સરદાર વલ્લભભાઈ પટેલની જેલયાત્રાઓ : સૌરભ શાહ

(‘તડકભડક’ : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. 31 ઑક્ટોબર,રવિવાર 2021)

સરદાર પટેલ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વખત જે વિધાન કર્યું હતું તે કેટલાક લોકોને નહોતું ગમ્યું. ગાંધીજીની દાંડી કૂચ માટે જનજાગૃતિ લાવવામાં અને આ આખીય યાત્રાની પૂર્વતૈયારી કરવામાં સરદારનો કેટલો મોટો ફાળો હતો એની એમણે યાદ અપાવી હતી. પ્રસંગ હતો દાંડી માર્ચની 89મી જયંતિનો. બે-અઢી વર્ષ પહેલાંની આ વાત. ગાંધીજીના મીઠાના સત્યાગ્રહની વાત કરતી વખતે આઝાદી પછી ફૂટી નીકળેલા મોટાભાગના ઇતિહાસકારોએ આ એક મહત્ત્વની ચળવળમાં સરદારના પ્રદાન વિશે બહુધા મૌન સેવ્યું છે કે અછડતા ઉલ્લેખો કરીને આટોપી લીધું છે.

એ વાત ખરી કે ગાંધીજી જ્યારે મીઠું પકવીને, એના પરનો કરવેરો બ્રિટિશ સરકારને ન આપીને સવિનય કાનૂન ભંગ કરવાની યોજના તૈયાર કરી રહ્યા હતા ત્યારે સરદારે સૂચન કર્યું હતું કે એના કરતાં સરકારને મહેસૂલ નહીં આપવાની ચળવળ વધારે અસરકારક રહેશે. સરદારનું સૂચન પ્રેક્ટિકલ હતું, પ્રજાની સાથે જોડાયેલું હતું. ગાંધીજીની દાંડી યાત્રા પ્રતીકાત્મક હતી પણ એના સ્વરૂપને લીધે ખાસ્સી ન્યુઝવર્ધી હતી. મહેસૂલવિરોધી આંદોલનમાં ફોટો ઑપોર્ચ્યુનિટી ક્યાંથી હોય. સરકારનું નાક દબાવવા માટે મહેસૂલવિરોધી આંદોલન વધુ અસરકારક નીવડે એવું સરદાર પોતાના અનુભવે જાણતા હતા. સરદારને બે વર્ષ પહેલાંના બારડોલીના સત્યાગ્રહનું નેતૃત્વ કરવાનો અને એને સફળતા અપાવવાનો અનુભવ હતો. એ સત્યાગ્રહને કારણે જ તેઓ ‘સરદાર’નું બિરૂદ પામ્યા અને રાષ્ટ્રીય કક્ષાના નેતા તરીકે સ્થપાયા. એમને બિરદાવતાં ગાંધીજીએ કહ્યું હતુઃ ‘વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત. એટલો બધો શુભ અનુભવ મને એ ભાઈથી થયો છે.’

ગાંધીજીના રાજકીય જીવનમાં અને એમની રાષ્ટ્રીય ચળવળોની સફળતાઓમાં સરદારનો કેટલો મોટો ફાળો છે એવા ઐતિહાસિક તથ્ય નીચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંડરલાઇન કરે અને કેટલાકને એ ન ગમે તો એવા સંકુચિત લોકોનું આપણને કંઈ કામ નથી.

પછીથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર, 1930ની 12મી માર્ચે શરૂ થનારી ગાંધીજીની દાંડી કૂચને રોકવા માટે બ્રિટિશ હકૂમત પાસે કોઈ રસ્તો નહોતો, સિવાય કે એક — સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ. 8મી માર્ચે ગાંધીજી દાંડીયાત્રાની સત્તાવાર જાહેરાત કરે તે પહેલાં ગાંધીજીના અનુયાયીઓ અને સરકાર, પોલીસ સહિત સૌ કોઈને ખબર હતી કે નમકનો સત્યાગ્રહ થવાનો છે. દાંડીયાત્રાના માર્ગમાં આવતાં ગામોમાં જનજાગૃતિ લાવવા માટે ગાંધીજી કરતાં સરદારનો શબ્દ વધારે અસરકારક હતો. મહેસૂલનો સત્યાગ્રહ કરવાને બદલે નમકનો સત્યાગ્રહ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું એટલે સરદાર પોતાના સૂચનને તરત પાછું ખેંચી લઈને ગાંધીજીના નેતૃત્વ હેઠળ તનમનધનથી દાંડીયાત્રા માટેના આયોજન માટે દિવસ-રાત મહેનત કરવા લાગ્યા. ગામે ગામ જઈને સરદાર લોકોને કહેવા લાગ્યાઃ ‘સરકારે જમીન ઉપરાંત હવે (સમુદ્રના) પાણી પર પણ વેરો નાખ્યો છે, કાલ ઊઠીને તમારે હવા પર પણ કર ભરવો પડશે.’

