નાની નાની વાતોમાં લોહીઉકાળો

લાઉડ માઉથ: સૌરભ શાહ

(સંદેશ, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૬ ફેબ્રુઆરી ૨૦૧૯)

મનની શાંતિની શોધમાં આપણે સાધુબાબાઓના શરણે જઈશું. કંઈ ખોટું નથી એમાં. ધ્યાન-યોગાસન-પ્રાણાયમ કરીશું. એ પણ સારું જ છે. ધર્મ-અધ્યાત્મને લગતાં પુસ્તકો વાંચીશું, પ્રવચનો સાંભળીશું. સરસ.

પણ ઘરમાં સવારે ચાનો પ્યાલો પાંચ મિનિટ મોડો મળે તો કમાન છટકી જાય છે. કોઈ નવરો પાડોશી આવીને કંઈક એવી વાત કરી જાય છે કે એના ગયા પછી તમે અપસેટ થઈ જાઓ છો. જમતી વખતે દાળમાં મીઠું નાખવાનું ભૂલી જવાયું હોય તો આખું ઘર માથે લઈને પત્નીનાં પિયરિયાંઓને યાદ કરી લો છો.ઑફિસે જતાં ફૂટપાથ પર થયેલા એન્ક્રોચમેન્ટ્‌સને કારણે તમને ચાલતાં નથી ફાવતું એટલે દુકાનદારોને, શહેરની મ્યુનિસિપાલિટીને મનોમન મણમણની સંભળાવો છો.રિક્‌શાવાળો બે રુપિયા વધારે લે, ટ્રેન કે બસમાં ગિરદી હોય, ઑફિસનો કોઈ કલીગ એના સ્વભાવપણે તમારા વિરુધ્ધ કાવતરાં કરતો હોય, બૉસ ઍઝ યુઝઅલ તોછડાઈથી કંઈ કહે, પ્યૂન તમારા માટે પાણીનો ગ્લાસ લાવવાને બહાને માવો ખાવા નીચે જતો રહે, નવી નક્કોર બૉલપેન ચાલે જ નહીં, કૅન્ટીનમાંથી આવેલી ચા ઠંડી હોય, ઑફિસનું એસી બગડી ગયેલું હોય, સાંજે પાછા ફરતી વખતે શાકવાળો તમને તાજા ભીંડા બતાવીને બે દિવસના વાસી ભીંડા થેલીમાં નાખી દે, ઘરના મકાનની લિફ્‌ટ બગડી ગઈ હોય અને તમારે થાકેલા હો તો પણ પરાણે નવમા માળ સુધી દાદરા ચડીને જવું પડે, ઘરમાં ટીવી પર સમાચાર જોવાનો ટાઈમ થાય ત્યારે દીકરો ક્રિકેટ મૅચની છેલ્લી ઓવર જોઈ રહ્યો હોય, મહીનાની છેલ્લી તારીખે દીકરી નેક્‍સ્ટ વીકમાં આવતી પોતાની બર્થડે પાર્ટી કરવાના પૈસા માગતી હોય, રાત્રે સૂતી વખતે બારી બંધ કરવાનું ભૂલી ગયા હોવાથી બેડરૂમમાં મચ્છરો ઘૂસી ગયા હોય, સવારના પહોરમાં છાપાવાળો તમે બંધાવેલું છાપું નાખી જવાને બદલે જે બંધ કરાવી દીધું છે એ છાપું નાખી ગયો હોય અને તમારો ફોન ઉપાડતો ન હોય, આજે ચા તો સમયસર આવી ગઈ છે પણ તમે સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં પુત્રવધૂએ ભૂલથી તમારી ચામાં પણ મસાલો અને આદુ-ફુદીનો ઠપકારી દીધાં છે…

ચોવીસે કલાક અનેક બાબતો તમને ડિસ્ટ્રેક્‌ટ કરતી રહે છે, દરેક વખતે તમારું બ્લડપ્રેશર ઊંચું થઈ જાય છે જેને ગુજરાતીમાં પરંપરાથી ‘લોહીઉકાળો કરવો’ એવું કહેવાય છે.

