું હતું.

આજનો વિચાર

કોઈના મૃત્યુ ઉપર એટલું કોઈ ન રડે,
એ અન્ય ચાહકોને થાય કે નથી કંઈ અમે.

– ‘મરીઝ’

એક મિનિટ!

બકાની પત્ની: હું આને 7 વર્ષથી પહેરું છું અને હજુ પણ એ જ ફિટિંગ છે અને તમે કહો છો કે હું જાડી થઈ ગઈ છું!

બકો: ભગવાનથી ડર, આ શાલ છે…

10 COMMENTS

  1. U Turn…be modhala…bhishma pitamah nu udaharan …be tran var lekh vanchyo…haji sutra pehla vanchish…Saurabh bhai…Thanks

  2. ખૂબ સરસ સૌરભભાઇ, બૈદ્ધિક રીતે શૌરી સાહેબ નો યુ ટર્ન પચાવવો અઘરો હતો, પણ તમારી ભીષ્મપિતામહ ની ઉપમા એ તેનું સમાધાન કરી આપ્યુ.

  3. અરુણ શૌરી નો પગ પણ કુંડાળા માં પડી. જ ગયો હતો, સેન્ટર હોટેલ અને ઘણી બધી સંપત્તિઓ સસ્તા માં પધરાવી દીધી હતી એના વડે ચાલુ જા છે એટલે ભાઈ ને ચચરે છે,એન્ડ.મોદી સાહેબ સામે પડે અને પતાવી જ નાંખે છે, સંજય જોશી,અડવાણીજી, કેશું બાપા,સ્વ કાશીરામ રાણા એન્ડ ઘણા બધા…..
    એમાં એક શૌરી જી નવું ના છે એન્ડ ઈમાનદારી હતી ત્યારે હતી ,
    હવે એમને શું જરૂર છે રાફેલ રાફેલ કરવાની???
    તો પેલા rti કરીને તોડ પાણી કરતા લુખ્ખા તત્વો જેવા છે…

    • પૂનરાવર્તન ઘણીવાર જરૂરી હોય છે.
      ચા રોજે પીવાની મજા પણ કંઇક ઔર હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here