જે જરૂરી નથી એ છોડી દેવાનું, જે અનિવાર્ય હોય એને શ્રેષ્ઠ બનાવવાનું

લાઉડ માઉથ: સૌરભ શાહ

(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૬ માર્ચ ૨૦૧૯)

આપણે જિંદગીમાં અમુક વસ્તુઓ અપનાવીએ છીએ અને અમુક છોડી દઈએ છીએ અથવા એને સ્વીકારતા જ નથી. વસ્તુઓ જેવું જ પ્રવૃત્તિઓનું. અમુક કામ કરીએ છીએ, અમુક નથી કરતા. પણ આવું કરવામાં આપણે પૂરેપૂરા સમર્પિત નથી હોતા. જે કંઈ કરીએ છીએ તે અધકચરું કરીએ છીએ. જે કંઈ છોડી દઈએ છીએ તેને પૂરેપૂરું છોડતા નથી, છોડી શકતા નથી.

તમે નક્કી કર્યું છે કે પ્રામાણિકતાથી જીવવું. તમારે નીતિમત્તાનો સ્વીકાર કરીને જીવવું છે. પણ પૂર્ણપણે એનો સ્વીકાર નથી કરી શકતા. ક્યારેક કોઈક સામેથી ઑફર કરે છે ત્યારે એવું કામ કરી આપવાના બદલામાં તમે એની પાસેથી કૅશ કે કાઈન્ડરૂપે ફેવર્સ સ્વીકરી લો છો. સાદી ભાષામાં, કાયદાની દ્રષ્ટિએ પણ, એને લાંચ કહેવાય એની તમને ખબર છે છતાં તમે તમારા અંતરાત્માને તત્ક્ષણ છેતરવાનું કામ કરો છો અને જસ્ટિફાય એવી રીતે કરો છો કે જિંદગીભર એ અંતરાત્મા તમને ક્યારેય યાદ ન કરાવી શકે, ડંખી ન શકે.

છોડવું તો પૂરેપૂરું છોડવું. દારૂ છોડવો તો સંપૂર્ણપણે છોડી દેવો. મન થાય કે મિત્રોનો આગ્રહ થાય કે ‘ક્યારેક ક્યારેક તો ચાલે’ ત્યારે પણ એક ટીપું ન પીવું એટલે ન જ પીવું. સિગરેટ છોડવી તો પૂરેપૂરી છોડી દેવી. વન્સ ઈન અ વ્હાઈલ બે ફૂંક મારી તો એમાં ક્યાં મોટું તબિયતને નુકસાન થઈ જવાનું છે એવું જાતને કહીને છેતરવાની નહીં. આવું મન થાય કે કોઈ આગ્રહ કરે ત્યારે યાદ રાખવું કે તમે જો પૂરેપૂરા શાકાહારી હો તો કોઈ ગમે એટલો આગ્રહ કરે તો પણ તમે આટલું બટકુંય નૉન-વેજ આહાર મોઢામાં નાખવાના નથી. ભૂખ્યા ડાંસ હો તો પણ નહીં. તમારી પસંદગી વેજ ફૂડની જ હોય તો તમે ક્યારેક આખો દહાડો ઉપવાસ કરવો પડે તો ભલે પણ બિન શાકાહારી ખોરાક સહેલાઈથી ઉપલબ્ધ હોય તે છતાં નહીં જ ખાઓ. આ વાત તમારા માટે સહજ છે. એના માટે મનને મનાવવાની કે મનને મક્કમ બનાવવાની કે વિલ પાવરની જરૂર જ નથી. બીજી વાર વિચાર પણ કરવાની જરૂર નથી કે હું નૉન વેજ ખાઉં કે ન ખાઉં. ના એટલે ના. આવી જ સહજતા તમે જે કોઈ વસ્તુનો, પ્રવૃત્તિનો( કે ઈવન વ્યક્તિનો) ત્યાગ કરો છો એની બાબતમાં હોવી જોઈએ. આવી સહજતા જો કેળવી લીધી હોય તો દ્વિધાને અવકાશ રહેતો જ નથી. નો મીન્સ નો- આવું પ્રગટપણે કહ્યા વિના જ મનને સમજાઈ જાય છે, આસપાસના સૌ કોઈને પણ સમજાઈ જાય છે.

દ્વિધા કે મૂંઝવણનું કારણ જ આપણું અધકચરાપણું છે. જે બાબતમાં આપણે હજુય સ્પષ્ટ નથી થયા એ બાબત સામે આવે ત્યારે વિચાર આવેઃ આવું કરવું કે ન કરવું, આ વસ્તુ લેવી કે ન લેવી.

ત્યાગ બહુ મોટો શબ્દ છે. સંન્યાસીઓ અને સાધુઓને જ શોભે. આપણા જેવા માટે તો ‘છોડી દેવું’ શબ્દપ્રયોગ જ બરાબર છે. ‘ત્યાગ’ અને ‘છોડી દેવું’ તત્વતઃ સરખી જ ક્રિયાઓ છે પણ જેમ ભગવાં વસ્ત્રો સંન્યાસીને શોભે, સંસારીને નહીં.

