ટુકટુકિયો, દરજીડો અને દશરથિયું: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શુક્રવાર, 15 મે 2020)

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફોટોગ્રાફર એલ. એમ. પોમલને આસાનીથી જોવા મળતાં દૃષ્યોની તસવીરો ખેંચવાને બદલે કષ્ટ વેઠીને દુર્લભ ફોટા પાડવાનો શોખ. સુરખાબની તસવીરોએ એમને દુનિયામાં ખૂબ નામના અપાવી. ચાર ચાર દિવસ સુધી છાતી સમા કીચડમાં પ્રવાસ કરી, ધીરજ ધરીને બેસો ત્યારે સુરખાબનાં દર્શન થાય. એક તસવીરમાં બાળસુરખાબો માથું નીચું નાખીને ચાલતાં દેખાય છે. આગળનું મોટું સુરખાબ એમની નેતાગીરી કરે છે. વસાહતનાં બચ્ચાંઓને ખોરાક શોધવાની તાલીમ માટે એ કવાયત કરાવે છે. વચ્ચે બીજું એક સુરખાબ નીચેથી ખોરાક શોધવાને બદલે ચારે તરફ ડોક ફેરવી રહ્યું છે. એ આ ટોળાનો ચોકીદાર છે. સહેજ જોખમી હિલચાલ જણાય કે તરત જ એના ગળામાંથી ચેતવણી નીકળે.

શહેરી ગુજરાતીઓ માટે પક્ષીઓની દુનિયા કાગડા, કબૂતર અને ચકલીથી બહુ દૂર જતી નથી. આંખ-કાન ખુલ્લાં રાખીને શહેરમાં ફરીએ તો અનેક પક્ષી જોવા મળે. શહેર છોડીને બહાર ગયા પછી એક આખું નવું વિશ્વ ખુલી જાય. આજે પણ રોજ સવારે ઘણા ભરચક શહેરી વસ્તીવાળા વિસ્તારોમાં તમને પોપટનું લીલું ટોળું ઊડાઊડ કરતું જોવા મળે.

રાજકોટના સર્કિટ હાઉસમાં અને કચ્છ-માંડવીના રાજમહેલમાં તમને છૂટથી હરતાફરતા મોર જોવા મળે. ભૂજની એકાંત બપોરોમાં દૂરદૂરથી વારાફરતી સંભળાતા કોયલોના ટહુકા તમને કંપની આપવા આવી પહોંચે. અમદાવાદ હતો ત્યારે અમારા ઘરની ટેરેસ પર આવતા મોર હથેળીમાં રાખેલા મકાઈના દાણા નિર્ભિક બનીને ખાતા. ઢેલ એક વખત ડ્રોઇંગ રૂમની બાલકનીની બહારના ફ્લાવર બેડમાં ઇંડાં મૂકીને સેવતી હતી એ જોઈને મારી મા ગભરાઈ ગઈ હતી. અપશુકન ગણાય. અમને તો મઝા પડી ગઈ. બચ્ચાં જન્મ્યાંના થોડા દિવસ પછી એમાંનું એક સતપત કરતું બીજા માળથી નીચે પડી ગયું. તરત ઊતરીને પાછું લઈ આવ્યા. એકદમ હેમખેમ હતું. પછી સાચવીને એક મોટા બૉક્સમાં સૂકું ઘાસ વગેરે પાથરી એમના માટે ત્યાં જ ઘર જેવું બનાવી દીધું જેથી કોઈ પડી ન જાય. એમનાં માબાપ દિવસમાં બેચારવાર આવીને એમના માટે લંચડિનરની વ્યવસ્થા કરતા હતા. થોડા દિવસમાં જ સૌને પાંખો ફૂટી. વારાફરતી બધાં ઊડી ગયાં. પપ્પા-મમ્મી પણ તહેવારો પૂરા થયા એટલે જતાં રહ્યાં. અપશુકનવાળી વાત ભૂલાઈ જવા આવી હતી પણ એ જ અરસામાં મારા માથે વીજળી ત્રાટકી. જિંદગીનો સૌથી કપરો સમય શરૂ થયો. પણ એમાં બિચારાં મોર-ઢેલ કે એમનાં બચ્ચાંઓનો શું વાંક? પણ માણસોને ટેવ હોય છે — પોતાની નિષ્ફળતા માટે બીજાનો વાંક કાઢતાં રહેવાની, છેવટે કોઈ ન મળે તો કાળી બિલાડી કે મોરનાં ઇંડાંનો વાંક કાઢીએ.

જુલાઈ ૨૦૦૯માં અમદાવાદનિવાસ દરમ્યાન લીધેલી આ તસવીર તે વખતના મારા બ્લોગ પર શેર કરી હતી જેનો આ સ્ક્રીન શૉટ છે. ફોટોલાઈન ખાસ વાંચજો.

