શું સરદાર માનતા હતા કે નહેરુ સરમુખત્યાર છે?

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 23 નવેમ્બર 2018)

નહેરુએ ગાંધીજીને લખેલા પત્રમાં સરદાર વિશે ફરિયાદ કરી હતી કે ૫૫૦ પ્લસ રજવાડાંને ભારતમાં ભેળવી દેવાના કામમાં સરદાર મને (નેહરુને) કે પ્રધાનમંડળને પૂછ્યા કર્યા વિના પોતાની મેળે નિર્ણયો લે છે.

ગાંધીજીએ આ પત્રની નકલ સરદારને મોકલી. સરદારે ૧૨ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીને પત્ર લખ્યો જેની નકલ નહેરુને આ નોંધ સાથે મોકલી. ‘સરદાર પટેલ: પસંદ કરેલો પત્રવ્યવહાર: ૧૯૪૫-૧૯૪૫-૧૯૫૦’ની પ્રથમ આવૃત્તિના બીજા ભાગના ૧૮૯મા પાનાં પર સરદારે નહેરુને લખેલી નોંધ ઉપર ૨૧ જાન્યુઆરી, ૧૯૪૮ની તારીખ છપાઈ છે જે પ્રૂફ રીડિંગની ભૂલ લાગે છે. ૨૧મી નહીં પણ ૧૨મી તારીખ જોઈએ. સરદારે નહેરુને કવરિંગ લેટરમાં લખ્યું:

‘તમે ગાંધીજી પર મોકલેલી નોંધ વિશેના ૧૧મી જાન્યુઆરી (૧ જાન્યુ. જોઈએ) ૧૯૪૮ના તમારા પત્ર માટે તમારો આભાર. હું ગાંધીજીને જે નોંધ મોકલું છું તેની નકલ આ સાથે બીડી છે. હું ઘણો વખત બહાર હતો એટલે આ બાબત હાથમાં લઈ શક્યો નહીં તે માટે દિલગીર છું. જે ટૂંકો સમય હું અહીં હતો તે દરમ્યાન કામમાં લગભગ દટાયેલો જ હતો. તમને અનુકૂળ હોય તેવો કોઈ પણ સમય તમે બાપુ સાથે ચર્ચા માટે ગોઠવી શકો છો. હું ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ની સવારે ભાવનગર અને મુંબઈ જવા નીકળવાનો છું.’

પત્રની છપાયેલી તારીખોમાં મેં જે ફેરફારો સૂચવ્યા છે તે મારી ધારણાથી સૂચવ્યા છે. સરદારની આ નોંધ જો ખરેખર ૨૧મી જાન્યુઆરીએ લખાયેલી હોય તો એમાં ૧૫મી જાન્યુઆરીએ પ્રવાસે ‘નીકળવાનો છું’ એવી વાત ન હોય. ઉપરાંત સરદારે નહેરુને કહ્યું કે બાપુ સાથે કોઈપણ તારીખે મીટિંગ ગોઠવો (૧૫મી પહેલાં) ત્યારે સરદારને કે કોઈનેય કલ્પના નહોતી કે ગાંધીજી હિંદુ-મુસ્લિમ રમખાણો શાંત પડે તે માટે ૧૩મી જાન્યુઆરીથી આમરણ ઉપવાસ પર ઊતરવાના છે. (આ ઉપવાસ ૬ દિવસ ચાલ્યા. ગાંધીજીએ ૧૮મી સુધી ઉપવાસ કર્યા બાદ પારણાં કર્યાં. ગાંધીજીના જીવનના એ છેલ્લા ઉપવાસ હતા. પારણાના માત્ર બાર જ દિવસ બાદ એમની હત્યા થઈ).

ગાંધીજીને સરદારે લખેલા લાંબા પત્રમાં અનેક મુદ્દા છે. એ દરેક મુદ્દાને ટૂંકમાં જોઈએ.

‘૧. જવાહરલાલે તમને મોકલેલી એમની નોંધ હું ધ્યાનથી વાંચી ગયો છું. એની નકલ એમણે મને મોકલી હતી.

૨. સ્વભાવના તફાવત અંગે તથા આર્થિક બાબતો અને હિંદુ-મુસ્લિમ સંબંધોને લગતી બાબતો વિશે જુદાં દૃષ્ટિબિંદુ છે તે અંગે બે મત નથી… અમારી સામે આવેલી ઘણીયે આંધીઓનો અમે સંયુક્ત પુરુષાર્થથી સામનો કર્યો છે… હવે અમે આને આગળ ચલાવી શકીએ એમ નથી એવો વિચાર કરવો દુઃખદ અને કરુણ પણ છે, પણ વડા પ્રધાનના પોતાના સ્થાન વિશેના એમના દૃષ્ટિબિંદુ પાછળ રહેલી એમની લાગણી અને પ્રતીતિનું બળ હું પૂરેપૂરું સમજી શકું છું.

