નહેરુ દીર્ઘદૃષ્ટા હતા કે સરદાર?

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 22 નવેમ્બર 2018)

સરદાર વલ્લભભાઇ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચેના મતભેદો વિશે આપણે વાત કરી રહ્યા હતા. ઓથેન્ટિક સોર્સીઝને ક્વોટ કર્યા વિના, માત્ર મનઘડંત વાતોથી ઇતિહાસની જાણકારી મળતી નથી.

આપણે શાળા-કૉલેજોમાં ભારતનો જે ઇતિહાસ ભણી ગયા તે આઝાદી પછી નહેરુએ જેમને છુટ્ટો દોર આપેલો તે લેફ્ટિસ્ટો દ્વારા લખાયેલો. આ ડાબેરીઓ કે સામ્યવાદીઓ તે આજના સેક્યુલરવાદીઓઆ વામપંથી ઇતિહાસકારો ભારત દ્વેષી હતા અને જુલમી મુસ્લિમશાસકોની ચાપલૂસી કરનારા હતા. ભારત વિશેની બદબોઇ કરવાની તેઓને મઝા આવતી. ભારતીય પરંપરામાં સોએ બે વાત અયોગ્ય હોય તો એને બઢાવી-ચઢાવીને, રજનું ગજ કરીને એવી રીતે મૂકશે જેથી બાકીની 98 સારાઇઓ ઢંકાઇ જાય અને એ બે નકામી વાતો જ સતત બધે હાઇલાઇટ થતી રહે. આથી ઊલટું, તેઓ મોગલશાસન કે બ્રિટિશશાસનની સોમાંથી બે જ વાતો સારી હોય અને બાકીની 98 વાતો એમણે કરેલાં શોષણ, અન્યાયોની હોય તો પેલી બે સારી વાતોને એવી રીતે રજૂ કરશે કે બાકીની 98 બદમાશીઓ ઢંકાઇ જાય. સામ્યવાદી ઇતિહાસકારોએ ભારતની આઝાદી પછી જન્મેલી પેઢીઓ દિમાગમાં એવું ભૂસું ભરી દીધું છે કે સાફસૂફી કરતાં હજુ ઘણો વખત નીકળી જશે. આ ઇતિહાસકારોએ 70 વર્ષ દરમ્યાન ભારતનું એટલું મોટું અહિત કર્યું છે કે એ દરેકને વીણી વીણીને જાહેરમાં ફાંસીને માંચડે ચડાવવામાં આવે તો પાપ ન લાગે. જે ઇતિહાસકારો કબરમાં પોઢી ગયા છે એમને પણ બહાર કાઢી કાઢીને આવી સજા થવી જોઇએ એવું હું પ્રામાણિકપણે માનું છું.

આટલું બેકગ્રાઉન્ડ બાંધીને આ શ્રેણી વિશે કેટલીક માહિતી આપવા માગું છું. સરદારના કામને, એમના વિચારોને તથા ગાંધીજી-નહેરુ સહિતના સમકાલીન રાજનેતાઓ વિશેના એમના વિચારોને જો આપણે તટસ્થતાપૂર્વક જાણવા હોય તો એ નો સૌથી મોટો ઓથેન્ટિક સોર્સ એમણે લખેલા તેમ જ એમના પર લખાયેલા પત્રો છે.

સરદારના પત્રોને ભેગાં કરીને તેનુંસંપાદન કરવાનું કામ ઓરિજિનલી દુર્ગાદાસે કર્યું. 1972થી 1974 દરમ્યાન 10 દળદાર અંગ્રેજી ગ્રંથોમાં પ્રકાશન થયું. આ 10 ગ્રંથોમાંથી પસંદ કરેલા પત્રોનું સંકલન સરદારના સચિવ વી. શંકરે કર્યું. આ સંકલન કુલ 1300 જેટલાં પાનાંમાં બે ભાગમાં પ્રગટ થયો. અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં અને હિન્દીમાં પણ આ બેઉ ભાગો પ્રગટ થયા છે. ગુજરાતીમાં યશવંત દોશી, નગીનદાસ સંઘવી અને દીપક મહેતા જેવા ત્રણ સિનિયર અભ્યાસુ ગદ્યસ્વામીઓની વિદ્વતાભરી કલમે એનો અનુવાદ ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશન સંસ્થા ‘નવજીવન’ દ્વારા 1977માં પ્રગટ થયો. મારી પાસે આ પહેલી આવૃત્તિ છે જેમાંથી યોગ્ય સંદર્ભ સાથે આ શ્રેણીમાં સરદારને અને સરદારને પત્ર લખનારાઓને ટાંકી રહ્યો છું.

સરદારની કામગીરી વિશે જાણવાનો બીજો મહત્ત્વનો સોર્સ છે સરદારના સેક્રેટરી વી.પી.મેનને લખેલાં બે પુસ્તકો : ‘ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટિગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્સ’ જેમાં સરદારે 550થી વધારે નાનાં મોટાં રાજ્યોને કેવી રીતે એક સૂત્રે બાંધ્યા તેની સવિસ્તર કહાણી છે. વાંચવામાં દિલધડક લાગે એવી શૈલીથી લખાયેલું આ પુસ્તક છે. બીજુ પુસ્તક છે ‘ટ્રાન્સફર ઑફ પાવર’ જેમાં ભારતને આઝાદી મળી, ભારતના ભાગલા પડ્યા એ દિવસો દરમ્યાન અંગ્રેજોએ તથા ભારતીય રાજનેતાઓએ જે ભૂમિકા ભજવી એનું બયાન છે. આ બંને પુસ્તકો અંગ્રેજીમાં આસાનીથી ઉપલબ્ધ છે.

