કેટલીક અઘરી વાતો સમજવામાં સાવ સહેલી હોય છેઃ સૌરભ શાહ

(લાઉડ માઉથઃ બુધવાર, 27 ઑક્ટોબર, 2021)

કેટલીક જિજ્ઞાસા, કેટલાક પ્રશ્નોનું સમાધાન કરવા માણસ ક્યાં ક્યાં ભટકતો હોય છે. સો ગળણે ગાળીને જે વાતો સ્વીકારવાની અને જીવનમાં ઉતારવાની હોય એને ઘણી વખત આપણે કોઈનાથી અંજાઈને કે પછી આપણી ઉતાવળને કારણે યથાતથ સ્વીકારીને આપણું પોતાનું જ નુકસાન કરી બેસતા હોઈએ છીએ.

અહંકાર કે ઘમંડને આપણે ખોટી રીતે ‘અહમ’ કે ‘હું-પણા’ સાથે જોડી દેતા હોઈએ છીએ. અહંકાર જુદી વસ્તુ છે અને અહમ્ જુદી વસ્તુ છે. બંને વચ્ચે ઘણું મોટું અંતર છે. અહંકાર, આપણામાં રહેલા પોતાના વિશેના ખોટા ખ્યાલોનું પરિણામ છે, આપણી જીદનું પરિણામ છે, આપણા અજ્ઞાનનું પ્રદર્શન છે. આપણે જ્યારે આપણા વિશે, આપણી જે ઔકાત નથી એવો મત બાંધતાં થઈ જઈએ છીએ ત્યારે આ અહંકારનું–ઘમંડનું સર્જન થાય છે. અહંકારને ઓગાળવાનો નથી, એને લગામમાં પણ રાખવાનો નથી —એને જડમૂળથી ખતમ કરી નાખવાનો હોય. બહેતર છે કે એનું સર્જન જ ન થાય. અહંકારરહિત હોવું બહુ અઘરું કામ નથી. જરા સરખી સમજ એના ઉદગમસ્થાન વિશે આવી જાય તો કોઈ પણ મૅચ્યોર્ડ વ્યક્તિ અહંકારરહિત બની શકે અને ન બને તો જ્યારે એ ખત્તા ખાય, જ્યારે એને પોતાની હેસિયતનું ભાન થાય, એને વાસ્તવિકતાનો પરિચય થાય ત્યારે એનો અહંકાર ચૂરચૂર થઈ જાય. બીજા લોકોમાં આવું થતું જોયું હશે તમે. તમારી પોતાની સાથે પણ ક્યારેક ને ક્યારેક થયું હશે આવું.

કોઈક ખૂબ ઘમંડી છે એવું લાગતું હોય ત્યારે શક્ય છે કે તમને એની હેસિયત કેટલી મોટી છે એનો ખ્યાલ ન હોય પણ એને પોતાની ક્ષમતાનું ભાન હોય અને એ પોતાની ઔકાત મુજબ જ વર્તી રહ્યો હોય, જીવી રહ્યો હોય. તમને એની ઔકાત નાની છે એવું લાગતું હોય એટલે તમને એની વાણી, વર્તણૂક, લાઇફસ્ટાઇલમાં અહંકારી લાગતી હોય એવું બની શકે.

અહંકાર કે ઘમંડ જુદી વાત છે. આપણે અહીં અહમની વાત કરવાની છે જેને ઘણા લોકો ‘હું-પણું’ તરીકે ઓળખતા હોય છે.

અહમને ઓગાળવો એટલે શું? હું-પણું ઓછું કેવી રીતે થઈ શકે. અંગ્રેજીમાં કહેવાતું હોય છે કે તમારો ‘ I ‘ (આઇસક્રીમવાળો ‘ I ‘ ) કેપિટલ ન રાખો, એને મોટો ન રાખો, સ્મૉલ રાખો, આવો — ‘ i ‘ . ગુજરાતીમાં કહીએ કે જ્યાં ને ત્યાં તમે તમારો ‘હું’ વચ્ચે ન લઈ આવો, બાજુએ મૂકી દો. ‘હું’ને કારણે જન્મતા સ્વમાન કે આત્મસન્માનની વાત પછી કરીશું.

તો આ ‘હું’ શું છે? જન્મતાંની સાથે પૂર્વજોના ડીએનએ થકી આપણને જે કંઈ મળ્યું એમાં આજુબાજુના વાતાવરણે જે કંઈ ઉમેર્યું અને આપણે જાતે પ્રયત્નો કરીને જે કંઈ ઉમેર્યું એ તમામનો સરવાળો એટલે ‘હું’. આ ‘હું’ને આપણે વળગી રહીએ છીએ ત્યારે બેમાંથી એક વાત સર્જાય છે. ક્યારેક ‘હું’ને વળગી રહેવાથી આપણે આપણા નવા, મૌલિક, દુનિયામાં ક્યારેય ન સર્જાયેલ વિચારોને આકાર આપી શકીએ છીએ. અને ક્યારેક આ ‘હું’માં કોઈ બદલાવ નહીં જ કરું એવી જીદને કારણે આપણે જમાના સાથે કદમ મિલાવતાં થાકી જઈએ છીએ, પાછળ રહી જઈએ છીએ. સ્વમાન કે આત્મસન્માન વિશેના ગલત ખ્યાલો આપણને પછાડી દે છે, તોડી નાખે છે.

