ગાઈડ: અંતિમ અધ્યાય

ગુડ મોર્નિંગસૌરભ શાહ

રાજુની આસપાસ જમા થતા માણસોની સંખ્યા હવે હજારોમાં થઈ ચૂકી હતી. પણ રાજુને પોતાને આસપાસની દુનિયાની કંઈ પડી નહોતી. દેશના આ હિસ્સામાં આજ દિન સુધી ક્યારેય આટલો માનવમહેરામણ ઊમટ્યો નહોતો. સૌ કોઈ વરસાદ માટે ઉપવાસ પર ઊતરેલા સ્વામીનાં દર્શન કરવા માગતું હતું. લોકો હાર્મોનિયમ અને તબલાંની સંગતમાં ભજન ગાતા હતા.

અગિયારમા દિવસની રાત્રે સૌ કોઈએ સમૂહ જાગરણ કર્યું. બારમા દિવસની પરોઢે સાડાપાંચ વાગ્યે સરકારી ડૉક્ટરોએ રાજુને તપાસીને પોતાની સહીથી હેડ ક્વાર્ટર્સમાં અરજન્ટ ટેલિગ્રામ મોકલ્યો: ‘સ્વામીની તબિયત ગંભીર છે. ગ્લુકોઝ અને સલાઈન લેવાની ના પાડે છે. તાત્કાલિક પારણાં કરાવવાની જરૂર છે. સલાહ આપવાની વિનંતી.’

આ તારનો સરકાર તરફથી કલાકમાં જ જવાબ આવ્યો: સ્વામીને બચાવી લેવા અત્યંત જરૂરી છે. એમને સહકાર આપવા સમજાવો. જાનને જોખમમાં ન મૂકે. ગ્લુકોઝ અને સલાઈન ચડાવવાની કોશિશ કરો. સમજાવો કે ઉપવાસ થોડા દિવસ પછી ભલે ફરી શરૂ કરો, અત્યારે પારણાં કરી લો.

ડૉક્ટરોએ સ્વામીને સમજાવવાનું કામ ભોલાને સોંપ્યું. ભોલાએ સ્વામી પાસે જઈ નીચા વળીને કહ્યું, ‘ડૉક્ટરો કહે છે કે…’

જવાબમાં રાજુએ ભોલાને વધુ નજીક બોલાવીને કહ્યું, ‘મારે ઊભા થવું છે, મદદ કર…’

ભોલાએ બીજા લોકોની મદદથી માંડ માંડ રાજુને ઊભો કર્યો. રાજુથી સંતુલન જળવાતું નહોતું. પણ રોજની જેમ આજે પણ એ નદી નજીકના ખાડામાં ઊભા રહીને વરુણ દેવતાની પ્રાર્થના કરવા માગતો હતો. ધીમા પગલે રાજુ આગળ વધ્યો. સૌ કોઈ એની પાછળ ચાલ્યું. પૂર્વના આકાશમાં લાલિમા પ્રગટી રહી હતી. રાજુ ચાલી શકતો નહોતો. એને હાંફ ચડતી હતી. છતાં એ એક પછી એક ડગલું ભરતો હતો. નદી કિનારે આવીને એણે એક ખાડામાં પગ મૂક્યા. એના હોઠ પર પ્રાર્થનાના શબ્દો ફફડ્યા. ભોલા અને બીજા એક માણસે એને પકડી રાખ્યો હતો. સૂર્યના પ્રકાશનું તેજ સમગ્ર આકાશને અજવાળી રહ્યું હતું. રાજુના પગ જવાબ દઈ રહ્યા હતા. એને પકડી રાખવો કપરું બની ગયું. એ ફસકી પડવાની તૈયારીમાં હતો. ધીમા સાદે એ બોલ્યો, ‘ભોલા, ટેકરી પર વરસાદ થઈ રહ્યો છે. આ તરફ આવી રહ્યો છે, મારે પગ ભીંજાઈ રહ્યા છે…’ રાજુ ફસડાઈને નીચે પડી ગયો.

* * *

મિત્રો, આર. કે. નારાયણની નવલકથા ‘ગાઈડ’ અહીં પૂરી થઈ જાય છે. તમે માર્ક કર્યું હશે કે ફિલ્મનો અંત અને નવલકથાનો અંત જુદાં છે. નવલકથામાં તમારી કલ્પના ઉપર લેખકે અંતને અધ્યાહાર રાખ્યો છે. વાચક ધારી લઈ શકે છે કે વરસાદ આવ્યો હશે, ન પણ આવ્યો હોય. વાચક ધારી લઈ શકે છે કે રાજુનું મૃત્યુ થયું હશે, ન પણ થયું હોય.