સરદાર વિશે હજુ વધારે ઊંડા ઊતરવું હોય તો ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તેમ જ તેન્ડુલકર તથા પ્યારેલાલે લખેલાં પુસ્તકો રીફર કરવાં જોઇએ. સાથોસાથ નહેરુનાં પુસ્તકોનો સંદર્ભ પણ મેળવવો જોઇએ. સરદારને ‘સેક્યુલર’ ચીતરતા કેટલાંક બકવાસ પુસ્તકો ગુજરાતી-અંગ્રેજીમાં પ્રગટ થયાં છે જેને ગટરમાં પધરાવી દેવાં જોઇએ. ડાબેરી વિચારસરણીવાળા આવા લેખકોને પૂછવું જોઇએ કે જો સરદાર ખરેખર તમે ચીતરો છો એવા ‘સેક્યુલર’ હતા તો કૉંગ્રેસે શા માટે એમને 70 વર્ષ સુધી નિગ્લેક્ટ કર્યા.

શા માટે સરદાર, ગાંધીજી, નહેરુની ત્રિપુટી સફેદ ગાદી પર બેસીને ચર્ચામાં મશગૂલ છે એવું અતિ ફેમસ ચિત્ર જ્યારે 1985માં મુંબઇમાં ભરાયેલા કૉંગ્રેસના 100મા અધિવેશનમાં મૂકવામાં આવ્યું ત્યારે એમાંથી સરદાર ગાયબ હતા – માત્ર નહેરુ -ગાંધી જ કેમ હતા? હવે જ્યારે બિન કૉંગ્રેસી સરકાર કૉંગ્રેસના જ એક પાયા સમાન ભારતના શિલ્પીના કાર્યને રેક્ગ્નાઇઝ કરી રહી છે ત્યારે તમને શું કામ પેટમાં દુખે છે? સરદારનું લોખંડી વ્યક્ત્વિ નહેરુના ડગુમગુ દિમાગ દ્વારા લેવાતા નિર્ણયોથી તદ્દન વિપરીત હતું. સરદાર ભારતની જમીન સાથે જોડાયેલા હતા. નહેરુનો ભારત માટેનો દૃષ્ટિકોણ ‘એનો રસોઇયો પણ ગરીબ’, ‘એનો ડ્રાઇવર પણ ગરીબ’ જેવો હતો જે એમની દીકરીમાં ઊતરી આવ્યો, દીકરીના દીકરામાં ઉતરી આવ્યો, દીકરીના દીકરાના દીકરામાં પણ ઊતરી આવ્યો. સરદારના કામથી પ્રેરાઇને રાજકારણ તરફ આકર્ષાયેલી એક આખી પેઢી આજે ભારતનું સંચાલન કરી રહી છે, સરદારની વિરાટ પ્રતિમા બનાવીને સરદારને સમગ્ર ગુજરાતના જ નહીં, સમગ્ર ભારતના પણ નહીં, સમગ્ર વિશ્ર્વના તખ્તા પર મૂકી રહી છે. કૉંગ્રેસીઓને પેટમાં એ બળે છે કે આવો કોઇ વિચાર પોતાને નહેરુ માટે કેમ નહીં આવ્યો.

સરદારના પત્રોમાંથી નહેરુનું વ્યક્તિત્વ કેટલું સંકુચિત અને વામણું હતું તે તો પુરવાર થાય છે જ, જે આપણે કાલે જોઇશું, સરદારના પત્રોમાંથી એ પણ પુરવાર થાય છે કે ભારતના ખરા દીર્ઘદૃષ્ટા સરદાર હતા, નહેરુ નહીં. નહેરુ માત્ર સ્વપ્નો જોયા કરતા. સરદાર વાસ્તવિકતા સાથે તાલ મિલાવીને દરેક સમસ્યાના ઉકેલ માટે ઝઝૂમતા રહ્યા. વધુ કાલે

આજનો વિચાર

હવે કાશ્મીરી પુલાવને ભૂલી જાઓ, કાશ્મીરી ખીચડી આવી રહી છે : પીડીપી વત્તા એનસી વત્તા કૉંગ્રેસ !

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ !

બકો : કાલે બારમાં એક અમેરિકનનો ભેટો થઇ ગયો.

પકો : અચ્છા, શું વાત થઇ?

બકો : મને પૂછે કે તમે ઇન્ડિયન લોકો અરેન્જડ મેરેજ કરીને એકબીજા સાથે જાનપહેચાન ન હોય એવી સ્ત્રી સાથે કેવી રીતે લગ્ન કરી શકો છો?

પકો : એમ ? પછી તેં શું કહ્યું?

બકો : મેં કહ્યું : જાનપહેચાન પછી લગ્ન કેવી રીતે થાય ?

3 COMMENTS

  1. સૌરભ સર તમે અનેક ધન્યવાદ ને પાત્ર છે કે આઝાદી પછીની અમારા જેવા અનેકો ને, અગણ્ય લોકોને સરદાર વલ્લભભાઈ પટેલ માટે પ્રેમ અને એમની પ્રત્યે વફાદારી અને સમજણ પૂર્વક નો પ્રેમ હોય તો પણ એમના વિશેની પ્રમાણિત જાણકારી ક્યાંથી મળશે એ સમજવું મુશ્કેલ હતું, જે તમે આ સિરીઝ થી દુર કરી દીધું, આના પછી ના લેખોની જાણકારી આપવા વિનંતી કરું છું.

  2. Gujarati j Gujarati nu nagunu bole to sardar ne agal pan namo sivay bhagyeg koi neta saru bolse,baki chimanbhai pan c.m. hata j ,chhote sardar ?.Hindi bhasi sivay na p.m. e loko ne gamta nathi
    Sarv jan hitay Namo is the best.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here