ગાંધીજીની દાંડીયાત્રા રોકવા માટે સરદારને રોકવા અનિવાર્ય હતા જેથી વધુ લોકો એમાં ના જોડાય. પણ સરદારે પોતાનું કામ સમયસર પૂરું કરી નાખ્યું હતું. હવે દાંડી યાત્રાની સફળતા નિશ્ચિત હતી. 7મી માર્ચે સરદાર બોરસદ તાલુકાના રાસ ગામે પ્રવચન કરતા હતા. સ્થાનિક મેજિસ્ટ્રેટે મનાઈ હુકમ જાહેર કર્યો હોવા છતાં આ પ્રવચન ગોઠવાયું હતું. બ્રિટિશ સરકારની પોલીસનું ટોળું ત્રાટક્યું અને સરદારની ધરપકડ કરવામાં આવી. એમને તાબડતોબ અમદાવાદ લઈ જઈને સાબરમતી રેલવે સ્ટેશનની નજીક આવેલી સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા.

પોતાની ધરપકડ દ્વારા ગાંધીજીની દાંડીયાત્રાનું ભવિષ્ય જોખમમાં મૂકવાની સરકારની ચાલથી સરદાર વ્યથિત હતા. ગાંધીજી પોતાના સાથ વિના ક્યાંક એકલા ન પડી જાય તેનું સરદારને ભારે દુઃખ હતું.

7-3-1930ના શુક્રવારથી સરદારે પોતાની જેલયાત્રાની ડાયરી લખવાનું શરૂ કર્યું એમાં પહેલા દિવસની નોંધ છેઃ ‘રાતના આઠ વાગ્યે સેન્ટ્રલ જેલ સાબરમતીમાં, બોરસદથી ડે.સુ.મિ. બીલીમોરિયા મૂકી ગયા. પકડતાં તેમજ છૂટા પડતાં ખૂબ રોયો. રસ્તામાં ખૂબ ભલમનસાઈથી વર્ત્યો. રાતે જેલમાં ક્વૉરેન્ટિન વૉર્ડ કહે છે તેમાં રાખ્યો. ત્યાં ત્રણ કામળી આપવામાં આવી. તે પાથરી સૂઈ રહ્યો.’

પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ મિસ્ટર બીલીમોરિયા દ્વારા ધરપકડ થઈ ત્યારે સાથીઓથી છુટા પડતી વખતે સરદારની આંખમાં આંસુ હતાં. ધરપકડ થવાને કારણે નહીં, જેલમાં રહેવું પડશે એ વિચારીને નહીં. પોતાના વિના આ જનઆંદોલનનું શું થશે, પોતાના સાથીઓનું શું થશે, ગાંધીજીનું શું થશે, સ્વતંત્રતાની ચળવળનું શું થશે એ વિચારથી વજ્ર જેવી છાતી ધરાવતા લોખંડી પુરુષનું હૈયું ભરાઈ આવ્યું હતું. પોતાના હસ્તાક્ષરે લખાતી ડાયરીમાં એ વિશે નોંધ કરવામાં એમને કોઈ સંકોચ નહોતો. વજ્રાદપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદપિનું આવું સાક્ષાત સ્વરૂપ સજ્જનો અને અસાધારણ વ્યક્તિઓમાં જ જોવા મળે.

સરદારને બોરસદથી અમદાવાદ – સાબરમતી લાવતાં આઠ વાગી ગયા. સાંજે છ વાગ્યા પછી જેલની બધી જ બૅરેક અને ખોલીઓને તાળાં લાગી જાય જે સવારે સૂર્યોદય પછી જ ખુલે. જે કેદીઓ કોર્ટની કાર્યવાહી લાંબી ચાલવાને કારણે જેલમાં મોડા પહોંચે અથવા જે કેદીઓની ધરપકડ જ એવા સમયે થઈ હોય કે એમને સાંજના છ પહેલાં જેલમાં પહોંચાડવાનું શક્ય ન હોય એ કેદીઓને જેલના ‘આફ્ટર’ યાર્ડમાં રાખવામાં આવે. આફ્ટર અવર્સમાં આવેલા કેદીઓ માટેની આ નિયત જગ્યા વાસ્તવમાં જેલના સૌથી ખૂંખાર કેદીઓની બૅરેક હોય જેમાં 302માં સજા પીળી ટોપીવાળા આજીવન કેદીઓ હોય અથવા અન્ય કોઈ એવા જ ગંભીર ગુના હેઠળ સજા કાપી રહેલા ખતરનાક કેદીઓ હોય. બ્રિટિશ જમાનામાં એ વૉર્ડ ‘ક્વૉરન્ટાઇન’ વૉર્ડ તરીકે ઓળખાતો હશે એની જાણ સરદારની જેલ ડાયરી પરથી થાય.