૩. એ વિષય પર તેઓ જે કહે છે તે સમજવાનો મેં મારાથી બનતો બધો પ્રયત્ન કર્યો, પણ લોકશાહી અને કૅબિનેટની જવાબદારીના પાયા ઉપર એ સમજવાનો મેં ગમે એટલો પ્રયત્ન કર્યો તો પણ વડા પ્રધાનની ફરજો અને કામગીરીઓ અંગેના એમના ખ્યાલ સાથે સંમત થવા હું અશક્ત નીવડ્યો છું. જો એ ખ્યાલ સ્વીકારવામાં આવે તો વડા પ્રધાનનો દરજ્જો લગભગ સરમુખત્યાર જેવો થઈ જાય, કારણ કે તેઓ ‘જ્યારે અને જે રીતે, પોતે પસંદ કરે ત્યારે અને તે રીતે, કામ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા’નો દાવો કરે છે. મારા મતે લોકશાહી અને કૅબિનેટ પદ્ધતિની સરકારથી આ તદ્દન વિરુદ્ધ છે.

૪. મારા ખ્યાલ પ્રમાણે વડા પ્રધાનનું સ્થાન સૌથી આગળ પડતું છે; એ સરખાઓમાં પહેલા (ફર્સ્ટ અમંગ ઈક્વલ્સ) છે. પણ એમને પોતાના સાથીઓની ઉપરવટ જવાની સત્તા નથી; જો એવી સત્તા હોય તો કૅબિનેટ અને કૅબિનેટની જવાબદારી નિરર્થક બની જાય…

સરદારે આટલા મુદ્દાઓ લખ્યા પછી નહેરુએ કઈ રીતે દેશી રાજ્યોના એકત્રિકરણની પ્રક્રિયા દરમ્યાન ભૂલભરેલા નિર્ણયો લેવાની દખલગીરીભરી પરંપરા સર્જી તેની વિગતો ગાંધીજીને આપી છે. સરદાર લખે છે કે: ‘(મેં આપેલી સલાહોથી) વડા પ્રધાનને ત્રાસદાયક અને ચીડ ચડે તેવું લાગતું હોય અને પોતાની ફરજોમાં દખલગીરી જેવું લાગતું હોય તો એ સ્થિતિ લોકશાહી પદ્ધતિની સરકાર સાથે પૂરેપૂરી અસંગત છે.’

સરદાર પોતાની મરજી મુજબ, મનઘડંત રીતે, દેશી રાજ્યોને ભેગાં કરવાની કામગીરી કરે છે અને વડા પ્રધાન તથા પ્રધાનમંડળની ઉપરવટ જઈને નિર્ણયો લે છે એવા નહેરુના ગંભીર આક્ષેપને બેબુનિયાદ ઠેરવતાં સરદારે ગાંધીજીને લખ્યું:

‘દેશી રાજ્યોના મંત્રાલયની કામ કરવાની રીતનો પણ (નહેરુએ ગાંધીજી પર લખેલી નોંધમાં) ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મને એવો એક પણ દાખલો યાદ નથી આવતો જેમાં મેં મારા સાથીઓની અનુમતિ અથવા સમર્થન સિવાય મહત્વની નીતિ અંગે કોઈપણ નિર્ણય લીધો હોય. જે એક જ દાખલામાં મેં કૅબિનેટના નિર્ણયની અપેક્ષાએ કામ કર્યું તે દાખલો ઓરિસ્સા અને છત્તીસગઢનાં રાજ્યોનાં જોડાણનો હતો; પાછળથી જરા પણ ચર્ચા કર્યા વિના મારા પગલાંનું સમર્થન કરવામાં આવ્યું તે હકીકત અપેક્ષા અંગેની મારી વિવેકબુદ્ધિને યથાર્થ ઠરાવે છે. એ બાબત દેખીતી રીતે એવી હતી કે નિર્ણાયક પગલાંની મોકૂફીથી ગંભીર પરિણામોનો ભય ઊભો થાત અને આપણા હાથમાંથી જે તક સરી જાત તે કદાચ ઘણી બધી ધીરજ, મહેનત અને સૌને માટે ઘણી તકલીફ પછી જ ફરી મળી શકત.’

આ નોંધમાં છેવટે સરદાર લખે છે કે મતભેદોને લીધે નહેરુએ રાજીનામું આપવાની વાત (વાસ્તવમાં તો ત્રાગું) કરી છે પણ જો એવા સંજોગો ઊભા થાય કે ‘મારી અને એમની વચ્ચેની પસંદગી’ કરવી પડે તો તે ‘એમની તરફેણમાં જ થવી જોઈએ… એમણે (નહેરુએ) પદત્યાગ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.’

આ નોંધ મોકલી દીધા પછી ગાંધીજીના આમરણ ઉપવાસની જાહેરાત થઈ. ૧૩ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ આ સંદર્ભે સરદારે ગાંધીજીને લખેલા પત્રમાં શું લખ્યું તે જાણવા જેવું છે. વધુ કાલે.

આજનો વિચાર

છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે.
_ અમિત વ્યાસ

એક મિનિટ!

રિક્શાવાળાને ‘ક્યાં જવું છે’ એ સમજાવતાં થાકેલા બકાએ ઉબર નોંધાવી. હવે ઉબરવાળાને સમજાવવાની મથામણમાં પડ્યો છે કે ‘ક્યાં આવવાનું છે’!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here