ફિલ્મનો અંત નિશ્ર્ચિત છે. વરસાદ પડે છે. રાજુ મૃત્યુ પામે છે. ફિલ્મમાં રોઝી તથા રાજુની માતા રાજુના ઉપવાસના સમાચાર જાણીને એને મળવા પહોંચી જાય છે, ગફૂર પણ આવી પહોંચે છે. નવલકથામાં ઉપવાસ વખતે રાજુને ન તો રોઝી મળવા આવે છે, ન રાજુની મા. ખુદ રાજુને રોઝી કે મા યાદ સુધ્ધાં આવતાં નથી.

ફિલ્મના અંતની એની પોતાની મઝા છે. મરતાં પહેલાં એક છેલ્લી વાર હીરો જો હીરોઈનને મળી લે તો પ્રેક્ષક તરીકે આપણને હાશ થાય. માતા પોતાના બિછડા હુઆ બેટાને જોઈ લે તો આપણને સંતોષ થાય. ઉપવાસી દીકરાની ચાકરી કરતી માતાને સંબોધીને દેવ આનંદ પોતાના લ્હજામાં જ્યારે કહે છે કે, ‘મા આઆઆ… સેવા તો મુઝે તુમ્હારી કરની ચાહિયે. જાઓ, જાકે સો જાઓ.’ ત્યારે આપણી આંખો જરૂર ભીંજાઈ જાય.

પણ ઓરિજિનલ નૉવેલનો એન્ડ વાસ્તવિક છે. જે રોઝી માટેના પ્રેમને કારણે રાજુએ બનાવટી સિગ્નેચર કરી તે રોઝી રાજુને જેલમાં બે વર્ષ દરમ્યાન મળવા પણ ન આવી, પોતાના શોઝ કરીને વધુને વધુ ખ્યાતિ-દામ પામતી રહી. જેેણે એને રોઝીમાંથી મિસ નલિની બનાવી એને જેલમાં સબડતો રાખીને પોતે જિંદગી માણવામાં ગળાડૂબ થઈ ગઈ. આવી વ્યક્તિને કોઈ પોતાની જિંદગીમાં ફરી પાછી લાવવા માગે? બિલકુલ નહીં. એને ભૂલી જવાની હોય. સગી માતા પણ દીકરાનાં અરમાનોને સાથે આપવાને બદલે, રોઝી સાથેની એની જિંદગી જીવતી વખતે આવતી અડચણો વખતે દીકરાની પડખે રહેવાને બદલે મામાને ત્યાં રહેવા જતી રહેતી હોય અને જેલના કમનસીબ દિવસોમાં સગા દીકરાને ભૂલી જતી હોય તો એવી માતાની યાદ પણ, ગમે એટલી દયાળુ-માયાળુ હોય તોય, રાજુને ન આવે એ સ્વાભાવિક છે.

