આજે #બાળદિન જ શું કામ: સૌરભ શાહ

આજના દિવસ સ્પેશિયલ Saurabh Shah નો 2017માં લખેલો “બાલ દિન” વિશે નો લેખ…

( મુંબઇ સમાચાર : મંગળવાર, 14 નવેમ્બર 2017)

પંડિત નેહરુના જન્મદિવસને બાળદિન તરીકે ઉજવવા પાછળ કૉન્ગ્રેસીઓનું કોઈ લૉજિક નથી, ગતકડું જ છે.

સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને, પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં તર્ક છે. રેંટિયા બારસ પાછળ પણ લૉજિક છે. ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ કહીએ તે પણ ચાલો, સ્વીકારી લઈએ.

પણ બાળદિન? ચાચા નેહરુને બાળકો પ્યારાં હતાં એટલે બાળદિન? ગાંધીજીને બાળકો પ્યારાં નહોતાં? સરદાર પટેલથી માંડીને બીજા અનેક દેશનેતાઓને બાળકો પ્યારાં હતાં જ.

નેહરુએ વિશેષ શું કર્યું બાળકો માટે જે અન્ય કોઈ નેતા ન કરી શક્યું હોત? પણ અચકનના ગાજમાં ખોસવામાં આવતા લાલ ગુલાબની જેમ નેહરુના ઈમેજ મેકિંગની એક્સરસાઈઝરૂપે ગોઠવી દેવાયું કે ચાચા નેહરુને બાળકો પ્યારાં હતાં એટલે એમની જન્મતિથિ બાળદિન તરીકે ઉજવાશે.

ધિસ શોઝ કે નેહરુનો જન્મદિન અન્ય કોઈ રીતે કૉન્ગ્રેસીઓ ઉજવી શકે એમ જ નહોતા. નેહરુએ જો રાષ્ટ્રમાં વિજ્ઞાનના વિકાસ માટે કામ કર્યું હોત તો આજનો દિવસ વિજ્ઞાનદિવસ તરીકે ઉજવાત. નેહરુએ રાષ્ટ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરીને એ દિશામાં વિરાટ પગલાં લીધાં હોત તો આજનો દિવસ રાષ્ટ્રઘડતર દિન તરીકે ઉજવાતો હોત. નેહરુએ ભારતના કૃષિ ક્ષેત્રે જેન્યુઈન ધ્યાન આપીને સમૂળગી ક્રાન્તિ કરી હોત તો આજના દિવસને કૉન્ગ્રેસીઓ કિસાનદિન તરીકે ઉજવવાનું ચૂકતા ન હોત. નેહરુએ જો ભારતના સંરક્ષણ માટે કાળજી રાખી હોત તો આજનો દિવસ જવાનદિન તરીકે ઉજવવાની મઝા આવતી હોત. નેહરુએ જો પોતાના સાથીઓને કન્ટ્રોલમાં રાખીને અને દેશની બ્યૂરોક્રસીમાં સોપો પડી જાય એવા પગલાં લઈને પોતાના કાર્યકાળ દરમિયાન દેશને ભ્રષ્ટાચાર મુક્ત કર્યો હોત તો આપણે આજે ૧૪મી નવેમ્બરના દિવસને એન્ટિકરપ્શન ડે તરીકે ઉજવતા હોત.

પણ નેહરુએ આ કે આવાં કોઈ કરવાં જેવાં કામો કર્યા નહીં એટલે એમના અનુગામી કૉન્ગ્રેસીઓ બાળદિનનું ગતકડું ગોતી લાવ્યા અને આપણે પણ કંઈ પૂછ્યા-જાણ્યા વગર ચિલ્ડ્રન્સ ડે મનાવતા થઈ ગયા.

નેહરુના ખભે આ દેશના ઘડતર માટે જે જવાબદારીઓ હતી એમાં તેઓ સદંતર નિષ્ફળ ગયા તેનો પુરાવો એમનો જન્મદિવસ અન્ય કોઈ નામે નહીં, પણ બાળકો પ્રત્યેના પ્રેમના નામે ચડાવી દેવામાં આવ્યો છે, એમાંથી મળે છે.

નેહરુને બાળકો પ્રત્યે જરૂર પ્રેમ હતો—ટુ બી પ્રિસાઈસ પોતાના બાળક પ્રત્યે. પોતાની દીકરી પ્રત્યે. વડા પ્રધાન બન્યા પછી એમણે ઈન્દિરાને સત્તાના માહોલમાં રાખીને ટ્રેઈન કર્યાં. પોતાના મૃત્યુ પછી દીકરી જ સત્તાની લગામ સંભાળી લે એવી એમની ભડભડતી ઈચ્છા આડે મોરારજી દેસાઈ સહિતના ઘણા કૉન્ગ્રેસીઓ આવ્યા. લાલ બહાદુર શાસ્ત્રી માંડ દોઢ વર્ષ ભારતના વડા પ્રધાનપદે રહ્યા. ૯ જૂન, ૧૯૬૪થી ૧૧ જાન્યુઆરી, ૧૯૬૬ સુધી. શાસ્ત્રીજી અત્યંત સ્વચ્છ, પ્રામાણિક પણ સાવ નિસ્તેજ અને અસરહીન નેતા હતા. એમના આઘાતજનક અવસાન પછી મોરારજી દેસાઈ જ વડા પ્રધાન બનવા જોઈતા હતા, પણ પીઢ કૉન્ગ્રેસીઓને ગૂંગી ગુડિયાની ઈમેજ ધરાવતાં ઈન્દિરા ગાંધી પ્રાઈમ મિનિસ્ટર બને એમાં વધારે રસ હતો જેથી તેઓ પોતાની મરજી મુજબ નેહરુપુત્રીને નચાવીને પોતાનાં સ્વાર્થો સિદ્ધ કરી શકે. પણ ઈન્દિરા ગાંધી શ્રુડ હતાં, મહા શાણાં હતાં. તેઓ પીએમ મનમોહનસિંહની જેમ કઠપૂતળી બનવા તૈયાર નહોતાં. આફ્ટર ઑલ તેઓ એક તુંડમિજાજી પિતાનાં તુંડમિજાજી પુત્રી હતાં. તુમાખી એમને વારસામાં મળી હતી. મેનિપ્યુલેશન એમના લોહીમાં હતું. એટલે જ વડાં પ્રધાન બન્યાંના ત્રણ જ વર્ષના ગાળામાં, ૧૯૬૯ની સાલમાં, એમણે કૉન્ગ્રેસના ઊભા ફાડચા કરીને પોતાના વિરોધીઓને હાંસિયામાં ધકેલી દીધાં. છેક ૧૮૮પમાં સ્થપાયેલી કૉન્ગ્રેસમાં કોઈ ભાગલા પડાવશે અને ઓરિજિનલ કૉન્ગ્રેસનો ટીંબો બનાવીને પોતાની નવી કૉન્ગ્રેસ સ્થાપીને દેશમાં સર્વેસર્વા બની જશે એવી કલ્પના ન તો નેહરુએ કરી હશે, ન સરદારે, ન ગાંધીજીએ કે ન લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના કોઈએ.