જિંદગીમાં મોટા ભાગની પરિસ્થિતિઓ તમારા કાબૂની બહાર હોય છે કારણ કે આ દુનિયા આપણા પિતાશ્રીની નથી. જે પરિસ્થિતિ ન ગમતી હોય એને ઍડજેસ્ટ થઈને આપણે આપણું કામ કરતાં રહેવાનું છે. જે પરિસ્થિતિ આપણી કચકચથી, આપણા કચવાટથી કે આપણા કજિયાથી પણ બદલાવાની નથી એનો કંકાસ મનમાં રાખવો નથી, ક્‌લેશ ઊભો કરવો નહીં. ગટરનું ઢાંકણું ડેન્જરસલી તૂટી ગયેલું હોય અને તમારો પગ એમાં પડતાં માંડ બચ્યો હોય તો તરત જ પાછા સ્વસ્થ થઈ જવાનું, સત્તાવાળાઓને ગાળાગાળ કરીને મૂડ બગાડવાનો કોઈ અર્થ નથી. જો તમને એટલું જ લાગી આવતું હોય તો વૉર્ડ ઑફિસમાં જઈને લેખિત ફરિયાદ કરો અને રિપેરિંગનું કામ ન થાય ત્યાં સુધી રોજ ફૉલોઅપ કરો. અને આવું કરવામાં તમને ઑફિસેથી રજા લેવાનું પોસાતું ન હોય તો પ્લીઝ, ચૂપ રહો. અન્યથા નુકસાન તમારું છે, તમારો લોહીઉકાળો તમને અપસેટ કરશે, તમારું ધ્યાન બીજે ઠેકાણે દોરવાઈ જશે અને તમારા કામની રિધમ ખોરવાઈ જશે.

તમને ક્યારેય તમારા ઘરમાં, તમારી આસપાસ કે તમારી ઑફિસમાં કે તમારા કામકાજના સ્થળે કે ઈવન તમે વૅકેશનમાં કોઈ હવા ખાવાના સ્થળે કે જોવાલાયક જેવા સ્થળે ગયા હશો તો ત્યાં પણ- દરવખતે તમારુ ધાર્યું જ થાય એવું વાતાવરણ મળવાનું નથી. હિલ સ્ટેશન પર સૂર્યાસ્ત માણવા ગયા હો ત્યારે ત્યાં એકઠા થયેલા પ્લાસ્ટિકની બોટલો અને વેફરનાં ખાલી પેકેટોના કચરા સામે નહીં જોવાનું. આવો કચરો જોઈને તમે કચકચ કરશો એટલે પર્યાવરણવાદી નથી બની જવાના. ઈવન, નીચા વળીને આ કચરો ભેગો કરીને એનો યોગ્ય જગ્યાએ જઈને નિકાલ કરશો તો પણ તમે પર્યાવરણપ્રેમી પુરવાર નથી થઈ જવાના, યાદ રાખજો, તમારો ઈગો પોરસાશે એટલું જ. તમારે તમારું વૅકેશન બાજુએ મુકીને સ્થનિક સત્તાવાળાઓ આ વિશે કંઈક નક્કર પગલાં લે એ માટે યોગ્ય કાર્યવાહી કરવી પડે અને બાકીનું વૅકેશન આ જ કામમાં ગાળવું પડે એવું બને તો ય કંઈ પરિણામ ન આવે એવું પણ બને.

પ્લાસ્ટિકનો કચરો તો એક વાત છે, આવી પાંચસો વાતો તમને કઠતી હશે અને પાંચસો વખત તમારું લોહી ઉકળી ઉઠતું હશે. પણ કવિએ કહ્યું છે એમ માત્ર હંગામો ખડો કરવાનો તમારો મકસદ હોય તો ચૂપ રહેજો, પરિસ્થિતિમાં નક્કર સુધારો લાવવાની તમારી નેમ હોય, દાનત હોય, તાકાત હોય અને એનર્જી હોય તો જ કચકચ કરજો અને જે કંઈ કરો તેને એના લૉજિકલ એન્ડ સુધી પહોંચાડજો. અન્યથા આ બધી નાની નાની( કે ઈવન મોટી મોટી) વાતોમાં લોહીઉકાળો કરવાનું રહેવા દઈ તમારું જે કામ છે તે નિષ્ઠાપૂર્વક કરતા રહેજો.