છોડી દેવાની મઝા ત્યારે જ છે જ્યારે એ ચીજ કે પ્રવૃત્તિને પૂરેપૂરી છોડી દીધી હોય. અને છોડવા જેવું તો ઘણું બધું છે જીવનમાં. ના, અહીં એની કોઈ યાદી બનાવીને ઉપદેશક નથી બની જવું. દરેક વ્યક્તિ જાણે જ છે કે એણે ક્યારે શું શું છોડી દેવું જોઈએ, કાયમ માટે છોડી દેવું જોઈએ.

છોડવાની પ્રવૃત્તિ જેમ સંપૂર્ણ હોવી જોઈએ એવી રીતે જે જીવન માટે અનિવાર્ય છે અને જેનો સ્વીકાર કરવાનો છે તેનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ, શ્રેષ્ઠત્‌મ રીતે સ્વીકાર થવો જોઈએ. જીવન માટે જે અનિવાર્ય છે અને એટલે જેનો તમે સ્વીકર કર્યો છે તેને શ્રેષ્ઠ બનાવવું એટલે શું? ભોજન અનિવાર્ય છે. તમને ખબર છે. આ અનિવાર્યતાને શ્રેષ્ઠતાનો દરજ્જો આપવાની જવાબદારી આપણી છે. શ્રેષ્ઠ ભોજન એટલે છપ્પનભોગ નહીં. શ્રેષ્ઠ ભોજન એટલે બે મીઠાઈ, ત્રણ ફરસાણ, ચાર શાક-કઠોળવાળી ગુજરાતી થાળી નહીં. એ બધું પણ શ્રેષ્ઠ હોઈ શકે છે પણ એ જ શ્રેષ્ઠ છે એવું નથી. શ્રેષ્ઠ ભોજન એટલે શુધ્ધ, સાત્વિક, સંતોષપ્રદ ભોજન જે શરીરને મળે તો એનો એક એક કણ શરીરના બંધારણને ઘડવામાં કામ લાગે. આ જ રીતે કપડાં. એ પણ અનિવાર્ય છે. જરૂરી નથી કે શ્રેષ્ઠ કપડાં ડિઝાઈનર લેબલવાળાં જ હોય. સારી રીતે ધોયેલાં તદ્દન સાદાં વસ્ત્રો પણ શ્રેષ્ઠ હોય છે. સાદું પણ સુઘડ ઘર શ્રેષ્ઠ હોઈ શકે છે. વૈભવી લત્તામાં વિશાળ હવેલી જેવું ઘર હોય એ જ શ્રેષ્ઠ નહીં. લેખક માટે કાગળ-પેન કે કૉૐપ્યુટર લખવા માટે અનિવાર્ય. સારામાં સારી ક્વૉલિટીનાં હોવાં જોઈએ. જે અનિવાર્ય હોય જીવનમાં, એ બધું જ શ્રેષ્ઠ, શ્રેષ્ઠત્‌મ હોય એવો આગ્રહ રાખીએ છીએ ત્યારે સંપૂર્ણતાની સરહદ સુધી પહોંચી શકાય છે. આનો અર્થ એ નથી કે ક્યારેક ‘મરીઝ’ની જેમ બસની ટિકીટ પાછળ લખેલો શૅર કે શૈલેન્દ્રની જેમ માચીસની ડબ્બી પર લખેલી પંક્તિઓ ઉત્તમોત્તમ ન હોઈ શકે. મોંઘામાં મોંઘી કલમ વાપરીને પણ કોઈ થર્ડ રેટ કવિ એવરેજ સર્જન પણ નથી કરી શકતો. એટલે જે વાત થઈ રહી છે એને ખોટા સંદર્ભમાં નહીં મૂલવવાની. અને છતાં મૂલવશો તો નુકસાન તમારું જ થવાનું છે.

જીવનમાં જે અનિવાર્ય છે તેની પાછળ નીચોવાઈ જઈને એને શ્રેષ્ઠત્‌મ કક્ષાએ લઈ જઈએ છીએ ત્યારે જીવન સંપૂર્ણ બને છે. વસ્તુ માટે આ વાત સાચી, પ્રવૃત્તિ માટે પણ આ વાત સાચી અને વ્યક્તિ માટે તો એકસો એક ટકા સાચી.

છોડવામાં અને અપનાવવામાં કોઈની શેહશરમ ન રાખી હોય ત્યારે જ સંપૂર્ણતા પ્રાપ્ત કરી શકીએ. મિત્રો-સ્નેહીજનોના પ્રેમાગ્રહને વશ થવાનો આનંદ હોય છે, ક્યારેક પોતાનું ધાર્યું કરવાનું છોડી દઈને બીજાને મનગમતું કરવાની પણ મઝા હોય છે. પરંતુ જીવનની પાયાની બાબતોમાં કે તમારું જીવન જેના પર ઊભું છે એવી તમામ બાબતોમાં તો ધાર્યું જ કરવું અને જે છોડવું છે તેને પૂરેપૂરું છોડી દેવું, જે અનિવાર્ય છે તેને સ્વીકારીને એને શ્રેષ્ઠતાની ટોચે લઈ જવું.

સાયલન્સ પ્લીઝ

ચિંતા કરવી એટલે ઈશ્વરે સર્જેલી વ્યવસ્થા પર શંકા કરવી.
_ઓશો રજનીશ

3 COMMENTS

  1. બહુ જ સરસ આર્ટિકલ. આપણા જેવા માટે છોડી દેવું જ શબ્દ બરાબર છે. મસ્ત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here