સ્ત્રીને અન્યાય ન થવો જોઈએ, પુરુષને પણ

તડકભડક: સૌરભ શાહ

(‘સંસ્કાર’ પૂર્તિ, ‘સંદેશ’, રવિવાર, ૨૧ ઑક્ટોબર ૨૦૧૮)

અન્યાય એ અન્યાય છે. કોઈ પણ પ્રકારનો અન્યાય હોય, કોઈનીય સાથે થતો હોય, આખરે એ અન્યાય જ છે જે ન થવો જોઈએ. આવું જ અપમાનનું છે. કોઈનુંય અપમાન ન થવું જોઈએ. દુનિયામાં બધા જ સમાજોમાં વત્તેઓછે અંશે અન્યાય તથા અપમાનો થતાં રહે છે. જે સમાજમાં ઓછામાં ઓછો અન્યાય થાય અને સૌનું આત્મસન્માન જળવાય તે સમાજને આપણે સુસંસ્કૃત સમાજ કહીએ છીએ.

પણ વિદેશી અસરને લીધે તેમ જ વામપંથીઓના, લેફટિસ્ટ અથવા સામ્યવાદીઓના કુપ્રચારને લીધે આપણે માની લીધું છે કે ભારતમાં સ્ત્રીઓ સાથે સૌથી વધુ અન્યાય થાય છે, સ્ત્રીઓનું સૌથી વધુ અપમાન થાય છે.

જો સરખામણી જ કરવી હોય તો કરીએ અને જાણીએ કે શું પુરુષો સાથે અન્યાય નથી થતો? સ્ત્રીની જેમ પુરુષોએ પણ અપમાનો સહન કરવાં પડતાં નથી? અન્યાય અને અપમાનની બાબતમાં સ્ત્રી અને પુરુષ એવા બે ભાગલા પાડવા જ ઉચિત નથી. પણ જ્યારે અમુક લોકોએ એવા ભાગલા પાડ્યા જ છે ત્યારે આપણે એમણે શરૂ કરેલા રાગનો આલાપ લઈને જ આ ગીત ગાવું પડશે.

દરેક કુટુંબમાં માતા જેટલીય પૂજનીય છે એટલા જ પૂજનીય પિતા છે. ઘર ચલાવવ માટે પુરુષ જ્યારે દુનિયામાં પગ મૂકે છે ત્યારે એની લાચારીનો લાભ લેવા માટે લોકો જડબું ફાડીને ઊભા હોય છે. રિકશાવાળા, શાકવાળા, વૉચમૅન અને ફેરી કરનારાઓથી માંડીને એસી ઑફિસમાં બેસીને વ્હાઈટ કૉલર જૉબ કરનારાઓ સુધીના દરેક પુરુષે નોકરીમાં કોઈને કોઈ રીતે શોષાવું પડતું હોય છે, બીજાઓ પોતાને અન્યાય કરી છે તે ચૂપચાપ સહન કરવું પડતું હોય છે, ઉપરીના-બોસના-શેઠિયાઓના અકારણ ગુસ્સા, તુમાખી, તોછડાઈના ભોગ બનવું પડતું હોય છે. પુરુષ આ અપમાન ચૂપચાપ ગળી જાય છે. એ આ અન્યાયો સામે બગાવત કરી શકતો નથી. કરવા જાય તો આજીવિકા ગુમાવી બેસે. કુટુંબ ભૂખે મરે.

પોતાનાં બૈરી-છોકરાં ભૂખે ન મરે એ માટે પુરુષ જગત આખાનાં અપમાનો-અન્યાયો આજીવન સહન કરતો રહે છે. પણ એના પ્રત્યે કોઈ સહાનુભૂતિ દેખાડતું નથી. સૌ કોઈને સહાનુભૂતિ પ્રગટ કરવાનું મન થાય છે માત્ર સ્ત્રીઓ માટે- ચાહે એ પરિવારમાં માતા હોય કે ઓફિસોમાં કે કામ કરવાની જગ્યાઓ પરની સ્ત્રીઓ હોય.