આજકાલ મુંબઈ જેવા શહેરમાં અમારા ઘરમાંથી કંસારો જોવા મળે છે. લહાવો કહેવાય. ઘરની બારી બહાર દેખાતા ઝાડ પર કૉપરસ્મિથ બાર્બેટ નામે તો ક્યારેક ટુકટુકિયોના નામે ઓળખાતા આ નાનકડા પંખીનો વિડિયો બનાવ્યો છે. પણ રેકૉર્ડિંગ કરતી વખતે એ માત્ર કેમેરાને પોઝ આપતો હતો, બોલતો નહોતો. બાકી એનો અવાજ ભારે દમદાર. દેવ આનંદની વૉરન્ટ ફિલ્મમાં રૂક જાનાવાળા ગીતમાં રસ્તા પર ચાલતા સ્ટીમ રોલરના રૂક-રૂક રૂક-રૂક જેવા યાંત્રિક અવાજની યાદ અપાવતો આ ટુકટુકિયો ઑલરેડી શાંત થઈ ચૂકેલા શહેરના વાતાવરણને વધુ ભેંકાર બનાવે. લૉકડાઉનના સન્નાટામાં આ યંત્રવત્ અવાજ તમને નાનકડા ગામમાં પહોંચાડી દે. ક્યારેક બે ટુકટુકિયાની જુગલબંધી ચાલે. એ મેટિંગ કૉલ હશે કે પોતાની ટેરીટરી એસ્ટાબ્લિશ કરવાની ઘોષણા — પક્ષીવિદ્ જ કહી શકે, આપણે તો શહેરમાં ઘેરબેઠાં વતનના ગામમાં પહોંચી ગયાનો અનુભવ માણવાનો. (અવાજ સાંભળવો હોય તો વિકિપીડિયા લિન્ક પર જઈને સાંભળી લેજો અને ઘરનો વિડિયો જોવો હોય તો આ સાથે છે)

સલીમ અલી, ધર્મકુમાર સિંહ, ખુશવંત સિંહ, વિજયગુપ્ત મૌર્ય આદિ પક્ષીશાસ્ત્રીઓએ આ વિષયને વધુ લોકો સુધી પહોંચાડ્યો. આ સૌએ પોતપોતાના જ્ઞાનની પરબ માંડતાં પુસ્તકો લખ્યાં. ‘કુમાર’માં ‘વનેચર’ના ઉપનામે હરિનારાયણ આચાર્ય પશુ-પક્ષીઓ વિશે લેખમાળા લખતા. છોટુભાઈ સુથાર આકાશદર્શન ઉપરાંત આ વિષયના પણ નિષ્ણાત હતા.

દૈયડ, શ્યામા, બુલબુલ, લેલાં, હરેવા, કાળિયોકોશી, દરજીડો, ભીમરાજ, ફૂલચકલી, સક્કરખોરો, બિલબટેરથી માંડીને સારસ, બપૈયો, લક્કડખોદ, સુગરી, બતક, દશરથિયું, ઘુવડ, ગીધ, સમડી, ગરુડ અને કાબર સુધીની સૃષ્ટિને પુસ્તકોમાંથી બહાર જઈને કુદરતી માહોલમાં જઈને ઓળખવાની હોય. દરેક પક્ષીને પોતાની એક આગવી ભાષા છે. આ ભાષામાં સ્વર હોય, શબ્દ નહીં. પાંખ અને માથાનું હલનચલન પણ એમની ભાષાનો એક ભાગ છે. આ ભાષાનો ઉપયોગ પક્ષી પોતાનાં જાતભાઈઓ/બહેનો સાથે વાતચીત કરવા માટે કરે છે. આનંદ, ભય, ચેતવણી, બીક, આમંત્રણ ઈત્યાદિ મનોભાવો તેઓ એકબીજાની પાસે વ્યક્ત કરે છે.