બીજે દિવસે શનિવાર હતો. 8-3-1930ના રોજ લખેલી નોંધમાં સરદાર લખે છેઃ ‘સવારે ઊઠતાં આસપાસ બધે કેદી જોયા. પાયખાનામાં જવા માટે બે-બેની હારમાં બેઠેલા. એક જ પાયખાનું હતું. એકમાં જવાનું ને બીજામાં પાણી લેવાનું (ધોવા માટેનું). આ નવો જ અનુભવ હતો. એટલે આપણે તો વિચાર જ માંડી વાળ્યો. પેશાબને માટે સામે જ ખુલ્લામાં એક કૂંડું મૂકેલું હતું. તેમાં જેને જવું હોય તે બધા જ ઊભા ઊભા પેશાબ કરે. આજુબાજુ કેદી, વૉર્ડર, પોલીસ ફરતા જ હોય. એટલે એ ક્રિયા કરવાની પણ હિંમત ન ચાલી. લીમડાના સુંદર ઝાડમાંથી વૉર્ડરે દાતણ કાપી આપ્યું એટલે દાતણ કર્યું. કેટલાક ઓળખાણવાળા કેદીઓ નીકળવા લાગ્યા…’

સરદારને ક્વૉરન્ટાઇન વૉર્ડમાંથી જે બૅરેકમાં રાખવામાં આવ્યા એમાં બીજા પાંચ કેદી હતા. એકને પોતાના દીકરાના ખૂનના આરોપસર દસ વર્ષની સજા થયેલી. બીજો ચોરી કરતાં પકડાયેલો. ત્રીજો ખૂની હતો… એક કેદી તો લૂંટ, ધાડ, ખૂન વગેરેના 56 ગુના માટે દોઢસોની એક ટોળી પકડાયેલી એમાંનો એક હતો. એને દસ વર્ષની સજા થયેલી જેમાંથી પાંચ વર્ષ તો ભરી દીધેલાં.સરદાર સહિતના આ કેદીઓ ઉપર બે મુસલમાન વૉર્ડરો હતા. બેઉ ખૂનના ગુનામાં સજા કાપી રહેલા. આ બેમાંનો એક પોલીસને છરી હુલાવવાના ગુનામાં પાંચ વર્ષની સજા પૂરી કરીને છૂટ્યા પછી બીજી વખત નવો ગુનો કરીને જેલમાં આવેલો.

દાંડી યાત્રાના બે દિવસ પહેલાં, સોમવાર 10 માર્ચના રોજ બપોરે મહાદેવ દેસાઈ અને આચાર્ય કૃપાલાની સરદારને મળવા જેલમાં આવ્યા. બારમી માર્ચની રોજનીશીનું પાનું આ શબ્દોથી શરૂ થાય છેઃ ‘સવારના ચાર વાગ્યે ઊઠી પ્રાર્થના કરી. ગીતા વાંચી. આજે છ-સાડા છ વાગ્યે બાપુ આશ્રમમાંથી નીકળવાના તે યાદ કરી, ખાસ ઇશ્વર સ્મરણ કરી તેમની સફળતા માટે પ્રભુની સહાયતા માગી…’

પંદર દિવસમાં જ પંચાવન વર્ષની ઉંમરના સરદારનું વજન દોઢેક કિલો જેટલું ઘટી ગયું. જેલનો ખોરાક સરદારને ખૂબ તકલીફ આપતો હતો. એમનું પાચનતંત્ર આમેય ખોરવાયેલું રહેતું. સરદાર પર જે કેસ ચાલ્યો તેમાં સરકાર પક્ષે કોઈ સાક્ષીઓ નહોતા, સરદાર માટે કોઈ વકીલ નહોતો, કેસની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરવા માટે પત્રકારોને કોર્ટમાં હાજર રહેવાની છૂટ નહોતી.

સાબરમતીમાં ત્રણ મહિનાનો કારાવાસ ભોગવીને સરદાર છૂટ્યા એ પછી મુંબઈમાં એક જનસરઘસનું નેતૃત્વ કરતી વખતે ફરી પકડાયા.
ગોળમેજી પરિષદમાં હાજરી આપીને ગાંધીજી વિલાયતથી પાછા ફર્યા એ પછી, જાન્યુઆરી 1932માં ગાંધીજી અને સરદાર – બેઉની ધરપકડ થઈ. બેઉ મહાન નેતાઓને પૂણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યા. આ લાંબા કારાવાસ દરમ્યાન બેઉ નેતાઓ એકબીજાની વધુ નિકટ આવ્યા, બેઉ એકમેકને વધુ સારી રીતે સમજતા થયા. ગાંધીજી પાસે સરદાર સંસ્કૃત શીખતા. સરદારની નાનીમોટી રમૂજોથી વાતાવરણ હળવું થતું. મહાદેવ દેસાઈની પણ ધરપકડ થઈ હતી. મહાદેવભાઈની ડાયરીમાં બંને નેતાઓની વાતચીતોની ઘણી વિગતો નોંધાયેલી છે. એ પછી સરદારને યરવડામાંથી નાસિકની જેલમાં ખસેડવામાં આવ્યા. જુલાઈ, 1934માં એમને છોડવામાં આવ્યા.