આપણને વહેમ છે કે આપણે કોઈ ખરાબ વાતની ટીકા કરીશું એટલે સારા ગણાઈશું, સમાજની કે દુનિયાની કે પછી સામેવાળી વ્યક્તિની કેટલી કાળજી છે આપણને- આ દુનિયા માટે કેટલી કન્સર્ન છે- એવું પુરવાર થશે. પણ ના, એવું નથી. રસ્તા પર રહેતા બેઘર ભિખારી માટે તમને દયા આવે કે બિચારા પાસે ઘર નથી, સરકાર કેમ આવા લોકો માટે કોઈ યોજના બનાવતી નથી કે સરકારી યોજનામાં ફાળવાયેલા પૈસા કેમ આ લોકો સુધી પહોંચવાને બદલે વચેટિયાઓ ખાઈ જાય છે- આવો વિચાર આવે કે આવી ભાવના તમે કોઈની આગળ વ્યક્ત કરો તે વાંઝિયા પ્રવૃત્તિ છે.

આનો કોઈ મતલબ નથી. એને જઈને સો રૂપિયા આપી આવશો તો એમાંથી એ ઝૂંપડું બનાવી શકવાનો નથી. કાં તો તમારી તાકાત હોય તો એના માટે ઝૂંપડી ખરીદી આપો, અથવા જો તમારી વગ હોય તો સરકારી આવાસ યોજનામાંથી એના માટે એલોટમેન્ટ લાવી આપો, કાં પછી ચૂપ રહો, તમે તમારું કામ કરો, એ એનું કામ કરશે.
જગત આખાના કાજી બનીને સૌ કોઈના માટે ન્યાય તોળ્યા કરવાની બૂરી આદત હજુ છૂટતી નથી આપણામાંથી. દરેક વાતે આપણને વાંકું પડે છે. આમાંની ૯૯ ટકા બાબતો વાંકું પાડવા જેવી જ હોવાની. પણ જે પરિસ્થિતિ તમારા હાથમાં નથી( અને એને હાથમાં લેવાની તમારી દાનત કે તાકાત પણ નથી) એના વિશે કચકચ કરવાનો કોઈ મતલબ નથી. છતાં આપણે કરતાં રહીએ છીએ કારણ કે આપણી પાસે આપણી જિંદગીને અર્થપૂર્ણ બનાવી શકીએ એવું કોઈ કામ નથી, એવી કોઈ જવાબદારી નથી. અથવા તો એમ કહીએ કે ઑલરેડી જે કામ તમારી પાસે છે, જે જવાબદારી તમારી પાસે છે એ તમારી જિંદગીને કેવી રીતે અર્થપૂર્ણ બનાવી શકશે એ વિશે તમે હજુ વિચાર કર્યો નથી.

નાની નાની વાતોથી મન ડિસ્ટ્રેક્‍ટ થઈ જાય એનો મતલબ એ કે આપણે શીખ્યા નથી કે મનને ક્યા વિચારોમાં સ્થિર કરવું. જેમની પાસે કરવાં જેવાં કામોનો ઢગલો હોય તેઓ ક્યારેય નાની નાની વાતોમાં અટવાઈને લોહીઉકાળો કરતા નથી. એમને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ જતાં આવડતું હોય છે.
નેક્‌સ્ટ ટાઈમ તમને અકળાવનારી પરિસ્થિતિ સર્જાય અને તમારું બીપી શૂટઅપ થવાની તૈયારીમાં હોય ત્યારે તરત જ આ વિચાર મનમાં લાવજો- ઈઝ ઈટ વર્થ? આ સિચ્યુએશન માટે આવી તીવ્ર પ્રતિક્રિયા મનમાં આવે એમાં કોનું નુકસાન છે? આ વાતે થતો લોહીઉકાળો તમારું ભલું કરવાનો છે? જો ના, તો પછી ચલાવી લો, અને આગળ વધો.

સાયલન્સ પ્લીઝ

રોઝ અચ્છે નહીં લગતે આંસૂ,
ખાસ મૌકોં પે મઝા દેતે હૈ.
_સ્વ. મોહમ્મદ અલવી

10 COMMENTS

  1. સાવ સાચી વાત તમે લખી, મારી સાથે આવુજ બનતું હોય છે ,આજ થીજ હુ મારી વિચાર ધારા બદલીશ,આભાર, સૌરભભાઈ.
    જૈમિનિ વ્યાસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here