નાનકડા પક્ષીને ઓળખવા માટે તમે એના શરીરનાં વિવિધ અંગોનું નિરીક્ષણ કરી શકો. માત્ર અવાજો, ઉડ્ડયન કે ખોરાક પરથી પક્ષીને પારખી જવાની કળા આ ક્ષેત્રમાં આગળ વધ્યા પછી હસ્તગત થાય આપણે તો હજુ આ વિષયમાં છબછબિયાં કરવાની મજા લઈ રહ્યા છીએ. પક્ષીની ચાંચ, એનું કપાળ, એની ડોક, પાંખ, એનું પેટ, એના પગ, એની પૂંછડી, એનાં પીછાં વગેરે કુલ પાંત્રીસ વિભાગોમાં પક્ષીનું આખું શરીર વહેંચીને એ દરેક અંગનું બારીકાઈથી નિરીક્ષણ કરી પક્ષીની જાત, એની ન્યાત અને પેટાન્યાત નક્કી થાય. દરેક વર્ગના પંખીની ટેવ જુદી જુદી હોય. ઘુવડ શરમાળ હોય છે પણ એના અવાજથી અજાણ્યો માણસ ધ્રૂજી ઊઠે છે. સામાન્ય ચકલીથી એક ઇંચ મોટો કલકલિયો મચ્છીમાર છે. નદી, તળાવ, ખાબોચિયાં કે ખાડીમાં કોઈ નાની માછલી જુએ કે તરત એ પાણીમાં ઝુકાવે અને બહાર નીકળે ત્યારે એની ચાંચમાં આડી પકડેલી એક માછલી તડફડતી હોય. પછી કલકલિયો એને કઠણ જમીન કે પથ્થર પર જઈ, ચાંચથી પકડી રાખી આમથી તેમ વીંઝે અને માછલી શાંત થાય કે તરત એને ગળી જાય.

પહાડી મેના સૌથી સુંદર બોલતું પંખી છે. માણસના અવાજની હૂબહૂ નકલ કરવામાં એ પાવરધું છે. ચાતકને સૌરાષ્ટ્રમાં મોતીડો કહે છે. ચાતક માત્ર વરસાદનું ઝીલેલું પાણી જ પીએ અને વરસાદ ન હોય ત્યારે એ સાવ તરસ્યું રહે એવી કવિ કલ્પના લોકવાયકામાં પલટાઈ ગઈ છે. હકીકત એ છે કે ચાતક બધાં પંખીની જેમ પાણી પીતું હોય છે પણ એનો ખોરાક એવો છે કે એને ઝાઝા પાણીની જરૂર નથી પડતી.

વિજયગુપ્ત મૌર્યે પક્ષી નિરીક્ષણના નવા નિશાળિયાઓ માટે સલાહ આપી છે કે પક્ષીઓને જોવા અને ઓળખવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવાર છે. માણસોની અવરજવર ન હોય એવું સ્થળ પસંદ કરીને બહુ ફર્યા કરવાને બદલે એક જ જગ્યાએ ધીરજથી બેસી રહેવું. ક્યા પક્ષીને ક્યાં જોવાની અપેક્ષા રાખવી તેની જાણકારી પહેલેથી જ મેળવી લેવી સારી. પક્ષી ઝાડનું છે કે ધરતીનું, જંગલનું છે કે વેરાનનું, આકાશમાં વિહરનારું છે કે મુખ્યત્વે જમીન પર રહેનારું છે, પાણીકાંઠાનું છે કે પાણી પર તરનારું, પ્રવાસી છે કે સ્થાનિક – એ બધું જાણી લીધા પછી તેને ક્યાં જોવાની અપેક્ષા રાખવી તે નક્કી થઈ શકે.

કૌતુક પ્રેરે એવાં રૂપાળાં દેખાતાં પંખીઓનું જ માત્ર નિરીક્ષણ કરવાનું ન હોય. કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણે ઘર આંગણના કાગડાનાં ડઝનબંધ રેખાચિત્રો દોર્યાં છે જેમાં કાગડાના વિવિધ મૂડ, એની વિવિધ મુદ્રાઓ અને છટાઓ જોઈને તમે છક થઈ જાઓ. વિજયગુપ્ત મૌર્યે પણ નોંધ્યું છે કે કાગડાની ખાસિયતો વિશે એક આખું અલગ પુસ્તક લખી શકાય. કાગડાને તમે અન્ય કેટલાંક પંખીઓની જેમ પ્રજનન ક્રિયા કરતો ક્યારેય નહીં જોયો હોય. કાગડો આ બાબતમાં સંયમી અને સંસ્કારી છે. થોડોક સંકોચશીલ પણ ખરો. મોટે ભાગે એ પોતાના માળામાં જઈને કાગડી સાથે સંવનન કરતો હોય છે.