સ્ત્રીએ સમાજમાં, કુટુંબમાં કે આ દુનિયામાં જેટલાં અપમાન-અન્યાય સહન કરવાં પડે છે એટલાં જ અપમાન-અન્યાય પુરુષના ભાગે પણ આવે છે. શક્ય છે કે એ અપમાનો તથા અન્યાયોનો પ્રકાર ક્યારેક જુદો પણ હોય. પણ અન્યાય આખરે અન્યાય જ છે, આપમાન આખરે અપમાન જ છે.
સ્ત્રી તથા પુરુષને એક વ્યક્તિ તરીકે જોવાને બદલે સ્ત્રીને સ્ત્રી તરીકે તથા પુરુષને પુરુષ તરીકે જોવામાં આવે ત્યારે આ સૃષ્ટિનું સંતુલન ખોરવાઈ જાય છે. ફાઈટર જેટ ઉડાડવા કાબેલ બની ગયેલી સ્ત્રીને હજુય તમે અબળા કહેશો? હજુય તમે એને પુરુષ સમોવડી બનાવવાનાં ખ્વાબ જોયા કરશો? પુરુષ સમોવડી બન્યા પછી સ્ત્રીએ પોતાના સ્ત્રી હોવાપણા માટેનાં રોદણાં બંધ કરવાં પડે. ફાઈટર જેટ ચલાવવાની ક્ષમતા ધરાવવા જેટલી સ્ત્રીઓ કેટલી એવો પ્રશ્ન થાય તો એનો ઉત્તર છે કે ફાઈટર જેટ ચલાવવાની ક્ષમતા ધરાવતા પુરુષો કેટલા?

સ્ત્રી અને પુરુષ એવા બે ભાગમાં કૃત્રિમ રીતે વહેંચી નાખવામાં આવેલા સમાજમાં તમારે જો સાદા દેખાવું હોય અથવા તો પોલિટિકલી કરેક્ટ રહેવું હોય તો નારીશક્તિની વાતોનાં મંજીરાં વગાડવા પડે. વીમેન એમ્પાવરમેન્ટની વાતો કર્યા કરવી પડે. તથાકથિત બૌધ્ધિક કે ઈન્ટેલેક્ચ્યુઅલ ઘેટાંઓનાં ટોળામાં તમારે પણ ભળી જવું પડે. અન્યથા તમે પછાત ગણાઓ, પુરુષ તરીકે અહંકારી ગણાઓ. આવું વાતાવરણ પશ્ચિમની દેખાદેખી આપણે ત્યાં પણ ડાબેરીઓએ ઊભું કર્યું છે. લેફટિસ્ટોની આ લૉબી ગત સાત દાયકા દરમ્યાન એટલી પાવરફૂલ બની ગઈ કે ભારતીય કાયદાઓમાં પણ અનેક સુધારાવધારા કરીને એને પુરુષો માટે અન્યાયકર્તા બનાવી દેવામાં આવ્યા. આવા કાયદાઓનો સરિયામ દુરૂપયોગ થાય છે જેની સામે સુપ્રીમ કોર્ટે વારંવાર લાલ આંખ કરી છે છતાં તેનો દુરૂપયોગ થતો રહ્યો છે. સ્ત્રીના રક્ષણ માટે બનાવવામાં આવેલા ઘરેલુ હિંસા, દહેજ તથા બળાત્કારના કાયદાઓનો બેફામ દુરૂપયોગ પુરુષોની હેરાનગતિ માટે થઈ રહ્યો છે એની જાણ સ્ત્રી સંગઠનોને હોવા છતાં આ બાબતે તેઓ ચૂપ રહે છે. આને કારણે સમાજનું સંતુલન ઔર ખોરવાય છે. જે રોગનો યોગ્ય ઉપચાર ન થાય અને એને દબાવી દેવામાં આવે તો તે શરીરમાં કોઈક બીજા સ્વરૂપે, કોઈક નવા ઠેકાણે ફૂટી નીકળે છે. હૅશટૅગ મી ટૂ (#MeToo) આવા જ એક રોગનું નામ છે. જે મૂળ રોગનો ઈલાજ ન થવાને કારણે નવા સ્વરૂપે ફૂટી નીકળ્યો છે. વીસ વરસ પહેલાં તમે મને થપ્પડ મારી હતી એ વાતને અચાનક યાદ કરીને આજે હું તમારા મિત્રો વચ્ચે તમે મહેફિલ સજાવીને બેઠા હો ત્યારે તમને થપ્પડ મારી જઉં તો તમને કેવું લાગે? સૌથી પહેલાં તો મારે તમારા મિત્રો આગળ એ પુરવાર કરવું જોઈએ કે વીસ વરસ પહેલાં તમે મને થપ્પડ મારી હતી. પુરવાર કરવું જોઈએ. માત્ર મારા બોલેલા શબ્દો એ કંઈ પુરાવો ન કહેવાય. જો તમે થપ્પડ મારી જ હોય તો મારા ક્યા વર્તનને કારણે તમે એ થપ્પડ મારી હતી તેની વાત થવી જોઈએ. શક્ય છે કે મેં તમને ઉશ્કેર્યા હોય- માબહેનની ગાળો આપીને તમારું અપમાન કર્યું હોય, શક્ય છે કે મેં તમારી પાસેથી કોઈ રકમ ઊછીની લીધી હોય અને તમે કોઈ લિખાપટ્ટી કરી ન હોય અને વારંવારની ઉઘરાણી પછી, તમારી આર્થિક ભીડ હોવા છતાં હું એ રકમ તમને પાછી આપવામાં દરવખતે ગલ્લાંતલ્લાં-બહાનાબાજી કરતો હોઉં, શક્ય છે કે મેં તમારા કુટુંબની કોઈ વ્યક્તિ સામે અભદ્ર વર્તન કર્યું હોય- આ કે આવાં કોઈપણ વર્તનના જવાબમાં તમે મને થપ્પડ મારી હોય તે શક્ય છે. જો મને ખરેખર અન્યાય થયો હોય તો મેં તે જ વખતે તમને એ થપ્પડનો સામો જવાબ આપી દીધો હોત અથવા તો અઠવાડિયા પછી કે મહિનો વીતી ગયા બાદ લાગ જોઈને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હોત. શું મારે તમારા એ વર્તનનો બદલો લેવા બબ્બે દાયકા સુધી રાહ જોવી પડે? વીસ વર્ષ પછી જ્યારે હું જૂનો ઘા ખોતરું છું ત્યારે નક્કી એમાં કંઈક જુદો જ સ્વાર્થ ભળેલો હોવાનો. દાળમાં જરૂર કંઈક કાળું હોવાનું.