1940માં સરદારને ફરી એક વાર જેલની સજા થઈ. 9 મહિનાના કારાવાસમાં એમણે દસેક કિલો જેટલું વજન ગુમાવ્યું.

નાદુરસ્ત તબિયત હોવા છતાં ૧૯૪૨ના ‘ભારત છોડો’ આંદોલનને વેગ આપવા સરદાર ઠેર ઠેર પ્રવચનો આપવા જતા. એમના જોશભર્યા અને લાગણીભર્યા પ્રવચનો સાંભળીને લાખો ભારતીયો અંગ્રેજ સરકારને ઉથલાવી નાખવાના મનસુબા સાથે સરદારની સાથે જોડાયા. 7 ઑગસ્ટ 1942ના દિવસે સરદારે મુંબઈના ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીકના ગોવાલિયા ટૅન્કની સભામાં એકઠી થયેલી એક લાખની મેદનીને સંબોધી. નવમી ઑગસ્ટે એમની ધરપકડ થઈ. લગભગ ત્રણ વર્ષ સુધી અહમદનગરની જેલમાં રાખવામાં આવ્યા. 1945ની 15મી જૂને એમને છોડવામાં આવ્યા ત્યારે અંદરખાનેથી ખબર પડી ગઈ હતી કે બ્રિટિશ સરકારને ભારતમાંથી બિસ્તરાં પોટલાં સંકેલવાની તૈયારીઓ કરવાનો આદેશ અપાઈ ચૂક્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલને જેટલી વખત જેલમાં પૂરવામાં આવ્યા એટલી વખત એમણે બહાર નીકળીને બમણા જોરથી સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો. સરદારના લોખંડી મનોબળને બ્રિટિશ હકૂમત તોડી શકી નહીં. સરદારની જેલયાત્રાઓ એમના આંતરિક વિકાસની યાત્રાઓ પણ પુરવાર થઈ. જેલમાં વીતાવેલા એકાંત સમયની સાધના દરમ્યાન જે ચિંતન કર્યું તેનો અમલ એમણે બહાર આવીને કર્યો. સરદારના એ પરિપક્વ ચિંતનનો જ પ્રતાપ છે કે આજે ભારતનાં 565 નાનાંમોટાં રાજ્યો એક થઈને ભારતને વિશ્વની મહાસત્તા બનાવી રહ્યા છે.

31મી ઑક્ટોબરની તારીખે સાત વર્ષ પહેલાં નહીં, પરંતુ 1950માં એમના અવસાન પછી તરત જ, ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવાનું શરૂ થઈ જવું જોઈતું હતું. સરદારની અવગણના કરીને ખૂબ સહન કર્યું છે આ દેશે. સરદારના વિચારોને સમજીને, એ વિચારોને બમણા જોરથી આગળ વધારીને ભૂતકાળમાં થયેલા નુકસાનનું સાટું વાળી દેવાનો સંકલ્પ કરવાનો આ દિવસ છે.

પાન બનાર્સવાલા

‘ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના. નિત્યક્રમ. સુરતથી રામદાસ અને બીજા આઠ મળી નવ કેદી આવ્યા. તેમને સાથે રાખવા ગોઠવણ કરી. એકંદર 44 થયા. કમિશનર ગૅરેટ દસ વાગ્યે આવ્યો. તેને સુપરિન્ટેન્ડન્ટ લઈ આવ્યો હતો. કલેક્ટર, કમિશનર આવે ત્યારે દરેક કેદી પોતાની કોટડીના બારણા પાસે સીધો ઊભો રહે એવી માગણી સુપરિન્ટેન્ડન્ટ અમારી પાસે કર્યા કરતો હતો. મેં તેની સાફ ના પાડી અને સંભળાવી દીધું કે માનભંગ થાય એવી કોઈ જાતની સ્થિતિને અમે તાબે થવાના નથી. સભ્યતા અગર વિવેકમાં અમે મૂકવાના નથી. પણ સ્વમાનનો ભંગ કરનારી એવી કોઈ વાતો અમે સ્વીકાર કરવાના નથી…’

—સરદાર વલ્લભભાઈ પટેલ (11-4-1930ના રોજ લખેલી જેલ ડાયરીનું પાનું)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here