કોયલ પોતાના ઈંડાં કાગડાના માળામાં મૂકી આવે અને એને સેવવાનું કામ કાગડી પાસે કરાવી લે એ માત્ર દંતકથા નથી. ખુશવંત સિંહે નોંધ્યું છે કે કોયલના ટહુકા એકસરખા નથી હોતા. પરોઢે પૂર્વનું આકાશ ભૂખરું થવા આવે કે નર કોયલ એકસરખું ઉરૂક, ઉરૂક, ઉરૂક બોલ્યા કરે. અડધો ડઝન વખત આ જ સ્વરનું પુનરાવર્તન કરીને નર કોયલ અન્ય કોયલો સમક્ષ પોતાની સત્તા હેઠળના આકાશની સીમા લખાવી દે છે. બીજાઓ માટે આટલા વિસ્તારમાં પ્રવેશબંધી છે. પછી આખો દિવસ એનું એકધારું કૂઉ…કૂઉ…ચાલે. સંવનન માટે કિક-કિક, કિક-કિક કહીને એ માદા કોયલને આમંત્રણ આપે. માદા કોયલ ગર્ભવતી થઈ જાય અને ઈંડાં મૂકવાનો વખત નજીક આવે ત્યારે નર કોયલ એને કાગડાના માળા સુધી દોરી જાય. માદા કોયલ ઝડપભેર કાગડાના માળામાં બેસીને ઈંડાં પાડે ત્યારે કાગડીનાં ઈંડાં ઑલરેડી ત્યાં જ હોય. માદા કોયલ તરત જ ઊડી જાય અને પોતાનું કામ સફળ રીતે પાર પડ્યું છે તે નર કોયલને જણાવવા અવાજ કરેઃ ક્યુઇલ, ક્યુઇલ, ક્યુઇલ…

કોયલે આ બદમાશી કરતાં પહેલાં કાગડાનો એવો માળો શોધવો પડે જ્યાં ઈંડાં હોય અને એ ઈંડાં સાવ તાજાં ન હોય, કારણ કે કાગડાનાં ઈંડાં સેવાતાં પંદર દિવસ લાગે જ્યારે કોયલનાં ઈંડાં થોડાં વહેલાં સેવાઈ જાય. કોયલનાં બચ્ચાં જન્મે ત્યારે એ પણ પોતાના માબાપ જેવાં લુચ્ચાં–જબરાં હોય. તેઓ પાલકપિતા કાગડા જેવો જ અવાજ ગળામાંથી કાઢે જેથી કાગડો એને પોતે શોધી લાવેલો ખોરાક ખવડાવે. કાગડાનાં બચ્ચાં પર બળજબરી કરીને એનો ખોરાક ઝૂંટવી લેવામાં પણ કોયલનાં બચ્ચાં ઉસ્તાદ હોય. કોયલનાં બચ્ચાંનો અવાજ ઊઘડે ત્યાં સુધીમાં એની પાંખો તૈયાર થઈ ગઈ હોય અને કાગડાને હજુ ખબર પડે કે પોતાની સાથે કેવી છેતરપિંડી થઈ છે એ પહેલાં તો કોયલનું બચ્ચું માળામાંથી ઊડી પોતાનો નવો સંસાર શરૂ કરી દે. કુદરતની આ ઘટમાળ અખંડપણે ચાલતી રહે. માણસો પાસેથી કોયલો કંઈ નહીંને આ જ શીખી.

8 COMMENTS

  1. ખુબજ સુંદર, માહિતીપ્રદ અને રસપ્રદ લેખ, પક્ષીઓના વિડીયો પણ બહુ ગમ્યા. દિલ્હી માં વર્ષો પહેલા અમારા ઘરે મોર સહ પરિવાર આવતા, તે હમણાં કોરના લોકડાઉન ના કારણે ફરીથી આવતા થયા….હજુ આવા વધુ લેખ ની વાટ જોઈશું ..!!???

  2. Saurabh Bhai, World of Birds are worth visiting. You have made my (Lockdown)Day memorable. Vijay Gupta Mourya’s book is available in Kindels.

  3. Birds vishay no tamaro article vanchyo khub gamyo. Jane jungle ma farta hoi avu phil thayu.

  4. Namskar Saurabhbhai.
    I was not thought about article on Birds by you. I enjoyed. At present I am reading “Pankhiyejyu Piroliyu” by Kavi Tej. It’s about Birds seen in the Kutchh region by Author. Having information of more than 300 birds with few tag line and description. The book is written in Gujrati font but Kutchhi language. Great efforts done by the Author. In both way to incourage Kutchhi language and make people Bird lover.

    Sir, I take advantage of your platform and request readers, if anyone having book of Vijay Gupta Maurya, please share with me.

    Dhanyvad.

  5. Maja aavi gai…c p tank (south mumbai) ma betha betha…guj na mara nanakda gaam ni yaad aavi gai…wah….aavi rite j lakhta raho….saurabhbhai….?

  6. I am Jagat Kinkhabwala, working on “Save the Sparrows” since 2008. Authored three books which I wish to share with Saurabhbhai.
    I have distributed 1.25 lakh Nests free of cost.
    My work is lauded by Honourable Prime Minister Shri Narendra Modiji in “Mann ki Baat” and a personal letter to me.
    Ahmedabad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here