નેહરુનું મનસ્વીપણું ઈન્દિરામાં ઊતરી આવ્યું જે એમના મોટા દીકરા સંજયને વારસામાં મળ્યું. ૧૯૭૯માં પ્રાઈવેટ પ્લેન ચલાવતા સંજય ગાંધીને અકસ્માત ન નડ્યો હોત તો દેશના રાજકારણમાં રાજીવ ગાંધીનો પ્રવેશ પણ થયો ન હોત. ઈન્દિરા પછી સંજય ગાંધી જ વડા પ્રધાન બનવાના હતા. સંજય ગાંધીએ ભારતને જે નુકસાન કર્યું હોત તેના કરતાં રાજીવ ગાંધીએ વધારે કર્યું કે ઓછું તે સંશોધનનો વિષય છે. રાજીવ ગાંધીના વિધવા સોનિયા ગાંધી અને આ દંપતીના પુત્ર રાહુલ ગાંધીએ દેશનું શું અને કેટલું નુકસાન કર્યું છે તે સંશોધનનો વિષય નથી, તેની દુનિયા આખીને ખબર છે.

રાજકારણમાં પરસ્પર વિરુદ્ધ વિચારસરણીવાળા લોકો રહેવાના જ. એટલે જ તો પોલિટિકલ પાર્ટીઓનું અસ્તિત્વ છે. પણ છેવટે તો દરેક રાજકીય પક્ષે પોતાના દેશ, પોતાના દેશની પ્રજા માટે કામ કરવાનું હોય છે. કૉન્ગ્રેસે આઝાદી મળી તે પહેલાંથી આ દેશના ભાગલા પાડવાનું, આ દેશની પ્રજા વચ્ચે ભાગલા પાડવાનું, કામ કર્યું છે અને અત્યારે પણ કૉન્ગ્રેસ એ જ કામ કરી રહી છે. ભવિષ્યમાં પણ એ જ કરશે.

ચાચા નેહરુએ સ્વપ્નસેવી તરીકેની પોતાની ફેક ઈમેજ ક્રિયેટ કરવાને બદલે આ દેશના ભરપૂર રિસોર્સીઝનો, દેશની મહેનતુ પ્રજાનો અને દેશના ભવ્ય ભૂતકાળ તથા દેશની જગતશ્રેષ્ઠ પરંપરાનો યોગ્ય ઉપયોગ કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો આજે આપણને પણ બાળદિન ઉજવવાની મઝા આવતી હોત. આપણે સૌ આજની ઉજવણીના ભાગરૂપે યોજાતી ફેન્સી ડ્રેસ હરીફાઈમાં મગનલાલ ડ્રેસવાલામાંથી સફેદ અચકન, નેહરુ જેકેટ અને લાલ ગુલાબ લઈને ત્રાંસી ગાંધી ટોપી પહેરીને ફેન્સી ડ્રેસની હરીફાઈમાં ભાગ લેતા હોત.

આજનો વિચાર

ભગવાન કરે, કૉન્ગ્રેસને મત આપનાર દરેકના ઘરે રાહુલ જેવો જ એક બાબો અવતરે.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

શિક્ષક: વિકાસનો વિરોધી શબ્દ બોલો જોઉં!

બકો: સાહેબ, કૉન્ગ્રેસ.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. કોઈ વિશેષ કારણથી ગાંધીજીને નેહરુ પ્રતિ વધુ લાગણી કે ખેંચાણ કે નેહરુ દ્વારા દબાણ હતું એના લીધે સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી સુભાષ ચંદ્ર બોઝ ને ભારોભાર અન્યાય થયો છે. નેહરુ અને એના સંતાનો / વંશજો સનાતન ધર્મ સંસ્કૃતિ, પરંપરા, સંસ્કાર પ્રત્યે અપાર તિરસ્કાર, દ્વેષ અને કુટિલતા ધરાવે છે. એમના લીધેજ ભ્રષ્ટાચારના દુષ પરિણામ, પરિવાર પક્ષો ની હારમાળા રચાય છે જેથી આપને ૭૬ વર્ષ થી ભોગવ્યે છે. બીજેપી માં પણ ખામીઓ છે પરંતુ શ્રી મોદીજી દ્રારા પ્રારંભ કરવા માં આવેલ યજ્ઞ ને પ્રજ્વલિત રાખવા નું આપણું પણ ઉત્તરદાયિત્વ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here