જો આપણે સમજી શકતા હોઈએ કે આ ‘હું’ અત્યાર સુધીમાં આપણામાં ઉમેરાયેલી અનેક બાબતોનો સરવાળો છે તો સમજાશે કે જેને લઈને આપણે જીદ કરી બેસીએ છીએ એ ‘હું’નું કોઈ કાયમી સ્વરૂપ તો છે જ નહીં. જેમ આપણામાં સતત નવું નવું ઉમેરાતું રહે છે, ક્યારેક તો આપણા કોઈ સભાન પ્રયત્નો વિના ઉમેરાતું રહે છે, એમ આપણામાંથી સતત કંઈકને કંઈક બહાર પણ નીકળતું રહે છે, ઓછું થતું જાય છે — આપણા કોઈ સભાન પ્રયત્નો વિના જ.

આ ઉમેરા–ઘટાડા જો કોઈ પ્રયત્નો વિના થતા હોય તો એને પ્રયત્નપૂર્વક પણ લાવી શકીએ છીએ. સભાન રહીને આપણે આપણામાં કશુંક ઉમેરી શકીએ છીએ, એટલું જ નહીં સભાન રહીને કશાકની બાદબાકી પણ કરી શકીએ છીએ.

દુનિયા સાથેના વ્યવહારોમાં કે પછી ગમતી વ્યક્તિ સાથેના વર્તનમાં ‘હું’ વચ્ચે આવતો હોય તો એ ‘હું’ને ઓગાળી શકીએ છીએ, બદલી શકીએ છીએ. સ્વમાન કે આત્મસન્માનના ખોટા ખ્યાલો ત્યજીને કેટલાક આગ્રહો જતા કરી શકીએ છીએ, બીજાના આગ્રહોને અનુસરી શકીએ છીએ. સ્વમાન અને આત્મસન્માનની સાંકડી વ્યાખ્યાઓ જે મગજમાં ઘર કરી ગઈ છે એને નવેસરથી સંવારી શકીએ છીએ.

આગ્રહો જતા કરવા એટલે પાયાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને તકવાદી બની જવું એવું નહીં. ‘હું’ શેનો બનેલો છું તેનું જ્ઞાન થયા પછી જીવનની ઘણી બધી અડચણો આપમેળે દૂર થઈ જવાની. જીવન વધુ સરળ કે ઓછું અઘરું લાગવાનું. ‘હું’નો ભાર હળવોફુલ થઈ ગયા પછી આ પ્રવાસનો આનંદ બમણો થઈ જવાનો. નદીના પ્રવાહની જેમ ‘હું’માં સતત બદલાવ આવતો રહે છે. આવું થાય તો જ નદીના જળની જેમ ‘હું’ પણ હંમેશ માટે તાજગીભર્યો રહે, બંધિયાર ન થઈ જાય. આ જીવન દરેક સેકન્ડે બદલાતું રહે છે — કશુંક ઉમેરાતું રહે છે એમાં, કશુંક બહાર ફેંકાતું રહે છે એમાં. ‘હું’ને જડ ન બનવા દેવો હોય, ‘અહમ’નો ભાર ઘટાડી નાખવો હોય, પરિસ્થિતિ સાથેનાં અને વ્યક્તિઓ સાથેનાં ઘર્ષણો ટાળવાં હોય તો ‘હું’માં કશુંકને કશુંક ઉમેરતા રહીએ અને એમાંથી જેની આવશ્યક્તાઓ પૂરી થઈ ગઈ હોય એની બાદબાકી કરતા રહીએ. અહમને ઓગાળતા રહીએ.

આ સાવ સરળ લાગતી વાત અઘરી દેખાય છે કારણ કે અત્યાર સુધી એને ગૂંચવાડાભરી રીતે, આપણા માથા પરથી બમ્પર જાય તે રીતે, સમજાવવામાં આવી હતી. જીવનની તમામ વાતો સરળતમ છે. ક્યાંય કશું અઘરું નથી સમજવાનું. કુદરત પોતે જ સાવ સરળ છે. જીવનની સરળ વાતોને ગૂઢ બનાવી દેવાનું ચક્કર બે પ્રકારના લોકો કરતા હોય છે. એક, એવા લોકો જેઓ પોતે જ આ વાતોમાં ઊંડા ઊતર્યા નથી. પોતાની સમજણશક્તિ ઓછી છે એટલે આ વાતોને સમજી શક્યા નથી. માટે તેઓ મૂળ વાતની ગોળગોળ ફરીને તમને પણ એ ચક્કરમાં નાખી દે છે. તથ્ય તમારા સુધી નથી પહોંચતું કારણ કે જે આ બાબતો સમજાવે છે એમના સુધી જ એ તથ્ય પહોંચ્યું નથી હોતું.

બીજા એવા લોકો છે જેઓ સમજી ગયા છે કે આ વાતો સરળ છે પણ જો તેઓ તમને કહી દેશે કે આ બધું સરળ છે અને જો તમે એ સમજી જશો તો એમનું મહત્ત્વ તમારી આંખોમાં ઘટી જશે. તેઓ સરળ વાતોને ભારેખમ બનાવીને, ગૂંચવી નાખીને તમારી સમક્ષ મૂકશે તો જ એમનો કારોબાર ચાલશે.

‘હું’ જડ નથી. એનો વિસ્તાર શક્ય છે અને એને ઓગાળી નાખવો પણ આસાન છે. માત્ર એટલું જ યાદ રાખવાનું કે આ ‘હું’માં શું શું અત્યાર સુધી ઉમેરાયું છે. અને નક્કી કરવાનું કે હવે પછી તમારે એમાં શું ઉમેરવું છે, શું બાદ કરવું છે.

‘હું-પણા’ને સમજવા કે ‘અહમ’ને ઓગાળવા બીજા કોઈ ચક્કરમાં પડવાની જરૂર નથી.

સાયલન્સ પ્લીઝ!

દરેક કામ એવી શ્રદ્ધા સાથે કરો કે આ કાર્યથી દુનિયામાં ફરક પડવાનો છે. પડશે ફરક.

—અજ્ઞાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here