સ્ત્રી હોય કે પુરુષ- સાચું પૂછો તો અપમાનો અને અન્યાયોને પંપાળવાની, એના નામે સહાનુભૂતિ ઉઘરાવવાની કે સામાને બદનામ કરવાની દાનત જ ખોટી. અન્યાય કે અપમાન થાય ત્યારે હોહા કરવાને બદલે એને આપણા ઘડતરનો એક ભાગ ગણીને, જાતને વધુ મજબૂત કરવાની એક તક ગણીએ અને એવા બનીએ કે ફરી ક્યારેય કોઈ આંખ ઊઠાવીને આપણી સામે જુએ નહીં. સાઉથ આફ્રિકામાં ઘોડાગાડીમાં બેસતી વખતે કે ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પ્રવાસ કરતી વખતે ગાંધીજી પર જે અન્યાયો થયા તે પછી શું એમણે રોદણાં રડવાનું શરૂ કર્યું હતું કે મને અન્યાય થયો છે, મને સહાનુભૂતિ આપો, હું બીચારો છું, મારી દયા ખાઓ? ના, એમણે એ અન્યાય પરથી પાઠ લઈને પોતાની જાતને એવી મજબૂત બનાવી, એવી મજબૂત બનાવી કે આખા વિશ્વનો ઈતિહાસ બદલાઈ ગયો.

આજે કોઈ એકલદોકલ મોહનદાસનું જ નહીં ભારતના કોઈપણ નાગરિકનું વિદેશમાં અપમાન ન થઈ શકે એવા રાષ્ટ્રનું ઘડાતર થઈ રહ્યું છે તેના પાયામાં ગાંધીજીની અન્યાયનો સામનો કરીને પોતાની જાતને મજબૂત કરવાની આ જીદ છે. ગાંધીજીએ જો મી ટૂ જેવી કોઈ ચળવળ શરૂ કરી હોત તો આ દેશ હજુય અંગ્રેજો સામે નારાબાજી કરવામાંથી ઊંચો ન આવ્યો હોત.

અન્યાયો-અપમાનો તમારા ઘડતરનો એક ભાગ છે, તમારા વિકાસના માર્ગમાં આવતા પથ્થરો છે. કેટલાક લોકો એ પથ્થરો દૂર હટાવીને પોતાના તથા બીજાઓ માટેનાં વિશ્રામસ્થળો બાંધે છે. કેટલાક એ પથ્થરો પર પોતાનું માથું પટકતાં રહીને ‘અન્યાય’, ‘અપમાન’નાં હૅશટૅગ સાથેના નારાઓ લગાવતા રહે છે. નક્કી આપણે કરવાનું છે કે ધ્યેય સુધી સડસડાટ આગળ વધતાં રહેવું છે કે પછી બીજાઓનો વાંક કાઢીને છીએ ત્યાંના ત્યાં પડી રહેવું છે.

પાન બનાર્સવાલા

જે અન્યાય અને અપમાન તમે સહન કરવા નથી માગતાં તે અન્યાય અને અપમાનનો ભોગ તમારે કારણે બીજાએ બનવું પડે એવી પરિસ્થિતિ પેદા નહીં કરતા.

_ માર્ટિન લ્યુથર કિંગ

www.facebook.com/saurabh.a.shah

3 COMMENTS

  1. ખૂબ જ સરસ બ્લોગ..સચોટ અને વાસ્તવિક જીવન ઉપયોગી વાતો.

  2. ભારતમાં યુગોથી આજ સુધી સ્ત્રીને સમાન અથવા એથીય ઉપર સન્માનિય પૂજનીય ગણવામાં આવે છે.
    સ્ત્રીને હીન, તુચ્છ, સાધન વગેરે જે કઇપણ તે પશ્વિમની સાસ્ક્રૃત દૂન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here