મિત્રો, આ દીર્ઘ શ્રેણી દરમ્યાન તમે નોંધ્યું હશે કે પિક્ચરમાં નથી એવી જ બધી વાતો નવલકથામાંથી વીણી વીણીને એને એકસૂત્રે પરોવીને તમારી સમક્ષ મૂક્વાની જહેમત કરી છે. પિક્ચરમાં કેટલીક વાતો ઉમેરવામાં આવી છે, બદલવામાં પણ આવી છે. આમ છતાં નવલકથાનું હાર્દ, એની સેન્ટ્રલ થીમ, ફિલ્મમાં અકબંધ છે. એક મહાન નવલકથા પરથી એક મહાન ફિલ્મ બનાવવાનો કસબ શીખવા માટે ‘ગાઈડ’ ઉપયોગી છે. નવલકથાકાર આર. કે. નારાયણ અને દિગ્દર્શક-પટકથા લેખકસંવાદ-લેખક વિજય આનંદ – બેઉ મહાનુભાવોએ પોતાનો જીવ રેડ્યો છે ગાઈડમાં. નવલકથાકારે પોતાના સર્જનાત્મક એકાન્તમાં જે ગજબની સૃષ્ટિ રચી તેને પડદા પર બતાવવા કેટકેટલા નામી-અનામી લોકોએ દિવસરાત મહેનત કરી. દેવ આનંદે પ્રોડ્યુસર અને હીરો તરીકે વહીદા રહેમાને અભિનય અને નૃત્ય દ્વારા રોઝીના પાત્રમાં જાન રેડીને, કિશોર સાહુ જેવા ખતમીધર કળાકારે માર્કોના પાત્રને બખૂબી નિભાવીને આ ફિલ્મને યાદગાર બનાવી છે. અને ‘ગાઈડ’ને યાદગાર બનાવી છે ગીતકાર શૈલેન્દ્ર તથા એસ. ડી. બર્મનની જોડીએ જેમણે આ ફિલ્મ માટે ન ભૂતો, ન ભવિષ્યતિ એવાં ગીતો રચ્યાં છે. આ સદાબહાર ગીતો જો ફિલ્મમાંથી કાઢી લેવામાં આવે તો ‘ગાઈડ’નો અડધો ચાર્મ ઓછો થઈ જાય. માટે જ, આટલી લાંબી શ્રેણી પછી કમસે કમ એક લેખ તો લખવો જ પડે – ગાઈડનાં ગીતો વિશે. રવિવારે ‘સન્ડે મૉર્નિંગ’માં ગાઈડનાં એ ક્યારેય ન ભૂલાનારાં દરેક ગીત વિશે વાત કરીને આ શ્રેણીનું સમાપન કરીશું.

આજનો વિચાર

દિવાળીના રૉકેટ જોઈને ખબર પડી કે જીવનમાં ઊંચે જવું હોય તો બૉટલ વગર શક્ય નથી…

…ભર, તું ગ્લાસ ભર.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

પપ્પુ: મેં જબ પૈદા હુઆ થા તો મિલિટ્રીવાલોંને ઈક્કીસ તોપેં ચલાયી થી.

સૂરજેવાલા: કમાલ હૈ, માલિક!

સબકા નિશાના ચુક ગયા!

( મુંબઇ સમાચાર : સોમવાર, 22 ઓક્ટોબર 2018)

4 COMMENTS

  1. એકી સાથે આજે ઘણાં બધાં લેખો વાંચી લીધા. દરરોજ વાંચવાનો સમય નથી મળતો પણ સૌરભ ભાઈના લેખો વાંચવાના બાકી છે એ બાબત મગજના ખૂણામાં સતત રહેતી હોય છે. આટઆટલું સરસ વિવિધ વિષય ઉપર એટલું સરસ પીરસો છો કે લેખો વાંચવાનું વળગણ થઈ ગયું છે અને ના વંચાય ત્યાં સુધી જીવનમાં “કંઈક” ખૂટે છે એવો આભાસ રહેતો હોય છે. એક એક થી ચડિયાતા મૌલિક વિચારો અને દ્રષ્ટિથી ખુબ લાભાન્વિત થવાય છે. જય હો!

  2. Very good article . You inspire reader to view from different perspective . Please keep it on . Write more like this . You are Jewel…

  3. છેડછાડ ના બનાવો ની હાલમાં પુરબહાર મોસમ ચાલી રહી છે .
    વાહ દસ વર્ષ પહેલા થયેલી હરકત આજે જ યાદ આવી રહી છે.
    અને પોલીસખાતામા ફરીયાદ કરવા માટે પણ રહી રહીને દસ વર્ષ બાદ સમય મળ્યો ….
    વાહ મોદીજી વાહ
    કોંગ્રેસ ના સાસનમા બનેલા બનાવો અને આજનું આપનું સાસન !
    સાબીત કરી આપે છે.
    કે બોલવાની કે ફરીયાદ કરવાની પણ તક કોંગ્રેસ ના કાળમાં મળતી ના હતી અને જ્યારે ન્યાય પુર્ણ સાસન આવ્યું તો આક્ષેપ પણ ન્યાય ની તરફદારી અને તક આપનાર ની ઉપર જ કરવામા આવ્યો .
    વાહ ભારતના અક્કલ વગરના બુઘ્ઘીજીવીઓ
    આટલું બઘુ કર્યા પછી પણ તમે આ ભારતની ભુમી પર આનંદ થી એન્જોઇ કરી રહ્યા છો .
    (પરંતુ કેટલો સમય ? )
    સૌરભ ભાઇ આ આવા ઘોરખોદુ લોકો ક્યારેય પણ માણસાઈને સમજસો ખરા ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here